સુરક્ષિત ભવિષ્ય એટલે આર્થિક સુરક્ષા કે મનની શાંતિ?

આપણે બધા ભવિષ્ય માટે બચાવીએ છીએ. પૈસા હોય કે સ્વાસ્થ્ય, અંતે બધું ભવિષ્ય તરફ
જોઈને કરવામાં આવે છે. સંતાનો માટે વીમાની યોજના કે મકાન, શિક્ષણ કે સેવિંગ્સ, માતા-પિતા માટે
એમના ભવિષ્યની સુરક્ષા જ સૌથી અગત્યની છે, પરંતુ એક મહત્વનો સવાલ એ છે કે, શું આ બધું
કરવાથી ભવિષ્ય સુરક્ષિત થાય છે? આપણે આપણા સંતાનો માટે આર્થિક સુરક્ષા ઊભી કરી દઈએ
એનાથી એમનું ભવિષ્ય ઉજ્જવળ અને સલામત બની જશે? આપણે માટે સારા એવા પૈસા ભેગા
કરવાથી, પ્રોપર્ટી ખરીદવાથી કે અમુકતમુક યોજનાઓમાં નાણાં રોકવાથી આપણું ભવિષ્ય સુરક્ષિત થઈ
જશે? ‘કદાચ જરૂર પડે તો…’ આ ચાર શબ્દોની પાછળ કેટલાય લોકોએ પોતાના વર્તમાનને વિસારે
પાડીને માત્ર ભવિષ્ય માટે જ જીવવાનો રસ્તો અપનાવ્યો છે.

આખી યુવાની ફક્ત પૈસા કમાવામાં વિતાવીને એ પૈસા વાપરી શકે તે પહેલાં દુનિયા છોડી ગયેલા
લોકોની સંખ્યા ઓછી નથી, તેમ છતાં આપણે બધા એવું વિચારીએ છીએ કે, બચત અથવા
ઈન્વેસ્ટમેન્ટ્સ ફક્ત વૃધ્ધાવસ્થામાં કામ લાગે માટે જ કરવા જોઈએ.

છેલ્લા કેટલાય સમયથી ભારતીય મધ્યમવર્ગના મનમાં એક વિચાર વધુ ને વધુ દૃઢ થવા લાગ્યો છે,
‘પૈસા હશે તો બધું થઈ જશે’. આ વિચાર તદ્દન ખોટો છે એમ ન કહી શકાય કારણ કે, ધીરે ધીરે બધું મોંઘું
થતું જાય છે. મેડિકલ સેવાઓથી શરૂ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સુધી દરેક જગ્યાએ સો
ટકાથી વધુ ભાવ વધારો થયો છે. છેલ્લા દસ વર્ષમાં મોટાભાગની ચીજોના ભાવ ડબલ થઈ ગયા એમ
કહીએ તો ખોટું નથી, સામે આવક ડબલ થઈ નથી. મધ્યમવર્ગ ભારતનો મોટો અને વિશાળ વર્ગ છે.
ક્રિમિલેયર તરીકે ઓળખાતા સંપત્તિ, સત્તા અને અપાર સગવડો ધરાવતા લોકો બેથી પાંચ ટકા છે,
ગરીબીની રેખા નીચે આવતા લોકો પણ મોટા પ્રમાણમાં છે. આ બે એવા વર્ગ છે જેમને કશું પૂરવાર
કરવાનું નથી. જે ગરીબ છે એ સાવ સહજ રીતે પોતાની આર્થિક હાલત જાહેર કરી શકે છે. જેની પાસે
સંપત્તિ છે એને તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ જે આ બેની વચ્ચે છે એણે સમાજના રીતિરિવાજોથી શરૂ
કરીને સંતાનોના ભવિષ્ય સુધી દરેક બાબતની ચિંતા કરવાની છે. એમને પોતાની આસપાસના લોકોના
અપ્રુવલ-સ્વીકાર વિશે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. આ એવો વર્ગ છે જે પોતાની પ્રતિષ્ઠા અને
સ્વમાનના નામે ખુવાર થઈ જાય છે, પરંતુ એ જેને પ્રતિષ્ઠા કે સ્વમાન સમજે છે અથવા એમને પેઢી દર
પેઢી જે સમજાવવામાં આવ્યું છે એ સત્ય નથી એવું હજી એ લોકો સ્વીકારી શકતા નથી. એમને માટે
પૈસા બચાવવા અગત્યના છે, પરંતુ એ જ મહેનતપૂર્વક અને કરકસર કરીને બચાવેલા પૈસા રીતિરિવાજ,
લગ્ન કે સમાજમાં દેખાડો કરવા માટે ક્ષણવારમાં ઉડાડી દેતાં એક સેકન્ડનો પણ અચકાટ થતો નથી.
આપણે ત્યાં પ્રસંગ હોય અને ઉત્સાહ હોય, આનંદ હોય એ પ્રસંગને સારી રીતે ઉજવવાની આપણને
હોંશ હોય-આ બધું જ સમજી શકાય એમ છે, પરંતુ સામે સવાલ એ છે કે, માત્ર ખર્ચો કરવાથી પ્રસંગની
ઉજવણી શક્ય છે? લોકોને દેખાડી આપવા માટે કે સમાજમાં આપણી વાહ વાહ થાય તે માટે મહેનત
કરીને બચાવેલા પૈસા ઉડાડી દેતી વખતે ભવિષ્ય કે સુરક્ષાનો વિચાર કેમ નહીં આવતો હોય?

બીજો એક સવાલ એ પણ છે કે, છેલ્લા થોડા સમયથી ભારતીય યુવાનોને વિદેશ ભણવા જવાનું
એક વિચિત્ર આકર્ષણ ઊભું થયું છે, અથવા મધ્યમવર્ગીય માતા-પિતા એવું માને છે કે, એમના સંતાનને
વિદેશ ભણવા મોકલવાથી જ એના સંતાનની કારકિર્દી બનશે. ભારતમાં ઉત્તમ યુનિવર્સિટીઝ છે. સારામાં
સારી કોલેજો અને ઈન્સ્ટિટ્યૂશન્સ છે, બલ્કે સત્ય તો એ છે કે, જે યુનિવર્સિટી અને કોલેજમાં આ
મધ્યમવર્ગીય બાળકો ભણવા જાય છે એમાંની કેટલીક યુનિવર્સિટી કે કોલેજ પાસે પોતાના બિલ્ડિંગ પણ
નથી! ફક્ત ફોરેનની ડિગ્રીનું કાગળિયું સંતાનની કારકિર્દીનું નિર્માણ નહીં કરી શકે, એવું જાણવા-સમજવા
છતાં પણ અન્યની દેખાદેખી કરીને બાળકને વિદેશ મોકલીને પોતાની બધી મૂડી ફૂંકી નાખનાર માતા-
પિતા અંતે પસ્તાય છે.

સંતાનની કે પરિવારની સુરક્ષા માટે, આપણા પોતાના સારા ભવિષ્યના નિર્માણ માટે એક વ્યક્તિ
તરીકે આપણે શું કરી શકીએ? જવાબ એ છે કે, માત્ર આર્થિક સુરક્ષા કે સારા ભવિષ્યનું વચન નથી. ગમે
તેટલા પૈસા બચાવ્યા પછી પણ જો જીવને નિરાંત નહીં હોય, સ્વાસ્થ્ય સારું નહીં હોય કે પારિવારિક
સંબંધોમાં મીઠાશ નહીં હોય તો એ પૈસાનો બહુ અર્થ નહીં રહે. માણસને સારી રીતે જીવવા માટે કેટલા
પૈસા જોઈએ? આ સવાલનો દરેક માણસ પાસે પોતાનો આગવો જવાબ હોય તેમ છતાં એક સગવડભર્યું
સુખી જીવન જીવવા માટે દરેક માણસને જેટલી રકમ જોઈએ એટલી રકમ કદાચ મધ્યમવર્ગનો દરેક
માણસ કમાય જ છે. આપણી આકાંક્ષાઓની સીમા વધતી જાય છે. જાહેરાતો અને માર્કેટિંગ એમાં સતત
વધારો કરે છે… આપણને જે મળ્યું છે તે ઓછું પડે છે કારણ કે, આપણને એવું કહેવામાં આવે છે કે,
‘હજી વધુ ઉપલબ્ધ છે અને આપણે એ મેળવવાનો પ્રયાસ કરવો જ જોઈએ.’

જો ખરેખર સારા ભવિષ્યનું નિર્માણ કરવું હોય તો, સૌથી પહેલાં શાંતિ, સંતોષ અને સ્વાસ્થ્યમાં
રોકાણ કરવું જોઈએ. મન શાંત હશે, શરીર સ્વસ્થ હશે અને આપણી પાસે જે હોય (કંજુસાઈ નહીં)
એમાં સંતુષ્ટ રહેતાં આવડી જશે તો આપણું અંગત ભવિષ્ય સુરક્ષિત જ છે. સંતાનને સુરક્ષિત ભવિષ્ય
આપવું હોય તો એને એક સારા વ્યક્તિ બનતા શીખવવું પડશે. એના પારિવારિક સંબંધો આનંદિત અને
પ્રેમાળ હશે, એ એક સ્વસ્થ પરિવારનો સભ્ય હશે તો એને પૈસા કે સગવડની ખોટ બહુ તકલીફ નહીં
આપે, પરંતુ ગમે તેટલા પૈસા, અદભૂત કારકિર્દી અને અપરંપાર સગવડ છતાં જો ઘરમાં શાંતિ અને
પરિવારમાં આનંદ નહીં હોય તો એ સુખેથી જ નહીં જ રહી શકે એ નક્કી છે.

આપણે ખોટી જગ્યાએ ખૂબ ઈન્વેસ્ટમેન્ટ કરીએ છીએ… જે ભોગવવા જીવવાના છીએ કે નહીં,
એ જાણ્યા વગર ભવિષ્યની ચિંતા કરીને આજમાં આનંદ કરતા નથી… અને જીવનના અંતે આનંદ નહીં
કર્યાની ફરિયાદ કરતાં કરતાં વિદાય થઈએ છીએ. એક બટન ખોટું બિડાય છે, એટલે બધા જ બટન ખોટા
બિડાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *