ટૂંકું બાળપણ અને લાંબી કારકિર્દીઃ અરૂણા ઈરાની

”હું ‘બોબી’નું શુટિંગ કરી રહી હતી અને એક દિવસ થોડું માથું દુખવા લાગ્યું. હું દવા લઈને
બેઠી હતી ત્યાં રાજ સા’બ આવ્યા. એમણે પૂછ્યું, ‘ક્યા બાત હૈ અરૂણા?’ મેં કહ્યું, ‘થોડું માથું દુખે છે’
અને એમણે તરત જ કહ્યું, ‘પેક-અપ.’ હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ‘નહીં નહીં ઠીક હો જાએગા.’ રાજ
સા’બે હસીને કહ્યું, ‘અરૂણા, હમ આર્ટિસ્ટ હૈં, મજદૂર નહીં…’ મારા સાત દાયકાથી વધારેની જિંદગી
આવા અનેક અનુભવોમાંથી પસાર થઈ છે…” આ અરૂણા ઈરાનીના શબ્દો છે. 60 વર્ષથી વધારે રંગભૂમિ,
ટેલિવિઝન અને સિનેમાની કારકિર્દી જેમના અભિનયથી ઉજ્જવળ છે એ અરૂણા ઈરાનીના પિતા
ફરેદુન ઈરાની ‘1952માં ધ ખટાઉ આલ્ફ્રેડ થિયેટર કંપની’ના માલિક હતા. એ સમયની અભિનેત્રીઓ
મુન્નીબાઈ, રાણી પ્રેમલતા, મહેશ્વરી, રૂપકમલ અને અરૂણા ઈરાનીનાં માતા સગુણાદેવી… એવી જ
રીતે માસ્ટર મોહન અમૃત કેશવ, મોહનલાલા જેવા અભિનેતાઓ પણ એમની સાથે હતા. પ્રેમલતા
અને સગુણા એકબીજાની ઉપર-નીચે રહેતાં. બંને સ્ત્રીઓ સાથે એમનો ગાઢ સંબંધ… સગુણાના છ
સંતાનો-સુરેખા, ચેતના, અરૂણા, ઈન્દુ અને બલ્લુ અને બે પ્રેમલતાના-ફિરોઝ અને અદી, કુલ આઠ
સંતાનોને એમણે પોતાના સંતાન તરીકે સ્વીકૃતિ આપી અને આઠેય સંતાનો ‘ઈરાની’ અટક લખે છે.
ફરેદુન ઈરાનીએ એક ફિલ્મ બનાવી ‘ગરવીનાર ગુજરાતી’. ફિલ્મ ચાલી નહીં, આર્થિક હાલત ખરાબ
થઈ ગઈ. અરૂણાબહેન ત્યારે છઠ્ઠા ધોરણમાં. એ એમના પિતા સાથે દિલીપકુમારને મળવા ગયેલા.
વેફરનું પેકેટ અને કોકોકોલાની બોટલ આપવામાં આવી, જે એ સમયમાં મોટી લક્ઝરી હતી.
અરૂણાબહેન કોકોકોલાની મજા માણતા હતા ત્યારે યુસુફ સા’બ (દિલીપકુમાર) એમની પાસે આવ્યા અને
થોડીક વાતો કરી… એમને ‘ગંગા જમના’માં કાસ્ટ કરી લેવામાં આવ્યા. 1961થી 2022 સુધી જેમની
કારકિર્દી અકબંધ છે એવા અરૂણા ઈરાની 15 વર્ષની ઉંમરથી શરૂ કરીને 76 વર્ષ સુધી સિનેમા અને
ટેલિવિઝનની દુનિયા સાથે જોડાયેલાં રહ્યાં.

17 વર્ષનાં હતા ત્યારે પિતાને હાર્ટ એટેક આવ્યો. આઠ ભાઈ-બહેન અને બે મમ્મીની સાથે
એમણે પરિવારની દરેક વ્યક્તિને સાચવી-સંભાળીને ઘરની તમામ જવાબદારીઓ પૂરી કરી. સૌ ભાઈ-
બહેનની કારકિર્દી સેટલ કરવામાં મદદ કરી. એમની કથા સહાનુભૂતિની નહીં, સંઘર્ષની કથા છે.
સંઘર્ષમાંથી જન્મેલી સફળતા અને સમજદારીની કથા છે.

અરૂણાબહેનનાં જીવનમાં બે લોકો મહત્વના. એક, એમનો મેક-અપ મેન રઘુ, અને બીજા
એમના હેરડ્રેસર ખાતુન બી’. એ બંને વિશે અરૂણાબહેન વાત કરે ત્યારે એમના ચહેરા પર એક
વહાલભર્યું સ્મિત આવી જાય, ”આમ તો એ મને મળ્યો મારા મેક-અપ મેન તરીકે, પરંતુ એ પછી મારા
પરિવારનો સભ્ય બની ગયો. રઘુ વિના મારું પાંદડું ન હાલે, કેટલીક વાર બજેટ ઓછું હોય અને પ્રોડ્યુસર મેક-
અપ મેનના પૈસામાં માથાકૂટ કરે તો મેં મારા અંગત ખર્ચે પણ રઘુ વગર કોઈ ફિલ્મ નથી કરી, ને એ પણ ઘેર બેસી
રહે પણ મને મૂકીને બીજા કોઈ સ્ટારનું કામ હાથમાં ન લે. અમારી વચ્ચે અજબ જેવો સંબંધ હતો. સમજદારીનો,
સ્નેહનો, કાળજીનો તો ખરો જ, પણ ક્યારેક જબરજસ્ત ઝઘડવાનો પણ ખરો! ઝઘડો મારા તરફથી, રઘુ તો
જાણે બહેરો-મૂંગો હોય ને એમ વર્તે. હું જે બોલું એ એને સંભળાતું જ ન હોય એમ એ પોતાનું કામ
કર્યા કરે. મારો ગુસ્સો ઉતરે પછી હું માફી માગવા જાઉ ત્યારે એ મને કહે, ‘શેની માફી? મેં તો કંઈ
સાંભળ્યું જ નથી!’ હું એને વહાલથી ‘ઘો’ કહેતી. મને ચીટકેલી ઘો… ખાતૂન બી’ એના કામમાં પણ
ચેમ્પિયન જ, પણ સાથે સાથે એમનો દબદબો એવો કે સેટ ઉપર કોઈ એલફેલ મજાક ન કરી શકે!
એમાંય, મારી સાથે તો એમને એવો સ્નેહ થઈ ગયો કે એક વાર પ્રોડ્યુસર સાથે પણ લડી જાય. ખાતૂન
બી’ હાજર હોય તો મારે વિશે કોઈ ખરાબ બોલવાની પણ હિંમત ના કરે! રઘુ અને ખાતૂન બી’ મારી
સાથે લગભગ ચાર દાયકા સુધી કામ કરતાં રહ્યાં. મેં ધીરે ધીરે કામ ઓછું કર્યું ત્યારે રઘુ તો રિટાયર્ડ જ
થઈ ગયો ને ખાતૂન બી’ મારી વિનંતીથી માધુરી દીક્ષિત સાથે જોડાયાં. આમ જોવા જઈએ તો મારો
પરિવાર સ્ટુડિયોથી શરૂ થઈને સ્ટુડિયોમાં જ પૂરો થતો.”

વિનોદ ખન્નાનો ભાઈ પ્રમોદ ખન્ના અરૂણા ઈરાનીના ક્લાસમાં ભણતા, પણ અરૂણાબહેનને
એની ખબર નહીં. એકવાર વિનોદ ખન્નાએ ફોન કરીને અરૂણાબહેનને કહ્યું, એનો ભાઈ પ્રમોદ ડાન્સ
શીખવા માગે છે. અરૂણાબહેને હા પાડી, એણે આવીને ખૂબ તોફાન-મસ્તી કર્યા, અરૂણાબહેનની
યાદદાશ્ત તાજી કરવાનો પ્રયત્ન કર્યો, પછી બંને ભાઈઓએ મને કહ્યું, કે પ્રમોદને અરૂણાબહેન પર
સ્કૂલમાં જ ક્રશ હતો. એણે અરૂણાબહેનના બર્થ ડે પર આખા ક્લાસમાં ચોકલેટ વહેંચેલી! એવી જ
રીતે જ્યારે ઈન્દ્રકુમાર (અરૂણાબહેનના ભાઈ) ‘બેટા’ ફિલ્મ બનાવતા હતા ત્યારે એમણે શર્મિલાજીથી
શરૂ કરીને બીજી અનેક એક્ટ્રેસને માના રોલ માટે પૂછાવ્યું. થોડો નેગેટિવ રોલ હોવાને કારણે બધાએ
ના પાડી. ઈન્દ્રકુમાર નિરાશ થઈ ગયા હતા. એવામાં એક દિવસ જાવેદ અખ્તરે એમને કહ્યું, ‘ઘરમાં
અભિનેત્રી છે અને તમે બહાર શોધો છો?’ ઈન્દ્રકુમારને ત્યારે ખ્યાલ આવ્યો કે, એમની બહેન જ આ
રોલ ઉત્તમ રીતે નિભાવી શકશે. અરૂણાબહેનની કારકિર્દીની ઉત્તમ ફિલ્મોમાં ‘બેટા’ એક મહત્વનો
માઈલસ્ટોન બની. એ વિશે વાત કરતાં અરૂણાબહેન કહે છે, ‘એવું જ થાય. જે આપણા સૌથી
નજીકનું હોય એને આપણો વિચાર છેલ્લો જ આવે…’

એમનું દિલ અને સ્કિન બંને ‘પારસી’ છે. 76 વર્ષની ઉંમરે પણ તગતગતી ત્વચા અને ફિટનેસ
કોઈ યુવાનને શરમાવે એવી, એ ખુલ્લા દિલે હસી શકે છે. વિતેલા દિવસોનો અફસોસ કરવાને બદલે
જે મળ્યું છે એને માટે આનંદ માણી શકે છે. સારો રોલ મળે તો હજી પણ કામ કરવાની તૈયારી અને
જોશ બંને છે. અરૂણાબહેનની જિંદગીમાંથી જો ખરેખર કંઈ શીખવાનું હોય તો એ છે એમની
સાદગી, સરળતા અને પરિવાર પ્રત્યેની જવાબદારી. છઠ્ઠા ધોરણમાં સ્કૂલ છોડીને એમણે પોતાના
પરિવાર માટે કમાવાનું શરૂ કર્યું ત્યારથી આજ સુધી, એ આખા પરિવાર માટે ‘મા, પિતા અને મોટી
બહેન’ બનીને જીવ્યાં છે. ફિલ્મોમાં ગમે તેટલા ગ્લેમર્સ રોલ કરે કે વસ્ત્રો પહેરે, તેમનું અંગત જીવન
સંસ્કારી, સરળ અને સાદગી ભરેલું છે.

આજે, એમનો જન્મદિવસ છે… હેપ્પી બર્થ ડે અરૂણાબહેન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *