ઉત્સવની પ્રાર્થના અને પ્રાર્થનાનો ઉત્સવ

આખું વિશ્વ બે વિભાગમાં વહેંચાય છે, પૂર્વ અને પશ્ચિમ… આ ભૌગોલિક વહેંચણી નથી,
વિચારધારાઓની વહેંચણી છે. પાશ્ચાત્ય વિચાર, વિજ્ઞાન અને આધુનિકતા સાથે જોડાયેલો છે,
જ્યારે પૂર્વ અધ્યાત્મ અને આસ્થા સાથે પોતાનું અસ્તિત્વ શોધે છે. પૂર્વને અનેક સંતો મળ્યા. સંતો
પશ્ચિમ પાસે પણ છે, પરંતુ પૂર્વના સંતોની અભિવ્યક્તિ આગવી અને અંગત છે. દાદુ દયાલ, રહીમ,
જ્ઞાનેશ્વર, નરસિંહ, બુલ્લેશાહ અને કબીર, સહજોબાઈ અને મીરાં, લલ્લેશ્વરી, ગંગાસતી અને
બહિનાબાઈ… સહુ એક જ ઈશ્વરની આરાધના કરે છે, પરંતુ જેમ સંગીતમાં એક જ સંગીતના રાગ
અને તાલ જુદાં હોય એમ આ સહુની આરાધનામાં પોતીકો સ્વર છે. આ સ્વર ઈશ્વર સુધી જાય છે…
આશ્ચર્યની વાત એ છે કે, ભારતીય અથવા પૂર્વના અધ્યાત્મની સાથે સંગીત અભિન્ન રીતે જોડાયેલું
છે, પશ્ચિમમાં પણ કેરોલ્સ અને ચર્ચમાં ગવાતા ગીતો છે, પરંતુ એના વૈવિધ્યને આપણે જાણતા નથી
એથી આપણને ભારતીય સંગીતના વૈવિધ્ય સાથે જોડાયેલાં ભારતીય ભજનો કે પદ વધુ સમજાય છે
અને એથી વધુ આકર્ષે છે.

ભારતના કેટલાક સંતો ‘ઈશ્વર’ની કોઈ મૂર્તિ, સ્વરૂપ કે ઓળખ વગર જ આરાધના કરે છે.
કબીરપંથ આજે પણ નિર્વિકાર, નિર્ગુણ અને નિરાકાર ઈશ્વરની આરાધના કરે છે. કબીર સાહેબના
ભજનો સિનેમાથી શરૂ કરીને સૂફી સુધી વિસ્તર્યાં છે. એમાં રહેલો લય જીવનના કોઈ એક રીધમ કે
હાર્મની સાથે સીધો જોડાય છે. એમની વાત સીધી ગળે ઉતરી જાય એવી, આત્મબોધને ફકીરી સાથે
જોડી આપે એવી છે. સંત તો અનેક થયા છે, પરંતુ ઓશો કહે છે તેમ, ‘કબીર પૂર્ણિમાનો ચંદ્ર છે,
અતુલનીય, અદ્વિતીય. જાણે કે કોઈએ અંધારામાં દીપક પ્રગટાવ્યો હોય એવું નામ. રણમાં કોઈ
બગીચો ઊગી નીકળે એવા એમના ગીતો છે. એમનું સત્ય લુખ્ખું નથી, રસપૂર્ણ છે. એમના કાવ્યો
જીવન તરફ લઈ જાય છે અને એક પ્રેમી પોતાની પ્રેમિકા સાથે સંવાદ કરે એમ કબીર પોતાના
ઈશ્વરને, ‘સાહેબ’ કહીને સંબોધે છે.’ પ્રયાગરાજમાં ગંગા, યમુના, સરસ્વતીનો સંગમ થાય છે એવી
જ રીતે કબીરના પદોમાં જ્ઞાન, કર્મો અને ભક્તિનો અનોખો સંગમ છે. એનો ઈશ્વર નિરાકાર છે છતાં
આપણને પ્રત્યેક કણમાં એમની દૃષ્ટિએ ઈશ્વરના દર્શન થાય છે.

કબીર સાહેબનું એક ભજન… “મો કો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં.
ના તીરથ મેં ના મૂરત મેં, ના એકાંત નિવાસ મેં.
ના મંદિર મેં, ના મસ્જિદ મેં, ના કાબે કૈલાશ મેં…”
આજના સમયમાં આ ભજન અત્યંત પ્રસ્તુત અને સત્ય લાગે છે. 14મી સદીમાં લખાયેલાં આ પદો
આજે પણ ‘હિન્દુત્વ’ અને ‘ઈસ્લામ’ના ઝંડા ઉપાડીને સામસામે ટકરાતાં લોકો માટે જાણે કે કોઈ
જીપીએસની જેમ દિશાસૂચન કરે છે. આપણે બધા આપણી શ્રધ્ધાને ધીમે ધીમે ઝનૂન અથવા
અંધશ્રદ્ધા તરફ ધકેલી રહ્યાં છીએ. મારો જ ધર્મ સાચો, બીજા સૌના ધર્મ ખોટા અને ખરાબ-એવી
કોઈ વિક્ષિપ્ત મનોદશામાં આપણે બધા ધર્મની એવી લડાઈ લડી રહ્યા છીએ જેમાં અંતે કશું જ નહીં
બચે. મંત્ર-તંત્ર, બાધાઆખડી, દોરાધાગા અને ‘કામ કરી આપવાના’ વચનો આપતાં સાધુ-બાવા-ગુરૂ-
જ્યોતિષ-તાંત્રિકોના પગથિયાં ઘસતાં આપણે સૌ સાચા અર્થમાં ઈશ્વરને ઓળખી કે સમજી શક્યા જ
નથી કારણ કે, જેમ કબીર સાહેબ કહે છે એમ, ‘ના મૈં જપ મેં, ના મૈં તપ મેં, ના મૈં વ્રત ઉપવાસ મેં.
ના મૈં ક્રિયા કરમ મેં રહતા, ના હી યોગ સંન્યાસ મેં.
નહીં પ્રાણ મેં નહીં પિંડ મેં, ના બ્રહ્માંડ આકાશ મેં.
ના મૈં ત્રિકુટી ભવન મેં, સબ શ્વાસોં કે શ્વાસ મેં.’

અજાણતાં જ આપણે ઈચ્છાને ઈશ્વર સુધી લઈ જતાં શીખ્યા છીએ. ઈચ્છાનો કોઈ અંત નથી. એ વાત
સમજણના લેવલ પર આપણને સૌને ખબર છે અને જ્યારે ફિલોસોફી હાંકવા બેસીએ ત્યારે આ વાત આપણે
એકબીજાને કહેતાં અચકાતાંય નથી! છેલ્લા થોડા સમયમાં તમે તમારા સગાં, મિત્રો કે સામાજિક
પ્રસંગોએ મળેલા ઓળખીતા સાથેના તમારા સંવાદ તપાસ્યા હોય તો ચોક્કસ સમજાશે કે આપણે
માત્ર ખરીદ-વેચાણની વાતો કરીએ છીએ. વસ્તુઓ અને બજાર વિશે વાતો કરીએ છીએ. સાચી
લાગણી કે સંવેદના ચર્ચા તો ભાગ્યે જ થાય છે. આ બજાર અને ખરીદ-વેચાણની ચર્ચાઓ વચ્ચે જો
કોઈ એકાદ પારદર્શી હૃદયની વ્યક્તિ સાદી, બેઝિક અથવા અધ્યાત્મિક કે ઈમોશનલ વાતો કરે તો
મોટાભાગનો લોકો ‘બોર’ થવા લાગે છે. આવા પારદર્શી હૃદયના લોકોને ‘વેવલા કે જુનવાણી’ નું લેબલ
ચોંટાડી દેવાય છે. જે લોકો પ્રેક્ટીકલ, સમજદાર અને હોંશિયાર છે એ આવા ‘સેન્ટી’ લોકોથી ભાગવા
લાગે છે!

આપણે બધા માણસ તરીકે આપણા બેઝિક લક્ષણો ખોઈ બેઠા છીએ. ગધેડાની જેમ મજૂરી કરીએ
છીએ, બળદની જેમ ભાર ઉપાડીએ છીએ, કૂતરા જેવી જિંદગી જીવીએ છીએ, હરણ બનીને દોડતા રહીએ
છીએ અથવા સિંહ બનીને શિકારી થઈ જઈએ છીએ, પરંતુ જે શરીરમાં આપણે છીએ એ શરીરનો મૂળ ગુણ,
માણસાઈ ધીમે ધીમે વિસરાતો જાય છે. સૌને સફળતા અને સિધ્ધિમાં વિશ્વાસ છે. સારાઈ અને સદગુણમાં હવે
કોઈને ઝાઝો ભરોસો નથી રહ્યો… સામાન્ય માણસની ફરિયાદ પણ એવી જ છે, ‘ખોટા લોકો આગળ વધી જાય
છે અને સારા-સાચા લોકો નિષ્ફળ થાય છે…’ પરંતુ, આપણે ભૂલી ગયા છીએ કે આગળ વધેલા, સફળ
થયેલા, સિધ્ધિ-પ્રસિધ્ધિ પામેલા, ખૂબ કમાતા લોકોના જીવનમાં એક સહજ-શાંતિ મિસિંગ છે.
ઈન્કમટેક્સથી શરૂ કરીને ઈન્ટરનેટ સુધીનો ભય એમને સતાવતો રહે છે. કોણ ક્યારે શું લીક કરી દેશે,
પોતે ક્યારે ફસાઈ જશે, ક્યારે સમસ્યાઓ ઊભી થશે એની સતત માથે ટીંગાતી તલવાર સાથેની
એમની જિંદગી બહારથી ગમે તેટલી આકર્ષક લાગતી હોય, પણ ભીતર ક્યાંક એમનો ઉચાટ એમના
સિવાય કોઈ કેવી રીતે સમજી શકે?

અખબારો કે મીડિયા, ફિલ્મસ્ટાર્સની જિંદગી વિશે જાતભાતનું લખે. શુક્રવારથી શુક્રવારના
જુગારની વચ્ચે એમની અસુરક્ષિત માનસિકતા કે લગ્નેતર સંબંધોના ગ્લેમરની વચ્ચે એમનું
પારિવારિક અસંતુલન આપણને દેખાતું નથી. હજારો લોકો સ્ટેડિયમમાં બેઠા હોય ત્યારે પરફોર્મન્સનું
પ્રેશર સ્પોર્ટ્સમેનના માથે કેવું અને કેટલું હોય એની આપણને કલ્પના પણ આવે એમ નથી. શેરના
સતત ઉચકાતા-પડતા ભાવોની વચ્ચે-વર્તમાન સરકાર સાથેના સંબંધો જાણવી રાખવા અને એ સરકાર
ન આવે તો વિરોધ પક્ષને પણ રાજી રાખવો, પોતાની ઈમેજ અને બ્રાન્ડની ગુડવીલ ટકાવી રાખવી,
પારિવારિક કલહ કે સમસ્યાઓની ભનક પણ મીડિયા સુધી ન પહોંચે એ વિશે સતત રિપેરિંગ કર્યા
કરવું… આવા કેટલા સવાલો અને સમસ્યાની વચ્ચે સફળ અને પ્રસિધ્ધ લોકોની જિંદગી ફસાયેલી રહે
છે. એની સામે જે લોકો પોતાના જીવનને અસ્તિત્વના શરણે છોડી દે છે, પ્રયાસ કરે છે, પરંતુ એ
પ્રયાસની સફળતાનો આગ્રહ નથી રાખતા અને એક પરમતત્વની સાથે સ્વયમને સતત કનેક્ટેડ રાખે
છે, એનું જીવન શાંત અને સ્થિર રહે છે.

એક થિયરી કહે છે કે, આપણે જે શોધતા હોઈએ એ જ આપણને મળે અને એ જ થિયરી કહે
છે કે, શોધો એટલે મળે જ. અર્થ એ થયો કે, આપણે પૈસા, પ્રતિષ્ઠા, પદ શોધતા હોઈશું તો એ ચોક્કસ
મળશે, પણ સાથે સાથે એ જ પેકેજડીલમાં મળતી બીજી બાબતો પણ આવશે. અશાંતિ, અસુરક્ષા,
ચિંતા અને અસંતોષ… એવી જ રીતે જો ઈશ્વરને શોધતા હોઈશું તો એની સાથે પણ પેકેજડીલ છે
જ, શાંતિ, સંતોષ, નિરાંત અને ક્ષમા-વેર વગરનું સુખ અને ક્લેશ વગરના સંબંધ! આપણે જેને શ્રદ્ધા
કહીએ છીએ એ ક્યારે ગરજમાં પલટાઈ જાય એની આપણને ખબર રહેતી નથી. અસ્તિત્વમાં
વિશ્વાસ અને આપણો આત્મવિશ્વાસ એકમેક પર આધારિત છે માટે કબીર સાહેબ કહે છે,

‘ખોજી હોએ તુરંત મિલ જાઉં, એક પલ કી હી તલાશ મેં.
કહે કબીર સુનો ભાઈ સાધો, મૈં તો હૂં વિશ્વાસ મેં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *