તર્ક-દલીલ-પ્રશ્ન કે વિરોધઃ મુદ્દાનો છે, મા-બાપનો નહીં!

मूकं करोति वाचालं, पंगुं लंघयते गिरिम् ।
यत्कृपात्वमहम् वंदे परमानंद माधवम् ।।
મૂંગાને બોલતો કરે, લંગડાને પર્વત ચડાવે-એ પ્રભુ કૃપા, એવું આ શ્લોકમાં કહેવામાં
આવ્યું છે, પરંતુ આ કામ તો ડૉક્ટર પણ કરે છે ને? એમની વિદ્યાથી મૂંગા બોલતા થાય, આંધળા
દેખતા થાય, લંગડા ચાલતા થાય કે મૃત્યુને આરે પહોંચેલો માણસ બચી જાય, તો ઈશ્વર મોટો કે
ડૉક્ટર? ઈશ્વર કૃપાની વાત એટલી મોટી છે કે, એની સામે જ્ઞાન, વિદ્યા, આવડત, કૌશલ્યનું કોઈ
મૂલ્ય નહીં?

આ તર્કની વાત છે અને એક આખી પેઢી તર્કનો વિરોધ કરે છે. નવાઈની વાત છે, પરંતુ
જે માતા-પિતા પોતાના સંતાનોને સારામાં સારી શાળામાં ભણાવે છે કારણ કે, એ ‘વિચારતાં’ શીખે,
‘લીડર’ બને, બીજાથી અલગ વ્યક્તિત્વ કેળવે એ જ માતા-પિતા પોતાના બાળકો તર્ક કે દલીલ કરે તો
ઈરિટેટ થઈ જાય છે! આ એ જ માતા-પિતા છે જેમને એમના વડીલોએ તર્ક કે દલીલ કરવા દીધા
નથી. એ સમય જુદો હતો જ્યારે સંતાનોને પ્રશ્નો પૂછવાની કે દલીલ કરવાની છૂટ નહોતી, પરંતુ
આજના સમયમાં-જેને આપણે નવી પેઢી અથવા જેનઝી કહીએ છીએ એમની પાસેથી કોઈપણ
વાતને ચૂપચાપ સ્વીકારી લેવાની, માની લેવાની કે આપણે જે કહીએ તે જ સાચું છે એમાં સંમત થઈ
જવાની અપેક્ષા ખોટી નથી?

સામાન્ય રીતે નવી પેઢીના છોકરાંઓ નાની નાની વાતમાં તર્ક કરીને પૂર્વ પ્રસ્થાપિત
બાબતોને ખોટી પાડવામાં કોઈ વિચિત્ર પ્રકારની બહાદુરી અથવા જીતનો અહેસાસ કરે છે. આપણે
જ્યારે ‘કરાય’ અને ‘ન કરાય’ જેવી વાતો કહીએ ત્યારે બંને મુદ્દા પર દલીલ કરવાની એમને મજા આવે
છે, ને એમાં ગુગલ બાબાએ પોતાનું જ્ઞાન ઉમેર્યું છે! નવી પેઢીના છોકરાંઓ નાની નાની વાતમાં
ગુગલમાં સંદર્ભ લઈ આવે છે. આપણે જરાક ડાઉટમાં આવીએ, પ્રશ્ન પૂછીએ કે માહિતીનો અભાવ
હોય તો તરત ગુગલની સહાય લેવામાં આ નવી પેઢી પાવરધી થઈ ગઈ છે. સવાલ એ છે કે, ગુગલ
પર આપવામાં આવતી બધી માહિતી સાચી હોય છે ખરી? એના પર આંખ મીંચીને ભરોસો કરી
શકાય ખરો?

તો જવાબ છે, ના.
ગુગલ પર માહિતી ‘એડિટ’ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ માહિતી અપલોડ કરી શકે
છે, એમાં ફેરફાર કરી શકે છે, ઉમેરી કે ઘટાડી શકે છે, તારીખો અને આંકડા બદલી શકે છે. આને
સવલત ગણવી કે સમસ્યા? આપણે જ્યારે ગુગલ પર કોઈ માહિતી શોધીએ છીએ ત્યારે એની
‘ખરાઈ’નું કોઈ વચન આપણી પાસે છે નહીં. એ માહિતી કોઈકે ચડાવેલી, કોઈકે બદલેલી અને
પોતાની રીતે મૂકેલી માહિતી છે. એક જમાનો હતો જ્યારે રેફરન્સ અથવા સંદર્ભ શોધવા માટે કલાકો
લાઈબ્રેરીમાં વિતાવવા પડતા. પુસ્તક લઈ લગભગ આખું વાંચીને આપણે જેની જરૂર હોય તે માહિતી
મેળવવાની એક આખી પ્રોસેસ અથવા પ્રક્રિયા હતી. આપણને જોઈએ તે માહિતી શોધતી વખતે
બીજી પણ બાબતો નજરે ચડે, એટલે માહિતી વધે અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય!
હવે વાંચન કે લાઈબ્રેરીમાં કોઈને ઝાઝો રસ નથી. કિન્ડલ એક એવું સાધન-એપ છે જેના પર એક
સાથે અનેક પુસ્તકો લોડ કરી શકાય છે. 200 ગ્રામથી ઓછું વજન ધરાવતું આ સાધન પાંચસોથી વધુ
પુસ્તકો સ્ટોર કરી શકે છે. આપણે ક્યાં સુધી વાંચ્યું હતું એનો રેફરન્સ યાદ રાખી શકે છે, એટલું જ
નહીં, એમાં કાગળના પુસ્તકની જેમ પાનાં ફેરવતાં હોઈએ એવી અનુભૂતિ થઈ શકે છે. એમાંથી
અમુક હિસ્સો કોપી કરી શકાય છે, એને બીજે પેસ્ટ કરી શકાય છે. એક શબ્દ ઉપર માર્ક કરીને એ
શબ્દ વિશે લોડ કરેલા બીજા પુસ્તકોમાં કઈ માહિતી ઉપલબ્ધ છે એની સર્ચ કિન્ડલ જાતે કરે છે. હવે
નવા વર્ઝન ‘કિન્ડલ’માં વાંચવાની પણ જરૂર નથી! એમાં ઓડિયો પુસ્તકો ઉપલબ્ધ છે, એટલે કે
પુસ્તક સાંભળી શકાય. નવલકથાથી શરૂ કરીને રિસર્ચ, લૉ કે બીજા ગંભીર વિષયના પુસ્તકો પણ હવે
શ્રાવ્ય પુસ્તક સ્વરૂપે મળે છે. આટલી બધી સગવડ હોય ત્યારે લાઈબ્રેરીમાં જઈને રેક ઉપરથી પુસ્તક
શોધીને, એમાં પાનાં ફંફોસીને પોતાનો રેફરન્સ શોધવાનો સમય આ નવી પેઢી બગાડવા માગતી
નથી!

જૂની પેઢી ટેકનોલોજીથી ચેલેન્જ્ડ છે. જે લોકો 50 કે 60ના દાયકામાં જન્મ્યા છે એ
લોકો નવી ટેકનોલોજી સાથે હજી એટલા સહજ કે ‘ફ્રેન્ડલી’ નથી. એમાંના ઘણાએ પ્રયાસ કર્યો છે,
સફળ પણ થયા છે, પણ સંખ્યા ઓછી છે. મજા એ છે કે, જે લોકો ટેકનોલોજી ચેલેન્જ્ડ છે એ લોકો
ટેકનોલોજીનો વિરોધ કરે છે. ‘પુસ્તક વાંચવા જેવી મજા કિન્ડલમાં નથી’ આવું આપણે ઘણીવાર
સાંભળ્યું હશે, ‘કાગળ હાથમાં પકડવો, પાનાં ફેરવવા, એમાંથી આવતી જૂના પેપરની સુગંધ,
પુસ્તકમાં મૂકવામાં આવતો બુક માર્ક…’ આ બધું નોસ્તાલજીક ચોક્કસ છે, પરંતુ એનાથી નવી
ટેકનોલોજી નકામી નથી થઈ જતી એટલું તો આપણે સ્વીકારવું જ પડે. હવે વ્હોટ્સએપ પણ
સાંભળી શકાય છે. વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ પણ રીડ કરીને આપણને વાંચી
સંભળાવે એવા એપ ઉપલબ્ધ છે. એથી આગળ વધીને આપણે જે નથી જાણતા એવી કેટલી બધી
ટેકનોલોજી આપણા જ નાના ચાર બાય છના ફોનમાં આપણા ખીસ્સામાં જ પડી છે, પરંતુ તર્કનો
વિરોધ-ટેકનોલોજીનો વિરોધ-દલીલનો વિરોધ-અને નવા વિચારનો વિરોધ કરનારા આપણે સૌ
પહેલેથી જ માની બેઠા છીએ કે, ‘જૂનું એટલું સોનું અને નવું એટલું પીત્તળ’.

નવી પેઢી પાસે એમનો તર્ક છે-સાચો છે કે નહીં, એ તો સમય અને સંશોધન જ કહી
શકે, પરંતુ એ તર્ક સાંભળવા અને સમજવાની જરૂર તો છે જ. 50 કે 60ના દાયકામાં જન્મેલા
માતા-પિતા દલીલને કે તર્કને પોતાનું અપમાન સમજે છે, સામા જવાબ આપે છે-એમ કહીને એ
સંતાનને ચૂપ કરાવવા મથે છે, પરંતુ જે સંતાન પાસે હવે અઢળક માહિતી છે, ટેકનોલોજી છે,
આવડત અને આત્મવિશ્વાસ છે-(જે એની પેઢીને મળેલી સ્વયંભૂ ભેટ છે) એ સંતાન તર્ક ન કરે,
પ્રશ્નો ન પૂછે કે પૂર્વ પ્રસ્થાપિત વાતોને સત્ય માનીને સ્વીકારી લે એવી અપેક્ષા સંઘર્ષ અને દુઃખ
સિવાય બીજું કંઈ નહીં આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *