ત્રીજી લહેરનું સ્ટ્રેસઃ હજી સમય છે !

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગે છે, એની સાથે 15થી 18 વર્ષના કિશોરોને
ઝડપી રસીકરણ પણ ચાલી રહ્યું છે. બાળકોને સ્કૂલ મોકલવા કે નહીં એ વિશે માતા-પિતા સ્ટ્રેસમાં છે.
ઘરમાં રાખે તો અલગ પ્રકારનું સ્ટ્રેસ છે અને સ્કૂલમાં મોકલે તો જુદા પ્રકારનું… માણસ કમાય તો એક
સ્ટ્રેસ, ને ન કમાય તો બીજું… લગ્ન કરે તો એક, ન કરે તો બીજું ! સ્ટ્રેસ આપણા જીવનનો એક અભિન્ન
હિસ્સો બની ગયું છે. એન્ઝાયટી, મૂડસ્વિંગ્સ અને ઈરિટેશન તો જાણે દરેક માણસના મનમાં ઘર કરીને
બેસી ગયાં છે. આ એન્ઝાયટી કે મૂડસ્વિંગ્સને માપવા માટે, એ સમયે શું કરવું એની સલાહ આપતા કાંડા
ઘડિયાળ પણ બજારમાં મળવા લાગ્યાં છે ! એક એવું ડિવાઈસ જે આપણને આપણા શરીરમાં થતા ફેરફાર
અંગે સજાગ કરે છે. આપણી એડ્રિનલ ગ્રંથિ (ત્રિકોણ આકારનું એક એવું નાનકડું અંગ જે કિડનીની ઉપર
આવેલું છે) એમાં કોર્ટિસોલ બને છે. આ કોર્ટિસોલ નામનું તત્વ આપણા શરીરના કાર્બોહાઈડ્રેડ, ચરબી
અને પ્રોટીનને પચાવવાનું તો કામ કરે જ છે સાથે સાથે સોજો, બ્લડપ્રેશર અને બ્લડસુગર પણ મેનેજ કરે
છે. આપણી સૂવા-જાગવાની સાઈકલને પણ આ કોર્ટિસોલ મદદ કરે છે. આપણા મગજમાં ઉત્પન્ન થતા
સ્ટ્રેસ અને ચિંતાને બેલેન્સ કરવાનું કામ પણ આ કોર્ટિસોલ નામનું તત્વ કરે છે.

હાઈપોથેલામસ અને પિટ્યુટરી ગ્રંથિ જે બંને આપણા મગજમાં આવેલી છે એ કોર્ટિસોલના
લેવલને ઓળખે છે, સમજે છે અને એને બેલેન્સ કરે છે. જો એ લેવલ ઓછું થઈ જાય તો તરત જ
મગજ એને વધારવાની સૂચના આપે છે. એ લેવલ વધી જાય તો કશિંગ સિન્ડ્રોમ થાય છે જેમાં સતત
ખાવાની ઈચ્છા, વજન વધવું, ચામડી પર બ્રૂશ (ચાઠા કે ફોડલા થવા) સ્નાયૂઓની વિકનેસ, ડાયાબિટીસ
જેવા બીજા પ્રોબ્લેમ ઊભા થાય છે.

જ્યારે જ્યારે સ્ટ્રેસનું પ્રમાણ વધે ત્યારે બે પરિસ્થિતિમાંથી આપણું મગજ એક પરિસ્થિતિ પસંદ
કરે છે. એક, એ સ્ટ્રેસને કોઈક રીતે બહાર કાઢી નાખવું. ગુસ્સો, રડવું, બૂમો પાડવી, કોઈ સાથે ચર્ચા કરવી
કે સૂનમૂન થઈ જવું… બીજું, એ સ્ટ્રેસને નકારી દેવું. (ડિનાયલ) આવા સંજોગોમાં માણસ બેભાન થઈ
જાય, આપઘાતનો પ્રયાસ કરે કે પરિસ્થિતિને તદ્દન ભૂલવા માટે શરાબ, ડ્રગ્સ કે જુગાર-શારીરિક સંબંધોના
રવાડે ચડી જાય. આ બધું જ ખોટું છે. શહામૃગની જેમ માથું રેતીમાં નાખી દેવાથી પરિસ્થિતિ બદલાતી
નથી. આપણે વહેલા-મોડા એ પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે, એ વાત આપણું સુષુપ્ત મન જાણે
છે એટલે આવા બધા પ્રયાસ પછી પણ આપણું અર્ધજાગૃત કે સુષુપ્ત મગજ તો કોર્ટિસોલનું બેલેન્સ
જાળવવાની મથામણ ચાલુ રાખે છે. જ્યારે જ્યારે એ વિચાર ફરીથી આવે છે ત્યારે બેલેન્સ વધુ તીવ્રતાથી
ખોરવાય છે કારણ કે, જે સમયે આપણે આ વિચાર નહીં કરવાનું નક્કી કરીને એનાથી ભાગ્યા હોઈએ એ
બધું વધુ તીવ્રતાથી રિબાઉન્ડ (પાછું ફરે) થાય છે.

આવી ટેકનિકલ માહિતી આપણામાંના મોટાભાગના લોકો પાસે નથી. સાદી વાત કરીએ તો
જ્યારે જ્યારે આપણે ચિંતા કે સ્ટ્રેસ, ગુસ્સો કે ઉજાગરા, બિનજરૂરી વિચારોની પરિસ્થિતિમાંથી પસાર
થઈએ છીએ ત્યારે શરીરમાં અનેક હોર્મોન ઈનબેલેન્સ થાય છે, આટલું આપણે બધા સમજીએ પણ છીએ
અને જાણીએ પણ છીએ. નવાઈની વાત એ છે કે, કહેવા માટે બધા કહે છે, ‘આપણે ચિંતા કરીએ એનાથી
શું થશે ? જે થવાનું હશે એ થઈને જ રહેવાનું છે…’ તેમ છતાં, સમજણા થયેલા છ-સાત વર્ષના
બાળકથી શરૂ કરીને નિર્વાણને આરે પહોંચેલા 90-92 વર્ષના વૃધ્ધ સુધી લગભગ બધા જ સતત સ્ટ્રેસ
અને ચિંતામાં જીવતા થઈ ગયા છે.

સ્ટ્રેસના કારણો વિચિત્ર અને સામાન્ય છે. જે નથી પામી શકતા એ મેળવવાની ઝંખના, જે નથી
બદલી શકાવાનું એ બદલવાનો મરણિયો પ્રયાસ કે જેના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી એવી વ્યક્તિ કે
વિચારને કંટ્રોલ કરવાની મથામણ આપણને સ્ટ્રેસ આપે છે. કોરોના પછી અનેક લોકો આર્થિક રીતે
મૂંઝાયેલા છે, અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તો અનેક વ્યક્તિઓ દેવાના ભારમાં ડૂબી ગઈ
છે… આ પરિસ્થિતિ સત્ય છે, એક ક્રૂર વાસ્તવિકતા ! મૂળ મુદ્દો આમાંથી રસ્તો કાઢવાનો છે.
મોટાભાગના લોકો રસ્તો કાઢવાને બદલે વધુ ગુંચવાય છે, કારણ કે એ સહુ એમ માને છે કે હવે આમાંથી
રસ્તો નહીં મળે.

હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ’83’ (વર્લ્ડ કપની કથા)માં ભારત જ્યારે 183 પર ઓલઆઉટ થાય
છે ત્યારે કપિલ દેવ પોતાની ટીમને કહે છે, ‘યે મત સોચો કી ક્યા હો ગયા હૈ, યે સોચો કી ક્યા કર સકતે
હૈં’… આપણે બધાએ પણ એ જ વિચારવાનું છે.

બીજી લહેરનો ભય અને પીડા હજી ઘણા લોકોના મનમાંથી ગયો નથી. ત્રીજી લહેરના ભણકારા
સંભળાય ત્યારે એમને એ બધું ફરીથી થશે, એવો ભય લાગે એ સ્વાભાવિક છે, પરંતુ બીજી લહેર વખતે
જે બેદરકારી કે ભૂલ આપણે કરી હોય એ આ વખતે ન કરવાનો પ્રયાસ તો થઈ જ શકે. હાઈવે ઉપર
લખ્યું હોય છે, ‘સાવધાની હટી, દુર્ઘટના ઘટી !’ આ માત્ર ડ્રાઈવિંગ કે ટ્રાફિક માટે નથી, આપણા રોજિંદા
જીવન માટે પણ આ સત્ય છે.

પોલીસ દેખાય તો જ માસ્ક પહેરવું એવું શા માટે ? સેનિટાઈઝર એટલા મોંઘા નથી કે, હાથ
ધોવાની પ્રવૃતિ એટલી કંટાળાજનક પણ નથી જ કે, જીવ બચાવવા માટે એનો ઉપયોગ ન થઈ શકે !
ભીડમાં ન જવાનો ઓપ્શન બધા પાસે છે જ, આપણે બહુ ‘બહાદુર’ છીએ એવું દેખાડવાને બદલે ‘જાગૃત’
અને ‘સાવધાન’ છીએ એવું દેખાડવામાં જરાય નાનમ ન રાખવી. ‘ટેસ્ટ કરાવીશું અને પોઝિટિવ નીકળશે
તો ફસાઈ જઈશું’ એવું વિચારવાને બદલે ‘સમયસર ટેસ્ટ કરાવીશું તો મુશ્કેલીમાંથી બચી શકાશે’ એવું
વિચારવાની હવે જરૂર છે. ક્વોરન્ટાઈન થવું એ માત્ર આપણા માટે નથી, આપણી આસપાસના લોકો,
સમાજ, આપણી સોસાયટી કે શહેર માટે જરૂરી છે.

ત્રીજી લહેર હજી આવી નથી, સાથે મળીને પ્રયાસ કરીએ તો એનો હુમલો ખાળી શકાય, અને
તીવ્રતા રોકી શકાય એમ છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *