“શાહરૂખ- સમીર સાહેબ, હું તમારી સાથે થોડી મિનિટો માટે વાત કરી શકું છું. હું જાણું છું કે આ
કાયદેસર રીતે યોગ્ય નથી, પરંતુ એક પિતા તરીકે હું તમારી સાથે વાત કરવા માગું છું. તમે મને
આપેલી માહિતી માટે હું તમારો જેટલો આભાર માનું છું એટલો ઓછો છે. હું આશા રાખું છું કે તે
(આર્યન) એક એવી વ્યક્તિ બનશે, જેના પર તમને અને મને બંનેને ગર્વ થશે.” વિનમ્રતાથી કરાયેલા
આ મેસેજ પછીની ચેટ હવે ઠેર ઠેર વાયરલ થઈ રહી છે, પરંતુ સમીર વાનખેડેએ 25 કરોડ માગ્યા
હતા કે નહીં, એ વિશે હાઈકોર્ટનો ચૂકાદો હજી આવવાનો બાકી છે ત્યારે કોણ સાચું ને કોણ ખોટું એ
વિશે મીડિયાએ પોતાના જજમેન્ટ આપી દીધા છે. આ એ જ મીડિયા છે જેણે પહેલાં વાનખેડેને
હીરો બનાવ્યો અને પછી વિલન. વાનખેડેના પાંચ બોસ, NCBના ઝોનલ ડિરેક્ટર હતા, NCBના
DG સત્યનારાયણ પ્રધાન, ઓલ ઈન્ડિયા હેડ સંજય સિંઘ, DDG અશોક મુથા જૈન, જે એ સમયે રજા
પર હતા અને DDG જ્ઞાનેશ્વરકુમાર સિંહ, જેમને ટેમ્પરરી ચાર્જ સોંપવામાં આવ્યો હતો, એમની
સાથેની સંપૂર્ણ ચેટ પણ હવે બહાર આવી છે ત્યારે એક વાત માટે શાહરૂખ ખાનને અભિનંદન
આપવા પડે.
25 કરોડની રકમ એમને માટે મોટી નહોતી, નહીં જ હોય તેમ છતાં એમણે લાંચ આપવાને
બદલે કાયદાની મદદ લઈને કેસ લડવાનું પસંદ કર્યું. 28 દિવસ દીકરો જેલમાં હોય, મીડિયામાં
માછલાં ધોવાતા હોય, મજાકમાં કહેવાયેલી વાત જ્યારે વાયરલ વીડિયો બનીને ફરતી હોય ત્યારે એક
પિતાને માથે શું વીતતું હશે એ આપણે સૌ સમજી શકીએ એમ છીએ! એ એવો સમય હતો જ્યારે
શાહરૂખ ખાન મીડિયામાં કોઈપણ સ્ટેટમેન્ટ આપી શક્યા હોત, પરંતુ દીકરાના ભવિષ્યને ધ્યાનમાં
લઈને એમણે કોઈપણ સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું અને સંપૂર્ણપણે મૌન સેવ્યું… આર્યનના છૂટી ગયા
પછી પણ એમણે આ ફરિયાદ સરકાર સુધી પહોંચાડી નહોતી, પરંતુ એક બહુ જ મોટા સ્ટાર જે
સરકારમાં સારી એવી વગ ધરાવે છે એમણે શાહરૂખને આગ્રહ કર્યો કે આ લાંચની માગણી વિશે
સરકારને જણાવવું જોઈએ. સરકારના એક મહત્વના પ્રતિનિધિ સાથે મિટિંગ થઈ અને આ
સીબીઆઈનું પ્રકરણ શરૂ થયું…
ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે આપણે સૌએ એ સમજવું જોઈએ કે,
ગુજરાતના યુથને ટાર્ગેટ કરાઈ રહ્યું છે. ગુજરાત પોલીસ ખૂબ સક્ષમ છે એ સ્વીકારીએ તો પણ દરેક
પ્રોફેશનમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટ અધિકારી કે વ્યક્તિ હોય જ છે. અત્યાર સુધી અપહરણ કરીને
એસ્ટ્રોશન માગવાની એક રીત ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં હતી. પૈસાવાળા અને પહોંચ
ધરાવતા લોકોના સંતાનો કે ઘરના મોભીનું અપહરણ કરવું અને એને છોડાવવાના પૈસા માગવા, જેને
ફિરૌતી કહેવાય એ સ્થિતિ સતત ડરાવનારી હતી. જેને અપહરણ ન કરાવવું હોય એણે પ્રોટેક્શન મની
ચૂકવવા પડતા, પરિસ્થિતિ જ્યાંની ત્યાં જ હતી. હવે નવા સમયમાં આ નવા પ્રકારની ફિરૌતી શરૂ
થઈ છે, જેમાં મોટા ઘરના બાળકોને ટાર્ગેટ કરવામાં આવે છે (આર્યનનો બચાવ નથી, પરંતુ દરેક
વખતે દરેક બાળક ખોટું જ હોય એવું પણ જરૂરી નથી) ડ્રગ્સમાં, શરાબ પીને પકડાયેલા આવા
સંતાનોને છોડવાના બદલામાં મોટી રકમની માગણી કરવામાં આવે ત્યારે માતા-પિતા બદનામીના
ડરથી કે બાળકની કારકિર્દી કે ભવિષ્ય બરબાદ થવાના ભયથી રૂપિયા ચૂકવી આપે એવું મોટાભાગના
કિસ્સાઓમાં બની શકે. શાહરૂખના નિર્ણયને દાદ દેવી જોઈએ કારણ કે, એણે સરકાર અને દેશની
સિસ્ટમમાં ભરોસો કર્યો. કાયદાકીય રીતે જો એના દીકરાએ કંઈ ખોટું નહીં કર્યું હોય તો કોર્ટ એને
નિર્દોષ છોડશે એ વિશ્વાસ સાથે એણે કાયદાની લડાઈ લડવાનું પસંદ કર્યું. એવું કહેવામાં આવે છે કે,
આર્યનની ગિરફ્તારી પછી તરત દીકરા સાથે થયેલી પાંચ મિનિટની વાતચીતમાં શાહરૂખે એને ત્રણ
વખત પૂછ્યું હતું, ‘તે કંઈ કર્યું નથી ને? તું સાચો છે ને? હું તારા ભરોસે આ લડાઈ લડી શકું?’
28 દિવસ જેલમાં રહેવાની હિંમત આર્યનમાં કેવી રીતે આવી! અને એક માતા-પિતા તરીકે
ગૌરી અને શાહરૂખે એ દરમિયાન દિવસો અને રાતો કેવી રીતે કાઢ્યા હશે એ બધું સમજીએ તો
આપણને ચોક્કસ સમજાય કે, આવતીકાલે કદાચ આપણું સંતાન આવી કોઈ પરિસ્થિતિમાં મૂકાય
જ્યાં એના ખોટા હોવાની સંભાવના હોઈ શકે-એણે ભૂલ કરી હોય એવી શક્યતા નકારી ન શકાય
ત્યારે આપણા સંતાનના સત્યમાં વિશ્વાસ કરીને, આ દેશની સિસ્ટમમાં, કાયદામાં ભરોસો રાખીને
જો આપણે સત્યની લડાઈ લડીએ તો વહેલી કે મોડી આ સરકાર આપણી બાજુમાં ઊભી રહેશે
એટલું નક્કી છે. સવાલ વાનખેડે જેવા એકાદ અધિકારીનો નથી. હજી હમણા જ અમદાવાદમાં અનેક
લોકોને સર્વિસ ટેક્સના ચક્કરમાં ફસાવનાર પૂર્ણા કામ સિંઘ અને ભુવનેશ કુમારને સસ્પેન્ડ કરવામાં
આવ્યા હતા. લાંચ રૂશ્વત બ્યૂરો સતત એવો આગ્રહ કરે છે કે કોઈપણ તમારી પાસે લાંચ માગે તો
તરત જ તમે એ વાતની જાણ કરીને ન્યાય માગી શકો છો, પરંતુ મોટાભાગના લોકો લાંચ આપીને
મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરે છે અને એટલે જ આવા લોકોને ‘લોહી ચાખી ગયા’ની સ્થિતિમાં
મજા પડી જાય છે.
ગઈકાલ સુધી જે વાનખેડે હીરો હતો એ વાનખેડે ઉપર સીબીઆઈની ઈન્કવાયરી શરૂ કરતી
વખતે સરકારે પોતાની ‘ઈમેજ’ કે એમની સિસ્ટમની પ્રતિષ્ઠાનો વિચાર નથી કર્યો, બલ્કે સાચી
પરિસ્થિતિ શું છે એ જનસામાન્ય સમક્ષ લાવવાની એમનું વચન એમણે પાળી બતાવ્યું છે. સાથે જ,
શાહરૂખ જેવા એક સ્ટાર પિતાએ 25 કરોડ આપીને છટકી જવાને બદલે આ દેશની સરકારમાં સંપૂર્ણ
વિશ્વાસ મૂકીને, કાયદાકીય રીતે આ પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું એને કારણે વાનખેડે
અને એના અન્ય સાથીઓની વિગતો બહાર આવી શકી.
આવતીકાલે, કદાચ આપણો વારો આવે ત્યારે દેશની સિસ્ટમમાં, કાયદામાં અને સરકારમાં
ભરોસો રાખીને એક વૉટર તરીકે, નાગરિક તરીકે આપણે પણ શાહરૂખ જેવો નિર્ણય કરી શકીએ તો
કદાચ ઘઉંમાં કાંકરા જેવા આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવામાં આપણે સરકારની મદદ કરી
શકીએ.