વાચા દે વેદનાને ઘણી કરકસરની સાથ, પૂરેપૂરી તો તારી વ્યથા કોણ માનશે?

આપણે ‘અજવાળું’નો અર્થ ફક્ત સુખ, સંપત્તિ કે સ્વસ્થ સંબંધો સાથે જોડાયેલી કેટલીક એવી
વાતોમાંથી શોધી કાઢીએ છીએ જેમાં આપણી સગવડ છે. કેટલીકવાર સવાલ થાય કે શું ફક્ત
અજવાળું જ સુખનો પર્યાય છે? તો પછી રાત્રિના અંધકારમાં નિદ્રાધીન થઈને આપણે જે રીતે
સવારના સૂર્યની પ્રતીક્ષામાં નિરાંતે આંખો મીંચી લઈએ છીએ, એ ભીતરનું અજવાળું નથી શું?

અજવાળાંને ફક્ત સ્મિત સાથે, સુખ સાથે કે પ્રકાશ સાથે સંબંધ નથી… અજવાળું એટલે
મૌન, શાંતિ, ભીતરનો કોઈ સંવાદ કે પછી કુદરતની કોઈ અમૂલ્ય ક્ષણને સ્મૃતિમાં કેદ કરી લેવાની એક
એવી ક્ષણ જે જીવનપર્યંત આપણા મનમાં સ્થિર થઈ જાય છે. આ સ્મૃતિની ક્ષણ એટલે એક માની
ભયાનક વેદનામાંથી જન્મ લેતો એક જીવ-એક સ્ત્રીનું પૂર્ણત્વ અને એક પિતાના ડીએનએ અને એના
અસ્તિત્વનું એક્સ્ટેન્શન, વેદનામાંથી પ્રગટ થતું અજવાળું છે. પ્રાર્થના સમયે જ્યારે આંખમાંથી આંસુ
આપોઆપ સરવા લાગે છે ત્યારે એ પરમપિતા પાસે જે પામ્યાં છીએ એનો આભાર પ્રગટ કરવાની
એક એવી સુખમય વેદના છે જેનું અજવાળું જો અનુભવી શકાય તો જીવનભર ઈર્ષા, અહંકાર કે
અધૂરપનો અંધકાર આપણને ડરાવી શકતો નથી. આપણે બધા વેદનાનો એક જ અર્થ કરી શકીએ
છીએ, એ આપણી સમજણની મર્યાદા છે, પરંતુ જે વ્યક્તિ એકવાર વેદનાના અજવાળાને અનુભવી
શકે એ કૃષ્ણ, મીરાં, નરસિંહ, સૂરદાસ, તુલસીદાસ, વિન્સેન્ટ વાન ગોગ, માઈકલ એન્જેલો, જે.કે.
રોલિંગ, ગાંધી કે બાબાસાહેબ આમ્ટે બની શકે છે. કેટલીકવાર એ વેદના પોતીકી, સાવ અંગત હોય છે
તો કેટલીકવાર પારકી વેદનાને પોતીકી બનાવવાની એક અજબ જેવી આવડત કેટલાક લોકોને એમના
અસ્તિત્વમાં સહજ રીતે મળી હોય છે. જેની પોતીકી વેદના છે એની પાસે જીવનના સંઘર્ષની એક
અદભૂત કથા છે. એ કથા અનિવાર્યપણે પ્રેરણાનું અજવાળું બને છે જ્યારે પારકી વેદનાને પોતીકી કરી
શકનારનું જીવન અન્ય કેટલાય લોકો માટે સુખ, શાંતિ, સંવેદના અને સ્નેહનું અજવાળું બની રહે છે!

ક્યારેક કોઈ સંબંધ તૂટે, કોઈ હાથ છુટે કે આપણા સ્વજન-પ્રિયજન આપણી સ્નેહસીમામાંથી
બહાર નીકળી જાય ત્યારે આપણને એવું લાગે કે, અંધકાર ઘેરી વળ્યો છે, પરંતુ કોઈ અંધકાર કાયમી
હોઈ શકે જ નહીં. સાંજે સૂરજ ડુબે છે ત્યારે એ ‘આવતીકાલે’ સવારે આવવાનું વચન આપીને જાય
છે, એવી જ રીતે સંબંધોનો અંધકાર પણ પોતાની ભીતર અજવાળાંનું એક વચન લઈને આવે છે.
બસ, એ સમયે ભીતર વ્યાપી ગયેલી શૂન્યતા આપણને ‘એ’ વચન જોવા કે સાંભળવા દેતી નથી.
આપણે સૌ વેદનાને માત્ર નેગેટિવિટી તરીકે જોતાં શીખ્યા છીએ, પરંતુ બીજ જ્યારે માટીમાં દટાય છે
ત્યારે એની આસપાસ ભયાનક અંધકાર, ઉપરથી માટીનું દબાણ, ગૂંગળામણ અને પોતે કુંપળ બનીને
બહાર નીકળી શકશે કે નહીં, એ વિશેની અસુરક્ષા હોય જ છે. થોડાં કલાક, દિવસ જો એ માટીમાં
વિતાવી શકે તો એ કુંપળ બનીને ફૂટે છે. વૃક્ષ બને છે, છોડ બને છે, ફૂલો કે ફળનું અધિકારી બને છે…

વેદનામાંથી જન્મે છે કલા. મોટાભાગના કલાકારો, જેઓ આજે વિશ્વના શ્રેષ્ઠ કલાકારોની
યાદીમાં છે એ સહુ એક યા બીજા કારણસર અંગત ટ્રેજેડીમાંથી પસાર થયા છે. વિન્સેન્ટ વાન ગોગ
એક અદભૂત ચિત્રકાર હતા. એમના પણ ગાંડપણના હુમલા થતા. એમણે પોતાના ડાબા કાનનો ટુકડો
કાપીને એમની પ્રેમિકા રૂને આપી દીધેલો. એમના બધા સેલ્ફ પોટ્રેઈટમાં એમનો એક જ કાન દેખાય
છે. માઈકલ એન્જેલો એમના યુગના શ્રેષ્ઠ કલાકાર હતા. ‘ડેવિડ’ અને ‘લાસ્ટ જજમેન્ટ’ જેવી કૃતિઓ
એમણે આપી, પરંતુ ઈટાલીની રાજકીય ઉથલપાથલો દરમિયાન એમણે બનાવેલી જુલિયસની
પ્રતિમાને ઓગાળીને એમાંથી તોપ બનાવવામાં આવી. એમના પત્રો આજે પણ, એમની હતાશા,
એમની સાથે થયેલો અયોગ્ય વ્યવહાર-છેતરપિંડીની વાત કરે છે. અમૃતા શેરગીલ જેવી અદભૂત
ચિત્રકાર પોતાના કઝીન સાથે પરણી હતી, કલાપી જેવા કવિની કવિતાઓમાં શોભના પરત્વેનું
આકર્ષણ અને પછી એના જ તરફથી મળેલી નિરાશા પ્રગટ થાય છે, રવીન્દ્રનાથ ટાગોર જેવા કવિ
સ્પેઈનની કવયિત્રી વિક્ટોરિયા (વિજયા)ને પત્રો લખે છે જેમાં 63 વર્ષની ઉંમરે 34 વર્ષની
વિક્ટોરિયાને એ પોતાની પીડા જણાવે છે જેમાં, એમના પ્રણયવીહિન શુષ્ક જીવનની વાતો લખે છે.
ટાગોરના ભાભી કાદમ્બરી દેવીએ ટાગોરના લગ્ન પછી થોડાં જ મહિનામાં આત્મહત્યા કરી હતી.
સઆદત હસન મન્ટો લખે છે કે, ‘મારી અંદર બે જણાં છે એકનું નામ સઆદત છે અને બીજો મન્ટો
છે. સઆદતને આ શખ્સ ‘મન્ટો’ સમજાતો જ નથી! ગાલિબનો શે’ર, ‘फ़िक्र-ए-दुनिया में सर
खपाता हूँ, मैं कहाँ और ये वबाल कहाँ’ કે પછી મરીઝનો શે’ર, ‘બસ, દુર્દશાનો એટલો આભાર
હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.’ અને મીનાકુમારી લખે છે, ‘पूछते हो, तो
सुनो कैसे बसर होती है, रात खैरात की सदके कि सहर होती है.’

આ બધી વાત ક્યાંકને ક્યાંક વ્યક્તિની ભીતર રહેલા વેદનાના અજવાળાંનો પ્રકાશ છે.
ગાંધીજીના હરિલાલ કે કૃષ્ણના સામ્બ પણ, એવાં પ્રકરણ છે જેમાંથી એમની મહાનતાની ધૂમિલ
છબિ ઉપર ક્યાંક વેદનાનો પ્રકાશ પડે છે. રામ સીતાના વિરહમાં રડે છે, જ્યાંથી રાવણના
આસુરીતત્વના વિનાશની કથા શરૂ થાય છે, તો શિવના ખભે સતીનું શબ છે-જેમાંથી 51 શક્તિપીઠો
પ્રગટે છે.

આપણે બધા વેદનાને સમસ્યા કે આપણી સાથે થયેલા અન્યાય તરીકે જોઈએ તો કદાચ સતત
એક પ્રશ્ન થાય, ‘વ્હાય મી?-હું જ કેમ?’ પરંતુ, જે ક્ષણે આપણને એ સમજાય કે જીસસ, બુધ્ધ,
મોહંમદ જેવી વ્યક્તિઓ પણ વેદનાના પરિઘમાંથી બહાર રહી શકી નથી ત્યારે ચોક્કસ એટલો સંતોષ
થાય કે, આ એક એવી અદભૂત પરિસ્થિતિ છે જ્યાં આપણે પણ બાકાત નથી રહી શક્યા. પરિસ્થિતિ
અને મનઃસ્થિતિને એક સૂરમાં ગાતાં આવડે તો સુખનું સંગીત પ્રગટે છે. અભાવનું રૂ, અસુરક્ષાનું
કોડિયું અને પીડાનું ઘી છે… આ ત્રણેય સાથે મળે છે ત્યારે એમાંથી વેદનાનું અજવાળું માત્ર આપણી
જ નહીં, આપણી આસપાસની દુનિયા અને પછીની અનેક પેઢીઓને ઉજાસ આપે છે. આ ઉજાસ
દિશા બતાવે છે… આ ઉજાસ એક એવી કેડી કંડારે છે જે કદાચ, આપણા માટે કંટકો ભરેલો માર્ગ છે,
પરંતુ આપણા પછીની અનેક પેઢીઓ માટે એમની મંઝિલ સુધી પહોંચવાનો રાજમાર્ગ બની શકે છે.

जो इस वक्त मुस्कुरा रहा है, कभी उसे दर्दने पाला होगा,
जो इस वक्त चल रहा है, उसके पैर में भी छाला होगा,
बिना दर्द के तो कोई भी पल नहीं सकता,
जो दिया जल रहा है उसी से तो उजाला होगा.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *