તકદીર હૈ ક્યા, મૈં ક્યા જાનૂં, મૈં આશિક હૂં તદબીરોં કા…

1960નો સમય, એક રેસ્ટોરાંમાં બેઠેલો માણસ હાથમાં ચાનો કપ પકડીને ચોધાર આંસુએ રડવા
લાગે છે… રેસ્ટોરામાં લાઉડ સ્પીકર ઉપર રેડિયો સિલોન ઉપર ગીત વાગી રહ્યું છે, ‘ચુન્નુ કહેતા હે પતંગ
કો કાઈટ… બોલો બેટા ટિન્ગુ, યે રોંગ હૈ યા રાઈટ…’ રડતાં રડતાં એ આજુબાજુ જુએ છે. રેસ્ટોરામાં
બેઠેલા કોઈનું ધ્યાન આ ગીત તરફ નથી, પરંતુ એ નવયુવાન સૌને કહેવા માગે છે કે, આ ગીત એણે લખ્યું
છે!

એ યુવાન એટલે આનંદ બક્ષી. યુનિફોર્મના પરિવારમાં (લશ્કર કે પોલીસમાં) જન્મેલા છોકરાને
ફિલ્મો જોવાનો શોખ હોય, એ દફ્તર વેચી કાઢે, માર ખાય, નૌકાદળમાં જોડાય, પોસ્ટિંગ મુંબઈમાં
મળે… ત્યાંથી કરાંચી અને એ નોકરી છોડીને સિનેમા થિયેટરમાં બુકિંગ ક્લાર્કની નોકરી કરીને અંતે
દિલ્હીના શરણાર્થી કેમ્પમાં પણ રહીને, ટેલિફોન ઓપરેટર બનીને છેલ્લે એમણે પોતાની કારકિર્દી એક
ગીતકાર તરીકે ઊભી કરી, જમાવી અને અંતે 1957થી શરૂ કરીને 2006 સુધી 650થી વધુ ફિલ્મોમાં
એમણે ગીતો લખ્યા. કેટલાંક ગીતોમાં પોતાનો સ્વર આપ્યો. 44 વર્ષની ઉંમરે ‘બોબી’, 52 વર્ષે ‘એક દૂઝે કે
લિયે’, 61ની ઉંમરે ‘ઈલૂ ઈલૂ’ જેવું ગીત અને 70 વર્ષની ઉંમરે એમણે ‘મોહબ્બતે’ જેવી ફિલ્મોના ગીત
લખ્યા.

‘હાથોં કી ચંદ લકીરોં કા… યે ખેલ હૈ સબ તકદીરોં કા’ એમના ગીતની એક પંક્તિ, અને બીજી પંક્તિ
તરત જ પોતાની વાતને ખોટી પાડીને કહે છે, ‘તકદીર હૈ ક્યા, મૈં ક્યા જાનૂં… મૈં આશિક હૂં તદબીરોં કા.’
નસીબ અને કર્મ (મહેનતને સામસામે) મૂકીને લખાયેલું આ ગીત ‘વિધાતા’ ફિલ્મનું છે. દિલીપકુમાર,
સંજીવકુમાર, સંજય દત્ત, શમ્મી કપૂર, અમરીશ પૂરી અને પદ્મિની કોલ્હાપુરે જેવા અભિનેતા સાથે
બનેલી આ ફિલ્મના દિગ્દર્શક સુભાષ ઘાઈ હતા. 1982માં રજૂ થયેલી આ ફિલ્મમાં આ ગીતમાં
સામસામે ઊભેલી પંક્તિઓ આજે પણ સામસામે જ ઊભી છે. હસ્તરેખા, કુંડળી, જાદુટોળાં, નંગ,
વિધિવિધાન, યજ્ઞો કે હવનમાં વિશ્વાસ કરનારા લોકો એકતરફ, અને કર્મમાં, મહેનતમાં, પ્રામાણિકતામાં
શ્રદ્ધા રાખીને સતત પોતાનું કામ કરનારા લોકો એકતરફ!

આમાંથી કોણ સાચું, એની ચર્ચા અસ્થાને છે, પરંતુ આપણી નજર સામે ક્યારેક આપણે ન માની
શકીએ એવા દૃશ્યો ઊભા થાય છે, એવી પરિસ્થિતિ સર્જાય છે. કેટલાક લોકોને મળીને આપણું લોજિક
કામ ન કરે અને માત્ર નજરે જોયેલી વાત ઉપર જ વિશ્વાસ કરવો પડે એવો અનુભવ અસામાન્ય છે,
છતાં એને નકારી શકાય એવો નથી.

હમણા જ રજૂ થયેલી ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’માં મૃત્યુશૈયા પર સૂતેલા પુષ્કરનાથ પંડિત (અનુપર
ખેર) એના પૌત્રને કહે છે, ‘આખું જગત હોપ, આશા પર ટક્યું છે. બધું ખોઈ બેસીએ તો ચાલે, પણ
ક્યારેય હોપ-આશા નહીં છોડવાની…’ આ વાત આપણા બધા માટે બહુ મહત્વની છે. આપણી શ્રદ્ધા
શેમાં અથવા કોનામાં છે એ મહત્વનું નથી, પરંતુ શ્રદ્ધા, ક્યાંક હોવી જોઈએ એ બહુ અગત્યનું છે. જે
લોકો આત્મહત્યાનો પ્રયાસ કરે છે અથવા ઉશ્કેરાટમાં, ઉદ્વેગમાં હત્યા કરી બેસે છે એ બધાનો એક જ
પ્રોબ્લેમ છે, એમને હોપ અથવા આશા નથી રહ્યાં!

ખરાબ કે સારો સમય, ટકતો નથી એની આપણને ખબર છે, પરંતુ આપણે બધા જ સમયના
બદલાવવાની સતત રાહ જોઈએ છીએ. સારો સમય જતો તો નહીં રહે ને! એની ચિંતા છે તો બીજી
તરફ, ખરાબ સમય ક્યારે જશે એનો ઉદ્વેગ છે. આપણા ભવિષ્યો આપણને આપણા કંટ્રોલમાં જોઈએ
છે, સાથે જ આપણે જાણીએ છીએ કે એ શક્ય નથી! આ કેવી સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી મેન્ટાલિટીમાં આપણે
સૌ જીવી રહ્યા છીએ… એકતરફ, આપણે બધા માનીએ છીએ કે, ‘જે લખ્યું હોય એ જ થાય છે’ અને બીજી
તરફ, કોઈ મહાન શક્તિ, પરમતત્વએ લખેલા એ લખાણને ભૂંસીને કોઈ માણસ પાસે, જે પોતાનું
ભવિષ્ય પણ નથી બદલી શકતો એની પાસે, આપણું ભવિષ્ય બદલી આપવાની આજીજી કરીએ છીએ.
સૌથી મહત્વની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા જો આપણે માણસને બદલે કુદરતમાં, અસ્તિત્વમાં કે કોઈ અગમ
એવા પરમતત્વની શરણમાં લઈ જઈએ અને એવી વિનંતી કરીએ કે આજથી જ આપણી સાથે રહે, જેથી

આપણા કર્મ સાચા અને શુદ્ધ રહે, તો ભવિષ્યનો ભય શા માટે લાગે?
આપણા સૌનો પ્રોબ્લેમ એ છે કે, આપણે ક્ષણિક લાભના નિર્ણયો કરીએ છીએ. હમણા-અત્યારે
શું મળે છે, એ વિચારીને આપણે આજમાં આપણા કર્મનું બીજ રોપી દઈએ છીએ, પરંતુ એ ઊગીને કેટલું
ફેલાશે, કેટલું વિસ્તરશે એનું ફળ આપણા સહિત કેટલી પેઢીઓ સુધી પહોંચશે એનો વિચાર કરવાની
આપણે પાસે ધીરજ કે આશા નથી.

માણસ માત્ર સતત સુખ ઈચ્છે છે. જો હોય તો એ શાશ્વત રહે, એનો પ્રયત્ન અને જો એના
માનવા કે માગવા પ્રમાણે સુખ ન હોય તો એને પામવાનો પ્રયત્ન એ જ આપણા સૌની જીવનરીતિ છે.
જે આપણા વશમાં નથી એના ઉપર આપણને સૌને કંટ્રોલ જોઈએ છે, પરંતુ જે આપણા હાથમાં,
શક્યતામાં, પ્રયાસમાં કે પ્રયત્નમાં છે એના ઉપર આપણો વિશ્વાસ જોઈએ તેટલો નથી. ખરેખર તો
માણસ પોતે જ પોતાના ભવિષ્યનું નિર્માણ કરે છે… ભગવદ્ ગીતા વારંવાર કહે છે કે, આપણે જે કંઈ
કરીએ છીએ, કહીએ છીએ, જીવીએ છીએ કે વર્તીએ છીએ એ જ ફરીફરીને આપણી પાસે પાછું આવે
છે, પરંતુ આપણે બધા જ એ વાતને યાદ નહીં રાખીને કોઈ અન્ય વ્યક્તિને અંધશ્રદ્ધાથી આપણા
ભવિષ્યને બદલવાની વિનંતી કરીએ છીએ!

આનંદ બક્ષીનું આ ગીત એના અંતરામાં બહુ સરસ વાત લઈને આવે છે, “મૈં માલિક અપની
કિસ્મત કા, મૈં બંદા અપની હિંમત કા, હમ ભેસ બદલ કે ફકીરોં કા, દેખેંગે તમાશા દૌલત કા…”
જે પોતાની કિસ્મત જાતે લખવા માગે છે એણે હિંમત અને ધીરજ રાખવી પડશે… આજના
કર્મમાં સારું અને ફળદ્રુપ બીજ વાવવું પડશે. જે ફકીરનો વેશ ધારણ કરી શકશે એને ‘દૌલતનો તમાશો’
જોવાની મજા પડશે કારણ કે, એક શ્વાસ લીધા પછી પણ જો આપણે એને લાંબો સમય આપણી પાસે
નથી રાખી શકતા, છોડી જ દેવો પડે છે… તો બીજું શું પકડી રાખી શકીશું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *