જ્યારથી મોબાઈલ અને સ્માર્ટ ફોન બજારમાં આવ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર સતત
પ્રવૃત્તિ ચાલતી રહી છે. લગભગ દરેક માણસને એવી ઈચ્છા છે કે, એ બજારમાં નીકળે ત્યારે લોકો એનો
ચહેરો ઓળખી જાય! દરેક પાસે પોતાના અભિપ્રાય છે અને એ અભિપ્રાય કે પોઈન્ટ ઓફ વ્યૂને ‘લોકો
સુધી પહોંચાડવા’ લગભગ દરેક માણસ તત્પર છે ત્યારે બીજી તરફ એવી ફરિયાદ ઊભી થાય છે કે, માણસ
એકલવાયો થતો જાય છે. નવી પેઢી સામાજિક રીતે વધુ ને વધુ કપાઈ ગઈ છે. કેટલાક બાળકો એમના
ફર્સ્ટ કઝીનને પણ વર્ષમાં એકાદવાર માંડ મળે છે. મોટાભાગના સામાજિક મેળાવડામાં 40થી ઉપરના
લોકો જ જોવા મળે છે. યુવા પેઢીને સામાજિક રીતે કનેક્ટેડ રાખવાનો માતા-પિતાનો પ્રયાસ મોટેભાગે
નિરાશામાં પરિણમે છે.
ડિવોર્સ વધતા જાય છે અને લગ્ન નહીં કરવાના, લિવ ઈનમાં રહેવાના ઈરાદા વધુ ને વધુ મજબૂત
થતા જાય છે. આવા સમયે 40થી ઉપરના કે 50ની નજીક પહોંચેલા લોકો જેને અપમાનજનર રીતે
‘આધેડ’ અને સન્માનનીય રીતે ‘પ્રૌઢ’ કહીએ એવા લોકોની ઈમોશનલ અને શારીરિક જરૂરિયાત વિશે
થોડા સજાગ થવાની જરૂર છે. આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી, એ પણ એટલું જ મહત્વનું છે.
અમુક ઉંમરે પહોંચેલી વર્કોહોલિક સ્ત્રી કે પુરુષ-ડિવોર્સ થયા હોય કે ભાઈ-બહેનોને ભણાવવામાં,
માતા-પિતાની સેવા કરવામાં, શરૂઆતમાં લગ્ન ડીલે કર્યા હોય અને પછી યોગ્ય પાત્ર ન મળ્યું હોય, એવા
લોકો આપણી આસપાસ વધતા જાય છે. એવા લોકોને કમ્પેનિયન શોધવાનો કે ઝંખવાનો અધિકાર નથી?
હવે અનેક ડેટિંગ એપ્સ ઉપલબ્ધ છે. આવા ડેટિંગ એપ્સ પર જ્યારે લોગઈન થઈએ ત્યારે 40-45 અને
50 વર્ષની ઉંમરના પ્રોફાઈલ પણ જોવા મળે છે. એક અભિપ્રાય એવો છે કે આવા લોકોએ ‘ડેટિંગ એપ્સ’
ઉપરથી હટી જવું જોઈએ! કેમ? ડેટિંગ કરવાનો, કમ્પેનિયન શોધવાનો, જીવન માણવાનો કે રોમેન્સનો
અધિકાર માત્ર યુવાનોને જ છે? એક તરફથી આપણે કહીએ છીએ કે, ‘માણસે ક્ષણે ક્ષણ જીવી લેવી
જોઈએ’ અથવા ‘જિંદગી ના મિલેગી દોબારા’ અથવા ‘જી લે જરા’ અથવા ‘ચાલ, જીવી લઈએ’… અને
બીજી તરફ, 50-55ની ઉંમરના સ્ત્રી કે પુરુષ ડેટિંગ એપ પર કોફી શોપમાં જોવા મળે ત્યારે કેટલાક લોકો
એ વિશે કોમેન્ટ્સ કરે છે.
કેટલાક ઘરોમાં જીવનસાથી ગુજરી ગયા હોય, ડિવોર્સ થઈ ગયા હોય અને સંતાનને સિંગલ પેરેન્ટ
તરીકે મોટું કર્યું હોય એ પછી 45-50ની ઉંમરે પહોંચેલી મા કે પિતા માટે જીવન પૂરું નથી થઈ જતું.
એની શારીરિક અને માનસિક જરૂરિયાતો સંતાનને ઉછેરતી વખતે એણે ડીપ ફ્રીઝમાં મૂકી દીધી હતી જે
ટીનએજ વટાવી ગયેલા સંતાનને પોતાની રીતે જીવતું જોઈને ડી ફ્રોસ્ટ થવા લાગે છે. આ ઈચ્છાઓ
ઉપરથી પીગળતો બરફ ઝંખનાઓનો કૂંપળ ઉગાડે છે. ઈચ્છાઓના ફૂલ ઝૂલવા લાગે છે ત્યારે એ ઉંમરના
લોકો જો ડેટિંગ એપ પર રજિસ્ટર કરે કે સોશિયલી કોઈને મળીને ડેટ કરે, બંને સિંગલ હોય અને કોઈ
રિઝોર્ટમાં કે હોલિડે પર જઈને પોતાને ગમે તેવો એકમેકની સાથે સમય વીતાવવાનો પ્રયાસ કરે તો
સમાજને એ ‘વ્યભિચાર’ કેમ લાગે છે?
યુવા પેઢી લિવ ઈનમાં રહે તો એ વિશે આ સમાજ કશું કરી શકતો નથી… વાતો થાય છે, ટીકા
થાય છે, અણગમો અભિવ્યક્ત થાય છે અને સંસ્કૃતિને બટ્ટો લાગે છે એ બધું સાચું, પરંતુ જો બદલાવ
આવી રહ્યો હોય તો એ બદલાવ માત્ર યુવા પેઢી માટે જ કેમ છે? છૂટાછેડાના વધી રહેલા કિસ્સાઓ,
યુવાવયે હાર્ટ એટેક કે રોગથી મૃત્યુ પામતા જીવનસાથી પછીની એકલતા માણસને અંદરથી કોરી ખાય છે.
બે લોકો જ્યારે કમ્પેનિયનશિપનો વિચાર કરે ત્યારે એમાં માત્ર શારીરિક જરૂરિયાત જ નહીં, માનસિક
મેચિંગ પણ એને જીવવાનું કારણ આપે છે. પોતાનાથી 25-30 વર્ષ નાના સંતાન સાથે એક માતા કે પિતા
કેટલી વાતો કરી શકે? પોતાની જ ઉંમરના મિત્રો એના પરિવારમાં વ્યસ્ત હોય, અને ખાસ કરીને જ્યારે
વ્યક્તિ સિંગલ હોય ત્યારે મિત્રની પત્ની કે પતિ માટે એ નાનકડી થ્રેટ પણ બની જતા હોય છે. પરિવાર
સાથે પ્રવાસ કરતા મિત્રને એવું પણ ન કહી શકાય કે, ‘મારે તમારી સાથે આવવું છે’. દરેક વ્યક્તિને એકલા
પ્રવાસ કરવાની અનુકૂળતા ન પણ હોય. યુવા પુત્ર કે પુત્રીના લગ્ન થઈ ગયા હોય અને એ પોતાના
પરિવારમાં વ્યસ્ત હોય ત્યારે પુત્રવધૂ કે જમાઈને સાસુ કે સસરા સાથે આવે એ ન પણ ગમે! માણસ
માત્રને પોતાના મનની વાત કહેવા માટે, સાથે હસવા માટે કે જિંદગીની નાની નાની મજા એન્જોય કરવા
માટે કોઈ એક અથવા વધુ વ્યક્તિઓની જરૂર હોય છે-જે મોટેભાગે એની પોતાની ઉંમરની હોય અને
એની પરિસ્થિતિ સમજી શકે તો એ સંબંધ વધુ ગાઢ બને છે. 40 કે 50 વર્ષની ઉંમરે જો એકલતાના વર્ષો
શરૂ થઈ જાય તો બાકીના બે-ત્રણ દાયકા કોઈએ શા માટે એકલા જીવવું જોઈએ? સૌને સુખી થવાનો
અધિકાર છે એમ આપણે કહેતા હોઈએ ત્યારે, કોઈ એક પ્રૌઢ વ્યક્તિ ડેટિંગ એપ પર કે સોશિયલ
સમારંભમાં પોતાના મન અને મગજ માટે કોઈ મિત્ર શોધે તો એ વિશે ટીકા શા માટે થવી જોઈએ?
હા, આવી શોધ કરવા નીકળનારે ડેટિંગ એપ પર પોતાની સાચી ઉંમર લખવી અને વર્તમાન ફોટો
મૂકવો જરૂરી છે! કોઈને છેતરીને ડેટ માટે બોલાવીને એનો સમય બરબાદ કરવાનો અન્ય વ્યક્તિને
અધિકાર નથી, પરંતુ ડેટિંગ એપ કે ડેટિંગની પ્રવૃત્તિ, લિવ ઈન કે ઈમોશનલ અટેચમેન્ટ, રિલેશનશિપ કે
ફ્રેન્ડશિપનો અધિકાર આજના સમયમાં માત્ર યુવા પેઢી પાસે નથી બલ્કે, ઉંમરના બાધ વગર આ અધિકાર
સૌને મળવો જોઈએ.