ટેકનોલોજીનો ત્રાસઃ બધાને, બધું જાણવું જ છે

‘અમદાવાદમાં છો?’ સામેની વ્યક્તિ ફોન ઉપર પૂછે છે.
‘ના બહાર છું’ જવાબ મળે છે.
‘ક્યાં?’ એ ફરી પૂછે છે.
‘બહારગામ’ જવાબ ટાળવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ હવે સહેજ ચીડાયેલી છે.
‘ક્યારે આવવાના?’ સામેની વ્યક્તિના સવાલો હજી પત્યા નથી.
‘તમારે કામ શું છે એ કહોને…’ જવાબ આપનાર વ્યક્તિની ધીરજ ખૂટે છે.
‘જરા મળવું ‘તું’ સામેની વ્યક્તિ કહે છે.
‘બોલો ને…’ જવાબ આપનાર વ્યક્તિ નમ્રતાથી પૂછે છે.
‘ના. આપણે મળીએ…’ સામેની વ્યક્તિ આગ્રહ રાખે છે.
‘ભલે’ હું ફોન કરીશ.
‘ક્યારે?’ સામેની વ્યક્તિ પૂછે છે.
‘બે-ત્રણ દિવસમાં’.
‘પરમદિવસે હું ફોન કરું?’ પૂછનાર વ્યક્તિ થાકતી નથી!

આવું લગભગ દરેક વ્યક્તિ સાથે થયું હશે. ઘરની, અંગત વ્યક્તિ કે જીવનસાથી-પ્રિયજન, માતા-
પિતા કે સંતાન, ભાઈ-બહેન જેવી વ્યક્તિ આવા પ્રશ્નો પૂછે તો સમજી શકાય, પણ પૂછનાર સાથે
આપણે છ-બાર મહિનામાં એકવાર વાત થતી હોય અથવા ક્યારેક તો એ પહેલીવાર ફોન કરતા હોય તો
પણ એમની પ્રશ્નાવલી અટકે નહીં! આપણા વિશે બધી જ માહિતી માગ્યા પછી જ એ પોતાની વાત
શરૂ કરે જેથી આપણે એને ટાળી ન શકીએ! આવા હોશિયાર-ચતુર સેલફોન ધારકો આપણને ગમે ત્યાં
પકડી પાડે, આપણે વાત કરી શકીએ એમ છીએ કે નહીં, વાત કરવાની ઈચ્છા છે કે નહીં એવું પૂછ્યા
વગર જ એ પોતાની કથા શરૂ કરી દે! આવા પ્રસંગે આપણી નમ્રતા કે સજ્જનતા આપણો અવગુણ થઈ
જાય! જ્યારથી સેલફોન આવ્યા છે ત્યારથી સવાલ-જવાબનો સિલસિલો ખૂબ લાંબો ચાલે છે. મોબાઈલ
ફોન એટલા માટે શોધાયા કે, વ્યક્તિ ક્યાંય પણ હોય અને આપણે એનું અરજન્ટ કામ હોય આપણે એનો
સંપર્ક કરી શકીએ, પરંતુ કેટલાક લોકો એમ માને છે કે, કોઈને પણ-ગમે ત્યારે સંપર્ક કરવાનો એમને
અધિકાર છે એટલું જ નહીં, સામેની વ્યક્તિએ એમને જવાબ આપવો જ પડે. જો ફોન ન ઊઠાવવામાં
આવે, કે ડિસકનેક્ટ કરવામાં આવે તો આવા શૂરવીરો ઉપરાઉપરી પ્રયાસ કરવાનું છોડતા નથી. આપણે
ફોન ઉપાડીને કહીએ, ‘થોડીવારમાં કરું છું’ છતાંય, ‘હું શું કહું છું…’ કહીને એ પોતાની વાત શરૂ કરી દે.
વચ્ચે અટક્યા વગર, શ્વાસ લીધા વગર એ જે રીતે બોલવા મંડે એમાં બારી પણ ન છોડે, જે ખોલીને
આપણે કૂદી શકીએ!

સેલફોનનો એક બીજો ઉપદ્રવ એ છે કે કોઈપણ, ગમે ત્યારે ‘સેલ્ફી’ પાડવા તૈયાર જ હોય! આ
વિનંતી ક્યારે આગ્રહ-દુરાગ્રહમાં બદલાઈ જાય અને પછી ઈગો પ્રોબ્લેમ થઈ જાય એની આપણને ખબર
પણ ન પડે! કેટલાક લોકો પોતે ક્યાં છે, શું કરે છે, શું ખાધું, કોને મળ્યા ત્યાંથી શરૂ કરીને એમની રોજિંદી
આત્મકથા સચિત્ર અપલોડ કરે છે. એમને લાગે છે કે, આખું જગત એમના વિશે જાણવા તત્પર છે!
આવા લોકો કોઈપણ સેલિબ્રિટી કે પ્રસિધ્ધ વ્યક્તિને મળે કે તરત સેલ્ફી પાડવા મરણિયા થઈ જાય છે.
કદાચ, કોઈક કારણસર આવી સેલિબ્રિટી કે પ્રસિધ્ધ વ્યક્તિ ‘ના’ પાડે તો એ અનુભવ પણ એમની
રોજનીશી જેવી સચિત્ર આત્મકથામાં અપલોડ થઈ જાય છે.

ટેકનોલોજીએ આપણને એકબીજા સુધી પહોંચવામાં મદદ કરી છે, એની ના નહીં… પરંતુ, એ જ
ટેકનોલોજીથી આપણે સૌ ધીરે ધીરે બીજાની જિંદગીમાં ઘૂસપેટ કરી રહ્યા છીએ એની આપણને કલ્પના કે
સમજણ નથી રહી. આપણે બધા એં માની બેઠા છીએ કે સેલફોન ‘આપણી’ સગવડ માટે શોધાયો છે!
એમાં કોઈ બીજાની ઈચ્છા-અનિચ્છા, ગમા-અણગમા, સગવડ-અગવડને સ્થાન નથી એવું મોટાભાગના
લોકો માને છે. સમય જતાં આ પરિસ્થિતિ વધુ ને વધુ ગંભીર, વિકટ અને તકલીફદાયક બનતી જાય છે.
સવારના પહોરમાં ‘ગુડ મોર્નિંગ’ના મેસેજ મોકલનારા લોકોથી શરૂ કરીને જરૂરી, બિનજરૂરી ફોરવર્ડ
મોકલનારા લોકો પણ આ સમસ્યામાં મહત્વનું પ્રદાન કરે છે. થોડા સમય પહેલાં આપણા ઘરોમાં એક
પોસ્ટકાર્ડ આવતું. જેમાં અમુક-તમુક ભગવાનના ચમત્કારો લખ્યા હોય અને સાથે લખ્યું હોય કે, આવાને
આવા 40-50 કે 101 પોસ્ટકાર્ડ નહીં લખો તો તમારું સત્યાનાશ થશે, પણ જો લખશો તો તમને
આકસ્મિક લક્ષ્મી પ્રાપ્ત થશે. ઘરમાં સુખ-શાંતિ આવશે અને ચમત્કાર થશે. આવા પોસ્ટકાર્ડ લખનારાની
માનસિકતા હવે કેટલાક સેલફોન ધારકોમાં ઉતરી આવી છે. એમને મળેલી દરેક માહિતી (સાચી કે ખોટી)
એ જ્યાં સુધી ‘અમુક’ લોકો સુધી ન પહોંચાડે ત્યાં સુધી એમના જીવને ચેન પડતું નથી. સેલફોન અથવા
મોબાઈલ હવે ઉપયોગી ટેકનોલોજી કરતાં વધારે વ્યસન અને સમસ્યા બની રહ્યો છે. યુવા વર્ગની સમસ્યા
વળી સાવ જુદી છે… પરંતુ, આપણે જે પેઢીની વાત કરીએ છીએ એ પેઢીએ કાળા ચકરડાવાળા ફોનથી
શરૂ કરીને સેલફોન સુધીનો પ્રવાસ કર્યો છે. એમણે ફોન વગરનો સમય પણ જોયો જ છે, પરંતુ આજે
એમને માટે ‘ફોન વગર’ જીવવું એ ઓક્સિજન વગર જીવવા જેવી પરિસ્થિતિ બનવા લાગી છે.

છેલ્લી અને મહત્વની વાત. દુનિયાની દરેક ટેકનોલોજી સાથે નાનું મોટું ફ્રોડ કરનારા ચોર કે ધૂતારા
જોડાયેલા હોય છે. આ સેલફોનનું વ્યસન આપણને ધીરે ધીરે વધુ ને વધુ છેતરાવા તરફ ધકેલી રહ્યું છે.
બેન્ક, અને સરકાર વારંવાર સૂચના આપે છે કે, આ ટેકનોલોજીને પોતાના ઉપયોગ માટે વાપરવી. કોઈ
સાથે ઓટીપી, ખાતાની વિગતો, આધાર કાર્ડ વગેરે ફોન ઉપર શેર કરવા નહીં તેમ છતાં, સેલફોન
વ્યસનીને સારા ખોટાની સમજણ રહેતી નથી, આવી માહિતી શેર કર્યા પછી એમને સમજાય છે કે એમણે
શું ભૂલ કરી છે? ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે.

સેલફોનના 99 ફાયદા છે એમ માની લઈએ તો પણ એનો એક સૌથી મોટો ગેરફાયદો એની
કાર્બન ફૂટપ્રિન્ટ છે. આપણે જેટલા મેસેજ, વ્હોટ્સએપ ફોરવર્ડ કરીએ છીએ, જેટલા કલાકો ઈન્ટરનેટનો
ઉપયોગ કરીએ છીએ એ બધા કલાકો આપણે એન્વાયર્મેન્ટ (પર્યાવરણ)માં થોડું વધુ નુકસાન કરી રહ્યા
છીએ. ચાલુ ગાડીમાં, ટુવ્હીલર પર સેલફોન વાપરનારાને અકસ્માત થયાના અનેક દાખલા પછી પણ
આપણે માનીએ છીએ કે, ‘આપણને કંઈ નહીં થાય!’

સેલફોન એક એવી ટેકનોલોજી છે જે આપણી સગવડ માટે શોધાઈ અને સમસ્યા બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *