ફાઈનાન્સિયલ વર્ષ આજે પૂરું થાય છે. 2023-24ના લેખાં-જોખાં, હિસાબો, ઉઘરાણી, ચૂકવણીઓ,
લેવડ-દેવડ અને ટેક્સ ભરવાનો સમય આજે પૂરો થાય છે. કેટલા બધા લોકોએ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હશે, કેટલા
બધા લોકો ઓક્ટોબરમાં કેટલો ટેક્સ ભરવો પડશે એની ગણતરીમાં અત્યારથી ગૂંચવાતા હશે!
ટેક્સ ચૂકવવાની વાત આવે ત્યારે ભારતના નાગરિકો જરાક નાના મનના થઈ જાય છે. ભારત સરકારના
જેટલા ટેક્સ નાગરિક તરીકે આપણે ચૂકવીએ છીએ એટલા પ્રમાણમાં આપણને સવલતો નથી મળતી એવું
કહેનારા અને માનનારા લોકોની સંખ્યા આ દેશમાં ઘણી મોટી છે. આખું વર્ષ લોકો ફરિયાદ કરે છે, સરકાર જે કંઈ
નથી કરતી એ બાબતે અને સરકાર જે કંઈ ‘કરે છે’ તે વિશે આપણા મીડિયા ઉહાપોહ કરે છે… ટૂંકમાં, સરકાર
અને વોટર, સરકાર અને નાગરિકના સંબંધો એકબીજાથી સેટિસફાઈડ કે એકબીજાની સાથે સંતોષપૂર્ણ નથી,
આપણા દેશમાં!
આજે 31 માર્ચે સામાન્ય રીતે ફાઈનાન્સિયલ વર્ષના ચોપડા બંધ થાય. ટેક્સની રકમો
આજના દિવસ સુધીના ટ્રાન્ઝેક્શન પર નક્કી થઈ જાય. ઉઘરાણી, લેવડ-દેવડ, બધું 31 માર્ચના નામે
થોડું વહેલં, થોડું ઉતાવળથી પૂરું કરવાનો સૌનો પ્રયાસ રહે છે, પરંતુ એટલી જ ઉતાવળથી કે એટલા
જ ઉત્સાહથી ટેક્સ ચૂકવવામાં આપણે જોડાતા નથી. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દરેક વખતે આખો માર્ચ
મહિનો ટેલિવિઝન ઉપર, અખબારોમાં જાહેરાત કરે છે. આવકવેરો ચૂકવવો એ એક નાગરિક તરીકે
આપણી ફરજ છે. આપણે જે કંઈ કમાઈએ છીએ, એની સામે આપણી સરકારને અમુક રકમ
આપવાની આપણી ફરજ છે, એવું આ દેશનું સંવિધાન કહે છે. સંવિધાન એમ પણ કહે છે કે, સામે
આ ટેક્સના કે વેરાના પૈસામાંથી સરકાર સવલતો ઉભી કરે છે. સરકારના તંત્ર આપણા જ ચૂકવેલા
ટેક્સમાંથી ચાલે છે. આઈએએસ કે પોલીસના પગાર, સરકારી ગાડીના પેટ્રોલ અને મંત્રીઓના વિદેશ
પ્રવાસની રકમો આપણા ટેક્સમાંથી જ તો ઉભી કરાય છે.
આ દેશમાં એવા કેટલા બધા લોકો છે જે લોકો પાસે ઈન્કમટેક્સ રિટર્ન નથી. આવકમર્યાદાથી
નીચે જો આપણી આવક હોય તો ટેક્સ ચૂકવવાનો થતો નથી એવું સરકારને જણાવવા માટે ‘નીલ’
(Nil) રિટર્ન ફાઈલ કરવા જોઈએ. ઈન્કમટેક્સ રિટર્ન એ જ લોકો ફાઈલ કરે જેમની આવક બહુ હોય,
આવો વહેમ અને ગેરસમજણ ઘણા લોકોને છે, પરંતુ એ સાચું નથી. ઈન્કમટેક્સ રિટર્ન એ આપણી
ભારતીય નાગરિક હોવાની એક મહત્વની ઓળખ છે. પાસપોર્ટ કે બીજા ડોક્યુમેન્ટ્સ, બેંકની લોન કે
ઘરના દસ્તાવેજ, વિઝા જેવી અનેક બાબતોમાં છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન (ભલે નીલ હોય તો પણ)
ખૂબ કામના દસ્તાવેજ પૂરવાર થાય છે.
કોઈપણ વ્યક્તિ પોતાની આવકનો કેટલો હિસ્સો સરકારને આપે છે એ વિશે સામાન્ય
નાગરિકને ખબર નથી, એટલું જ નહીં દુનિયાના કયા દેશમાં કેટલો ટેક્સ છે અને એની સામે સરકાર
કઈ કઈ સગવડો આપે છે એ વિશે પણ આપણી પાસે માહિતી નથી. ટુરિસ્ટ તરીકે આપણે જ્યારે કોઈ
દેશમાં જઈએ છીએ ત્યારે એની સરકાર ટેક્સનું સ્ટ્રક્ચર કે વ્યાપાર વિશે ભાગ્યે જ જાણવાનો પ્રયાસ
કરીએ છીએ.
ચાલો, આપણા દેશ વિશે તો થોડું જાણીએ… આવક માટે અઢી લાખ રૂપિયાની મર્યાદા નક્કી
કરવામાં આવી છે. આવક એટલે જેટલા પૈસા આખા વર્ષનો ખર્ચ બાદ કરતા વધે તે. આપણો ટેક્સ
આપણા પ્રોફિટ ઉપર ચૂકવીએ છીએ. ગ્રોસ ઈનકમમાંથી ખર્ચ બાદ કરીને જે બચે તે નેટ ઈનકમ છે.
આ ખર્ચમાં બિઝનેસના ખર્ચને આવરી લેવામાં આવે છે, પરંતુ અંગત ખર્ચને-ઘરખર્ચ કે પ્રવાસ,
શોપિંગ કે બીજી અંગત બાબતોને અહીં ખર્ચ સ્વરૂપે મૂકી શકાતી નથી. રૂ. 5થી 10 લાખમાં 10 ટકા,
રૂ. 10થી 20 લાખમાં 20 ટકા અને રૂ. 20 લાખથી ઉપરની આવકમાં 30 ટકા ઈન્કમટેક્સ, 10 ટકા
ટીડીએસ, 18 ટકા જીએસટી અને પ્રોપર્ટી ટેક્સ ચૂકવવા પડે તો એની આવકના 50 ટકા જેટલો
ભાગ એણે સરકારને આપી દેવો પડે, એવી સ્થિતિ આજે આપણી સામે છે. જે દેશનો નાગરિક ટેક્સ
ચૂકવવામાં આળસ કરે, ઉદાસીનતા દાખવે-એ દેશના નાગરિકને સરકારી સવલતો સામે ફરિયાદ
કરવાનો અધિકાર નથી, એ વાત સાચી છે, પરંતુ આ દેશનો નાગરિક જ્યારે ફરિયાદ કરે છે ત્યારે
આટલા બધા ટેક્સની સામે મળતી સવલતો ઉણી અને ઓછી છે, એટલું તો આ દેશની દરેક સરકારે
સ્વીકારવું રહ્યું.
એક સામાન્ય નાગરિક જે ટેક્સ ચૂકવે છે, એને નહીં મળતી બધી જ સગવડો, એના જ
પૈસામાંથી આ દેશના નેતાઓ, સરકારી ઓફિસર્સ અને પોલીસવાળા ભોગવે છે. આપણે બધા જ
ચૂપચાપ આ તમાશો જોતા રહીએ છીએ. આ દેશના નાગરિક તરીકે આપણે ફરિયાદ કર્યા સિવાય,
બડબડ કર્યા સિવાય કે કચકચ કર્યા સિવાય બીજું ખાસ કંઈ કરતા નથી! આપણને ફરિયાદ કરવાથી
સંતોષ થઈ જાય છે? જો નથી થતો, તો બીજાની બેઈમાનીને ગાળો દઈને આપણે એવું નક્કી કરીએ
છીએ કે આપણને પણ બેઈમાની કરવાનો હક્ક મળી ગયો છે. સરકાર સવલત નથી આપતી માટે
આપણને ટેક્સ ચોરી કરવાની છૂટ છે… એવું આપણે માનતા થઈ ગયા છીએ? મેન્યુફેચર્સ ઓછો
સ્ટોક બતાવે-વધુ લોડિંગ કરે, ખેડૂતો અને ફેક્ટરી માલિકો વીજચોરી કરે, બિલ નહીં બનાવીને કેશ
પૈસા લઈને વેટ અથવા સર્વિસટેક્સ બચાવવામાં આવે, ઓછી કિંમતના દસ્તાવેજ કરીને પ્રોપર્ટીનો
ટેક્સ પણ ઓછો જ ચૂકવવામાં આવે. આ દેશમાં આપણને કેટકેટલી જગ્યાએ છેતરપિંડી કરવાની તક
મળી રહે છે!
પરદેશમાં સગવડો છે ને આપણે ત્યાં નથી, એ બહાના હેઠળ આ દેશમાં ભણેલા-ગણેલા
એન્જિનિયર્સ અને ડૉક્ટર્સને એમના માતા-પિતા એમને પરદેશ મોકલવા બેબાકળા થઈ જાય છે.
માસ્ટર્સ કરવા ગયેલા કેટલાય હાઈલી એડ્યુકેટેડ યુવાનો પાછા ફરતા નથી… વિદેશની સગવડો આકર્ષે
છે. લાઈફ સ્ટાઈલ ગમી જાય છે, પરંતુ એ જ બધા લોકો અહીંથી પરદેશ જાય ત્યારે મૂંગે મોઢે ટેક્સ
ચૂકવે છે. આ લોકો નાની-મોટી ચિટિંગ કરતા હશે, કદાચ! પરંતુ, વિદેશની ટ્રાન્સપરન્ટ ઈલેક્ટ્રોનિક
સિસ્ટમના કારણે બહુ મોટા ગફલા થઈ શકતા નથી, ત્યારે શું કરે છે?