અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસની ઉજવણીમાં એમના પારિવારિક મતભેદો બહાર
આવ્યા છે. પેરિસના ફેશન વૉક દરમિયાન દોહિત્રી નવ્યા નવેલીના ફોટા શેર કરીને જયાજીએ એ જ
ફેશન વૉકમાં જેણે ભાગ લીધો હતો એવી પુત્રવધૂના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ન મૂક્યા, તો સામે પુત્રવધૂ
ઐશ્વર્યા બચ્ચને આખા પરિવારના ફોટામાંથી માત્ર બચ્ચન સાહેબ અને પૌત્રી આરાધ્યાનો ફોટો ક્રોપ
કરીને ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો… જે માણસ આજે ભારતના લિવીંગ લેજેન્ડ, મહાનાયક કહેવાય છે એમના
ઘરમાં શું અભાવ હશે? કોઈ ખૂલીને વાત નથી કરતું, પરંતુ દીકરી શ્વેતા હવે પોતાના સંતાનો સાથે
મુંબઈમાં જ રહે છે. એના પતિ નિખીલ નંદાની ગેરહાજરી પારિવારિક પ્રસંગોએ જણાઈ આવે છે. બીજી
તરફ, જયાજીની કડવાશ અને મીડિયા સાથે વારંવાર ઝઘડી પડવાની એમનો સ્વભાવ, બચ્ચન સાહેબની
નમ્રતા અને સૌજન્યથી તદ્દન વિરુધ્ધ છે. સાસુ-વહુ વચ્ચે નથી બનતું, એવી ખબર મીડિયામાં વારંવાર
પ્રકાશિત થયા કરે છે, પરંતુ આ વખતે તો યુધ્ધનું એલાન કદાચ ખૂલીને સામે આવ્યું છે…
કોઈના જીવનની અંગત ચર્ચા કરવાનો ઉદ્દેશ્ય નથી, પરંતુ સવાલ એ છે કે, બહારથી પરફેક્ટ
લાગતી એક સુખી-સંપૂર્ણ જિંદગીની ભીતર નજર નાખીએ ત્યારે સમજાય કે, જેને જગત ઈર્ષાથી જુએ
છે એના ઘરના કેટલાક ઓરડાઓમાં પણ અંધકાર છે જ! આપણે છેલ્લા થોડા વખતમાં ‘સુખ’ની
વ્યાખ્યા બદલી નાખી છે. જેની પાસે જેટલી વધુ સગવડ અને સંપત્તિ એટલા, એ લોકો સુખી છે એવું
હવે સૌ માનવા લાગ્યા છે. ફિલ્મસ્ટાર્સથી શરૂ કરીને ક્રિકેટર્સ અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટના ઘરો હવે યુટ્યુબ પર
જોવા મળે છે. ‘એન્ટાલિયા’ અને અન્ય અમીર લોકોના ઘરો જોઈને લગભગ બધા જ એવું માનતા થઈ
ગયા છે કે, જિંદગી આવી જ હોવી જોઈએ! એક બીજી મહત્વની વાત જે લોકોની માનસિકતામાં
બદલાઈ છે એ ઓટીટી પર દેખાડવામાં આવતા હિંસા અને સેક્સના કોન્ટેન્ટને કારણે બદલાઈ છે. ગુંડા,
આતંકવાદી અને ‘ભાઈ’ લોકોની જિંદગીમાં જે દાદાગીરી અને સ્વતંત્રતા છે એનાથી હવે યુવા પેઢી
આકર્ષાવા લાગી છે. શરાબ, સિગરેટ, ડ્રગ્સ, ઉઘાડે છોગ નગ્નતાની સાથે સાથે હવે એલજીબીટી પણ
‘સુખ’ની વ્યાખ્યામાં સમાઈ ગયું છે. ભ્રષ્ટ રાજકારણી કે પોલીસનું જીવન ‘સુખી’ છે એવું માનનારા-
ધારનારા લોકોની સંખ્યા દિવસો દિવસ વધે છે ત્યારે આપણે બધાએ આ વ્યાખ્યા અને એની સાથે
જોડાયેલી સમજણને ફરી તપાસવાની જરૂર છે.
આપણે એમની જિંદગી જીવતા નથી, એટલે આપણને એમની જિંદગીમાં રહેલા અભાવ, અસુખ
કે અજંપાની કલ્પના પણ નથી! આપણને બહારથી દેખાય છે, પરંતુ લગભગ દરેક પરિવારમાં પ્રવેશીએ
ત્યારે સમજાય કે, અંદરોઅંદર સંપત્તિ અને સત્તાના કેટલા ઝઘડા છે. અંબાણી પરિવારનો ઝઘડો જ્યારે
પહેલીવાર બહાર આવ્યો ત્યારે અનેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયેલા. ઈન્દિરા ગાંધી અને મેનકા
ગાંધીનાં ઝઘડાએ કોંગ્રેસમાં તિરાડ ઊભી કરેલી. નીતુ સિંઘે રિશી કપૂર વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરેલી
અને સૌથી સુખી અને એકબીજા માટે જ બન્યા હોય એવાં યુગલો અજય દેવગણ અને કાજોલ, શાહરૂખ
અને ગૌરીના ઝઘડા પણ મીડિયામાં દબાવી દેવામાં આવ્યા છે, પરંતુ અંદરના વર્તુળો જાણે છે કે, કંગના
રણૌતે અજય દેવગણના ઘર સામે ધમાચકડી મચાવી હતી અને પ્રિયંકા ચોપરા સાથેની નિકટતાને કારણે
ગૌરી ઘર છોડવા તૈયાર થઈ ગઈ હતી, એ પછી જ સેરોગસીથી અબ્રાહમનો જન્મ થયો… જોકે, એ વિશે
પણ અનેક અફવાઓ પ્રવર્તે છે! અઝરૂદ્દીન છૂટાછેડા લઈને સંગીતા બિજલાની સાથે પરણ્યો અને એ
પછી એ બંને પણ છુટા પડી ગયા…
સવાલ દામ્પત્ય જીવનની તિરાડનો નથી, સવાલ એ છે કે આપણને જે લગ્નજીવન, સંબંધ કે
જીવનશૈલી પરિકથા જેવી લાગતી હોય છે એ ખરેખર હોતી નથી. કેટલીકવાર તો આ પરિકથાઓ ફક્ત
પ્રચાર માટે મીડિયાને એની કિંમત ચૂકવીને ઊભી કરવામાં આવે છે. એક આદર્શ લગ્નજીવન કે પરિવારની
ઈમેજ ફિલ્મી દુનિયામાં કે જાહેરજીવનમાં બહુ મહત્વની હોય છે કે, કારણ કે ભારતીય જનસમાજ આજે
પણ એવું માને છે કે, એક વ્યક્તિએ પોતાના અંગત જીવનમાં પરફેક્ટ હોવું જ પડે!
જે માણસે આ દેશને વિશ્વના નકશા ઉપર મહત્વનું સ્થાન અપાવ્યું કે, જેને કારણે ભારત આજે
જી-20 અને ઓલિમ્પિકનું યજમાન બની શકે એ સ્થિતિમાં પહોંચ્યું છે એવા આપણા પ્રધાનમંત્રીના
લગ્નજીવન ઉપર પણ વિપક્ષોએ આંગળી ચીંધવાનું બાકી નથી રાખ્યું, કારણ કે જેનું લગ્નજીવન આદર્શ
નથી એ વ્યક્તિ તરીકે ‘સંપૂર્ણ’ નથી એવી એક મૂર્ખામી ભરેલી માન્યતા આ દેશમાં ફેલાવવામાં આવી છે.
‘સુખ’ બહુ અંગત શબ્દ છે. કોઈ એક વ્યક્તિને એકલા ફરવાની મજા આવતી હોય ત્યારે દુનિયા કહે છે,
‘બિચારા સાથે કોઈ આવતું નથી એટલે એકલા ફરે છે.’ કોઈ સમગ્ર પરિવાર કે મિત્રો સાથે ફરતું હોય ત્યારે
લોકો કહે છે, ‘ટોળાંમાં ફરવાની શું મજા આવે? ફેમિલીને તો ટાઈમ જ ના મળે.’ મુખ્ય મુદ્દો એ છે કે,
સુખ પ્રદર્શિત કરવાની નહીં, અનુભવવાની બાબત છે. કોઈ એક વ્યક્તિનું સુખ બીજી વ્યક્તિ સાથે
સરખાવીને, આપણે એના કરતાં વધારે કે ઓછા સુખી છીએ એવી કોઈ ગણતરી ક્યાંય કામ લાગતી નથી.
જે દેખાય છે તે હંમેશાં સાચું નથી હોતું-એ વાત આપણે સૌએ સમજી લેવાની જરૂર છે, અને આ
માત્ર સેલિબ્રિટીઝના જીવન પૂરતું મર્યાદિત નથી. કેટલીકવાર સ્કૂલની બહેનપણીઓ પોતાના પતિ કેટલી
સ્વતંત્રતા આપે છે અને પોતાને કેટલી સત્તા છે એની કથા એકમેકને કહેતી હોય છે, કેટલીકવાર પુરુષો
પોતાના ઈન્વેસ્ટમેન્ટ અને સફળતાની કથા જાહેરમાં કહીને એક ઈમેજ ઊભી કરતા હોય છે… જે સ્ત્રી
‘હું તો કહી જ દઉ’ અથવા ‘હું તો જરાય ન ચલાવું’ કહેતી હોય, એ કદાચ ઘરમાં ડોમેસ્ટિક વાયોલેન્સનો
ભોગ બનતી હોય એવું પણ બને. જે પુરુષ પોતાની સત્તા, પહોંચ અને આવડતની મોટી મોટી વાતો
કરતો હોય એ ખરેખર દેવામાં હોય, નિષ્ફળ હોય એવું પણ બને.
અન્યની વાતો સાંભળીને કે અજાણ્યા સેલિબ્રિટીઝની જિંદગી અને સંબંધના દ્રશ્યો જોઈને,
એમના ઈન્ટરવ્યૂ સાંભળીને ઈર્ષા અનુભવવા કે અનુકરણ કરવાને બદલે ચાલો, આપણા અંગત સુખની
વ્યાખ્યા જાતે લખીએ. જે દેખાય છે એ બધું જ સત્ય નથી હોતું એ ‘સત્ય’ને સમજીએ અને સ્વીકારીએ
તો કદાચ, સાચા અર્થમાં સુખી થઈ શકીએ.