આવતીકાલે, 4થી જુલાઈએ સ્વામી વિવેકાનંદની નિર્વાણ તિથિ છે. આ દેશને સ્વામી
વિવેકાનંદ જેવા યુવા નેતાની આજે તાતી જરૂર છે. આ દેશના યુવાનો પોતાની સંસ્કૃતિ ભૂલીને
પશ્ચિમના રંગે રંગાઈ રહ્યા છે. વસ્ત્રો, ભોજન, શરાબ, સિગરેટ, ડ્રગ્સ બધું જ પશ્ચિમથી આપણી
તરફ આવી ગયું છે તો બીજી તરફ, યુરોપના દેશો અને અમેરિકામાં વેદ, ગીતા અને
વેજીટેરિયનઝિમનો પ્રચાર વધી રહ્યો છે. ભારતમાંથી પહેલી વખત કોઈએ અમેરિકામાં જઈને
સંસ્કૃતિની વાત કરી હોય તો એ સ્વામી વિવેકાનંદ હતા.
એમના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી એમને મળેલું જ્ઞાન કંઈ સીધેસીધુ શરણે
જઈને નહોતું મળ્યું. વિવેકાનંદ, જેમનું મૂળ નામ નરેન્દ્ર હતું. એ પણ આજની પેઢીની જેમ એક
લોજિકલ, વૈજ્ઞાનિક રીતે વિચારતા અને પ્રશ્ન વગર માની લે એવા નહોતા. પહેલા જ મેળાપ વખતે
શ્રીરામકૃષ્ણ સમજી ગયા કે નરેન્દ્ર પોતાનો સંદેશ જગતને આપશે. શ્રીરામકૃષ્ણે નિર્વિકલ્પ સમાધિ
દ્વારા પ્રાપ્ત કરી હતી. ત્રિકાળનું જ્ઞાન એમને સિદ્ધ હતું. આમ શ્રીરામકૃષ્ણ પ્રથમથી જ જાણતા હતા
કે પોતાને સાથ આપનારા ભક્તોની સંખ્યા કેટલી હશે અને દરેકની પાસેથી કેટલા પ્રમાણમાં સહાય
મળી શકશે.
નરેન્દ્રનું ચિત્ત આધુનિક યુગના સંશયોથી ભરેલું હતું, પ્રત્યક્ષ પ્રમાણ વગર ધર્મનાં ઉત્તમ
સત્યોને પણ સ્વીકારવા એ તૈયાર ન હતા, પરંતુ સત્ય સમજવા માટે એમની ઈચ્છા અત્યંત તીવ્રત
હતી. નરેન્દ્રને હજી એટલું સમજવાનું બાકી હતું કે આ સાપેક્ષ જગતમાં બુદ્ધિ એ ભલે શ્રેષ્ઠ સાધન
હોય, પરંતુ એનાથી પર એવા તત્વનો સાક્ષાત્કાર એ કરાવી શકે નહીં. આ બે મહાન વ્યક્તિઓ-
શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રનાથના સમાગમનું શ્રેષ્ઠ ફળ તે સ્વામી વિવેકાનંદ.
અંગત દૃષ્ટિએ પણ આ મેળાપ અસાધારણ હતો. પોતાના એ ગુરુના પ્રથમ મિલનનું
વર્ણન સ્વયં નરેન્દ્રએ કર્યું છે, “હું દક્ષિણેશ્વર પહોંચ્યોં, શ્રીરામકૃષ્ણ પરમહંસના ઓરડામાં હાજર થઈ
ગયો. હું વિચારતો હતો કે, આ પાગલ કોઈ ગાંડપણ કરશે. હું આવું બધું વિચારતો હતો ત્યાં જ એમણે
અચાનક મારી પાસે આવીને તેમનો જમણો પગ મારા શરીર ઉપર લાદી દીધો. એમના સ્પર્શથી
ક્ષણભરમાં જ મારી અંદર એક અપૂર્વ-અલૌકિક અનુભૂતિ થવા લાગી. આંખો ખોલીને હું જોવા
લાગ્યો, ઘરની દીવાલોની સાથે બધી જ ચીજવસ્તુઓ ફરી રહી છે અને ત્યાર બાદ ક્યાંક અદૃશ્ય થઈ
રહી છે. મારો ક્ષુદ્ર અહંભાવ મહાશૂન્યમાં વિલીન થઈ રહ્યો છે… એ સમયે ભયથી હું ગભરાઈ ગયો.
વિચારવા લાગ્યો, અહંભાવનો નાશ જ મૃત્યુ છે અને એ મૃત્યુ સામે જ ખૂબ નજીક આવી ગયું છે.
મારી જાતને ન સંભાળી શકવાના કારણે મેં બૂમ પાડી, તમે આ મારી કેવી હાલત કરી છે? મારાં તો
માતા-પિતા છે. મારી વાત સાંભળીને તે પાગલની જેમ હસવા લાગ્યા અને મારો હાથ પકડીને કહ્યું,
સારું તો પછી અત્યારે રહેવા દો…”
ધીરે ધીરે નરેન્દ્રને સમજવા લાગ્યું કે, એ માણસ ‘પાગલ’ નથી, પણ એક ‘સિદ્ધ સંત’
છે. અદભૂત આધ્યાત્મિક શક્તિઓનો સ્વામી છે. સંસારની મોહમાયાથી ઉપર ઊઠેલો એક સાચો
બ્રહ્મજ્ઞાની છે. એમનામાં એક અજબ આકર્ષણ અને સંમોહન છે. નરેન્દ્રની ઈચ્છા ન હોવા છતાં પણ
તેઓ શ્રીરામકૃષ્ણના દર્શન માટે એમને મળવા માટે દક્ષિણેશ્વર જવા લાગ્યા.
આજના સમયમાં આવા ગુરુ પણ દુર્લભ છે. સાચા ગુરુ મળવા માટે પણ ભીતર એક
સાચો શિષ્ય હોવો જરૂરી છે. આજે તો ગરજે ગુરુ બનાવતા અનેક લોકો છે. જ્ઞાનને બદલે સત્તા,
સંપત્તિ અને પદ-પ્રતિષ્ઠા માટે ગુરુને નમતા લોકો પાસેથી શી આશા રાખી શકાય? નરેન્દ્રથી
વિવેકાનંદનો પ્રવાસ જ્ઞાન અને અધ્યાત્મનો પ્રવાસ હતો. એમને માટે આ જગતમાં જો કંઈ મહત્વનું
હતું તો એ હિન્દુત્વની સમજણ અને અધ્યાત્મ. એમને માટે વિશ્વભરમાં આ સંદેશ ફેલાવવો એ જ
એમનું જીવન કાર્ય હતું.
સ્વામીજી પ્રત્યેક આક્રમણનો જવાબ અતિઆક્રમણથી આપતા હતા. તેમના પર જ્યારે
પણ કોઈ પ્રહાર થતો, તેમની નીતિ હતી પ્રતિપ્રહાર કરવાની. એકવાર તેઓ ફૂટપાથ પર જઈ રહ્યાં
હતાં. તેમની પાછળ પાછળ એક પતિ-પત્ની ચાલી રહ્યાં હતાં. તેઓ પરસ્પર વાત કરી રહ્યા હતા.
સ્વામીજીનો ઢીલો ભગવો પહેરવેશ જોઈ પત્નીએ તેના પતિને કહ્યું, ‘આ માણસ કેટલો અસભ્ય છે!’
આ સાંભળતાં જ સ્વામીજીએ પોતાની ચાલ થોડી ધીમી કરી દીધી. પતિ-પત્ની સ્વામીજીની નજીક
આવી ગયાં ત્યારે સ્વામીજીએ તેમને કહ્યું, ‘માફ કરજો, તમને કંઈ કહી શકું?’ ‘કહો’ તેમણે કહ્યું.
સ્વામીજીએ કહ્યું, ‘તમારા દેશમાં દરજી અને હજામ કોઈ માણસને સભ્ય બનાવતા હશે, પરંતુ મારા
દેશમાં ચારિત્ર કોઈપણ વ્યક્તિને સભ્ય બનાવે છે.’
સ્વામી વિવેકાનંદ વહાણથી ભારત પાછા ફરી રહ્યા હતા ત્યારે એ વહાણમાં કેટલાક પાદરીઓ
પણ હતા. એ પાદરીઓ વારંવાર સ્વામીજી સાથે વાદવિવાદ કરવા લાગ્યા. શાસ્ત્રાર્થમાં તેઓ વારંવાર સ્વામીજીથી
પરાજિત થતા. એનાથી એમની અકળામણ વધતી જતી હતી. એક પાદરી ખૂબ ઉત્તેજિત થઈ હિન્દુ ધર્મની નિંદા
કરવા લાગ્યો. સ્વામીજીએ એના ખમીસનો કોલર પકડ્યો અને બોલ્યા, ‘જો ફરીવાર મારા ધર્મની નિંદા કરી
તો ઊંચકીને વહાણની બહાર ફેંકી દઈશ.’ સ્વામીજીનું રૌદ્ર રૂપ જોઈ પેલો પાદરી ગભરાયો અને
ધ્રૂજતાં ધ્રૂજતાં બોલ્યો, ‘હવે ક્યારેય એવું નહીં કરું, મને માફ કરો.’
એમના કેટલાક શબ્દો એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે આપણને જગાડી મૂકે એવા છે.
આજે જ્યારે આપણે બધા જ વિધર્મીઓના આક્રમણથી ડરીને જીવી રહ્યા છીએ ત્યારે સ્વામી વિવેકાનંદના શબ્દો
યાદ કરવા જોઈએ, “યાદ રાખજો કે હિન્દુ તરીકે આપણા પોતાના રાષ્ટ્રીય આદર્શોથી બીજું બધું નીચે રહેવું
જોઈએ. તમારા લાખો પૂર્વજો, જાણે કે તમારું એકએક કાર્ય નિહાળી રહ્યા છે, માટે ચેતતા રહેજો. જે જીવનકાર્ય
લઈને પ્રત્યેક હિન્દુ બાળક જન્મે છે તે કયું છે? ‘ધર્મનિધિનું રક્ષણ’. આ ધન્ય દેશમાં જન્મેલા દરેકદરેક
બાળકનું, દરેકદરેક પુત્ર યા પુત્રીનું એ જીવનકાર્ય છે. બીજા બધી સમસ્યાઓ એ એક બાબતથી ગૌણ
ગણાવી જોઈએ.”
એમણે એમના એક પ્રવચનમાં કહ્યું હતું, ” આપણે આપણી જાતને સૌથી પહેલાં એક
ભારતીય અને પછી હિન્દુ તરીકે ગૌરવ અપાવવું જોઈએ. એમાંથી જ એક અદભૂત, મહિમાવંતુ
ભાવિ ભારત બહાર આવશે અને મારી તો ખાતરી છે કે પૂર્વે કદીએ હતું તેના કરતાં પણ મહાન ભારત
અવતરી રહ્યું છે. પ્રાચીન કાળમાં હતા તે બધા કરતાંયે વધુ મહાન ઋષિઓ નીકળી આવવાના છે અને
ત્યારે તમારા પૂર્વજોને સંતોષ થશે એટલું જ નહીં, પરંતુ મારી ખાતરી છે કે પિતૃલોકમાં રહ્યા રહ્યા
તેઓ નીચે નજર નાખીને જરૂર ગર્વ અનુભવશે કે આપણા વંશજો આવા મહાન અને પ્રભાવશાળી
પાક્યા છે! “
યુવાનોને એ હંમેશાં કહેતા, “ચાલો, આપણે સૌ કામે લાગી જઈએ. આ સમય સૂતા
રહેવાનો નથી. આપણા કાર્ય ઉપર ભાવિ ભારતના આગમનનો આધાર છે. મા ભારતી તૈયાર થઈને
રાહ જોઈ રહી છે. એ માત્ર સુષુપ્ત દશામાં પડેલી છે. ઊઠો, જાગો અને આપણી ભારત માતાને
પુનરુત્થાન પામેલી, પૂર્વે હતી તેના કરતાંયે વધુ પ્રતાપી, પોતાના સનાતન સિંહાસન પર અહીં જ
બિરાજમાન થયેલી નિહાળો. “
એમના પ્રવચનો માત્ર સ્વતંત્રતા કે ભારત ઉપર રાજ કરતા અંગ્રેજોને ભગાડવા માટે
ઉત્સાહ જગાડવાનો પ્રયાસ નહોતા. એમના શબ્દો ભારતના યુવાન માટે એક એવી મશાલ હતા
જેની આજના ભારતને સાચા અર્થમાં વધુ જરૂર છે.