વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં સરકાર જોઈએ એટલો રસ લેતી નથી

મેં જ્યારે ડબલ્યુ આઈઆઈની ફેલોશિપ લીધી ત્યારે મારે માટે બહુ જ અઘરો અનુભવ પૂરવાર થયો હતો.
ત્યાં રહેતા કેટલાક સ્થાપિતહિતો અને રાજકારણીઓ વાઘને મારીને એના ચામડા અને નખનો વ્યાપાર કરતા હતા.
મારા દાખલ થવાથી એમના એકચક્ર સામ્રાજ્યમાં સમસ્યાઓ ઊભી થઈ. મને મારી નાખવાની ધમકીઓ પણ મળી,
એટલું જ નહીં, ત્યાંના રાજકારણીઓ સાથે મારે સીધા સંઘર્ષમાં પણ ઉતરવું પડ્યું, પરંતુ મારો ઈરાદો મક્કમ હતો.
મારી રિસર્ચની ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી હતી.

નામ : લતિકા નાથ
સ્થળ : બાંધવગઢ
સમય : 2021

આજે મારા લખેલા અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાંના કેટલાકને એવોર્ડ્સ પણ મળ્યા છે. બાળકો
માટેનું મારું એક પુસ્તક, ‘તકદીર ધ ટાઈગર કમ’ ખૂબ વખણાયું છે અને લગભગ 20 ભાષાઓમાં એનો અનુવાદ થયો
છે. હું બે વર્ષ ઈથોપિયા રહી ત્યારે મેં 60 હજાર જેટલા ફોટા પાડ્યા અને પછીથી પાંચ ભાગમાં પુસ્તક પ્રકાશિત કર્યું.
ઓમો-ધ પ્લેસ ટાઈમ ફરગોટ (ઓમો-એક એવું સ્થળ જેને સમય ભૂલી ગયો છે) એ પછી મારું એક પુસ્તક, ‘હીડન
ઈન્ડિયા’ પ્રકાશિત થયું જેમાં મેં કાન્હા અને બાંધવગઢ વિસ્તારના આદિવાસીઓના જીવન અને એમના રીતિરિવાજો
વિશે લખ્યું છે.

છેલ્લાં ત્રીસ વર્ષમાં હું 50 કરતા વધારે દેશોમાં પ્રવાસ કરી ચૂકી છું. મારે માટે દરેક દેશનું વન્ય જીવન અને
પ્રાણી જીવન મારા રસનો વિષય છે, પરંતુ મેં જ્યારે ડબલ્યુ આઈઆઈની ફેલોશિપ લીધી ત્યારે મારે માટે બહુ જ
અઘરો અનુભવ પૂરવાર થયો હતો. ત્યાં રહેતા કેટલાક સ્થાપિતહિતો અને રાજકારણીઓ વાઘને મારીને એના ચામડા
અને નખનો વ્યાપાર કરતા હતા. મારા દાખલ થવાથી એમના એકચક્ર સામ્રાજ્યમાં સમસ્યાઓ ઊભી થઈ. મને મારી
નાખવાની ધમકીઓ પણ મળી, એટલું જ નહીં, ત્યાંના રાજકારણીઓ સાથે મારે સીધા સંઘર્ષમાં પણ ઉતરવું પડ્યું,
પરંતુ મારો ઈરાદો મક્કમ હતો. મારી રિસર્ચની ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી હતી. તેમ છતાં, મેં બાંધવગઢ છોડ્યું
નહીં. અમેરિકન વાઈલ્ડ લાઈફ અને નેશનલ જ્યોગ્રાફીકને પત્ર લખીને મેં મારું કામ અને રિસર્ચના મહત્ત્વ વિશે
જણાવ્યું. એ વખતે ડૉ. જ્યુડિટ પેલોટ યુનાઈટેડ સ્ટેટથી અહીં આવ્યા. એમની આગેવાની નીચે આવેલી ટીમે પૂરી
તપાસ કરીને એવો નિર્ણય આપ્યો કે મારું રિસર્ચ ચાલુ રહેવું જોઈએ એટલું જ નહીં, મારી ગ્રાન્ટ પણ અટકવી જોઈએ
નહીં.

એ ગાળામાં મેં નેપાલના વાઈલ્ડ લાઈફમાં રસ ધરાવતા નંદ રાણા સાથે લગ્ન કર્યાં. નંદનો પણ મુખ્ય વિષય
વાઈલ્ડ લાઈફ અને એની સાથે જોડાયેલું સંશોધન પ્રાણીઓનું કોન્ઝર્વેશન છે. અમે બંને અમારા ક્ષેત્રમાં કામ કરીએ
છીએ. નંદ શમશેર રાણા, પોતાની યુવાનીમાં શિકારી હતા. એ નેપાલના રાજવંશ સાથે સંબંધ ધરાવે છે. ચંદ્ર શમશેર
જંગબહાદુર રાણાના પૌત્ર છે. શિકારનો શોખ હોવાને કારણે એક વાઘનો શિકાર કરવો એ એમનું સ્વપ્ન હતું. એકવાર
ત્રણ—ાર દિવસ રખડ્યા પછી એમને વાઘનો સામનો થયો. નંદે મને કહ્યું હતું, ‘અમે એનું પગેરું કાઢતા પાણીના
નાનકડા તળાવ પાસે પહોંચ્યા. એ વાઘણ હતી. મારી સાથે શિકાર કરવા આવેલા બધાંને ખાતરી હતી કે આજે એમનો
સામનો થયા વગર નહીં રહે. અંતે એ મારી સામે આવીને ઊભી રહી. ચંદ્રના પ્રકાશમાં રહી ચમકતી આંખો એટલી
બધી સુંદર દેખાતી હતી કે હું એનો શિકાર ન કરી શક્યો. એને પણ મારી વાત જાણે સમજાઈ ગઈ હોય એમ થોડીવાર
મારી સામે જોઈને એ ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ… એ દિવસે મને વિચાર આવ્યો કે, જો મારા જેવા શિકારીઓ
આવી રીતે પ્રાણીઓનો શિકાર કરતા રહેશે તો કદાચ આવનારી પેઢીને કેટલાય સુંદર પ્રાણીઓ જોવા નહીં મળે. એ
દિવસથી મેં નિર્ણય કર્યો કે હું શિકારી તરીકે નહીં, પરંતુ પ્રાણીઓની સાચવણી માટે કામ કરીશ.’

હું નંદને મળી ત્યારે એની આ કથા સાંભળીને સખત ઈમ્પ્રેસ થઈ ગઈ. મને સમજાયું કે એના અને મારા
વિચારો સરખા જ છે. અમે બંનેએ સાથે મળીને બાંધવગઢમાં કેમ્પ ઊભો કર્યો એટલું જ નહીં, નાના બાળકો ત્યાં આવે
અને વાઘ અંગે પ્રશિક્ષણ મેળવે એવો પ્રયાસ પણ અમે બંને જણાં કરી રહ્યા છીએ. નંદ ફોટોગ્રાફર તરીકે ટ્રેન્ડ નથી પણ
એમની પાસે વાઈલ્ડ લાઈફને કેપ્ચર કરવાની અજબ ધીરજ છે. એ અગિયાર કલાક પ્રતિક્ષા કરીને કેટલીક એવી દુર્લભ
તસવીરો મેળવે છે જે નેશનલ જ્યોગ્રાફિકમાં એવોર્ડ મેળવી ચૂકી છે. નવાઈની વાત એ છે કે, એમને આ તસવીરોમાંથી
જે આવક થાય છે એ બધી જ નંદ વાઈલ્ડ લાઈફના કોન્ઝર્વેશન માટે વાપરી નાખે છે. એમણે નેશનલ જ્યોગ્રાફિક
માટે કેટલીયે ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવી છે અને હવે મધ્ય પ્રદેશ સરકાર સાથે મળીને એક એનજીઓની સ્થાપના કરી
છે જે વાઘના સંરક્ષણ માટે કામ કરે છે. એમનું એક એનજીઓ નેપાલમાં પણ છે. જે નેપાલના જંગલો અને
હિમાલયના પ્રાણીઓના સંરક્ષણ માટે કામ કરે છે. ભારતના કેટલાય નેશનલ પાર્ક્સ ઉપર નંદ અને મેં સાથે મળીને
ફિલ્મો બનાવી છે.

અમારા રસનો વિષય એક જ હોવાને કારણે અમને સાથે પ્રવાસ કરવાની અને સાથે કામ કરવાની ખૂબ મજા
પડે છે. ગયા વર્ષે વાઘ ઉપરનું મારું કામ જોઈને મને ‘ટાઈગર પ્રિન્સેસ’નો ખિતાબ આપવામાં આવ્યો. આટલું બધું થયા
છતાં મારે સ્વીકારવું જોઈએ કે સરકારી કાયદા જંગલના પ્રાણીઓને કે આદિવાસીઓને બચાવવા માટે પૂરતા નથી.
હજી પણ એવા લોકો છે જેમને વાઘના ચામડામાં અને વાઘ નખમાંથી થતી આવકમાં રસ છે. એ લોકો સરકારની
જાણ બહાર વાઘના અને જંગલી પ્રાણીઓના શિકાર કરે છે. અમે ફોરેસ્ટ ઓફિસર્સ સાથે મળીને આ શિકાર
અટકાવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. બાંધવગઢ, કાન્હા અને રણથંભોર જેવી જગ્યાઓએ હવે જંગલની વચ્ચોવચ
વોચ ટાવર્સ અને ફોનના સિગ્નલ માટેના ટાવર્સ ઊભા કરવામાં આવ્યા છે તેમ છતાં, જેટલું જોઈએ એટલું સંરક્ષણ
થઈ શકતું નથી કારણ કે, સરકારી ઓફિસર્સ જ કેટલીકવાર આ શિકારીઓ સાથે મળી ગયા હોય છે. મેં આ અંગે
કેટલીય વાર કોર્ટમાં પણ રજૂઆત કરી છે. પકડાયેલા લોકોને નાની મોટી સજા થાય છે અને પછી એ લોકો છૂટી જાય
છે ત્યારે ફરી પાછા એ જ બિઝનેસમાં જોડાઈ જાય છે…

એકવાર હું બાંધવગઢના જંગલમાં હતી ત્યારે, એક વાઘને બચાવવામાં શિકારીએ મારા પર ગોળી છોડેલી…
આવું જીવનું જોખમ તો રહે જ છે, પરંતુ તેથી આ સુંદર પ્રકૃતિને નષ્ટ થવા ન દેવાય એ વિચાર અને વચન મારા મનમાં
દૃઢ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *