સુનંદા પુષ્કર: અદભુત જિંદગી, રહસ્યમય મૃત્યુ

અમે થિરુવંતપુરમથી દિલ્હી આવવા નીકળ્યા ત્યારે મેં બહાનું કાઢીને શશીનો ફોન માંગ્યો એણે મહેરનો નંબર “હરીશ”ના નામે
સેવ કર્યો હતો. જે જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું દિલ્હી એરપોર્ટ પર ઝગડવા લાગી. શશીએ કહ્યું કે આપણે ઘરે જઈને વાત
કરીશું, પણ હું સાંભળવા જ તૈયાર નહોતી. એરપોર્ટ ઉપર મેં શશી સાથે ઝગડો કર્યો અને એમને બધાના દેખતા તમાચો માર્યો,
પછી હું ફ્લાઈટ દરમિયાન એક પણ વાર એની સાથે બોલી નહીં.

નામ : સુનંદા પુષ્કર
સ્થળ : # 345, લીલા પેલેસ હોટેલ, ચાણક્યપુરી, દિલ્હી.
સમય : 2014
ઉંમર : 49

કેટલાક લોકોની જિંદગીમાં કશું જ અંગત રહેતું નથી. એમના સુખ, દુ:ખ, સમસ્યા કે સફળતા, સંબંધો કે એકલતા બધુ જ
મીડિયા માટે ‘સમાચાર’ બની રહે છે. મારી જિંદગી પણ ધીરે ધીરે દિલ્હી અને દેશના અખબારો માટે ‘મસાલો’ બનવા લાગી
હતી. એ ગાળામાં શશીએ મને કેરાલા જઈને ટ્રીટમેન્ટ કરાવવાનો વિચાર સૂચવ્યો. હું જવા માંગતી હતી પણ એકલી નહીં. શશી
થરૂરનું ઈલેક્શન કેમ્પેઈન અને બીજી જવાબદારીઓને કારણે એ મારી સાથે આવી શકે એમ નહોતા. લોકસભાના જનરલ
ઈલેક્શનમાં માત્ર પાંચ મહિના દૂર હતા. શશી કોઈ રીતે નીકળી શકે એમ નહોતા, અને હું એમને દિલ્હીમાં એકલા મુકીને જવા
માંગતી નહોતી.

મેં શશીને મારી સાથે આવવાનો આગ્રહ કર્યો, એ જ વખતે અમારી મિત્ર રેગિના અઝહરે સાથે આવવાની તૈયારી બતાવી. એ
મારી સાથે 15 દિવસ કેરાલા રહેવા તૈયાર હતી. શશીને ખૂબ રાહત થઈ. પરંતુ હું વધુ અસલામતી અને ઉદ્વેગ અનુભવવા
લાગી. 15 દિવસ કે એક મહિનો હું દિલ્હીથી દૂર કેરાલા રહેવા જતી રહું તો અહીં શશી શું કરે એ વિચારે મારી અંદર અકળામણ
વધતી જતી હતી.

મહેર તરાર સાથેના ઈમેઈલ વાંચ્યા પછી મને એવી ખાતરી હતી કે શશી અને મહેર વચ્ચે કંઈક “રંધાઈ” રહ્યું હતું. 2013નો
આખો ડિસેમ્બર મહિનો અમે ખૂબ ઉચાટ અને ઉદ્વેગમાં વિતાવ્યો. પહેલાં મહેર તરારના ઈમેઈલ પછી શિવની નાર્કોટિક્સમાં
સંડોવણી અને છેલ્લે મારી તબિયત… અંતે શશી સાથે અમે થોડોક બ્રેક લેવાનો વિચાર કર્યો. જાન્યુઆરીના પહેલા અઠેવાડિયામાં
મારો મિત્ર રાજ સાહની એક રશિયન છોકરી સાથે લગ્ન કરવાનો હતો રેગિના મઝહર અને મારા બીજા મિત્રો પણ ત્યાં મળવાના
હતા. શશીએ સાથે આવવાની તૈયારી બતાવી અને અમે દુબઈ પહોંચ્યા. નવમી જાન્યુઆરીએ રાજ સાહનીની પાર્ટી પૂરી થયા
પછી ખલીજ ટાઈમ્સના એક પત્રકાર, જેમણે શશી થરૂરનો ઈન્ટરવ્યૂ કરવા માટે સમય લીધો હતો, એની સાથે વાતચીત ચાલુ
હતી ત્યારે હું શરાબના નશામાં ત્યાં પહોંચી ગઈ. એટલું જ નહીં મેં એ પત્રકારનું અપમાન કર્યું અને શશીને પણ બધાની વચ્ચે
ગુસ્સો કર્યો. એ જ પાર્ટીમાં મેં અર્નબ ગોસ્વામી પર વાઈન ફેંક્યો. શશી સાચે જ ક્ષોભજનક હાલતમાં મુકાઈ ગયા. અને ચૂપચાપ
મને ત્યાંથી લઈને નીકળી ગયા. એ પછી ખલિજ ટાઈમ્સના રિપોર્ટરે આખા બનાવને બઢાવી ચડાવીને છાપ્યો. મેં એ લેખની
સામે ટ્વિટ કર્યું જેમાં થોડા લોકો મારી સાથે હતા અને થોડાએ મને ટ્રોલ કરી. હું બીજે દિવસે કરાંચી જવાની હતી. બીજા એક
પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે, પરંતુ મારી તબિયતના કારણે એ કેન્સલ કરવું પડ્યું. અને મારી સાથે એ લગ્નમાં જવા
માટે છેક ટોરેન્ટોથા આવેલા રાજા વહીદને એકલા જ કરાંચી જવું પડ્યું. શશીએ રાજા વહીદ (મારા મિત્ર)ને ફોન કરીને પાર્ટીમાં
બનેલા બનાવ વિશે જણાવ્યું, એટલું જ નહીં એણે રાજાને કહ્યું હું સુનંદાની ઈર્ષ્યા અને અસલામતીને કંટ્રોલ કરી શકતો નથી.

રાજાએ ફોન કરીને મારી સાથે વાત કરી, એણે મને સમજાવવાનો બહુ જ પ્રયાસ કર્યો, એનું કહેવું હતું કે શશી જેવા માણસને
બાંધવાનો પ્રયાસ મને નિરાશા જ આપશે. રાજા ખૂબ સમજદાર માણસ છે. એણે મને શશીના પ્રેમ અને સચ્ચાઈ વિશે
સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું કંઈ જ સાંભળવા તૈયાર નહોતી.

12 જાન્યુઆરીએ હું અને શશી કેરાલા જવાના હતા. દુબઈ એરપોર્ટ ઉપર જ્યારે અમે રેગિનાને મળ્યા ત્યારે અમારી વચ્ચે ઝગડો
ચાલતો હતો. અમે જ્યારે થિરુવંતપુરમ ઉતર્યા ત્યારે તાજ વિવાનતામાં ફરી ઝગડો થયો. અમે થરૂરને ઘેર પહોંચ્યા ત્યાં સુધી હું
સારા મૂડમાં હતી. એ સાંજ ખૂબ સારી ગઈ. રેગિના, હું અને શશી આખી સાંજ વાતો કરતા રહ્યા. જો કે, શશી બહુ જ ઓછું
બોલ્યો. બીજે દિવસે, મને કેરાલા હોસ્પિટલ (KIMS)માં મુકવા આવતી વખતે શશીએ જાતે ગાડી ચલાવી લેવાનું નક્કી કર્યું. એણે
રસ્તામાં રેગિનાને મારી તબિયત અને મિજાજ વિશે વાત કરી. હું ફરી ઝગડી પડી. સુજીત સાથે ઝગડતી ત્યારે મને ગુસ્સો આવતો
પરંતુ શશી સાથે ઝગડતા ઝગડતા મને રડવું આવી જતું.

એ દિવસે સુનંદા અને શશી થરૂરના જાહેરમાં થતા ઝગડા વિશે અખબારમાં સમાચાર છપાયા. KIMSમાં કોઈકે અમને ઝગડતા
જોઈ લીધા હતા. હું ગુસ્સામાં આવીને ગમે તેમ બોલી નાખતી. જ્યારે શશી આજુબાજુના લોકોનો વિચાર કરીને સામાન્ય રીતે
ચૂપ રહેવાનું પસંદ કરતા. તે દિવસે શશીએ દિલ ખોલીને રેગિના સાથે વાત કરી. 14મી જાન્યુઆરીએ થિરુવંતપુરમમાં મોટી પૂજા
હતી. હું ત્યાં જવા માંગતી હતી. થરૂરે સાથે આવવાની ઈચ્છા બતાવી તો એ વાતે પણ મેં ઝગડો કરી નાખ્યો… એ દિવસોમાં
રેગિનાની સામે અમે અનેક વાર ઝગડ્યા… દુબઈ પાછા જતી વખતે રેગિનાએ મને ખૂબ શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ કોણ જાણે મને કોઈ જ સાંભળવાની કે સમજવાની ઈચ્છા નહોતી. હું વધુ ને વધુ બીમાર, ચીડિયણ થતી જતી હતી.

અમે થિરુવંતપુરમથી દિલ્હી આવવા નીકળ્યા ત્યારે મેં બહાનું કાઢીને શશીનો ફોન માંગ્યો એણે મહેરનો નંબર “હરીશ”ના નામે
સેવ કર્યો હતો. જે જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. હું દિલ્હી એરપોર્ટ પર ઝગડવા લાગી. શશીએ કહ્યું કે આપણે ઘરે જઈને વાત
કરીશું, પણ હું સાંભળવા જ તૈયાર નહોતી. એરપોર્ટ ઉપર મેં શશી સાથે ઝગડો કર્યો અને એમને બધાના દેખતા તમાચો માર્યો,
પછી હું ફ્લાઈટ દરમિયાન એક પણ વાર એની સાથે બોલી નહીં. અમારા ઘરે કામ કરતો નારાયણ પણ મને આ હાલતમાં જોઈને
ચિંતિત હતો. એણે પણ શશીને પૂછ્યું કે હું શા માટે આવું વિચિત્ર વર્તી રહી હતી…

દિલ્હી ઉતરીને ઘરે જવાને બદલે મેં હોટેલ લીલા ચાણક્યપુરીમાં ચેક ઈન કર્યું… રૂમ નંબર 307 જે એક ઓર્ડિનરી એક્ઝીક્યુટીવ
રૂમ હતો. એ દિવસે મે શશીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરાવ્યું અને શશી થરૂર અને મહેર તરાર વચ્ચે કેટલીક વાતચીતના અંશ
જાણીજોઈને લિક કરી દીધા. શશી એકદમ અંધારામાં ઝડપાયા. એમની પાસે કહેવા કંઈ નહોતું. એમણે સાઈબર ક્રાઈમમાં
એકાઉન્ટ હેક થયાની ફરિયાદ નોંધાવી, પરંતુ મેં બીજે દિવસે એકાઉન્ટ હેક કર્યાની કબૂલાત કરી અને આ ટ્વિટની વાતચીત મેં જ
લિક કરી હોવાની જાહેરાત કરી. મેં NDTVની એડિટર બરખા દત્તને ફોન કર્યો, અને જણાવ્યું કે શશી થરૂરે મારી સાથે છેતરપિંડી
કરી છે. આઈપીએલના સ્કેમની જવાબદારી મને ઓઢાડીને એ છટકી જવા માંગે છે. હું રડતી રહી અને એક પછી એક પત્રકારને
ફોન કરતી રહી…

શશી ઘરે ગયા પણ બીજે જ દિવસે અખબારોમાં મારા ચેક ઈન કર્યાના સમાચાર છપાયા એટલે શશી પણ હોટેલ આવીને રહ્યા.
એ પછી એમણે સ્યુટ 345 અને સ્ટાફ માટે 342 નંબરનો રૂમ બુક કર્યો. અખબારોમાં જાહેરાત કરવામાં આવી કે શશી થરૂરના
ઘરે કામ ચાલતુ હોવાથી એ પોતાના સ્ટાફ સાથે હોટેલમાં રહેવાના છે.

16મી જાન્યુઆરીએ શશી થરૂરે એરટેલ ઓફિસમાં ફોન કર્યો અને કહ્યું કે મારે મારુ સીમકાર્ડ ચેન્જ કરવું છે. મેનેજર જાતે VVIP
ક્લાયન્ટનું સીમકાર્ડ લઈને લીલા હોટેલ આવી પહોંચ્યા. રાત્રે 10 વાગ્યે એ જ્યારે લીલા હોટેલના 345 નંબરના રૂમમાં પહોંચ્યા
ત્યારે રૂમની અંદરથી મોટા અવાજે ઝગડાના અવાજ આવી રહ્યા હતા. એ થોડીવાર ઉભા રહ્યા, પણ ખાસો એવો સમય ગયા
પછી એમણે એમના બોસને ફોન કરીને આ ઝગડાની વાત જણાવી… આ વાત એમણે મારા મૃત્યુ પછી પોલીસ સ્ટેટમેન્ટમાં પણ
કહી હતી.

શશીએ સીમકાર્ડ લીધું અને એરટેલના મેનેજરે 10:45 વાગ્યે હોટેલ છોડી દીધી.

એ આખો દિવસ શશી થરૂર અને સુનંદા પુષ્કરના ઝગડાની વિગતો ટીવી પર ચર્ચાતી રહી હતી. એ દિવસે સવારે મેં જાતે ફોન
કરીને રાહુલ કન્વલને એના કાર્યક્રમ માટે ઈન્ટરવ્યૂ આપવાની ઓફર કરી હતી. પરંતુ એ જ સાંજે મહેર તરાર રાહુલના ટીવી
શોમાં મહેમાન તરીકે હતી. જે જોઈને હું પાગલ થઈ ગઈ. મેં એક પછી એક પત્રકાર મિત્રોને ફોન કરવા માંડ્યા. નલિની સિંહ,
સાગરિકા ઘોષ બધાને મેં વચન આપ્યા કે હું એમને આઈપીએલના સ્કેમ પર અને શશી થરૂરના લફરા પર એક ભયાનક સ્ટોરી
આપીશ. રાત્રે અઢી વાગ્યે મેં રાજદીપ સરદેસાઈને મેસેજ કર્યો. સવારે 4:10એ પ્રેમા શ્રીદેવી (ટાઈમ્સ નાઉ) 4:15 એ ફરી
બરખા દત્તને મેસેજ કર્યો… એ દરમિયાન હું સતત શશી સાથે ઝગડતી રહી. હોટેલના સ્ટાફે મારો અવાજ બહાર સુધી પહોંચતો
હોવાના સ્ટેટેમેન્ટ પોલીસને આપ્યા છે.

આખી રાત લડી લડીને થાક્યા પછી અંતે 17મી જાન્યુઆરી સવારે હું સુઈ ગઈ. નારાયણ મારા પગ દબાવતો હતો. અને શશી
AICCની મીટિંગ માટે સવારે નીકળી ગયા.

નારાયણ ઘરે ગયો. બજરંગી, અમારો ડ્રાઈવર શશીને AICC મુકીને મારી પાસે રોકાયો. નારાયણ ઘરનું કામ પતાવીને સાંજે 4
વાગ્યે પાછો ફર્યો, ત્યારે હું ઉંઘતી હતી. સાડા ચારે નારાયણે દરવાજો ખખડાવ્યો, પણ મેં ખોલ્યો નહીં. મારા મિત્ર સંજય દિવાન
મને મળવા આવ્યા, પણ હું જાગી નહીં. સાડા પાંચથી સાત વાગ્યા સુધી પ્રતિક્ષા કર્યા પછી સંજય દિવાને ડોકટરને બોલાવવાનું
નક્કી કર્યું. સર ગંગારામ હોસ્પિટલમાંથી ડો.રજત મોહનને બોલાવવામાં આવ્યા.

બરાબર એ જ વખતે શશી થરૂર આઠ વાગ્યે AICC મીટિંગમાંથી લીલા પહોંચ્યા… ડો.રજત મોહન, શશી થરૂર, સંજય દિવાન,
નારાયણ, બજરંગી અને થરૂરના પર્સનલ આસિસ્ટન્ટ રાકેશ કુમાર શર્માની હાજરીમાં જ્યારે મારો ચેક અપ કરવામાં આવ્યો ત્યારે
મને મૃત જાહેર કરવામાં આવી.

રૂમમાંથી શરાબના ગ્લાસ અને 30 ગોળીના પત્તામાંથી 27 ગોળી ખાલી કરેલી ડિપ્રેશનની દવાઓ મળી આવી… દવાઓ સાથે
શરાબને કારણે કે પછી બીજા કોઈ કારણસર શરીરમાં ઝેર થઈ ગયું હતું. ભારતના ફોરેન્સિક રિપોર્ટ્સ પર શંકા પડતા મારા વિઝરા
રિપોર્ટ્સ FBIમાં અમેરિકા મોકલવામાં આવ્યા, પણ ત્યાંથીએ મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ મળી શક્યું નહીં.

કેસ હજી અદાલતમાં છે. મારા મૃત્યુ માટે અત્યારે સાત જણને જવાબદાર ગણવામાં આવ્યા છે. જેમાંથી એક શશી થરૂર પણ
છે…
(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *