ઉત્તરપ્રદેશની ‘ગરમી’ હવે ગુજરાત સુધી પહોંચી છે?

‘અરવિંદ નેક બચ્ચા થા, સિર્ફ નેક હી નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી થા, નઝર મેં તો આના હી થા
ઉસે…’ સોની લિવ પર હજી હમણા જ રજૂ થયેલી એક વેબ સીરિઝ ‘ગરમી’ના ટ્રેલરમાં એના મુખ્ય
પાત્રની ઓળખ આ રીતે આપવામાં આવી છે. અરવિંદ શુક્લા નામનો એક સીધોસાદો છોકરો
અલ્હાબાદ યુનિવર્સિટીમાં ભણવા જાય છે. વિદ્યાર્થીઓનું રાજકારણ, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટનું
ઈલેક્શન, એની સાથે જોડાયેલા લોકલ એમએલએ, એમપી અને છેક ચીફ મિનિસ્ટરથી શરૂ કરીને
કહેવાતા સંતોની રાજકારણમાં દખલઅંદાજી સુધીની કથા આ વેબ સીરિઝ ‘ગરમી’માં બહુ રસપ્રદ
રીતે કહેવાઈ છે.

તિગ્માંશુ ધુલિયા લિખિત દિગ્દર્શિત આ વેબ સીરિઝમાં એક પણ સ્ટાર નથી, બલ્કે લગભગ
બધા નવા ચહેરા છે, કદાચ એટલે જ આપણને આ સીરિઝ વધુ સાચી લાગે છે! ઉત્તર પ્રદેશનું
રાજકારણ અતીક અહેમદ સિવાય પણ બૃજેશ સિંહ, મુખ્તાર અહેમદ, રાજા ભૈયા, રાજન તિવારી,
વિજય મિશ્રા, રિઝવાન ઝહીર, સુધીર સિંહ, હાઝી ઈકબાલ અને અનુપમ દૂબે જેવા લોકોથી
ખદબદતું રહ્યું છે. તેજસ્વી અને ગરમ લોહીના, ઝૂકે નહીં તેવા વિદ્યાર્થીઓને કોલેજમાં જ પસંદ
કરીને એમને યુપીના રાજકારણ માટે તૈયાર કરવામાં આવે છે. એમને ‘વિધાયક’ની સીટ પર ચૂંટણી
લડાવવાનું વચન આપવામાં આવે છે. કાચી ઉંમરના છોકરાઓ પાવરથી એટલા બધા આકર્ષાયેલા
હોય છે કે એમને અન્ય કોઈપણ કારકિર્દી કરતાં વધારે પૈસા અને સત્તા બંને રાજકારણમાં દેખાય છે.
ઉત્તર પ્રદેશના રાજકારણીઓ આ છોકરાઓને પોતાનો હાથો અને ફેસ, ઢાલ બનાવીને પોતાનું ગંદું
રાજકારણ ખેલે છે. અવ્વલ તો આ છોકરાઓને સમજાતું નથી અને જ્યારે સમજાય છે ત્યારે એટલું
મોડું થઈ ચૂક્યું હોય છે કે એમને માટે પાછા ફરવું અશક્ય બની જાય છે. ‘ગરમી’ની આ કથા, હજી
હમણા તો અડધે રસ્તે ઊભી છે, પરંતુ ઓટીટીને બાજુએ મૂકીને વિચારીએ તો પણ સમજાય કે
ઉત્તરપ્રદેશનું રાજકારણ લોહિયાળ અને ખૂંખાર છે. ગુજરાતમાં જેમ દીકરો ક્યારે કમાતો થઈ જાય
એની માતા-પિતા રાહ જુએ છે એવી જ રીતે, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં દીકરો
રાજકારણમાં રસ લઈને ‘કંઈક’ બની જાય એ માતા-પિતા માટે ગર્વ છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ. ચારધામની યાત્રા, કાશ્મીર કે શિમલા-મસૂરી જવા માટે
દિલ્હી જઈએ અને જંતરમંતર કે જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધીના ઘરો જોવા જઈએ ત્યાં સુધી
જ આપણે દિલ્હીને ઓળખીએ છીએ. આપણે માટે ઉત્તરપ્રદેશ એટલે લખનઉ, વારાણસી કે
અલ્હાબાદની યાત્રા… સાચું ઉત્તરપ્રદેશ એના શહેરોમાં નહીં, પરંતુ આ શહેરોની આસપાસ આવેલા
106747 ગામડાં… આ ગામોમાં આજે પણ જાગીરદારી છે, વર્ગવિગ્રહ છે-અમીરગરીબનો નહીં,
પરંતુ જાતિવાદનો વિગ્રહ છે. ઊંચી અને નીચી જાતિ જે આજથી સદીઓ પહેલાં હતી એમાં કોઈ ફેર
પડ્યો નથી. દલિત કે અનુસૂચિત જાતિ, જનજાતિની દીકરીઓને ભણવાની, નોકરી કરવાની છૂટ
નથી. કોઈ પરિવાર આવી હિંમત કરે તો બળાત્કાર એની સજા છે. પ્રેમલગ્ન આ ગામડાંઓમાં
અસંભવ છે. બે જુદી જ્ઞાતિ વચ્ચેના લગ્નનું પરિણામ વર-કન્યાનું મૃત્યુ જ હોઈ શકે. અહીં હથિયાર
રમકડાંની જેમ ઉપલબ્ધ છે… અહીં સરકારી કોન્ટ્રાક્ટ્સ બંદૂકના જોરે મળે છે. આ બધા છતાં
આદિત્યનાથ યોગીની સરકાર પૂરી હિંમત અને મશક્કતથી સદીઓ જૂના આ દબંગ અને દાદાગીરીના
માહોલ સામે લડી રહી છે.

આપણે જે રાજ્યમાં રહીએ છીએ ત્યાં આપણને કલ્પના પણ નથી કે અસલામતી અને
અપમાન કોને કહેવાય! નવાઈની વાત એ છે કે, જેની સામે 25-30-40 કેસ ચાલતા હોય એવા
લોકો વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીમાં ઊભા રહે છે અને જીતે છે. એમને જીતાડનાર કોણ
છે? બૂથ કેપ્ચર કરનારા એમના કહેવાતા કાર્યકરો જે ડર અને દબંગાઈથી વોટ નંખાવે છે.

તાજેતરમાં રજૂ થયેલી મણીરત્નમની ફિલ્મો ‘પીએસ 1’ અને ‘પીએસ 2’ દક્ષિણ ભારતનો
ઈતિહાસ કહે છે. કૃષ્ણદેવ રાય, ચોલવંશ કે દક્ષિણ ભારતના રાજાઓ વિશે આપણે શું જાણીએ છીએ?
આપણને હંમેશાં ઉત્તર ભારતનો ઈતિહાસ ગણાવવામાં આવ્યો છે. અકબર કે હુમાયું વિશે આપણે
જેટલું જાણીએ છીએ એનું અડધા ભાગનું પણ તિરુપતિ બાલાજી જેવું મંદિર બનાવનાર કૃષ્ણદેવ રાય
વિશે કે ખજૂરાહો અને મીનાક્ષી મંદિરનું નિર્માણ કરનાર પાંડ્યા રાજાઓ વિશે આપણે જાણતા નથી.
એનું કારણ કદાચ એ છે કે, ઉત્તર ભારત સતત કેન્દ્રમાં રહ્યું છે. રામ અને કૃષ્ણના સમયથી એટલે
લગભગ પાંચ હજાર વર્ષ પહેલાંથી ઉત્તર ભારત આપણા દેશના મુખ્ય ભાગ તરીકે પ્રચલિત રહ્યું.
હિન્દી રાષ્ટ્રભાષા છે અને મોટાભાગના લોકો એ ભાષા સમજી શકે છે, બોલી શકે છે માટે ત્યાંના
સમાચારો આપણા સુધી પહોંચતા રહ્યા છે.

દક્ષિણ ભારતમાં વાયોલેન્સ નથી, દબંગાઈ નથી કે ત્યાંનું રાજકારણ લોહિયાળ નથી એવું
માનવાનું કોઈ કારણ નથી. તમિલનાડુ અને કેરાલામાં હિન્દુ-મુસ્લિમ રાજકારણ ભરપૂર ચાલે છે. ત્યાં
પણ માફિયા છે… પારિવારિક સમસ્યાઓમાં કેટલીય પેઢીઓ સુધી કોઈ વૃધ્ધ થાય જ નહીં, એ હદ
સુધી વેરના વાવેતર થાય છે. વિચારીએ તો સમજાય કે આખા દેશ ઉપર શાસન કરી શકનાર ભારતીય
જનતા પક્ષને દક્ષિણ ભારતમાં તકલીફ પડે છે કારણ કે, ત્યાં હજી પણ એમની પોતાની માનસિકતા
અને ઝનૂનનું પ્રભુત્વ છે. દક્ષિણ ભારતની ફિલ્મો જોઈએ તો સમજાય કે ત્યાં જે પ્રકારનું વાયોલેન્સ-
હિંસા છે એની અસર ધીમે ધીમે આખા દેશ પર થવા લાગી છે. ‘કબીર સિંઘ’, ‘તડપ’ કે ‘પુષ્પા’ દક્ષિણ
ભારતથી આપણે ત્યાં આવી છે. એમની ભાષા આપણે સમજતા નથી એટલે લોકલ ન્યૂઝ આપણા
સુધી આવતા નથી. આપણે અંગ્રેજી અખબારો જેટલું દેખાડે કે પહોંચાડે એટલું જ જાણી શકીએ
છીએ.

અગત્યનું એ છે કે, ઉત્તર હોય કે દક્ષિણ, યુવા પેઢીના માનસને બહેકાવવાનો, ખોટી દિશામાં
લઈ જવાનો પૂરો પ્રયાસ થઈ રહ્યો છે. માતા-પિતા તરીકે જો આપણે સમયસર જાગૃત નહીં થઈએ
અને આપણા સંતાનને સાચું-ખોટું સમજવાની વિવેકબુધ્ધિ નહીં આપીએ તો આખા દેશને એનું
પરિણામ ભોગવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *