ટોળે વળે છે કોઈની ‘બદનામી’ ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે

શાહરૂખ ખાનના દીકરાને ડ્રગ્સ માટે પકડવામાં આવ્યો ત્યારે એણે સિમી ગરેવાલના એક
શોમાં કહેલા શબ્દોના વીડિયોને ખૂબ વાયરલ કરવામાં આવ્યો. મોટેભાગે એણે મજાકમાં જ કહ્યું હતું
તેમ છતાં એના જ શબ્દો એને જ પાછા મારવામાં આવ્યા! હજી હમણા જ એક ગુજરાતી સિંગરનું
એન્ગેજમેન્ટ તૂટ્યું, સાટાપાટામાં થયેલા આ એન્ગેજમેન્ટમાં કોણ કેટલું ગુનેગાર છે-તોડવું જોઈએ કે
નહીં, એ વિશે ખૂબ ટ્રોલિંગ થયું. એની ટેલેન્ટ, અવાજ અને ફેન ફોલોઇંગ વિશે કોઈ શંકા નથી, પરંતુ
સામે નાની ઉંમરે મળેલી પ્રસિધ્ધિની કિંમત એ છોકરીએ ચૂકવવી પડી. શા માટે? એક વ્યક્તિના
અંગત જીવનને આવી રીતે ચર્ચાના ચોરા પર લઈ આવવાનો અધિકાર કોઈ પાસે નથી.

હવે લગભગ દરેક વ્યક્તિના એક-દોઢ દાયકા જૂના વીડિયોને ખણખોદ કરીને બહાર કાઢવામાં
આવે છે, આ રમત એક ઘેલછા બની ગઈ છે. સફળ સ્ટાર્સ કે ક્રિકેટર, રાજનેતા કે સામાજિક ક્ષેત્રે
આગળ પડતી વ્યક્તિઓને ટ્રોલ કરવાની એક એવી પ્રવૃત્તિ આજકાલ શરૂ થઈ છે, જેમાં સાચા-ખોટા
એફબી અને ઈન્સ્ટા એકાઉન્ટ ધરાવતા અનેક નવરી વ્યક્તિઓ પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢે છે.

પ્રસિધ્ધ વ્યક્તિઓના વીડિયો કે ભાષણોમાંથી કટ-પેસ્ટ કરીને કેટલીક ખાસ વિગતો બહાર
કાઢવી, એને એક ખાસ વર્ગ કે જ્ઞાતિની સામે મૂકવી અને પછી એ માટે માફી મંગાવવા કે બ્લેકમેઈલ
કરવાની એક નવી જ ફેશન શરૂ થઈ છે. કેટલીક પ્રસિધ્ધ વ્યક્તિઓ આવી પોસ્ટથી ડરે છે. એમને
પોતાની લોકપ્રિયતા કે બિઝનેસ ઉપર આની અસર પડશે એવો ભય લાગે છે એટલે આવા લોકો
પોતાનું ધાર્યું કરી શકે છે. કોર્ટ કે પોલીસ પોતાનું કામ કરે એ પહેલાં સોશિયલ મીડિયા પોતાનો કેસ
ચલાવીને, વ્યક્તિને દોષી ઠરાવીને એને બદનામ કરે છે. આપણે માનીએ કે નહીં, પણ આવી
સોશિયલ મીડિયાની ‘ટ્રાયલ’ની અસર કોર્ટના જજમેન્ટ અને ન્યૂઝ ચેનલ્સ, અખબારો પર પડતી રોકી
શકાતી નથી.

આજથી એક દાયકા પહેલાં સોશિયલ મીડિયાનું આટલું બધું ચલણ નહોતું. ત્યારે પણ લોકો
પાસે પોતાના અભિપ્રાય હતા, પણ એને જાહેર કરવા માટે આવું બળકટ માધ્યમ નહોતું. છેલ્લા થોડા
સમયથી પોતાના પ્લેટફોર્મ પરથી જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ છે. એટલું જ નહીં, કોઈપણ
સ્ટેટમેન્ટને સપોર્ટ કરનારા લોકો મળી જ આવે છે, બલ્કે રાહ જ જોતા હોય છે. એક ચાઈલ્ડ સ્ટારે
આવા ટ્રોલિંગને કારણે ડિપ્રેશનનો ભોગ બનીને આત્મહત્યા કરી લીધી હતી. સોશિયલ મીડિયા પર
કોઈ પણ વિષયને ઉછાળવામાં આવે છે. મલાઈકા અરોરાના અંડરગારમેન્ટ વગરના ફોટા હોય કે જયા
બચ્ચનનો પબ્લિક ફંક્શનમાં ગેરવર્તાવ, કોઈ રાજનેતાના જાહેરમાં ઊંઘતા ફોટા કે તલવાર ડાન્સ
અથવા નોટો ઉડાડતા વીડિયો કે શરાબ પીધેલા કોન્સ્ટેબલ કે રાજનેતાના સેક્સ સ્કેન્ડલ… હવે કશું
છૂપું નથી, દરેકને દરેક વિશે બોલવાની છૂટ મળી ગઈ છે.

આપણે સામાન્ય માણસ હોઈએ, આપણને કોઈ જાણતું ન હોય એથી આપણા વીડિયો નહીં
બને, કે આપણે વાયરલ નહીં થઈએ એવું માનવાનું કોઈ કારણ નથી. રસ્તામાં ઝઘડતા, કચરો ફેંકતા,
રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર તાયફો કરતા લોકોના વીડિયો પણ હવે સાહજિક રીતે ફરવા લાગ્યા છે.
જરાક રસપ્રદ ઘટના લાગે કે તરત સ્માર્ટ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ થઈ જાય છે. એ હદ સુધી કે
સુરતમાં લાગેલી આગમાંથી કૂદતા બાળકો કે હિમાચલના લેન્ડ સ્લાઈડિંગમાં લસરતા-મરતા
માણસોના વીડિયો પણ હવે વાયરલ થાય છે! લોકો એને ફોરવર્ડ પણ કરે છે! સ્માર્ટ ફોને દરેક
માણસને એક પાવર આપ્યો છે. દરેક માણસના હાથમાં એક કેમેરો છે, આ વાત ભયજનક છે.
આપણે જાણતા પણ ન હોઈએ એવી રીતે કોઈ વ્યક્તિ આપણો વીડિયો કરી શકે છે. એને વાયરલ કરી
શકે છે, એટલું જ નહીં, આપણી જાણ બહાર થયેલા આવા વીડિયોને કારણે આપણા અંગત સંબંધો,
કારકિર્દી કે માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

સોશિયલ મીડિયા પર ફોરવર્ડ કરી દેવું એ વાતને એક ધમકી સ્વરૂપે વાપરવામાં આવે છે.
પ્રસિધ્ધ કે સામાજિક રીતે પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિ વિશે ફરતો વીડિયો સાચો છે કે ખોટો, એની પૂરી
તપાસ કર્યા વગર આખું એક ટોળું ‘હઈસો-હઈસો’ કરીને મંડી પડે છે અને બાકીના અનેક નવરા લોકો
એમાં જોડાઈ જાય છે. એમને તો થોડા વખતમાં એક નવો શિકાર, નવો વીડિયો કે નવી સ્ટોરી મળી
જાય, પણ એમણે જે વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હોય એની પ્રતિષ્ઠા અને માનસિકતાને જે
હાનિ પહોંચે એ વર્ષો સુધી રિપેર થઈ શકતા નથી.

સાયબર વર્લ્ડમાં ફરતી દરેક વસ્તુ હવે ક્લાઉડમાં સેવ થાય છે. આપણે સોશિયલ મીડિયા
પરથી ડિલીટ કરી નાખીએ એ પહેલાં જ પોસ્ટ લાખો લોકો સુધી પહોંચી ચૂકી હોય છે. આપણે
આપણા ગુગલ ડ્રાઈવમાં સેવ કરેલો ફોટો આસાનીથી હેક થઈ શકે છે. એક વખત જે ફરતું થયું એને
અટકાવવું લગભગ અશક્ય છે એવું સાયબર ક્રાઈમ સાથે ડીલ કરતા ટેકનોલોજીએ એક્સપર્ટ અને
એથિકલ હેકર્સ પણ સ્વીકારે છે. બીજો એક પ્રશ્ન કોન્ટેન્ટનો છે. કોન્ટેન્ટ ઉપર ગમે એટલા
કોપીરાઈટના કાયદા લગાડવા છતાં આપણી સંપૂર્ણ માલિકી શક્ય જ નથી. ફેક એફબી અને ઈન્સ્ટા
એકાઉન્ટ સુધી તો સમજી શકાય, પરંતુ ટીન્ડર, પ્લેન્ટિ ઓફ ફિશ અને બમ્બલ જેવા ડેટિંગ એપ્સ
ઉપર પણ પ્રસિધ્ધ વ્યક્તિઓના અકાઉન્ટ્સ બનાવવામાં આવે છે, જેને હટાવી દેવા છતાં પણ એનું
અસ્તિત્વ મિટાવી શકાતું નથી. વીએફએક્સની મદદથી પ્રસિધ્ધ વ્યક્તિઓના ફોટોશોપમાં તૈયાર કરેલા
ગંદા ફોટો અને રીલ પણ ફરતાં કરવામાં આવે છે. જેનું આઈપી એડ્રેસ શોધી શકાતું નથી, જેને
હટાવવા ફિલ્મસ્ટાર્સના સોશિયલ મીડિયા હેન્ડલ કરતા લોકોના હાથની વાત નથી રહી.

સાયબર ક્રાઈમની સાથે ડીલ કરતા પોલીસ અને ટેકનોલોજી એક્સપર્ટ્સને રોજની સેંકડો
ફરિયાદ મળે છે જેમાં ‘રિવેન્જ પોસ્ટ’, બ્લેકમેઈલ, અજાણતાં શૂટ કરાયેલા યુગલના સેક્સ વીડિયો,
સ્ટોરના ચેન્જિંગ રૂમમાં કપડાં બદલતી છોકરીઓના વીડિયો, સ્ટાર્સના રેસ્ટોરાં કે પાર્ટીના વીડિયો
જેવા છુપાઈને શૂટ કરેલા વીડિયો ફરતાં થયા હોવાની ફરિયાદ હોય છે. ઈન્ટરનેટ ઉપર ‘રિવેન્જ
પોસ્ટ’ ટાઈપ કરીએ તો સેંકડો જાણીતી-અજાણી, દેશી-વિદેશી પોસ્ટમાં પોતાના એક્સ ગર્લફ્રેન્ડ કે
બોયફ્રેન્ડના અંગત પળોના વીડિયો જોવા મળે છે. કેટલીકવાર આવી પોસ્ટને કારણે આત્મહત્યા
કર્યાના દાખલા પણ બને છે.

સોશિયલ મીડિયાએ આપણા સૌના જીવનને એકમેક સાથે જોડ્યું છે. એફબી, ઈન્સ્ટા કે
યુટ્યુબ પર લોકપ્રિયતા કદાચ ટેમ્પરરી હોઈ શકે, પરંતુ એનાથી થતું નુકસાન પરમેનેન્ટ છે. કોઈપણ
વ્યક્તિના અંગત જીવનમાં ડોકિયું કરવાનો, ખલેલ પહોંચાડવાનો કે કોઈના અંગત જીવનના
ન્યાયાધિશ થવાનો અધિકાર કોઈ પાસે નથી. જ્યારે કોઈ આવું અનઅધિકૃત વર્તન કરે છે ત્યારે,
દલપતરામની કવિતા યાદ આવે છે, ‘દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *