વેક્સિનઃ આડઅસર અને અફવાની શતરંજ

કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને આપણે સૌ પ્રમાણમાં નિરાંત અનુભવતા થયા છીએ. અનલોકની
પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે લગભગ દરેકને રસી ઉપલબ્ધ કરાવવાની જવાબદારી
સરકારની છે. સરકાર ગામેગામ અને દરેક સેન્ટર પર રસી પહોંચાડવાનો પ્રયાસ કરશે. એવા વચન પછી આપણે
રસીની સ્થિતિ વિશે શું જાણીએ છીએ ? સૌથી પહેલો પ્રશ્ન તો ત્યાંથી શરૂ થયો કે જ્યારે કોવિશિલ્ડ અને કોવેક્સિનની
રસીઓ વિશે એક એવી અફવા વહેતી થઈ કે, આ રસી લેવાથી સ્ત્રીઓની ગર્ભધારણ કરવાની શક્તિ ઓછી થઈ જાય
છે… એ પછી એક નવી અફવા શરૂ થઈ કે, રસી લેવાથી મૃત્યુ થાય છે, એની સાઈડ ઈફેક્ટ્સ એટલી ખરાબ છે કે,
માણસ કોરોના વગર જ મરી જાય છે… રસી લેનાર વ્યક્તિને તરત જ મરી જતા બતાવતા હોય એવા વીડિયો વાયરલ
થયા… અને શરૂ થઈ એક મોટી કમઠાણ ! ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને બંગાળના કેટલાક
ગામડાંઓમાં રસી આપવા આવેલા ઓફિસરનો વિરોધ કરવામાં આવે છે એટલું જ નહીં, એને ગામમાં દાખલ થવા
દેવામાં આવતા નથી. સ્ત્રીઓ અને ખાસ કરીને યુવતીઓ આ રસીનો વિરોધ કરે છે. રસી લેવાની સ્પષ્ટ ના પાડે છે
એટલું જ નહીં, કર્મચારીને ગાળો દેવામાં આવે છે, ક્યારેક એના પર પથ્થર મારવામાં આવે છે. લોકો પોતાના ઘરના
દરવાજા ખોલતા નથી… અત્યાર સુધી જે કોરોના શહેરોમાં અને ગીચ વસ્તીઓમાં હતો એ કોરોના હવે ગામડાંઓ
સુધી ફેલાયો છે. સુરત, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાંથી ભાગીને પોતાને ગામ પહોંચેલા અનેક લોકો પોતાની
સાથે કોરોના ઈન્ફેક્શન લઈને પહોંચ્યા. અસ્વચ્છતા અને અણસમજના માહોલમાં ત્યાં કોરોના વધ્યો. ગુજરાતમાં તો
હજી પણ ઘણી સારી પરિસ્થિતિ છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને છત્તીસગઢ જેવા વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રો ખૂલતા જ
નથી. ખૂલે તો એનો ઉપયોગ બીજી અનેક બાબતો માટે થતો જોવા મળ્યો છે… ગામના સરપંચ અને મોવડીઓ પણ
રસીકરણનો વિરોધ કરી રહ્યા છે. સૌથી અઘરી બાબત એ છે કે, રસીથી થતા ફાયદા સમજાવવા માટે ત્યાં સુધી
અખબારો કે ટેલિવિઝન નથી પહોંચતા પણ, રસીથી થતા ગેરફાયદા સમજાવવા માટે વ્હોટ્સએપ પહોંચી જાય છે !
આવા સમયમાં રસીકરણ અને હર્ડ ઈમ્યુનિટીનો વિચાર આપણે કેવી રીતે કરી શકીશું ?

નિરક્ષરતા અને અંધવિશ્વાસ આ દેશની સૌથી મોટી સમસ્યા છે. કોરોના કે કેન્સરના ઈલાજ માટે દોરાધાગા
કે ભૂતભૂવા કરનારા લોકો આ દેશમાં મોટા પ્રમાણમાં છે. એ વિશેની જાગૃતિ ફેલાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે,
પણ સામે પક્ષે કોઈ પણ સરકાર હોય, કેટલાક લોકોને માત્ર વિરોધ કરવાનો શોખ હોય છે. એવા લોકો સરકાર અને
સરકારની કામગીરીને ખોટી રીતે બદનામ કરે છે. અફવા ફેલાવે છે અને જનસામાન્યને ખોટી દિશામાં દોરી જાય છે.
આપણે એકવાર સ્વીકારી લઈએ કે સરકાર નિષ્ક્રિય રહી છે, નિષ્ફળ રહી છે અથવા એમણે પોતાની જવાબદારી પૂરી
નથી કરી તો પણ, નિરક્ષર ગામડાંના અને અંધવિશ્વાસુ લોકોએ પોતાનું જ નુકસાન કર્યું છે, કરી રહ્યા છે એ પણ
એટલું જ સત્ય છે.

ગામડાંમાં કામ કરતા સ્વાસ્થ્ય કર્મીઓને આ રસીનું તાપમાન જાળવતા કે કેટલુંક ધ્યાન રાખતા નથી આવડતું.
રાજસ્થાનમાં, બિહારમાં અને ઝારખંડમાં રસીના કેટલાય ડોઝ ફેંકી દેવા પડ્યા કારણ કે એની જાળવણી યોગ્ય રીતે થઈ
નહોતી. આટલી મોંઘી અને મહામહેનતે મળતી રસી એક તરફ ફેંકી દેવી પડે છે, તો બીજી તરફ એની અછતના
સમાચાર મીડિયા અને વ્હોટ્સએપ પર ફરતા રહે છે !

ભણેલા લોકો, શહેરી અથવા અર્બન અને અપરમિડલ ક્લાસના લોકોની સાથે સમસ્યા જરા જુદી છે. એમની
સમસ્યા એ છે કે, રસીકેન્દ્રો પર નામ નોંધાવ્યા પછી અને સ્લોટ બુક કરાવ્યા પછી પણ લોકો પહોંચતા નથી. કેટલાકને
લાઈનમાં ઊભા રહેવાનો કંટાળો છે, તો કેટલાકને ‘રસી કરતા પણ મહત્વનું’ બીજું કામ આવી જાય છે ! એચસીજી
(મીઠાખળી)માં 130થી વધુ, સ્ટેડિયમ અર્બન હેલ્થ સેન્ટરમાં 120થી વધુ, ટાગોર હોલમાં 100 જેટલા, એક
મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં 600થી વધુ અને બીજા અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલમાં થઈને લગભગ 400
જેટલા ડોઝ વપરાયા વગરના પડ્યા રહ્યા એવી માહિતી પ્રકાશિત થઈ છે. નવાઈની વાત એ છે કે, એક તરફથી આપણે
રસી નહીં મળવાની ફરિયાદ કરીએ છીએ, ક્યાંક લાંબી લાઈનોના ફોટા છપાય છે ને બીજી તરફ જે રસીને અમુક
તાપમાને સાચવીને, કેટલોય ખર્ચ કરીને આપણા સુધી પહોંચાડવામાં આવે છે એ રસી લેવા લોકો પહોંચતા જ નથી !
આપણે બધા માંદગીની ગંભીરતા વિશે પહેલેથી જ થોડા બેદરકાર છીએ. કોરોનાએ આપણને થોડા જગાડ્યા છે તેમ
છતાં હજી પણ આપણને કેટલીક બાબતોમાં સ્વચ્છતા અને સાવચેતીનું મહત્વ સમજાતું નથી. સરકારની બેદરકારી કે
સરકારી અફસરોની અછત અથવા અણસમજની સામે આપણે આપણા નાગરિક અધિકારોનો દુરુપયોગ કરી રહ્યા છે
એ પણ એટલું જ સત્ય છે. વેક્સિન કોરોનાની સામે લડવામાં મદદ કરે છે. વેક્સિન લેવાથી કદાચ એકાદ દિવસ તાવ
આવે, ચક્કર આવે કે અશક્તિ અથવા અસ્વસ્થતા વર્તાય તો એ આડઅસર નથી, બલ્કે સાચી અસર છે. આપણે જ્યારે
આફ્રિકા જતા પહેલાં યલો ફિવરની રસી લઈએ છીએ ત્યારે કેટલાકને તાવ આવે છે. નાના બાળકને એમ.એમ.આર.ની
રસી આપવામાં આવે છે ત્યારે એને પણ તાવ આવે છે, બેચેની લાગે છે, બાળક રડ્યા કરે છે. કારણ કે, શરીરમાં રોગના
જીવાણું દાખલ થાય છે. આપણું શરીર એ રોગ સામે લડતા શીખે એ માટે આ જીવાણું આપણા શરીરમાં દાખલ
કરવામાં આવે છે.

કોરોના એક એવો રોગ છે જે હવે જવાનો નથી, મેલેરિયા, પોલિયો, શીતળાની સામે આપણે જેવી રીતે
લડ્યા એવી જ રીતે આપણે કોરોના સામે પણ લડવાનું છે. પોલિયો અને શીતળા જેવા રોગોમાં જે રીતે તબીબી
વિજ્ઞાને અંતે જીત હાંસલ કરી છે એવી જ રીતે, કોરોના ઉપર પણ જીત હાંસલ કરવાની છે. પ્રશ્ન માત્ર એટલો છે કે,
એકલી હોસ્પિટલ, કે સરકારના પ્રયત્નોથી આ નહીં થઈ શકે… કોરોનાનો ભોગ આપણે બની રહ્યા છીએ. એની સામે
લડવાનું કામ પણ આપણે સૌએ કરવું પડશે.

વેક્સિન અથવા રસી આપણો જીવ બચાવવાનું કામ કરશે. કેટલીક વખત જેમ ફિઝિયોથેરાપી કરતી વખતે
દુઃખે અથવા કેટલીક ભયાનક કડવી અને બેસ્વાદ દવાઓ લેવી પડે, એની આડઅસર પણ થાય… કિમો લઈએ ત્યારે
વાળ ખરે, ગરમી લાગે, પરંતુ અંતે આ બધા પછી જો જીવ બચતો હોય તો રસી લેવી એ જ આપણા સૌ માટે શ્રેય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *