નાનકડો તૈમુર સૈફ અલી પટોડી ખાન, જ્યાં જાય ત્યાં પાપા રાઝી એનો પીછો કરે છે. હવે
કરીનાનો બીજો દીકરો જેહ સૈફ અલી પટોડી ખાન પણ હવે મીડિયાનું અટેન્શન બનવા લાગ્યો છે, તો
બીજી તરફ અનુષ્કા અને વિરાટ કોહલીએ એમની દીકરીને મીડિયાથી દૂર રાખવાનો લીધેલો નિર્ણય
એમણે દૃઢપણે પકડી રાખ્યો છે. સાથે જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને ત્યાં જન્મેલું સેરોગેટ બાળક
દીકરો છે કે દીકરી એવી માહિતી આપવાનું પણ ટાળીને પ્રિયંકાએ પોતાના સેરોગેટ બાળકની જાણ એક
સાદી પ્લેન સ્લેટ ઉપર કરી છે, એટલું જ નહીં ‘આ સ્પેશિયલ સમયમાં અમને પ્રાઈવસી આપશો’ કહીને
એણે એવી જાહેરાત પણ કરી દીધી છે કે આ બાળક એમના ‘ફેમિલી’ની શરૂઆત છે, પબ્લિસિટીનું સાધન
નથી !
આપણે બધા જાણીએ છીએ કે, સ્ટાર સંતાનો સતત મીડિયાના ફોકસમાં રહે છે. પેજ થ્રી એક
એવી સંસ્કૃતિ (કલ્ચર) છે, જેનાથી બચીને રહેવું જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓ માટે અઘરું છે ને
ક્યારેક અસંભવ પણ બની જાય છે. જોકે, આ વાત માત્ર સ્ટાર સંતાન માટે વધુ લાગુ પડે છે. રાજનીતિ
સાથે જોડાયેલા કે જાહેરજીવનના અન્ય મોટાં નામોના સંતાનોની તસવીરો હજી આટલી વાઈરલ થતી
નથી કારણ કે, સામાન્ય વાચક કે પ્રેક્ષકને ફિલ્મસ્ટાર્સ અથવા ક્રિકેટસ્ટાર્સમાં જેટલો રસ છે એટલો રસ
જાહેરજીવનના બીજા ક્ષેત્રોમાં નથી. સોશિયલ મીડિયાના આગમન પછી હવે લગભગ દરેક માતા-પિતા
ઈચ્છે છે કે, એમનું બાળક પણ અનેક લાઈક્સ અને શેર્સ મેળવે. પોતાના બાળકના રીલ, વીડિયો કે ફોટાને
સોશિયલ મીડિયામાં મૂકીને માતા-પિતા ભલે હરખાતા હોય, પરંતુ સત્ય એ છે કે, નાની ઉંમરે અમુક
પ્રકારની પ્રસિધ્ધિ મળી જાય ત્યારે ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે. સ્વયંને સોશિયલ મીડિયામાં
સતત જોતાં બાળકો ધીરે ધીરે આ પ્રસિધ્ધિને જીવનનું સત્ય માનવા લાગે છે. નવાઈની વાત એ છે કે,
એમને હજી સમજણ પડે એ પહેલાં એમના માતા-પિતા એમની પાસે લટકા-ચટકા-નખરા કરાવીને
એમને ‘સ્ટાર’ બનાવવાના કોઈ વિચિત્ર અભરખા પૂરા કરવા લાગે છે. આ બાળકો એટલા બધા અટેન્શન
સીકિંગ થઈ જાય છે કે પછી એમને અટેન્શન ન મળે ત્યારે એ પરાણે અટેન્શન ડિમાન્ડ કરવાનો પ્રયત્ન કરે
છે. એમના મગજમાં ઘૂસી ગયેલી નાનકડી સફળતા કે થોડાક વખાણ એમને એ હદે બગાડી નાખે છે કે,
પછીથી એ નોર્મલ જિંદગી જીવી શકતા નથી. દરેકની સાથે આવું ન થતું હોય તો પણ કાચી ઉંમરે મળેલું
બીનજરૂરી અટેન્શન માત્ર સ્ટાર સંતાનને જ નહીં, પરંતુ એક સામાન્ય પરિવારના બાળકને પણ તોછડું,
જિદ્દી અને સેલ્ફ સેન્ટર્ડ કરી નાખે છે. પોતાના સિવાય બીજા કોઈ વિશે વાત થાય કે વખાણ થાય તો
આવાં બાળકો સહન ન કરી શકે એવું પણ બને છે !
આ દેખાવ અને પ્રસિધ્ધિના મોહમાં પડી ગયેલું બાળક પોતાના શિક્ષણ કે કારકિર્દીની અન્ય
શક્યતાઓ વિશે વિચાર ન કરી શકે એ હદે ગૂંચવાય છે. બાળપણમાં પોતાને મળેલું અટેન્શન કે પ્રસિધ્ધિ
જીવનભર મળતી રહેશે એમ માનીને આવાં બાળકો અભિનય કે મોડલિંગને પોતાની કારકિર્દી બનાવવાનો
પ્રયાસ કરે છે. આશ્ચર્ય એ વાતનું પણ છે કે, એમને ભણવા કે અન્ય કોઈ સ્કિલ ડેવલપ કરવાનું
શીખવવાને બદલે માતા-પિતા પણ એવું માની બેસે છે કે, એમનું ‘ટેલેન્ટેડ’ સંતાન બીજો શાહરૂખ કે
દીપિકા થવા સર્જાયું છે. કોણ જાણે કેમ પણ આપણને બધાને લાગે છે કે, ફિલ્મ એક જ એવી કારકિર્દી છે
જેમાં વાહ વાહ અને પ્રસિધ્ધિ મળશે. સત્ય તો એ છે કે, એ સિવાય પણ અનેક કારકિર્દી છે જે પ્રસિધ્ધિ
અને પૈસા બંને કમાઈ આપી શકે એમ છે… સોશિયલ મીડિયાની પ્રસિધ્ધિનું આયુષ્ય બહુ ટૂંકું છે. આજે
જે ‘પ્રસિધ્ધ’ છે એને ભૂલાવી દેવા માટે આવતીકાલે કોઈ નવો ચહેરો, નવી ટેલેન્ટ બજારમાં આવ્યા વગર
નહીં રહે. અત્યાર સુધી પ્રસિધ્ધિ ફિલ્મો કે ટેલિવિઝનના માધ્યમની મોહતાજ હતી, પરંતુ હવે એવું નથી.
આપણે બધા જ સોશિયલ મીડિયામાં એ હદે ઘૂસ્યા છીએ કે, આપણને સૌને નાનું-મોટું અટેન્શન
જોઈએ છે, એમાં કશું ખોટું નથી, પરંતુ લગભગ સૌના બાળકો ક્યૂટ જ હોય છે અને આજે જે નવી પેઢી
જન્મી રહી છે એ બધી જ ઈન્ટેલિજન્ટ, સ્માર્ટ અને ટેકનોસેવી છે. આવા સમયમાં માતા-પિતા સતત
પોતાના બાળકોના વીડિયો, રીલ કે ફોટા મૂકવા માટે એટલા ઘેલા થઈ જાય છે કે, એમને પોતાના જ
બાળકનું ભવિષ્ય ગૂંચવાઈ રહ્યું છે એ ભૂલાઈ જાય છે.
દરેક વખતે બાળક તરીકે ક્યૂટ અને વહાલસોયા લાગતા બધા જ બાળકો મોટા થઈને એટલા જ
સરસ દેખાય એવું જરૂરી નથી. વળી, નાની ઉંમરે એમને મળેલી પ્રસિધ્ધિનો એમને એવો ચસકો લાગે છે
કે પછી એ બધા જ આ પ્રસિધ્ધિ વગર, વાહવાહી વગર પોતાની જાતને અધૂરી અને નિરાશ અનુભવે છે.
પ્રસિધ્ધિ મેળવવા માટે એ લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આવા લોકો હાસ્યાસ્પદ અને મજાકનું
સાધન બનતા પણ જોવા મળે છે તેમ છતાં, એમને જ્યારે પ્રસિધ્ધિ નથી મળતી ત્યારે આત્મવિશ્વાસ
ડગી જાય છે. માત્ર એક જ વિચાર કરીને, એક જ દિશામાં દોડતા રહ્યા હોવાને કારણે આવકનું બીજું કોઈ
સાધન પણ એમની પાસે નથી હોતું એટલે એક સુરક્ષિત અને સારું જીવન પણ અઘરું બની જાય છે.
લગભગ દરેક માતા-પિતાએ આ વાત સમજવા જેવી છે કે એમનું સંતાન ગમે તેટલું ટેલેન્ટેડ
હોય, પરંતુ એને પ્રસિધ્ધિ કે લાઈક્સ અને શેર્સનો ચસકો લગાડવાને બદલે કારકિર્દી પર ફોકસ કરતાં
શીખવશે તો એના સંતાનનું ભવિષ્ય વધુ સુરક્ષિત અને એનું વ્યક્તિત્વ આત્મવિશ્વાસથી સભર રહેશે.