‘ટાઈમ પાસ’ : અલ્લડતાથી ઓડિસી સુધી…

પ્રોતિમા બેદી, એક એવું નામ જે આજે પણ વિવાદાસ્પદ વર્તુળોમાં ચર્ચાતું રહ્યું છે… એમની
આત્મકથા ‘ટાઈમ પાસ’ જે એમની દીકરી પૂજા દેવી ઈબ્રાહીમ દ્વારા સંકલિત કરવામાં આવી છે. એના
કેટલાંક અંશ અહીં રજૂ કર્યા છે. 12 ઓક્ટોબર પ્રોતિમા બેદીનો જન્મદિવસ છે… ફક્ત 49 વર્ષની ઉંમરે
હિમાલયના પિથોરાગઢના માલપા ગામે લેન્ડ્સ્લાઈડ થવાથી એમનું મૃત્યુ થયું. એક સ્ત્રી પોતાના
જીવનનો તદ્દન નિખાલસ ચિતાર આવી રીતે આપી શકે… એ ‘ટાઈમ પાસ’ વાંચવાથી સમજાય.
“મને ખાતરી થઈ ગઈ હતી કે હું પોતાના માટે વિચારી શકતી જ નહોતી. હું કેવળ ‘ઢ’ જ હતી.
મારી થાપણ માત્ર મારી જુવાની અને મારી સેક્સ અપીલ જ હતી અને આ બંનેનો મેં પૂરેપૂરો ઉપયોગ
કર્યો. હું ભલભલા ભડકી જાય એવાં કપડાં પહેરતી – આરપાર દેખાય તેવું કાપડ, ખૂબ જ નીચે આવે
એવાં ગળા, માત્ર નાની ખભાપટ્ટી, એવાં સ્કર્ટ જેનો કાપ છેક કમર સુધી જતો હોય – આવાં કપડાં હું
મારામાં કલાત્મક અને બૌદ્ધિક શક્તિઓનો અભાવ હતો તેની પૂર્તિ કરવા માટે પહેરતી.”


“યુરોપથી હું પાછી ફરી તે પછી હું એક મોટા વિવાદનો વિષય બની ગઈ. એક ફિલ્મ મેગેઝિનમાં
મારા નગ્ન ફોટા છપાયા અને એવી વાત ફેલાઈ ગઈ કે મેં જહાંગીર આર્ટ ગેલેરીની બહાર ટ્રાફિક-
ભીડવાળા રસ્તા ઉપર મારાં કપડાં ઉતાર્યાં હતાં. ખરેખર મેં આવું કશું જ કર્યું નહોતું. આ તથાકથિત
નગ્નતા ગોવામાં થઈ હતી. એ દિવસોમાં અંજુના બીચ પર હું ઘણો વખત હિપ્પીઓ સાથે ગાળતી હતી.
ત્યાં બધા નગ્ન જ ફરતાં હતાં. તમે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં હો તોય તમને અડવું લાગે. તેથી હું પણ બીજા
બધાની જેમ બીચ પર નગ્ન જ રહેતી. કોઈકે ત્યાંના મારા ફોટા પાડી દીધા હશે અને મેગેઝિને એ ફોટા
મુંબઈની ગલી પર ઉપરથી ચોંટાડી દીધા હશે અને લોકો એવા ભોટ કહેવાય કે કોઈએ આ અંગે કશો
સવાલ પણ ઊભો ન કર્યો. જો મેં મુંબઈમાં આમ કર્યું હોત તો મારી આજુબાજુ લોકોની ભીડ ઊભી થઈ
ગઈ ન હોત ? અને મારી સાથે થોડાક બીજા લોકો ય ફોટામાં ન ઝડપાઈ જાત ? વાસ્તવમાં તો જે લોકો
સાથે હું હતી, જે જગ્યાએ હતી ને જે સંજોગોમાં હતી, ત્યાં મેં જે કર્યું – નગ્ન થઈ તે – સંપૂર્ણ રીતે
નોર્મલ જ હતું, પરંતુ જ્યારે એકેએક મેગેઝિને ઉપજાવેલા ફોટા છાપ્યા ત્યારે સ્વાભાવિક છે કે એ બધું
ખૂબ વિરૂપ લાગ્યું. કેમ કે, એનો સંદર્ભ સાચો નહોતો. મારા નગ્ન ફોટા બધા જ પ્રકારનાં સામયિકો –
મેગેઝિનોમાં પ્રગટ થયા હતા અને તેથી બહુ જ ધમાલ-ઘોંઘાટ થઈ ગયા હતા અને ચોખલિયા લોકોએ
ખૂબ કાદવ ઉછાળ્યો હતો, પણ એટલે જ એમાંનું કશું ય સાચું નહોતું એવું કહેવાનો, કે કોઈ ખરી સ્પષ્ટતા
કરવાનો, મને કશો અર્થ ન લાગ્યો. તેથી મેં ચૂપ રહેવાનું નક્કી કર્યું. મેં વાત ખોટી છે એમ કહ્યું હોત કે
ચોખવટ કરી હોત તો પણ કોઈ જ હેતુ સર થવાનો નહોતો. મને મીડિયાનો બહુ જ અનુભવ હતો. તેને
હું બરાબર જાણતી હતી. હું ફિલ્મોની ભવ્ય પાર્ટીઓથી દૂર રહેતી હતી ત્યારે પત્રકારો મને શોધી કાઢતા
અને મારા તથા કબીર પર એક લેખ આખો ઊપજાવી કાઢતા અને તેમાં મારા મોંમાં બધી જાતના શબ્દો
મૂકતા અને જે કાંઈ હું ન બોલી હોઉં તો ય મારે નામે છાપતા, ને બધું સંદર્ભથી તદ્દન વિપરિત લખતા.
વાચક માટે તો મીડિયા જે કહે તે હંમેશાં સત્ય જ હોય છે.”


“ગુરૂ કેલુચરણ મહાપાત્ર ઓડિસીના મહાન ગુરૂ હતા. મેં ઓડિસી શીખવાનું નક્કી કર્યું ત્યારે
એમણે મને કહ્યું હતું, ‘નૃત્ય ઝડપથી આવે અને છોડી દેવાય એવો કામચલાઉ રોમાંચ નથી. એ જીવવાનો
સર્વાંગ સંપૂર્ણ રસ્તો છે. જીવનકલાને સમર્પિત કરવું પડશે.’ મેં કહ્યું હતું, ‘હું બધું છોડી દઈશ. સિગરેટ,
શરાબ, પતિ, બાળકો બધું જ…’ મેં તે કરી બતાવ્યું. ગુરૂ કેલુચરણ મહાપાત્ર એક ખૂબ રૂઢિચુસ્ત વ્યક્તિ
હતા. તેમની દૃષ્ટિએ હું વધારે પડતી ‘મોર્ડન’ યુવતી હતી અને જેને પોતે પવિત્રતમ કલા ગણતા હતા. તે
માટેનું મારું મનોવલણ યોગ્ય હતું જ નહીં. એ કહેતા, ‘નૃત્ય કોઈક પવિત્ર ચીજ છે, એને માટે દેવી-
દેવતાઓની સંગત કરવી પડે.’ પરંતુ મને લાગે છે કે મારી વાતને હું નિષ્ઠાપૂર્વક દૃઢતાથી વળગી રહી તે
વાતે તેઓ પ્રભાવિત થયા હોવા જોઈએ. કારણ કે, થોડીવાર પછી એ પીગળ્યા અને માની ગયા.

હું ગુરૂજીના ઘરમાં રહી, એમની પાસેથી પ્રાચીન ગુરૂકુળ પધ્ધતિ પ્રમાણે નૃત્ય શીખતી હતી. મારે
રોજના બારથી ચૌદ કલાક નૃત્ય કરવું પડતું અને ઘણીવાર મારી આંખમાં આંસુ આવી જતાં. મારા પગ
પર ચીરા પડી ગયા હતા અને મને સતત દર્દ થયા જ કરતું. પગની ચામડી ઉખડી ગઈ હતી. હું છવ્વીસ
વર્ષની થઈ ગઈ હતી અને ત્યાંની સમગ્ર જીવનપધ્ધતિ એવી હતી જેનો આ પહેલાં મને કોઈ રીતે, ક્યાંય
અનુભવ જ નહોતો, પરંતુ હું ફરિયાદ કરી શકી નહીં. મને કટક જરા પણ ગમતું નહોતું. આખું શહેર
ભીડભાડવાળું અને આપણને વિદેશી ગણે તેવા લોકો. ત્યાંની ગલીઓમાં દુર્ગંધ મારતી છતાં લોકો એ સાફ
કરતા કે કરાવતા જ નહીં. મચ્છરો તો લાખો-કરોડોની સંખ્યામાં હતાં, તે ભીંતો પર જાડી પાડી ગરોળીઓ
પણ ખૂબ હતી. જે નાનાં જંતુઓની પાછળ દોડતી હતી. મારે નહાવા માટે કૂવામાંથી પાણી ખેંચી લાવવું
પડતું. મારાં કપડાં ધોવા પડતાં, નીચે સંગીતના ખંડમાં પથરાયેલી રહેતી જાજમ પર સૂવું પડતું.
(વિદ્યાર્થીઓ માટે અલાયદા ખાસ રૂમો નહોતા) મારે રસોડામાં ખાવાનું બનાવવામાં ય મદદ કરવી પડતી
અને રાત્રે ગુરૂજીના પગ દાબવા પડતા. ત્યાંના ખોરાક ને પાણી મને માફક ન આવ્યાં ને હું વારંવાર માંદી
પડી જતી, જેથી બહુ જ મુશ્કેલી પેદા થતી – તમારે નૃત્યકાર બનવું હોય તો તમારામાં જબરજસ્ત શક્તિ
ને ખંત હોવા જ જોઈએ.”

એક વિવાદાસ્પદ, બોહેમિયન જિંદગીમાંથી ઓડિસી નૃત્યની મહાન કલાકાર બનવા સુધીનો
પ્રવાસ પ્રોતિમા બેદીને બીજાઓથી અલગ તારવે છે. એક વ્યક્તિ નક્કી કરે તો શું ન કરી શકે, એ વાત
પ્રોતિમા બેદીના જીવનમાંથી સમજાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *