અમૃતા પ્રિતમની એક નવલકથા ‘નાગમણિ’માં નાયિકા એના નાયકને કહે છે, ‘આપણી વચ્ચે એક જ
પ્રોબ્લેમ છે, આપણે બંને એક જ જણને પ્રેમ કરીએ છીએ. હું તને પ્રેમ કરું છું ને તું પણ તને જ પ્રેમ કરે છે…’ આમ
તો સેલ્ફ લવથી નાર્સિસિઝમ સુધીના તબક્કા હોય છે, પરંતુ આ પોતાની જ સાથે લગ્ન કરવાનો એક
નવો વિચાર થોડો હાસ્યાસ્પદ અને થોડો ડરાવે એવો છે. એક તરફથી સોશિયલ મીડિયા માણસને વધુ ને
વધુ એકલવાયો બનાવી રહ્યું છે. પરિવારો તૂટતા જાય છે. નવી પેઢીના કેટલાય યુવાનો લગ્ન કરવા માગતા
જ નથી તો કેટલાંય યુગલ સંતાન ઈચ્છતા નથી (ચાઈલ્ડ લેસ બાય ચોઈસ), એવા સમયમાં જો પોતાની
સાથે લગ્ન કરવાનો આ ટ્રેન્ડ ફેલાશે તો એકલતા કેટલી વધશે એ વિશે વિચાર કરવો જોઈએ.
ગુજરાતની એક યુવતિ ક્ષમા બિંદુએ પોતાની જ સાથે લગ્ન કરીને ગયા વર્ષે ચકચાર જગાવી…
આ વર્ષે એના લગ્નની પહેલી એનિવર્સરી પર ફરી એકવાર ‘સોલોગામી લગ્ન’ને યાદ કરવામાં આવ્યા.
મોટિવેશનલ સ્પીકર્સ, સેલ્ફ હેલ્પના પુસ્તકો વારંવાર કહે છે કે, સૌથી પહેલી ક્ષમા આપણી જાતને કરવી
જોઈએ, સૌથી વધુ પ્રેમ આપણી જાતને કરવો જોઈએ અને આપણો સૌથી સારો મિત્ર આપણે પોતે જ
છીએ… એ વિચાર સાથે ક્ષમા બિંદુએ પોતાની જાત સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ આ કંઈ
પહેલીવાર નથી બન્યું. 1993માં લિન્ડા બેકર નામની અમેરિકન નાગરિકે પોતાની જાત સાથે લગ્ન કરીને
જાહેરાત કરી કે, એ પોતાના સિવાય કોઈને પ્રેમ કરી શકતી નથી… આ વાત વિચાર કરતા કરી મૂકે એવી
છે. હજી ત્રણ દાયકા પહેલાં સ્ત્રી-પુરુષનું યુગલ એ એક જ ‘લગ્ન’ની સામાન્ય વ્યાખ્યા હતી. ટ્રાન્સજેન્ડર
પર્સન પ્રોટેક્શન ટુ રાઈટ એક્ટ 2019 હવે વ્યક્તિને પોતાની આઈડેન્ટીટી શોધવા, સ્વીકારવા અને
બીજાઓની સામે જાહેર કરવાની છૂટ આપે છે. હજી આર્ટિકલ 377નો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે
2010માં એક ઓપિનિયન પોલ લેવાયો હતો જેમાં એવું સ્વીકારવામાં આવ્યું કે, મેટ્રો સિટીઝ અને મોટા
શહેરોમાં એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર)ની સંખ્યા વધી રહી છે. હવે
લોકો વધુ ખૂલીને એ વિશે વાત કરી રહ્યા છે… સાચે જ કોઈની સાથે આવી સમસ્યા હોય તો એના પ્રત્યે
સ્નેહ અને સમજણ અનિવાર્ય છે, પરંતુ હવે એક મોટો પ્રશ્ન એ છે કે, નેટફ્લિક્સ અને પ્રાઈમ જેવા
વિદેશી પ્લેટફોર્મ્સ એલજીબીટીનો પ્રચાર કરે છે. ભારતમાં શિક્ષણ ઓછું છે, એને કારણે કુતૂહલ વધારે
અને સમજણનો અભાવ છે. ઘરમાં માતા-પિતા સાથે કે વડીલો સાથે ખુલ્લા દિલે ‘સેક્સ’ વિશે વાત થઈ
શકતી નથી, શાળામાં પણ સેક્સ એજ્યુકેશન જેટલી સહજતાથી અપાવવું જોઈએ એટલી સહજતા
અને સ્વાભાવિકતાથી અપાતું નથી. આ બધાને કારણે અણસમજમાં કે કુતૂહલથી પ્રેરાઈને
કિશોરાવસ્થામાં એલજીબીના કેસ વધતા જાય છે. એકવાર કુતૂહલથી શરૂ થયેલી આવી કોઈ પ્રવૃત્તિ ધીમે
ધીમે વ્યક્તિના માનસમાં ઘર કરી જાય છે. એલજીબીટી સામે કોઈ વાંધો કે વિરોધ ના જ હોઈ શકે, પરંતુ
સમલૈંગિક લગ્નો કે રિલેશનશિપને કારણે ‘પરિવાર’ની વ્યાખ્યા બદલાઈ છે, ગૂંચવાઈ છે એટલું તો આપણે
સ્વીકારવું જ પડે. થોડા ઊંડા ઉતરીને વિચારીએ તો સમજાય કે, બે પુરુષો અને બે સ્ત્રીઓ વચ્ચે પણ અંતે
તો એક ડોમિનેટિંગ અથવા મજબૂત વ્યક્તિત્વ અને બીજું સબમિસિવ અથવા નાજુક વ્યક્તિત્વ હોય જ
છે… આ સ્ત્રી-પુરુષની માનસિકતા નથી તો બીજું શું છે?
સ્વયં સાથે લગ્ન કરવાનો આખો કોન્સેપ્ટ કદાચ ધીરે ધીરે હતાશા અને નિરાશાને જન્મ આપે તો
નવાઈ નહીં. માણસ સામાજિક પ્રાણી છે. ‘આહાર, નિદ્રા, ભય અને મૈથુન’ જીવમાત્રની પ્રાકૃતિક
જરૂરિયાત છે, સમલૈંગિક સંબંધોમાં ક્યાંક તો શારીરિક સંતોષનું અસ્તિત્વ હોય છે, પરંતુ જ્યારે વ્યક્તિ
જાત સાથે લગ્ન કરે ત્યારે એની શારીરિક જરૂરિયાતો વિશે શરૂઆતમાં એને સમજણ ન પડે કે ઉત્સાહમાં
એ જરૂરિયાતોને અવગણી શકે, પરંતુ સમય જતાં શરીર પોતાની માગણી કરે ત્યારે આવી એકલવાયી
વ્યક્તિએ શું કરવું, એ વિશેના કોઈ સ્પષ્ટ વિચારો હજી સુધી આપણને મળ્યા નથી.
‘લગ્ન’નો મૂળ વિચાર એ હતો કે, બે વ્યક્તિઓ સાથે સાથે વૃધ્ધ થાય. જીવનનો તડકો-છાંયડો,
સુખ-દુઃખના તમામ પડાવ જેમણે સાથે સાથે જોયા હોય એ બંને એકબીજાને સારી રીતે સમજે, સ્વીકારે
અને અંતે એકબીજાનો સહારો બનીને પોતાની વૃધ્ધાવસ્થાના દિવસો આનંદથી વિતાવે. હવે, જ્યારે આ
વિચાર જ ધરમૂળથી બદલાઈ રહ્યો છે ત્યારે જે વ્યક્તિ પોતાની સાથે જ લગ્ન કરે એની પ્રૌઢાવસ્થા અને
વૃધ્ધાવસ્થામાં એની સાથે કોણ હશે? એ પ્રશ્ન મહત્વનો છે. સિંગલ પેરેન્ટ અડોપ્ટેશન અશક્ય નથી,
અઘરું જરૂર છે. કોઈ એક વ્યક્તિ જો લગ્ન કર્યા વગર બાળકોને જો દત્તક લેવા માગે તો હવે સરકાર અને
સંસ્થાઓ બંને એને મદદ કરવા તૈયાર છે, પરંતુ માનસશાસ્ત્રીઓનું કહેવું છે કે, હજી સુધી આપણી
સોસાયટી માતા-પિતા અને સંતાન, એવા પરિવારની માન્યતા અને વિચારો સાથે જીવી રહી છે. છૂટાછેડા
લીધેલી વ્યક્તિનું સંતાન હજીયે કદાચ થોડી નોર્મલ જિંદગી જીવી શકે, પરંતુ અડોપ્ટેડ બાળકને પૂછવામાં
આવતા પ્રશ્નો, એની આસપાસ થતી વાતો અને એની તરફ ચીંધાતી આંગળી એની કિશોરાવસ્થાથી
યુવાવસ્થાના ટ્રાન્ઝિશન દરમિયાન એના મગજને, વિચારોને અને એની સેલ્ફ ઈમેજને ખાસ્સું નુકસાન
કરે છે. એ સમય દરમિયાન જો દત્તક લેનાર સિંગલ પેરેન્ટ બાળકને યોગ્ય ઉત્તરો અને માનસિક સપોર્ટ ન
આપી શકે તો એ બાળકની જિંદગી એક નોર્મલ વ્યક્તિની જિંદગી ન રહે, એવું પણ બની શકે.
મહત્વનો મુદ્દો એ છે કે, આપણા શાસ્ત્રો, સભ્યતા અને સંસ્કૃતિએ નિશ્ચિત કરેલી કેટલીક
બાબતો ઘણા લાંબા વિચાર પછી નક્કી કરવામાં આવી છે. એક વ્યક્તિને સામાન્ય સહજ જીવન જીવવા
માટે વિજાતિય સાથીદાર, સંતાન, માતા-પિતા, મિત્રો અને કેટલાંક સ્વજનોની જરૂર પડે છે. જેણે જાતે
જ ‘એકલતા’ પસંદ કરી છે એ કદાચ થોડા સમય પછી એ જ એકલતાથી અકળાય, ગભરાય કે ગૂંગળાય
તો એનો ઉપાય શું?