ગુજરાતના એક જાણીતા સ્કીન ક્લિનિકમાં લગ્ન પહેલાં એક છોકરી ટ્રીટમેન્ટ કરાવવા જાય છે.
બ્રાઈડલ પેકેજમાં એને એક એવી સ્કીમ ઓફર કરવામાં આવે છે જેમાં એની ત્વચા ત્રણ શેડ બ્રાઈટર
(ગોરી) થઈ જશે… છોકરીની બહુ ઈચ્છા નથી, પરંતુ એની સાથે આવેલા એના સાસુ એ માટે ખૂબ
આગ્રહ કરે છે. છોકરી કમને તૈયાર થાય છે. અમુક પ્રકારના ઈન્જેક્શન અને લોશનના બે સિટીંગ પછી
ત્રીજા સિટીંગમાં એના ચહેરા પર લાલ લાલ ચકામા ઉપસી આવે છે. એ ચકામા જ્યારે બેસે છે ત્યારે
કાળા ડાઘમાં ફેરવાઈ જાય છે. એ વિશે જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે એ સ્કીન ક્લિનિકમાં એમને
એક ફોર્મ બતાવવામાં આવે છે જે એમણે જાતે સહી કરેલું છે. એમાં લખ્યું છે કે, આ ટ્રીટમેન્ટની
જવાબદારી હું પોતે લઉં છું અને એમાં જે કંઈ થશે એ માટે સ્કીન ક્લિનિક જવાબદાર નથી!
આ કોઈ એક પરિવાર, એક છોકરી કે એક ક્લિનિકની વાત નથી… ગોરા થવાનું આકર્ષણ આજે
નહીં, કદાચ એક સદીથી આ દેશમાં ગાંડપણ-ઘેલછાની હદે ફેલાયેલું છે. આપણે ગમે તેટલી આઝાદીની કે
નારીમુક્તિની, સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરીએ, પરંતુ હજી સુધી આપણે ‘ગોરી’ ત્વચાના મોહમાંથી છૂટી
શક્યા નથી. સમજવાની વાત એ છે કે, રવિવારે અખબારમાં છપાતા મેટ્રીમોનિયલની જાહેર ખબરમાં
આજે પણ ‘ગોરી’, ‘પાતળી’, ‘સુશીલ’, ‘સંસ્કારી’ જેવા શબ્દો વાપરવામાં આવે છે! કોણે કેવી ત્વચા
પસંદ કરવી એનો અધિકાર વ્યક્તિને મળતો નથી, જેમ એણે ક્યાં જન્મ લેવો એનો નિર્ણય એના હાથમાં
નથી હોતો! પારિવારિક ડીએનએ અને જેનેટીક કારણોસર ત્વચાનો રંગ નક્કી થાય છે, પરંતુ ત્વચાના
રંગને અને વ્યક્તિના ગુણોને ખરેખર કોઈ સંબંધ નથી તેમ છતાં જ્યારે લગ્ન માટે છોકરી પસંદ કરવાની
આવે ત્યારે મોટાભાગના પરિવારો ‘ગોરી’ કન્યાની શોધ આરંભી દે છે.
ત્વચાના રંગને કારણે કોઈને માન-અપમાન ન મળે એ માટે ‘ફેર એન્ડ લવલી’ ક્રીમનું નામ હવે
ગ્લો એન્ડ લવલી બદલવાની ફરજ પડી છે. ત્વચાના રંગને લઈને, વજન કે દેખાવને લઈને કોઈપણ
વ્યક્તિની મજાક કરવી એ હવે ‘બોડી શેઈમિંગ’નો ગુનો ગણાય છે. જે વ્યક્તિ જેવી છે એવી જ સુંદર
અને સારી છે એવું સ્વીકારતાં આપણે બધાએ શીખવું જોઈએ, પરંતુ આપણે બાહ્ય દેખાવથી આકર્ષાઈને
શારીરિક અને ચહેરાની સુંદરતા ઉપર મોહી જતા એક એવા સમાજનો હિસ્સો છીએ જેમાં ગુણોની કદર
કરવાનું કોઈને શીખવવામાં આવતું નથી!
મોટાભાગની માએ પોતાના યુવાન થતા દીકરાને શીખવવું જોઈએ કે, જો ‘સુખી’ થવું હોય તો
ચહેરા અને શરીરની સુંદરતાને બદલે લગ્ન માટે છોકરી પસંદ કરતી વખતે માનસિક કોમ્પિટેબિલિટી અને
છોકરીની સમજણ, બુધ્ધિપ્રતિભા અને સેન્સ ઓફ હ્યુમર ઉપર વધારે ધ્યાન આપજે. કદાચ એથી વધુ
દુર્ભાગ્યની વાત એ છે કે, મોટાભાગની દીકરીઓની મમ્મી પણ એમને વાળ લાંબા કરવા, ત્વચા સારી
રાખવા અને વજન ઉતારવા વિશે ટોક્યા કરે છે, પરંતુ આત્મવિશ્વાસ વધારવા, જીવનમાં આગળ વધવા
કે કોઈ લક્ષ્ય-ધ્યેય નક્કી કરવા વિશે, વધુ વાંચવા વિશે, પોતાની સમજણ વધારવા વિશે ભાગ્યે જ કશું
શીખવવાનો પ્રયત્ન કરે છે!
સ્ત્રીની બસ્ટ લાઈન (સ્તન) ભરાવદાર જ હોવા જોઈએ એવું માનતી મમ્મીઓની હજીયે ખોટ
નથી. નવાઈની વાત તો એ છે કે, છોકરીને પોતાને પણ એની ત્વચા કે શારીરિક વિકાસ અંગે એટલી બધી
સભાન કરી નાખવામાં આવે છે કે, અંતે એના દેખાવમાં રહેલી કેટલીક બાબતોની (ખામીઓ નહીં) એના
માનસિક વિકાસ અને આત્મવિશ્વાસ ઉપર અસર થવા લાગે છે. ભણવામાં ગમે તેટલી હોંશિયાર હોય,
વક્તૃત્વ સ્પર્ધા, સ્પોર્ટ્સ કે કળાના કેટલાય ઈનામો જીતી લાવતી હોય તેમ છતાં જો ‘ગોરી’ ન હોય તો
માતા-પિતાને ભય લાગે છે કે, એને સારો છોકરો નહીં મળે… સત્ય તો એ છે કે, જો છોકરો ખરેખર
‘સારો’ હશે તો એ દેખાવને બદલે સ્વભાવ, ગુણો, આવડત, સમજણ અને પરસ્પરની સમજદારીને
કારણે લગ્ન કરશે. જે છોકરી માત્ર દેખાવ પર મોહિત થયેલા છોકરા સાથે જોડાય છે, એ અંતે પસ્તાય છે
કારણ કે, દેખાવનો મોહ તો થોડાક જ દિવસમાં-મહિનાઓમાં કે અંતે થોડાક વર્ષોમાં ખતમ થઈ જાય છે.
જે વ્યક્તિ આજે એક ચહેરા પર કે શરીર પર મોહિત થઈ છે એ આવતીકાલે એનાથી વધુ સુંદર, વધુ
આકર્ષક ચહેરા કે શરીર પર મોહિત નહીં થાય એવું માની શકાય?
માતા-પિતાએ જાગવાની જરૂર છે, છોકરીના અને છોકરાના પણ… ગોરી છોકરી શોધવા
નીકળેલા માતા-પિતા ઘણીવાર પુત્રવધૂના રૂપમાં ઘરમાં મુસીબત લઈ આવે છે જે એમના દીકરાને
એમનાથી જુદો પાડે છે-ઘરમાં કકળાટ ઊભો કરે છે અને જિંદગી તહસનહસ કરી નાખે છે. એને બદલે
જો ગુણો અને સમજણ ઉપર ફોકસ કરીને દીકરાની જીવનસંગિની અને ઘરની પુત્રવધૂ પસંદ કરવામાં
આવે તો પરિવાર અખંડ રહે છે અને વૃધ્ધાવસ્થા આનંદ અને સુખમાં પસાર થાય છે.
ગોરા કે સુંદર હોવું એ ઈશ્વરની ભેટ છે, એમ માની લઈએ તો પણ એ ભેટ આપણા અસ્તિત્વનો
પર્યાય તો ન જ હોઈ શકે. આપણે માણસ તરીકે આપણા અસ્તિત્વને ઓળખીએ અને એની સાથે
જોડાયેલી આપણી જીવન પ્રત્યેની સમજનો વિકાસ કરીએ એ જીવવાની સાચી રીત છે. એનો અર્થ એ
નથી કે સારા દેખાવા કે સુંદર દેખાવાનો પ્રયત્ન જ ન કરે. ત્વચાની કાળજી લેવી, વાળની સંભાળ રાખવી,
સ્વસ્થ રહેવું કે વજન ઉતારવું, સારા કપડાં પહેરવા, થોડો મેક-અપ કરવો, આ બધું એક સ્ત્રી માટે
કોઈપણ ઉંમરે એક સુખદ અનુભૂતિ હોય છે. સ્ત્રી માત્ર સુંદરતાનો પર્યાય જ છે એવું સ્વીકારી લઈએ તો
પણ ‘સુંદરતા’ની દરેક વ્યક્તિની પોતાની આગવી વ્યાખ્યા હોય છે, એ પણ સત્ય છે.
શરીર, ત્વચા, આંખો કે વાળ આપણને જન્મ સાથે જ મળે છે. જેમ આપણે પરિવાર પસંદ નથી
કરી શકતા એમ આપણે દેખાવ પણ પસંદ નથી જ કરી શકતા, પરંતુ આપણા વ્યક્તિત્વનો વિકાસ
આપણે જાતે કરી શકીએ છીએ. આપણામાં આત્મવિશ્વાસ, સમજણ, સ્વીકાર કે ક્ષમા જેવા ગુણોનો
વિકાસ આપણે જાતે કરી શકીએ છીએ. જે છોકરી પોતાની ત્વચાના રંગને કારણે, ઊંચાઈ કે વજનને
કારણે, સ્તનના ઓછા વિકાસ કે અન્ય કોઈ કારણસર પોતાની જાતને બીજી છોકરીઓ કરતાં ‘ઓછી’
સુંદર માનતી હોય એણે અરીસામાં જોઈને એકવાર કહેવાનું છે, ‘હું સંપૂર્ણ છું. કારણ કે, હું ઈશ્વરનું
સર્જન છું અને ઈશ્વર ક્યારેય કશુંય અધૂરું કે ઓછું સર્જતો નથી.’