‘બેટર હાફ’ અને ‘પાર્ટનર ઈન ક્રાઈમ’ જેવા શબ્દો સાથે આઈપીએલના પાયોનિયર લલિત
મોદીએ સુશ્મિતા સેન સાથેના પોતાના સંબંધોનો જાહેર એકરાર કર્યો છે… હજી હમણા જ થોડા મહિના
પહેલાં સુશ્મિતા સેને એના બોયફ્રેન્ડ-મોડલ રોહમાન શોલ સાથે પોતાના સંબંધોનો છેડો ફાડ્યો એની
જાહેરાત કરતી ઈન્સ્ટા પોસ્ટ લખી હતી. અંગત જીવનના સંબંધોને જાહેરમાં લાવીને ઈન્સ્ટા પોટ્સના
વ્યૂઝ કે લાઈક્સ વધારવાનો આ કીમિયો ધીમે ધીમે લગભગ બધા જ અપનાવવા લાગ્યા છે ત્યારે
સુશ્મિતા સેનની સાથે જેના સંબંધોની જાહેરાત થઈ છે એ લલિત મોદી કોણ છે, એ બહુ રસપ્રદ માહિતી
છે.
રાજસ્થાનના વ્યવસાયિક પરિવારમાં જન્મેલા લલિત મોદી એક જમાનામાં રાજસ્થાનના ચીફ
મિનિસ્ટર વિજયા રાજે સિંધિયાની ખૂબ નજીક હોવાનું માનવામાં આવતું હતું એ સમયે એમને ‘સુપર
સીએમ’નું બિરુદ મળ્યું હતું. આમેરના કિલ્લાની નજીક આવેલી બે હવેલીઓ ઉપર નેશનલ
આર્કાઈવમાંથી પરમિશન કઢાવીને એમણે ત્યાં આમેર હેરિટેજ સિટી કન્સ્ટ્રક્શન્સ નામની કંપની સ્થાપીને
રિઝોર્ટ ખોલ્યા. એમના પત્ની મિનલ એના ડિરેક્ટર હતા. ધીરે ધીરે રાજસ્થાનમાં એમનો દબદબો એટલો
વધી ગયો કે, હજારો એકર ખેતી લાયક જમીનને એન.એ. કરાવીને એમણે પુષ્કળ કન્સ્ટ્રક્શન સાઈડ્સ
ઊભી કરી. પહેલાં રાજસ્થાન ક્રિકેટ બોર્ડ, પછી બીસીસીઆઈ અને પછી એઆઈસીસીમાં એમણે ધીરે
ધીરે પગપેસારો કર્યો. 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ્સ સ્થાપી અને 2009માં એ સાઉથ આફ્રિકા
ખસેડી દીધી. પી. ચિદમ્બરમની સાથે મળીને ચાર બિલિયનની વર્થ ધરાવતી આ ઈન્ડિયન પ્રીમિયર
લીગમાં એમના બનેવી સુરેશ ચેલારામ અને એમની સાવકી દીકરી કરિમાના પતિ ગૌરવ બર્મન મોટા સ્ટેક
હોલ્ડર્સ છે. કોલકાતા નાઈટ રાઈડર્સમાં પણ લલિત મોદીના બાળપણના મિત્રના મોટા શેર છે. બાકીની
બધી ટીમ કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સની ફ્રેન્ચાઈઝ સસ્તા ભાવે આપવામાં આવી કારણ કે, મોદીએ
આ અંદરની માહિતી આપીને એમના બાળપણના મિત્રને ફાયદો કરાવ્યો. આઈપીએલના ગોટાળાના
કારણે શશી થરુરની પત્ની સુનંદા પુષ્કરનું મૃત્યુ થયું, જે ખૂન છે કે આપઘાત એ હજી સુધી સ્પષ્ટ થઈ
નથી. વસુંધરા રાજે પછી અશોક ગેહલોતે પણ લલિત મોદીને ઘણો ફાયદો કરાવ્યો. 2009માં એમની
સામે ફરિયાદ કરવામાં આવી અને ત્યાર પછી ખૂલેલા કેસીસમાં લલિત મોદી આજે પણ ભાગેડુ જાહેર
કરવામાં આવ્યા છે ત્યારે એ હિંમતથી સુશ્મિતા સેન સાથેના પોતાના સંબંધોની જાહેરાતો અને પોતાના
ફોટા પોસ્ટ કરે છે!
બીજી તરફ સુશ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની ત્યાર પછી વિક્રમ ભટ્ટ (ફિલ્મ મેકર,
દિગ્દર્શક) વાસિમ અકરમ (ક્રિકેટર), બંટી સચદેવા (એન્ડોર્સમેન્ટ એજન્ટ), માનવ મેનન (એડવર્ટાઈઝિંગ
ટાયકુન), મુદ્દસર અઝીઝ (ફિલ્મ મેકર), રણદીપ હુડા (અભિનેતા), સંજય નારંગ (હોટલ અને રેસ્ટોરન્ટ
બિઝનેસમેન), અનિલ અંબાણી અને છેલ્લે રોહમાન શોલ સાથે એનું નામ જોડાઈ ચૂક્યું છે. સુશ્મિતા
સેન પોતાના સંબંધો વિશે બેબાક અને ખૂલ્લી જાહેરાતો કરતી હોય છે. એણે 2000ના વર્ષમાં એની
દીકરી રીનીને દત્તક લીધી ત્યારે એણે કહ્યું કે, ‘હું લગ્ન કરવા માટે રાહ જોઈ શકીશ, પરંતુ મા બનવા માટે
મારે રાહ જોવાની કોઈ જરૂર નથી.’ એ પછી 2010માં એણે એની બીજી દીકરી અલિશાને દત્તક લીધી.
આ બધા સંબંધો દરમિયાન એણે ક્યારેય કશું છુપાવવાની કોશિશ નથી કરી બલ્કે જ્યારે જ્યારે જે
સંબંધમાં હોય એ વ્યક્તિ સાથે હાથ પકડીને જાહેરમાં દેખાવાની હિંમત સુશ્મિતામાં રહી છે. એની દીકરી
રીની 18 વર્ષની છે અને આલિશા 8 વર્ષની… બોયફ્રેન્ડ રોહમાન શોલને બંને દીકરીઓએ ‘સ્વીકાર્યો’
હોવાની વાત પણ સુસ્મિતાએ પોતાના ટ્વિટરમાં કહી હતી…
અંગત જીવનની વાતોને આવી રીતે બજારમાં લઈ આવવાની એક ફેશન હવે ધીરે ધીરે વધતી જાય
છે. નવાઈની વાત એ છે કે, લગભગ દરેક વ્યક્તિને બીજાના અંગત જીવનમાં ખૂબ રસ પણ પડે છે.
સલમાન અને સોનાક્ષીના લગ્નની અફવા હોય કે આલિયાની સોનોગ્રાફીની ઈન્સ્ટા પોસ્ટ…
ફિલ્મસ્ટાર્સના જીવનમાં જેટલો રસ મીડિયાને પડે છે એટલો જ હવે સોશિયલ મીડિયાને પડવા લાગ્યો
છે. માત્ર ફિલ્મસ્ટાર્સ જ શું કામ, હવે લગભગ દરેક વ્યક્તિ પોતાના અંગત જીવનની વાતોને સોશિયલ
મીડિયાના પ્લેટફોર્મ પર જરૂરી હોય કે બિનજરૂરી, ફક્ત વ્યૂ અને લાઈક્સ મેળવવા માટે જે રીતે જાહેર
કરી રહી છે એ આઘાતજનક છે.
એક તરફ આપણે પ્રાઈવસી વિશે બહુ સજાગ થઈ ગયા છીએ એવો દાવો કરીએ છીએ. કોઈએ
કોઈને અંગત પ્રશ્નો નહીં પૂછવાના, એ ‘મેનર્સ’નો એક ભાગ ગણાય છે. બીજી તરફ લોકો પોતે જ
પોતાના અંગત જીવનની વાતો જાહેરમાં ધજાગરાની જેમ ઉડાડે છે. દુઃખ હોય કે સુખ, અંગત ઝઘડો હોય
કે આપઘાત પહેલાંનું સ્ટેટમેન્ટ… બધું જ સોશિયલ મીડિયા પર મૂકી દેવાની કોઈ વિચિત્ર માનસિકતા
ધીરે ધીરે આપણને સૌને ઘેરી વળી છે. આપણે એક તરફથી ‘માય લાઈફ’ કહીને માતા-પિતા કે વડીલોને
પ્રશ્ન પૂછતા અટકાવીએ છીએ, તો બીજી તરફ રિલેશનશિપનું સ્ટેટ્સ સોશિયલ મીડિયા પર મૂકીને
આખા ગામને જણાવીએ છીએ… પબ્લિક ડેમોન્સ્ટ્રેશન ઓફ અફેક્શન (પીડીએ) એક રોગ બની ગયો છે.
ચૂંબન કરતા, ભેટતા કે અંગત પળોના વીડિયો બનાવીને યુવા પેઢી સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.
ક્યારેક આવા ફોટા કે વીડિયો ખૂબ જોખમકારક પૂરવાર થાય છે, પરંતુ એ વિશે બેફિકર અને બેદરકાર
આખી પેઢી ફક્ત ફિલ્મસ્ટાર કે પ્રસિધ્ધ વ્યક્તિને જોઈને આવા મનોરોગમાં ઢસડાતી જાય છે.
સવાલ એ છે કે, આપણી જિંદગી આપણી છે કે એ કોઈ તમાશો બનાવીને આપણે એમાંથી
પ્રચાર અને પ્રસિધ્ધિ ઉઘરાવવા છે? પ્રસિધ્ધ વ્યક્તિની જિંદગી વિશે કદાચ એકવાર એવું સમજી લઈએ
કે, એમને માટે આ ‘બિઝનેસ’ છે તો પણ એમની દેખાદેખી લગભગ દરેક વ્યક્તિ હવે પ્રસિધ્ધ થવા માગે
છે. લગભગ દરેકને યુટ્યૂબ પર કે ઈન્સ્ટા પર પોતે ક્યાં છે, શું કરે છે, શું ખાય છે, કોને મળે છે એ જાહેર
કરવાની મજા આવવા લાગી છે. લોકોની નજરમાં રહેવા માટે માણસો ચિત્ર-વિચિત્ર રીલ અને સ્ટોરી
બનાવવા લાગ્યા છે. નાના બાળકોને પણ આમાંથી મુક્ત રાખવામાં આવતા નથી. એમની પાસે પણ
ચિત્ર-વિચિત્ર ચેનચાળા કરાવીને ઈન્સ્ટા પર મૂકતા માતા-પિતા ભૂલી જાય છે કે આનાથી એમના
બાળકની માનસિકતા અને બાળપણ ઉપર ખોટી અસર પડે છે.
લલિત મોદી અને સુશ્મિતાનું તો જે થાય તે, પરંતુ એક દિવસ માટે એમની પોસ્ટ જે રીતે ટ્રેન્ડ
થઈ એ જોઈને બીજા ઘણા લોકો એમના સંબંધોની જાહેરાત સોશિયલ મીડિયા પર કરશે એ નક્કી!