જિયો સિનેમા ઉપર ક્ષિતીજ પટવર્ધન લિખિત, રવિ જાધવ દિગ્દર્શિત એક જીવનકથા પર આધારિત
સીરિઝ રજૂ થઈ છે. એ સીરિઝનું નામ ‘તાલી’ છે. ટ્રાન્સજેન્ડર જન્મેલી ગૌરી સાવંતના જીવન પર આધારિત
આ સીરિઝ આત્મસન્માન અને સ્વતંત્રતાના એક એવા યુધ્ધની કથા છે જેણે ભારતના બંધારણનો ઈતિહાસ
બદલી નાખ્યો. 2014માં સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દ્વારા ટ્રાન્સજેન્ડરને ભારતીય નાગરિકનો દરજ્જો
મળ્યો. એમને આધાર કાર્ડ, રેશન કાર્ડ, વોટ આપવાના અધિકાર સાથે બીજી કેટલીયે એવી ઓળખ મળી જે
એમના આત્મસન્માનનો પર્યાય બની.
2014 પહેલાં ટ્રાન્સજેન્ડર (જે સ્ત્રી કે પુરુષ બંને નથી) એમની કોઈ ઓળખ કે અસ્તિત્વ નહોતું.
ગૌરી સાવંત નામની એક ટ્રાન્સજેન્ડરે પહેલીવાર પીટિશન કરીને એક આખી કોમ્યુનિટીને માથું ઊંચું કરીને
જીવતાં શીખવ્યું. સિગ્નલ પર તાળી પાડીને ભીખ માગતા આ લોકોને ફક્ત અપમાન સહેવાની ટેવ પડી ગઈ
હતી. ગૌરી સાવંત પહેલીવાર એમને માટે કામની માગણી કરી. કેટલીયે કંપનીઓએ એમને માટે જગ્યા રિઝર્વ
કરી એટલું જ નહીં, શિક્ષણ અને વ્યવસાયમાં, નોકરી અને બીજી સરકારી યોજનાઓમાં પણ એમને
બરાબરીનો હક મળે એવો પ્રયાસ પહેલીવાર કોઈકે કર્યો.
નવાઈની વાત એ છે કે, 2014 પહેલાં શું આ લોકોનું અસ્તિત્વ નહોતું? હતું જ… પરંતુ, ત્યારે ગૌરી
સાવંત જેવી કોઈ વ્યક્તિ નહોતી જેને આવી જરૂર લાગી હોય! સીરિઝની કથા સીધી સાદી છે, પરંતુ જો
સમજી શકાય તો એમાંથી એક જ વાત સમજાય છે, જીવવું હોય તો આત્મસન્માન અને વ્યક્તિ સ્વાતંત્ર્યના
અધિકાર સાથે જીવવું જોઈએ. આપણે બધા ધીરે ધીરે એક એવા સમાજમાં પ્રવેશી રહ્યા છીએ જેમાં
‘આત્મસન્માન’ શબ્દ લગભગ ભૂંસાઈ ચૂક્યો છે. પાછળ વળીને જોઈએ તો ઈતિહાસમાં આપણને એવા
પત્રકારો, કલાકારો કે એવી વ્યક્તિઓ દેખાશે જેમણે મોટામોટા લાભ કે ફાયદા જતા કરીને પોતાનું આખું
જીવન આત્મસન્માન માટે સમર્પિત કરી દીધું.
આપણે આત્મગૌરવ અને અભિમાન વચ્ચેની નાનકડી રેખા ચૂકી ગયા છીએ. નાની નાની વાતમાં
‘અમારે સેલ્ફ રિસ્પેક્ટ ન હોય?’ પૂછતા લોકોને ખરેખર ખબર જ નથી કે, સેલ્ફ રિસ્પેક્ટ કોને કહેવાય?
સામેની વ્યક્તિને ડરાવી, ધમકાવી, દબાવીને પોતાનું ધાર્યું કરાવવા માટે મજબૂર કરતા કેટલાય લોકોને આપણે
ઓળખીએ છીએ. જેમાં એટ્રોસિટી, મી ટુ કે 498એની ધમકી આપીને ‘સેલ્ફ રિસ્પેક્ટ’નો હવાલો અપાય છે!
જે પોતે પોતાનું સન્માન ઈચ્છતા હોય એ ક્યારેય બીજાનું અપમાન ન કરે એ આત્મસન્માનની પહેલી અને
એક માત્ર શર્ત છે.
આજના સમયમાં મોટાભાગના લોકો એક એવી જિંદગી જીવવા માંડ્યા છે જેમાં એમની દુનિયા
એમના સ્વાર્થ પૂરતી સીમિત થઈ ગઈ છે. આપણું કામ કઢાવવા માટે જે કરવું પડે તે કરવાનું, એવી એક
માનસિકતા લગભગ દરેક વ્યક્તિનું લક્ષ્ય બની ગઈ છે. આપણને નહીં ગમતી વ્યક્તિ પણ જો ‘કામ’ની હોય
તો એની હામાં હા ભેળવવી, આર્થિક લાભ થતો હોય તો અપમાન પણ સહન કરી લેવું, અને આપણો ફાયદો
થતો હોય તો ખોટી વાતમાં પણ અવાજ ન ઉઠાવવો એ આજના સમયમાં ‘વ્યવહારિક’ હોવાની વ્યાખ્યા છે.
જે લોકો પોતાના આત્મસન્માન માટે વિરોધ કરે કે અણગમતી વાત સામે અવાજ ઉઠાવે એનો અવાજ
દબાવી દેવો એ ટોળાંની માનસિકતા બની ગઈ છે. સોશિયલ મીડિયાએ આ ટોળાંની તાકાતને વધારી છે
એટલું જ નહીં, રક્તબીજ જેવા રાક્ષસની જેમ આ માનસિકતા એકમાંથી અનેક સુધી વિસ્તરી રહી છે. એક
તરફથી આપણે ગૌરી સાવંત, શકુંતલા દેવી, નીરજા, આનંદી ગોપાલ, પહેલવાન ફોગાટ જેવી સ્ત્રીઓની
બાયોપિક ઉપરથી ફિલ્મો બનાવીએ છીએ, એમને બિરદાવીએ છીએ અને બીજી તરફ રોજ અખબારોમાં
અને સોશિયલ મીડિયામાં સ્ત્રીનું અપમાન કરતા સમાચાર ફરતા થઈ જાય છે.
અંગ્રેજી અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર, કુકી-જોમી સમુદાયનાં આ મહિલાઓ સાથે ચાર
મેના રોજ મૈતેઈ બહુમતીવાળા વિસ્તાર થોબલ જિલ્લામાં યૌન ઉત્પીડનની ઘટના બની હતી. જોકે, આ
અંગે છેક 18 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં એફઆઇઆર નોંધાઈ હતી. જે બાદ આ કેસ સંબંધિત
પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી દેવાયો. મણિપુરના એક ટોચના અધિકારી એસપી મેઘચંદ્રસિંહે આ ઘટના પર
જાહેર કરાયેલી પ્રેસ નોટમાં કહ્યું છે મણિપુર પોલીસ દોષિતોને પકડવાની પૂરી કોશિશ કરી રહી છે. પરંતુ હજુ
સુધી આ મામલે કોઈની ધરપકડ નથી કરાઈ. વીડિયોમાં દેખાઈ રહેલાં એક મહિલાની ઉંમર લગભગ 20 વર્ષ
અને બીજાંની ઉંમર 40 વર્ષ હતી. આ મહિલાઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વીડિયોમાં માત્ર બે
મહિલાઓ દેખાઈ રહી છે પરંતુ ભીડે એક 50 વર્ષીય મહિલાને પણ કપડાં ઉતારવા માટે મજબૂર કર્યાં હતાં.
એફઆઇઆરમાં જણાવાયું છે કે એક યુવા મહિલા સાથે ભીડની સામે દિવસના અજવાળામાં સામૂહિક
બળાત્કાર પણ કરાયો.
મણિપુરમાં સ્ત્રીને નગ્ન કરવામાં આવે છે, એ આજની વાત છે અને આજથી 40 વર્ષ પહેલાં
ફૂલનદેવીને પણ બેહમયી ગામમાં નગ્ન કરીને ફેરવવામાં આવી, અઠવાડિયા સુધી 22 ઠાકુરોએ એના પર
રોજ બળાત્કાર કર્યો… ચાર દાયકામાં શું બદલાયું છે? સ્ત્રીની સ્થિતિ તો કદાચ એ જ રહી છે અથવા એથી
વધુ ખરાબ થઈ છે એમ કહીએ તો ખોટું નથી કારણ કે ત્યારે એટલિસ્ટ વીડિયો નહોતા. હવે સ્ત્રી કે
ટ્રાન્સજેન્ડર સાથેના ગેરવર્તનને કોઈ મનોરંજનની રીલ હોય એવી રીતે વાયરલ કરવામાં આવે છે ત્યારે
આપણે સૌએ ‘તાલી’ જેવી સીરિઝ જોઈને એટલું ચોક્કસ સમજવું પડશે કે ફક્ત સીરિઝ બનાવવા અને
વખાણવાથી કોઈ ફેર નહીં પડે, જાગવું પડશે-માગવું પડશે અને જો ન મળે તો આત્મસન્માન મેળવવા માટે
આપણે સૌએ સમય, શક્તિ અને સહકાર આપીને સતત યુધ્ધ કરવું પડશે.