1962માં ઈન્ટરનેશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે, 27
માર્ચને ‘વર્લ્ડ થિયેટર ડે’ તરીકે ઉજવવામાં આવશે. જિન (જ્યોં) કોકટ્યૂ નામના ફ્રેન્ચ લેખકે 1962માં
પહેલીવાર વર્લ્ડ થિયેટર ડેનો મેસેજ વિશ્વભરના કલાકારો અને રંગભૂમિ સાથે સંકળાયેલા લેખકો,
સંગીતકારો, બેક સ્ટેજમાં કામ કરનારા સેટ ડિઝાઈનરથી શરૂ કરીને સૌ માટે લખ્યો. વિએનામાં
ભરાયેલી નવમી વર્લ્ડ કોંગ્રેસમાં 1961ના જૂન મહિનામાં અરવી કિવિમાં દ્વારા એવી વિનંતી
કરવામાં આવી કે, બીજા અનેક દિવસોની જેમ આંતરરાષ્ટ્રીય વર્લ્ડ થિયેટર ડે ઉજવાવો જોઈએ. જેને
સ્કેન્ડીનેવિયન થિયેટરના અનેક કલાકારોએ સપોર્ટ કર્યો અને ત્યાર પછી 1962થી વર્લ્ડ થિયેટર ડેની
ઉજવણી શરૂ થઈ.
પરંતુ, ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો રંગભૂમિની પ્રવૃત્તિ એથી ઘણી વહેલી એટલે
કે લગભગ 1750માં શરૂ થઈ હતી એમ માનવામાં આવે છે. એ વખતે મુંબઈ બેટ ઉપર લશ્કરના
કેમ્પ્સમાં રહેતા બ્રિટિશ સૈનિકોએ બાંધેલું બોમ્બે થિયેટર અનેક નાટકોની ભજવણીનું મૂળ સ્થાન હતું.
લગભગ 20 વર્ષ પછી મુંબઈમાં વસતા યુરોપિયનોએ જાહેરનામું બહાર પાડી ડોનેશન લઈને એ
કામચલાઉ ટેન્ટ જેવા થિયેટરને પાકું બાંધકામ કરી થિયેટરનું સ્વરૂપ આપ્યું. લગભગ 1810 સુધી આ
‘બોમ્બે થિયેટર’ તરીકે ઓળખાતું ઓડિટોરિયમ બરાબર ચાલ્યું, પરંતુ એ પછી એમાં રસ લેવાનો
ઓછો થયો અને ધીમે ધીમે એની સ્થિતિ કથળી ગઈ. એવું માનવામાં આવે છે કે, 1800ની શરૂઆત
સુધીમાં આ થિયેટરમાં 100 જેટલા નાટ્ય પ્રયોગો થયેલા. એ પછી ગ્રાન્ટ રોડ ઉપર જગન્નાથ શંકર
શેઠ અને જમશેદજી જીજીભૉય જેવા ગૃહસ્થોએ આગળ આવીને ગ્રાન્ટ રોડ ઉપર રોયલ થિયેટર
બાંધ્યું. દસમી ફેબ્રુઆરી, 1846ના દિવસે એનું ઉદઘાટન થયું. નવાઈની વાત એ છે કે, આ થિયેટર
ધમધમાટ ચાલતું હોવા છતાં એમાંથી આવક થવાને બદલે એના મેઈન્ટેનેન્સ અને બીજા કારણોસર
થિયેટર ઉપર સતત દેવું રહેતું. બિલો બાકી રહેતા. અંતે 1855માં એ થિયેટર વેચી નાખવામાં આવ્યું
અને શંકર શેઠે એને ખરીદી લીધું. ભારતીય માલિકીનું આ પહેલું થિયેટર હતું…
એ પછી પારસી નાટક મંડળીઓ, એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબ, વિક્ટોરિયા નાટક મંડળી,
નાટક ઉત્તેજક મંડળી, રણછોડભાઈ ઉદયરામ, એસ્પ્લેનેડ થિયેટર, નરોત્તમ મહેતાજીની મંડળી વગેરે
મંડળીઓ ઊભી થઈ અને તૂટી પડી. ગુજરાતી રંગભૂમિ સવા શતાબ્દી મહોત્સવના સ્મારક ગ્રંથમાં
જાન્યુઆરી, 1979માં પોતાના વક્તવ્યમાં રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટે કહ્યું હતું, “સવાસો વર્ષની
રંગભૂમિનો સુવર્ણયુગ લગભગ 1895થી 1945 સુધીનો પાંચ દાયકાનો ગણી શકાય. મુંબઈમાં
ભજવાતાં અંગ્રેજી નાટકો જોઈ સાહસિક પારસી ગૃહસ્થે નાટ્યસંસ્થાઓ શરૂ કરવાની મહેચ્છા જાગી.
રુસ્તમ સોહરાબ, હરિશ્ચંદ્ર તેમજ પારસી ગુજરાતી નાટકો 1875 સુધી ભજવાયાં. એમાં
ગુજરાતના ખ્યાતનામ સાક્ષરો દલપતરામ ડાહ્યાભાઈ, રણછોડભાઈ ઉદયરામે પણ સારો ફાળો
આપ્યો હતો. ‘રુસ્તમ સોહરાબ’ નાટકની કવિતાઓ કવિ દલપતરામે લખી હતી. કુંવરજી નાગરની
કંપની માટે ‘હરિશ્ચન્દ્ર’ અને મહેતાજીની કંપની માટે ‘લલિતાદુઃખદર્શક’ નાટક રણછોડભાઈ ઉદયરામે
લખ્યાં હતાં. 1875માં સૌરાષ્ટ્રમાં વાઘજી આશારમ ઓઝાએ ‘સુબોધ નાટક કંપની’ની સ્થાપના કરી,
જેનું નામ પાછળથી ‘મોરબી આર્ય સુબોધ નાટક મંડળી’ રાખવામાં આવ્યું હતું. 1889માં નડિયાદના
પ્રસિધ્ધ સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીના ‘કાન્તા’ નાટકથી ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ની
સ્થાપના થઈ. એના સ્થાપક હતા દયાશંકર ભટ્ટ. એ જ વર્ષમાં અમદાવાદના પ્રસિધ્ધ સાક્ષર
ડાહ્યાભાઈ ધોળશાજીએ ખેડાના ગુલાબવિજયજી મહારાજના શુભહસ્તે નડિયાદમાં ‘શ્રી દેશી નાટક
સમાજ’ની સ્થાપના કરી, જે હજુ જીવંત છે.”
વર્લ્ડ થિયેટર ડેના દિવસે કેટલાંક નામો અને નાટકોને યાદ કરીએ જેમના ખભે આજનું
ગુજરાતી થિયેટર અથવા રંગભૂમિ ઊભાં છે.
દલપતરામ અને નર્મદે ગુજરાતી અધ્યાસ ધરાવતી ભાષામાં પ્રથમ નાટકો લખ્યાં હતાં.
1850માં દલપતરામે ‘લક્ષ્મી’માં ગ્રીક નાટક ‘પ્લુટસ’ની વાર્તાને ગુજરાતીમાં નાટક રૂપે ઉતારી હતી
અને સંવાદ ભવાઈની ઢબે લખેલા. તેનો ‘સ્વાંગ’ પણ ભવાઈના ‘વેશ’નું સ્મરણ કરાવે. તેમનું
‘મિથ્યાભિમાન’ નાટક રંગભૂમિને લક્ષમાં રાખીને લખાયેલું.
નાટ્યકાર રણછોડભાઈના ઉદય સાથે ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ સંકળાયેલો છે.
ભવાઈના ‘વેશો’માં થતા નિર્લજ્જ ચેનચાળા જોઈને રણછોડભાઈને ભવાઈ પર અણગમો આવ્યો
અને શિષ્ટ નાટકો રચવાની પ્રેરણા થઈ. નાટ્યરચના પાછળ સંસ્કારશિક્ષણની તેમની નેમ હતી.
અમર્યાદ શૃંગારચેષ્ટામાં ઉતરી પડતાં ધંધાદારી નાટકોની વિરુધ્ધમાં તેમણે ‘નિન્દ્યશૃંગારનિષેધક’ નાટક
લખ્યું હતું. આજે જ્યારે ફક્ત કોમેડી નાટકો ભજવાઈ રહ્યા છે અને એમાં પણ કેટલીકવાર મર્યાદા
લાંઘીને ફક્ત પ્રેક્ષકોને હસાવવા માટે અમુક પ્રકારના ચેનચાળા કે સંવાદોનો ઉપયોગ થાય છે ત્યારે
આજથી દોઢસો વર્ષ પહેલાં પણ રણછોડભાઈ ઉદયરામ દવેએ જે ફરિયાદ કરી હતી એ આજે પણ
ઊભી છે… એ કેટલી નવાઈની વાત છે!
રણછોડભાઈએ ચૌદ નાટકો લખ્યાં છેઃ ‘જયકુમારીવિજય’, ‘લલિતાદુઃખદર્શક’, ‘તારામતી
સ્વયંવર’, ‘નળદમયંતી’, ‘પ્રેમરાય અને ચારુમતી’, ‘બાણાસુરમદમર્દન’, ‘મદાલસા અને ઋતુધ્વજ’,
‘વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્યો’, ‘વેરનો વાંસે વસ્યો વારસો’, ‘નિન્દ્યશૃંગારનિષેધક’, ‘હરિશ્ચંદ્ર’,
‘માલવિકાગ્નિમિત્ર’, ‘રત્નાવલિ’ અને ‘વિક્રમોર્વશીય’, ‘હરિશ્ચંદ્ર’ (તમિળના અંગ્રેજી અનુવાદનો
અનુવાદ) અને છેલ્લાં ત્રણ (સંસ્કૃત ઉપરથી) સિવાયનાં દસ તેમનાં સ્વતંત્ર નાટકો છે.
‘લલિતાદુઃખદર્શક રણછોડભાઈનું શ્રેષ્ઠ મૌલિક નાટક છે.
ગુજરાતી નાટક અને રંગભૂમિના વિકાસનું બીજું સીમાચિહ્ન ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટકો
છે. તેમણે 24 જેટલાં નાટકો ટૂંકા જીવનકાળ દરમિયાન લખ્યાં હતાં. તેમાં પૌરાણિક (‘શાકુન્તલ’,
‘સતી પાર્વતી’, ‘ઉર્વશી-અપ્સરા’, ‘રામવિયોગ’ અને ‘લાક્ષાગૃહ’), ઐતિહાસિક (‘સતી સંયુક્તા’, ‘વીર
વિક્રમાદિત્ય’, ‘અશ્રુમતી’, ‘ભોજરાજ’, ‘તરુણભોજ’, ‘ભોજકુમાર’ અને ‘સતી પદ્મિની’), સામાજિક
(‘ભગતરાજ’, ‘કેસરકિશોર’, ‘મ્યુનિસિપલ ઈલેક્શન’ અને ‘મોહિનીચંદ્ર’) અને રજવાડી (‘સરદારબા’,
‘ઉમાદેવડી’, વિજયકમળા’, ‘તારાસુંદરી’, ‘વિજયવિજય’, ‘વીણાવેલી’ અને ‘ઉદયભાણ’).
એ સિવાય કેટલાક કવિઓ મણિલાલ નભુભાઈ, વાઘજી આશારામ ઓઝા, નથ્થુરામ સુંદરજી,
મૂળશંકર મુલાણી, નારાયણ વસંતજી ઠક્કર, હરિહર દિવાના, મણિલાલ પાગલ, રસકવિ રઘુનાથ
બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, કવિ મનસ્વી…
કેટલાક પુરુષ નટો મૂળજી આશારામ ઓઝા, બાપુલાલ નાયક, જટાશંકર, ધનેશ્વર મયાશંકર,
ગોપાળજી બાલુભાઈ, સોરાબજી કાત્રક, મૂળચંદ મામા, શનિ માસ્ટર અશરફ ખાન, વિઠ્ઠલદાસ,
મૂળજી ખુશાલ, મોહન લાલાજી, કાસમભાઈ, ભવાનીશંકર, પ્રાણસુખ એડીપોલો, ભૂલાભાઈ બારોટ,
ચીમન મારવાડી વગેરે.
સ્ત્રી પાત્રો ભજવનાર અભિનેતાઓમાં માસ્ટર પ્રહ્લાદ, જયશંકર સુંદરી, ચાંદમિયાં પીંગળા,
ત્રિકમદાસ, સુરભિ, માસ્ટર ભગવાનદાસ, સૂરજરામ સ્પેશિયલ સુંદરી, નાનજી શિવલાલ હોથલ,
આણંદજી કબૂતર, છન્નાલાલ સૂર્યકુમારી, માસ્ટર ભીખુ, માસ્ટર ભોગીલાલ માલતી…
સ્ત્રીઓની ભૂમિકામાં સ્ત્રી કમળાબાઈ, શ્યામા, મોહિની, મણિ, મોતીબાઈ, રાણી પ્રેમલતા,
સરસ્વતી, ચન્દ્રિકા, રામપ્યારી, સુશીલા, યામિની, દુલારી, મુન્નીબાઈ, રૂપકમલ, શાલિની, શારદા…
સંગીતકારોમાં ઉસ્તાદ વાડીલાલ, હરિભાઈ જામનગરવાળા, માસ્ટર કાસમ, બાપુલાલ
પૂંજીરામ, મોહન જુનિયર, હાજી મહમ્મદ, માસ્ટર અમરતલાલ, મૂળચંદ મામા, બબરુપ્રસાદ,
બબલદાસ ઉસ્તાદ…
પેઈન્ટર્સ-જે પાછળના પડદા અને નાટકની પ્રોપર્ટી તૈયાર કરતા. રંગીલદાસ, રૂડર,
ગણપતરામ, ધનજીશા, મહમ્મદ આલમ, વીરચંદ, ગણપત જુનિયર, જહાંગીર મિસ્ત્રી, બરજોર
મિસ્ત્રી, ખંડુભાઈ, રઘુવીરદાદા, અમૃતલાલ નાયક…
આજની રંગભૂમિ જ્યાં ઊભી છે ત્યાં પહોંચવા માટે રંગભૂમિએ અનેક પડાવ પસાર કર્યા
છે… આ બધા સિવાય પ્રવિણ જોશી, અરવિંદ જોશી, કાંતિ મડિયા, શૈલેશ દવે, શફી ઈનામદાર જેવાં
કેટલાંય નામો છે જેમને આજના દિવસે આદરપૂર્વક પ્રણામ કરીએ.