તમે પણ કિટી અને ગોસિપમાં દિવસ પૂરો કરો છો?

શહેરની એક જાણીતી રેસ્ટોરાંમાં લગભગ બારએક સ્ત્રીઓ એક મોટા ટેબલ પર બેઠી છે. ઉચ્ચ
મધ્યવર્ગ કે શ્રીમંત પરિવારની આ સ્ત્રીઓ બપોરના સમયની કિટી કે ‘ગર્લ્સ લંચ’ માણી રહી છે. આમાંની
મોટાભાગની સ્ત્રીઓ ગૃહિણી છે, કદાચ એટલે જ એમને બપોરે આવો સમય મળે છે! એમની વાતોમાં
પુત્રવધૂ વિશે, બાઈ વિશે અને પુત્રવધૂના પરિવાર-ખાસ કરીને એની મા વિશેની ફરિયાદો ચાલ્યા કરે છે.
પોતે કેટલી મોર્ડન છે, પુત્રવધૂને કેટલી છૂટ મળે છે એની સામે પુત્રવધૂની મા કેટલી મિડલ ક્લાસ અને
આવડત વગરની, ફૂવડ છે… હજી પણ દીકરાને પોતાના હાથનું જ ખાવાનું ભાવે છે અથવા ઘરનું
મેનેજમેન્ટ પોતાના સિવાય કોઈ કરી શકે એમ નથી, જેવી કેટલીયે વાતો એમની ચર્ચામાં છે. એ સિવાય
ડિઝાઈનર, જ્વેલરી કે સેલ અને વિદેશ પ્રવાસની વાતો પણ વચ્ચે વચ્ચે સંભળાય છે.

ત્રણ ચાર કલાક ચાલતી આવી કિટી કે લંચની પાર્ટીમાં ક્યાંય વાંચન, વિચાર કે સમાજ વિશેની
સભાનતા-જવાબદારીની વાતો સાંભળવા મળતી નથી. ઉચ્ચ મધ્યમવર્ગની ભણેલી અને પ્રમાણમાં ઘણો
નવરાશનો સમય ધરાવતી આવી સ્ત્રીઓ મજા કરે એની સામે વિરોધ ન જ હોઈ શકે. આ એવી બહેનો
છે જેમણે પોતાના પરિવારોને સંભાળ્યો છે, સંતાનોને ઉછેર્યા છે અને પતિ પૈસા કમાવામાં વ્યસ્ત હતા
ત્યારે સાસુ-સસરાની સંભાળ લીધી છે, ઘરની અનેક જવાબદારીઓ ઉપાડી છે… પરંતુ, આ તો પોતાના
માટે કર્યું, સમાજ કે અન્ય લોકો માટેની વ્યક્તિ તરીકેની જવાબદારી વિશે આવી સ્ત્રીઓ કેમ નથી
વિચારતી?

આ સવાલના જવાબમાં મોટાભાગની સ્ત્રીઓ કહે છે કે, ‘આટલું તો કર્યું, હવે મજા નહીં
કરવાની?’ હા, ચોક્કસ કરવાની, પરંતુ મજા માત્ર કિટી પાર્ટી કે લંચ ડેટ, શોપિંગ કે ગોસિપમાં જ આવે?
આ બધું સતત અને માત્ર આ જ કેવી રીતે થઈ શકે? મોટાભાગના શ્રીમંત અથવા ઉચ્ચ મધ્યમવર્ગના
ઘરોમાં પૂરતી ડોમેસ્ટિક મદદ હોય છે. મહારાજ, ઘરકામ કરવાવાળી વ્યક્તિની સાથે સાથે ડ્રાઈવર કે
બીજી સુવિધા પણ હોય જ છે. અર્થ એ થયો કે પચાસની વય વટાવી ગયેલી આ સ્ત્રીઓ પાસે ‘કરવું પડે’
એવું કોઈ ખાસ કામ કે જવાબદારી નથી હોતી. જીવનના એવા પડાવ પર પહોંચ્યા હોય છે કે જ્યાં હવે
‘શું કરવું’ એ સવાલ એમની જાણ બહાર એમને મૂંઝવે છે. પુત્રવધૂની ભૂલો કાઢવી એ થોડા સમય માટેનો
શોખ હોઈ શકે, પરંતુ સતત એ જ વિચાર અને વૃત્તિ બંને પક્ષે નુકસાન કરે છે.

યુવાન પુત્રવધૂ ભણેલી છે, એણે દુનિયા જોઈ છે. સામાન્યતઃ એ પણ શ્રીમંત અને ઉચ્ચ
મધ્યમવર્ગના ઘરમાંથી જ આવે છે. એને ઘરકામ આવડતું નથી અને કદાચ ગમતું પણ નથી. એ એના
સંતાનોને એની મરજીથી ઉછેરવા માગે છે. એના પતિ (દીકરા) સાથે એના સંબંધો, કે જીવનશૈલી એ જાતે
પસંદ કરવા માગે છે. આ બધી પરિસ્થિતિમાં નવરી પડી ગયેલી ‘મમ્મી’ પોતાના જીવનને સતત
પુત્રવધૂના જીવન અને લાઈફસ્ટાઈલ સાથે સરખાવ્યા કરે છે. જાણી જોઈને ન પણ કરતાં હોય, તો પણ
જાણે-અજાણ્યે આવી સરખામણી થઈ જાય છે. પોતાના જે નથી મળ્યું એ યોગ્ય ઉંમરે અને કોઈ મહેનત
વગર પોતાની પુત્રવધૂ જીવી રહી છે એ વિશેની અજાણ ઈર્ષા કદાચ એમને પજવે છે. આ એવી સ્ત્રીઓ
છે જેમના પતિ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને દીકરાને હવે ‘મમ્મી’ની જરૂરિયાત ઓછી થઈ ગઈ
છે. વજન વધી ગયું છે, અથવા કદાચ જાળવી શક્યા હોય તો પણ દસ વર્ષ પહેલાંનો ચહેરો શરીર અને
એનર્જી હવે નથી રહ્યાં. આ બધું જાણે-અજાણ્યે ‘અભાવ’ બનીને ધીમે ધીમે એમના ‘સ્વભાવ’માં વણાઈ
જાય છે! અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે, આ ‘સ્વભાવ’ માત્ર એમને જ નહીં, ધીરે ધીરે એમની
આસપાસના આખા વર્તુળને ડિસ્ટર્બ કરવા લાગે છે. એમની નવરાશ આવી કિટીમાં ફરિયાદ કરવાથી શરૂ
કરીને ટીવી સીરિયલ, ઓટીટી અને એક્ઝિબિશન-સેલમાં બિનજરૂરી ખર્ચ કરવા સુધી વિસ્તરી જાય છે.
જોકે, આ બધું કરવાથી એમને કોઈ આનંદ, સંતોષ કે સાંજના છેડે એક અર્થપૂર્ણ દિવસ પસાર કર્યાનું સુખ
તો નથી જ મળતું. એમની ફરિયાદ, અસંતોષ કે કંટાળો તો ત્યાં જ ઊભાં છે. પુત્રવધૂ, પતિ, દીકરો ને
ક્યારેક દીકરી, દીકરીની સાસુ, પુત્રવધૂની મા કે ડોમેસ્ટિક હેલ્પ સામેની ફરિયાદો ઘટવાને બદલે વધતી
જાય છે.

આ કોઈ એક ઘર કે વ્યક્તિની વાત નથી, આજના સમયની એવી સ્ત્રીઓનું પ્રતિબિંબ છે જે ઘણું
કરી શકે એમ છે, પરંતુ નથી કરતી માટે એમને જીવનમાંથી રસ ઉડવા લાગ્યો છે. સવાલ એ છે કે, એમને
આ ઉંમરે નોકરી મળે એમ નથી, પતિની પ્રતિષ્ઠા કે દીકરાના વર્તુળની ગરિમાને કારણે નાનુંમોટું કામ કે
વ્યવસાય શરૂ કરી શકે એમ નથી તો આવી સ્ત્રીઓ શું કરી શકે? એનો જવાબ છે, પોતાની આસપાસની
જગતને સ્નેહ, આનંદ અને અનુભવમાંથી આવેલી આવડત વહેંચી શકે.

ભણેલી હોય તો વોચમેનના, ઘરમાં કામ કરતી ડોમેસ્ટિક હેલ્પના બાળકો કે ડ્રાઈવરના સંતાનોને
અઠવાડિયામાં બે-ત્રણ કલાક આપીને ભણાવી શકાય, અનાથઆશ્રમમાં, વનિતા વિશ્રામમાં, રિમાન્ડ
હોમમાં, દિવ્યાંગ બાળકો કે પ્રજ્ઞાચક્ષુ શાળાઓમાં પોતાની સેવા આપી શકે. સમાજમાં ઘણા પ્રશ્નો છે.
પોતાના અનુભવ કે સમજણના આધારે એ પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ બની શકે. બિનજરૂરી વસ્ત્રો કે
વસ્તુઓ ખરીદવાને બદલે એ પૈસાના ફળ કે દવાઓ ખરીદીને નજીકની હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને
મદદ કરી શકે. પતિને જો વાંધો ન હોય તો એની ઓફિસનું એડમિનિસ્ટ્રેશન જોઈ શકે. આ બધું ન કરી
શકે તો ઘરનું બધું જ કામ ડોમેસ્ટિક હેલ્પને સોંપી દેવાને બદલે ઘરના થોડા કામમાં પોતે-જાતે રસ લઈ
શકે. શાક સમારવું, કબાટ ગોઠવવા, રસોડાનો સામાન લેવા કે શાક લેવા જાતે જવું… આ બધું પણ
આનંદ આપનારી પ્રવૃત્તિ હોઈ જ શકે.

છેલ્લી અને મહત્વની વાત, કોઈ એક શોખ અથવા હોબી કેળવવી જોઈએ. માળી રાખીને ગાર્ડન
લીલોછમ રાખવાને બદલે સવારનો કલાક કે સાંજનો સમય બગીચામાં આપી શકાય. કોઈ પણ ઉંમરે
સંગીત, ચિત્રકામ, ભરતકામ, સિલાઈ કે અન્ય કોઈ ગમતી પ્રવૃત્તિ શીખી શકાય… આવું કશું આવડતું હોય
તો ફી ભરીને મોંઘા ક્લાસમાં ન જઈ શકે એવાં બાળકોને મફત શીખવી શકાય.

કરવા માટે પ્રવૃત્તિની ખોટ નથી, ફક્ત દાનત, આવડત અને ચાહત હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *