કેટલાય વર્ષોથી એવું કહેવામાં આવે છે કે, સિનેમાની અસર સમાજ ઉપર સીધી થાય છે. ફેશન,
ફિતુર અને ફંડા સિનેમામાંથી સમાજમાં આવે છે, પરંતુ છેલ્લા થોડા સમયમાં આપણે જે પ્રકારના
સિનેમા જોઈ રહ્યા છીએ એને આપણા સમાજ સાથે લેવાદેવા છે? સિનેમા સાથે હવે આપણે ઓટીટીને
પણ સાંકળવું પડે અને ઓટીટી ઉપર ‘પ્રેમ’ના નામે દેખાડવામાં આવતા દ્રશ્યો સમાજને શું આપે છે એવો
સવાલ આપણે સૌએ સ્વયંને પૂછવાનો સમય થઈ ગયો છે. આજે, વલેન્ટાઈન ડેના દિવસે, પ્રેમીઓનો દિવસ
માનીને વિશ્વભરમાં ‘લવ’ અથવા ‘પ્રેમ’ની ઉજવણી થાય છે, ત્યારે 60ના દાયકામાં, 70ના દાયકામાં, 80-90 અને
2000માં બદલાતી રહેલી પ્રેમની વ્યાખ્યાઓ વિશે છોછ મૂકીને વાત થવી જોઈએ. 60ના દાયકામાં પ્રેમનો અર્થ
‘ઈમોશન’ અથવા ‘સંવેદના’ થતો હતો. 70 અને 80ના દાયકામાં પ્રેમ થોડો આગળ વધ્યો અને એક્સ્ટ્રા
મેરિટલ, બ્રેકઅપ, બેવફાઈ જેવી વાતોને આપણી સામે મૂકવામાં આવી. 90ના દાયકામાં પ્રણય,
સંગીતમય અને થોડો વધુ શારીરિક અભિવ્યક્તિ સાથે જોડાયો, પરંતુ 2000થી શરૂ કરીને આજે
2023માં ‘પ્રેમ’ ફક્ત શરીર સાથે જોડાયેલી અભિવ્યક્તિ બનીને રહી ગયો છે.
એલજીબીટીક્યૂ, કોઈને કોઈ રીતે સિનેમા, ઓટીટીમાં ઢસડી લાવવામાં આવે છે. વાર્તામાં જરૂર
હોય કે નહીં, ઉત્તેજક શારીરિક દ્રશ્યો નાખવામાં આવે છે. નગ્નતા અને સ્ત્રીઓને નિર્લજ્જપણે સિગરેટ
પીતી, શરાબ પીતી, પોતાની પુત્રના ઉંમરના છોકરા સાથે સેક્સ કરતી બતાવવામાં આવે છે. આ પ્રેમ છે?
આ બધું જોઈને જે લોકોના મગજ ખરાબ થાય છે એ લોકો આ દુનિયાને સાચી માને છે. ઓછું
ભણેલા, મજૂર વર્ગ અને ઝુંપડપટ્ટીમાં વસતા એવા લોકો જેમને જીવનની સાદી સગવડો પણ ઉપલબ્ધ
નથી એ લોકો પણ હવે મોબાઈલ ઉપર આવા શો જોઈ શકે છે. પોર્ન કન્ટેન્ટ એટલું બધું ઉપલબ્ધ છે કે,
આપણો સમાજ ધીમે ધીમે પાયામાંથી માનસિક રીતે સડી રહ્યો છે. આની અસર નાની, કુમળી વયની
બાળકીઓ-સ્કૂલમાં ભણતી છોકરીઓ કે અડોશપડોશમાં રહેતી નિર્દોષ કન્યાઓ ઉપરના બળાત્કારમાં
પરિણમે છે.
આપણે સૌ જાણીએ છીએ કે, સૌથી વધુ ઉત્તેજક બાબત દ્રશ્યો, અથવા વિઝ્યુઅલ્સ હોય છે.
નજર સામે દેખાતું દ્રશ્ય માણસના મગજના અંતઃસ્તલ સુધી પહોંચે છે અને એને એવી બાબતો
વિચારવા મજબૂર કરે છે જે કદાચ એના સંસ્કાર અથવા ઉછેરમાં ન પણ હોય! ગામડાંના પછાત
વિસ્તારોમાંથી શહેરોમાં જઈને વસેલા લોકોએ સ્ત્રીનું એક જ સ્વરૂપ જોયું છે. એ લોકો જ્યારે શહેરમાં
આવે છે ત્યારે એમની નજર સામે સ્વતંત્ર, ટૂંકા કપડા પહેરતી, સિગરેટ પીતી, બોયફ્રેન્ડ રાખતી છોકરી
એમને માટે એક ‘આકર્ષક પ્રાણી’ પૂરવાર થાય છે. આમાં છોકરીનો વાંક છે કે નહીં એની ચર્ચા જ નથી,
આમાં માત્ર માનસિકતાનો પ્રશ્ન છે, જે સુધારવાને બદલે બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
બીજી એક બાબત એ છે કે, સિગરેટ, શરાબ, ગાંજો કે ડ્રગ્સની જેમ જ હોમોસેક્સ્યુઆલિટી અને
લેસ્બિયન માનસિકતાને બહુ ગ્લેમરસ રીતે રજૂ કરવામાં આવે છે. સાથે જ એવો સંદેશો પણ આપવામાં
આવે છે કે, માતા-પિતા, સમાજ અને મિત્રો આ પ્રકારની માનસિકતાને સ્વીકારવા લાગ્યા છે. જેની
શારીરિક અને માનસિક સ્થિતિ સાચે જ આવી કોઈ હોમોસેક્સ્યુઆલિટી કે લેસ્બિયન જરૂરિયાત સાથે
સંકળાયેલી છે એને સંવેદનાથી સ્વીકારવાનો વિરોધ ન હોઈ શકે, પરંતુ કાચા ટીનએજ યુવા માનસમાં
આવાં દ્રશ્યો કુતૂહલને જન્મ આપે છે. આ કુતૂહલ એમને હોમોસેક્સ્યુઆલિટી કે લેસ્બિયન સંબંધના
પ્રયોગ તરફ ધકેલે છે. આવા કુતૂહલ પ્રેરિત ટીનએજ યુવાનો કે યુવતીઓ અંતે પેડોફેલિયા, બાળ યૌન
શોષણ તરફ વળી જાય છે. પેડોફેલિયાની મુખ્ય માનસિકતા એ છે કે, બાળક વિરોધ નથી કરી શકતું
અથવા નાની વાતમાં ખુશ થઈને અણસમજુ બાળક પોતાનું શોષણ થવા દે છે. ગભરાયેલું કે શોષિત
બાળક બહુ ઝડપથી પોતાની સાથે બનેલી દુર્ઘટનાની વાત કોઈને કહેતું નથી એટલે દુષ્કર્મ કરનાર
સલામતી અનુભવે છે. સત્ય એ છે કે, આ બધું સમાજમાં જે રીતે ફેલાઈ રહ્યું છે એ બધો કારપેટ નીચેનો
કચરો છે. આપણે જેને ‘પ્રેમ દિવસ’ તરીકે ઉજવીએ છીએ એ સપાટી પર દેખાતી સાવ નાનકડી ટીપ છે.
એની નીચે સમુદ્રમાં અનેકગણી મોટી હિમશિલા તરી રહી છે. આપણા સંતાનો શાળામાં, ટ્યુશન
ક્લાસમાં, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં, પ્રવાસમાં સુરક્ષિત નથી એનું કારણ આવા ઓટીટી અને સિનેમામાં
દેખાડવામાં આવતા દ્રશ્યોથી કલુષિત થઈ રહેલી માનસિકતા છે.
એક દાદાજી પોતાની પૌત્રીનો બળાત્કાર કરે? પિતા પોતાની પુત્રી સાથે મહિનાઓ સુધી દુષ્કર્મ
કરે? પોતાના દીકરા સાથે રમવા આવતો નવ વર્ષનો છોકરો પોતાના મિત્રના પિતાના દુષ્કર્મનો ભોગ
બને? એક તરફથી આપણે બેટી બચાઓ અને બેટી પઢાઓની વાત કરીએ છીએ, અને બીજી તરફથી
આપણા જ સમાજમાં નાની બાળકીઓ સુરક્ષિત નથી. આપણે કયા સમાજ તરફ-કયા વિકાસ તરફ
આગળ વધી રહ્યા છીએ? જે ગંદી માનસિકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે એ કદાચ વ્યૂઅરશિપ લાવી આપતું
હશે, પરંતુ એને કારણે સમાજની નાની બાળકીઓ અને દીકરીઓને થતા નુકસાનની જવાબદારી કોણ
લેશે?
ગયા અઠવાડિયે વૈશાલી શાહ દ્વારા લખેલી અને શૂટ કરાયેલી એક નાનકડી ફિલ્મ સોશિયલ
મીડિયા પર જોઈ. ફિલ્મ ખૂબ સાદી છે. નાનકડી છોકરી સાદા સ્ક્રીન ઉપર આવીને પોતાની વાત કહે છે.
આ વાત સાંભળવા જેવી છે. એનું કહેવું એ છે કે, આવું બિભત્સ કન્ટેન્ટ અપલોડ કરનારાઓ ભૂલી જાય
છે કે, એ લોકો પૈસા કમાવા માટે સમાજમાં કયા પ્રકારની માનસિકતા ફેલાવી રહ્યા છે? ફિલ્મની લિન્ક
https://youtu.be/eRg7FvqGXf8 ક્લિક કરીને નાનકડી બાળકીઓના માતા-પિતાએ એકવાર
જોવા જેવી છે, કારણ કે આ લિન્ક જોનારની સંવેદના જો હજી સુધી જીવંત હશે તો ભીતરથી હચમચ્યા
વગર નહીં રહે.