કાજલ ઓઝા વૈદ્ય…

ગુજરાતી લિટરેચરનું બ્રાન્ડ નેમ. .. યુવાનો અને સ્ત્રીઓ માટે ઇન્સ્પિરેશન.

ગુજરાતી પત્રકારત્વમાં જેમનું નામ ખૂબ આદરથી લેવાય છે એવા દિગંત ઓઝાની પુત્રી કાજલને વિચારોની સ્પષ્ટતા અને પ્રમાણિક્તા વારસામાં મળ્યા છે. દિગંત ઓઝા પોતાના સમયના પહેલા પ્રોફેશનલ એડિટર્સમાં ગણાય છે. એમની વિચારશીલ અને તીખી કલમ અડધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતી પત્રકારત્વને ઉત્તમ રાજકીય લેખો અને માહિતીસભર કોલમ્સ આપતી રહી છે.

તદન આગવી, મોડર્ન અને બોલ્ડ ઇમેજ ધરાવતી કાજલની વેશભૂષામાં સાડી એની બ્રાન્ડ બની ગઈ છે. ટીનએજ યુવતીઓ અને સ્ત્રીઓ માટે કાજલ એક ફેશન આઇકોન છે. સ્ત્રીઓ અને યુવાનોનો બહોળો પ્રશંસક વર્ગ ધરાવતી કાજલના વાચકોમાં પુરુષોની સંખ્યા પણ બહુ વિશાળ અને નોંધનીય છે. કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતી ભાષાની નવી પેઢીના લેખકોમાં એક અલગ ફીનોમીના ઉભો કરી શક્યાં છે.

કાજલનું લેખન પ્રામાણિક અને સ્પષ્ટ છે. એના સમકાલીન લેખકોએ બહુ ટૂંકા ગાળામાં કાજલની કલમ અને લોકપ્રિયતાને વિસ્તરતી જોઈ છે અને આવકારી છે. ૨૦૦૫માં ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સંબંધ. .. તો આકાશ’ કાજલનું પહેલું પ્રકાશિત પુસ્તક, એ પછી કવિતા સંગ્રહ ‘શેષયાત્રા’ . ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી નવલકથા ‘યોગ વિયોગ’ પહેલી જ નવલકથાથી લોકપ્રિય થઈ. દોઢ દાયકા કરતાં ઓછા સમયમાં ૮૬ થી વધુ પુસ્તકો આપીને કાજલે ગુજરાતી સાહિત્યમાં નિબંધો , પત્રસાહિત્ય , નવલકથાઓ , ટૂંકીવાર્તાઓ , નાટકો અને કવિતાઓ સહિત ફિલ્મની સ્ક્રીપ્ટ અને ટેલિવિઝન સિરિયલ જેવા વિવિધ વિષયોમાં પ્રદાન કર્યું છે. ગુજરાતીના કોઈ લેખકે ભાગ્યે જ જોઈ હોય એટલી આવૃત્તિઓ કાજલના પુસ્તકોએ જોઈ છે. કાજલના પુસ્તકો અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, ઉડિયા અને કન્નડમાં ટ્રાન્સલેટ થયા છે.

સમાજમાંથી જ મળી આવતા, પરંતુ આગવા લાગતા પાત્રો, પારદર્શક અભિવ્યક્તિ અને ક્રાંતિકારી વિચારોને કારણે કાજલ પાસે વિશાળ વાચક વર્ગ છે. એમાં તમામ ઉંમરના વાચકોનો સમાવેશ થાય છે. સમાજના નિશ્ચિત નિયમોને વળોટીને, વિવેચક કે વાચકના જજમેન્ટ પર આધારિત રહ્યા વગર કાજલ વિશુદ્ધ સંવેદનાઓને આલેખતી રહી છે. જિંદગીના અનુભવ અને એમાંથી મળેલા સાદા જ્ઞાનને કાજલે પોતાના વાચકો સાથે વર્હેંચ્યું છે, વહેંચતી રહી છે. કાજલની ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધી વિસ્તરે છે.

કાજલ ક્યારેય કોઈ ‘ક્રાંતિકારી મહિલા’ કે ‘ફેમિનિસ્ટ’નું લેબલ સ્વીકારતી નથી, પરંતુ સમાજના જડ અને સડી ગયેલા નિયમોને, કેટલીક માન્યતાઓને બદલવા માટે સતત અને સંનિષ્ઠ પ્રયાસ કરતી રહી છે. સત્ય અને સ્પષ્ટતાથી લખાયેલા કાજલના લેખોમાં સમાજ માટે આઇનો છે અને સ્વયં પ્રત્યેની ઇમાનદારી છે.

પાંચ અખબારોમાં પ્રસિદ્ધ થતી કાજલની વિવિધ કોલમ્સ દર અઠવાડિયે વાચકો માટે પ્રેરણા અને નવા વિચારો લઈને આવે છે. મુંબઈ સમાચારમાં ગુરુવારે કથા કોલાજ , દિવ્ય ભાસ્કરમાં મંગળવારે એકબીજાને ગમતા રહીએ અને રવિવારે માય સ્પેસ, જન્મભુમિ, કચ્છમિત્ર, ફુલછાબમાં રવિવારે વામા નામની એમની કોલમ્સ ના ચાહકોનો વર્ગ બહોળો છે.

નાટક, સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં પણ કાજલનું, પ્રદાન નોંધપાત્ર છે. કાજલે લખેલી અનેક ટેલિવિઝન સિરિયલ્સ અને નાટકોને અનેક એવોર્ડ મળ્યા છે. ગુજરાતી દૂરદર્શન પર કાજલ ઔઝા વૈદ્ય લિખિત’એક ડાળના પંખી’ ટેલિવિઝન સિરિયલના ૧૭૦૦ એપિસોડ થયા છે. જે ગુજરાતી સિરિયલનો રેકોર્ડ છે. એમની લખેલી સિરિયલો, ‘મોટી બા’ અને ‘છુટાછેડા’ ગુજરાતી ટેલિવિઝન પર સુપરહિટ પુરવાર થઈ છે. ગુજરાત યુનિવસિટીમાં માસ્ટર ઓફ ડેવલપમેન્ટલ કમ્યુનિકેશનના ડિપાર્ટમેન્ટમાં કાજલ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ક્રિએટિવ રાઈટિંગ ભણાવે છે.

કોમ્યુનિકેશનનું ભાગ્યે જ કોઈ એવું માધ્યમ હશે જેમાં કાજલ ઓઝા વૈદ્યએ કામ ન કર્યું હોય ! અમદાવાદના ૯૪.૩ માય એફ. એમ. ઉપર કાજલ ઓઝા વૈદ્યનો રેડિયો શો ‘કાજલ એટ નાઈન’ ખૂબ જ લોકપ્રિય હતો.

કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગરના સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારોને કારણે કાજલના વક્તવ્યો લોકપ્રિય છે. સાદી ભાષા છતાં હૃદયમાં ઉતરી જાય એવી સીધી વાત કાજલના વક્તવ્યોની ખાસિયત છે. પુરાણો, મહાકાવ્યો, ઇતિહાસથી શરૂ કરીને માનવીય સંબંધો , બાળઉછેર, શિક્ષણ કે આજના મહત્ત્વના સામાજિક અને રાષ્ટ્રીય મુદાઓ સહિત સાહિત્યના વિષયો ઉપર કાજલના વક્તવ્યો દેશમાં અને વિદેશમાં યોજાતા રહે છે. ‘માણસ’, ‘મન’ અને ‘જીવન’ કાજલના વક્તવ્યોનું હાર્દ રહ્યું છે. કાજલના વક્તવ્યો પછીની પ્રશ્નોત્તરી એના શ્રોતાઓ માટે સ્વયં સાથેનો સંવાદ શરૂ કરવાની એક નવી જ દિશા ઉઘાડી આપે છે.