હિન્દુત્વની એક લહેર આખા દેશમાં ઊઠી છે. આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો.
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ગુજરાતમાં અને દેશભરના યાત્રાધામોનો
સુવ્યવસ્થિત રીતે વિકાસ કરીને એમને યાત્રાળુઓ માટે વધુ સગવડભર્યા બનાવવામાં આવ્યાં…
લગભગ સહુ સનાતન ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરતા થયા. ભગવો આપણો નેશનલ
રંગ બન્યો… પરંતુ, હજી ધર્મમાં સમાનતા નથી. આજથી કેટલાંય વર્ષો પહેલાં આપણી પ્રજામાં ઊભો
કરવામાં આવેલો વર્ણવ્યવસ્થાનો વિચાર ધીમે ધીમે રૂઢિચુસ્તતામાં પલટાયો. એ રૂઢિચુસ્તતા
અંધશ્રધ્ધા અને માનસિક નબળાઈ બની ગઈ, જે હજી સુધી આપણા પરિવારોમાં અને સમાજમાં
સડો બનીને અટકી ગઈ છે. આજે પણ આપણે વર્ણવ્યવસ્થામાંથી મુક્ત થઈ શકતા નથી જેને કારણે
આપણે વિભાજિત છીએ.
ક્લાસ કોન્ફ્લિક્ટ આપણને એક થવા દેતો નથી-અંગ્રેજોને એને માટે જવાબદાર
ગણીએ કે ઈસ્લામિક આક્રમણોને, પરંતુ જવાબદારી બીજાના ખભે નાખી દેવાથી આપણે મુક્ત થઈ
શકતા નથી. આપણા દેશની એકતામાં જો ખરેખર કોઈએ તિરાડ પાડી હોય તો એ બહારના નહીં,
આંતરિક પરિબળો છે. નવી પેઢી સતત ‘રેસિસ્ટ માન્યતા’નો વિરોધ કરે છે. કોઈ નાનું-મોટું નથી,
વ્યવસાય કે આર્થિક સંજોગોને કારણે કોઈને અન્યાય ન થઈ શકે એ વિચાર નવી પેઢીના મનમાં વધુને
વધુ દ્રઢ થતો જાય છે, તો બીજી તરફ રિઝર્વેશનની સમસ્યાને કારણે ખરેખર હોંશિયાર વિદ્યાર્થીઓને કે
નોકરી માટે લાયકાત ધરાવતી વ્યક્તિઓને અન્યાય થાય છે એવી ફરિયાદ પણ વધુને વધુ તીવ્ર બનતી
જાય છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે જ્યારે અનામતની વાત કરેલી ત્યારે એમના મનમાં સવર્ણ
અને દલિત બંનેની માનસિકતા બદલવાનો ઉદ્દેશ હોવો જોઈએ. જે લોકોને સદીઓથી અન્યાય થયો
છે એ સહુને સમાન તક મળવી જોઈએ અને જે લોકો સતત પોતાની જાતને ‘શ્રેષ્ઠ’ માનતા કે
મનાવતા રહ્યા છે એમને પણ સમજાવું જોઈએ કે, વ્યવસાયિક લાયકાત, જન્મ સાથે મળેલું કુળ કોઈ
એક વ્યક્તિને શ્રેષ્ઠ કે કનિષ્ઠ બનાવી શકતું નથી. એમણે જે ઉદ્દેશ્ય સાથે અનામતનો વિચાર રજૂ કરેલો
એ વિચાર કદાચ ટક્યો નહીં-પ્રજા સુધી પહોંચ્યો નહીં અને એને કારણે આજે જે પરિસ્થિતિ ઊભી
થઈ છે તે ગૂંચવણ ભરેલી અને પ્રજાને એક કરવાને બદલે વધુ વિભાજિત કરતી પરિસ્થિતિ છે.
આ દેશ ભાષા, પ્રાંત, જાતિ, કુળ સહિત ધર્મથી પણ વિભાજિત છે, જેને કારણે
આપણે સહુ એક થઈને પરિસ્થિતિ કે પરદેશી આક્રમણો સામે લડી શક્યા નહીં. ઊંચ-નીચના
ભેદભાવે આપણને દેશપ્રેમને સર્વોપરિ માનવો જોઈએ એવી લાગણી આપવાને બદલે પ્રાંત, ભાષા,
જાતિ, જ્ઞાતિને વધુ મહત્વ આપતા શીખવ્યું, પરિણામે આજે પણ ચૂંટણીથી શરૂ કરીને નાનામાં નાની
સામાજિક વ્યવસ્થામાં આપણે સાચો નિર્ણય કરી શકતા નથી. વ્યક્તિને બદલે જાતિ અને જ્ઞાતિને મત
આપીને આપણે આ દેશનું-આપણું પોતાનું નુકસાન કરીએ છીએ એવી સમજણ આપણે હજી સુધી
કેળવી શક્યા નથી એ આ દેશનું દુર્ભાગ્ય છે.
સ્વામિ સચ્ચિદાનંદ લખે છે, જે લોકો જન્મથી જ વર્ણવ્યવસ્થા માનવાના ચુસ્ત
હિમાયતીઓ છે, તેમનું મૂળ આધારશાસ્ત્ર મનુસ્મૃતિ છે. વેદોના પુરુષસૂક્તમાં ચાર વર્ણોનો ઉલ્લેખ
છે, પણ તે સિવાય તેમનાં કાર્યક્ષેત્રો તથા ધાર્મિક અધિકારો વગેરેનો ઉલ્લેખ નથી અર્થાત્ ચારે વર્ણોના
અધિકારો, કાર્યો તથા પરિણામો સ્પષ્ટ બતાવ્યાં છે. આવું કરતી વખતે તેમણે પોતાને ‘વેદાનુકૂલ’ ‘વેદના
હાર્દને પ્રગટાવનાર’ વગેરે વાક્યોથી વિભૂષિત કરેલ છે. ‘વેદ’ શબ્દ તો નામમાત્રનો જ રહી ગયો અને
માત્ર સ્મૃતિ-પુરાણો તથા અન્ય ગ્રંથોથી ધર્મનો નિર્ણય થતો રહ્યો. ધર્મના નિર્ણય માટે આજે પણ
‘વેદ’નો સહારો ક્યાં લેવાય છે? વૈદિકકાળની વિકૃતિથી ત્રસ્ત પ્રજાને મુક્તિ આપવા ભગવાન બુધ્ધે જે
માર્ગ ચલાવ્યો, તેમાં પ્રાચીન વ્યક્તિ કે કોઈ પ્રાચીન ગ્રંથ સાથે સજ્જડ બંધાઈ જવાનું ન હોવાથી
બુધ્ધિનો તમામ ઉપયોગ નવનિર્માણમાં થયો. શીલ, સમાધિ ને પ્રજ્ઞાના ત્રણ પાયા ઉપર યુક્તિસંગત
માનવતાલક્ષી ધર્મને બેસાડી વિશ્વના દૂરદૂરના ભાગો સુધી તેને પ્રસરાવ્યો. તેમણે ધાર્મિક જગતમાં
ઊંચ-નીચ, બ્રાહ્મણ-શૂદ્ર વગેરેના ભેદોને માન્ય ન રાખ્યા. સૌને સમાન અધિકાર આપ્યો. આ ઉદય
કાળમાં બૌધ્ધ ધર્મની વિરુધ્ધમાં વર્ણવ્યવસ્થાને સજ્જડ તથા કઠોર કરવામાં આવી, જેના થોડાક
નમૂના આપણે મનુસ્મૃતિમાં જોઈશું.
લોકોનાં તુ વિવૃદ્ધયર્થ મુખબાહૂરુપાદતઃ ।
બ્રાહ્મણં ક્ષત્રિયં વૈશ્યં શૂદ્રં ચ નિરવર્તયત્ ।।
(લોકોની પુષ્કળ વૃદ્ધિ માટે એ પ્રભુએ (પોતાના) મુખ, બાહુ, સાથળ તથા પગમાંથી
(અનુક્રમે) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રને સરજ્યા છે.)
વાસ્તવિક દુનિયામાં આપણે જોઈએ છીએ કે બુધ્ધિ વગેરે ખાસ ગુણો કોઈ નિશ્ચિત
વર્ણોમાં જ સીમિત થઈ જતા નથી. બધી જ પ્રજામાં આ ગુણો જોઈ શકાય છે. યોગ્ય તક તથા
વાતાવરણ મળે તો પ્રજા પોતાનો સર્વતોભદ્ર વિકાસ કરી શકે છે, પણ દુર્બળ માણસો પાસેથી તકો
તથા વાતાવરણ પડાવી લેવામાં આવે તો તે આવા ઉત્તમ ગુણો વિનાની થઈ જાય અને કાયમ માટે
ચાકરી કરતી થઈ જાય. વર્ણવિભાગ આ રીતે સબળ માણસોને કાયમી લાભ તથા દુર્બળ માણસોને
કાયમી હાનિ પહોંચાડવા થયેલી વ્યવસ્થા છે. આ ચાર વર્ણોનાં આગળ જે કર્મવિભાજન થયાં છે તેથી
આ વાત વધુ સ્પષ્ટ થશે.
અધ્યાપનમનધ્યયનં યજનં યાજનં તથા ।
દાનં પ્રતિગ્રહં ચૈવ બ્રાહ્મણાનામકલ્પયત્ ।। 1-88
(ભણાવવું, ભણવું, યજ્ઞ કરવા, યજ્ઞ કરાવવા, દાન લેવું અને દાન આપવું એ છ
બ્રાહ્મણોનાં કર્મો તેમણે નક્કી કર્યાં છે.)
પ્રજાનાં રક્ષણં દાનમિજ્યાધ્યયનમેવ ચ ।
વિષયેષ્વપ્રસક્તિશ્ચ ક્ષત્રિયસ્ય સમાસતઃ ।। 1-89
(પ્રજાનું રક્ષણ કરવું, દાન આપવું, યજ્ઞ કરવા, ભણવું તથા વિષયોમાં આસક્તિ ન
રાખવી એ ક્ષત્રિયોનાં કર્મો છે.)
પશૂનાં રક્ષણં દાનમિજ્યાધ્યયનમેવ ચ ।
વણિક્પથં કુસીદં ચ વૈશ્યસ્ય કૃષિમેવ ચ ।। 1-90
(પશુઓનું રક્ષણ કરવું, દાન કરવું, યજ્ઞ કરવા, ભણવું, વેપારવણજ કરવો, વ્યાજવટું
કરવું અને ખેતી કરવી એ વૈશ્યોનાં કર્મો નક્કી કર્યાં છે.)
શૂદ્રકર્મ
એકમેવ તુ શૂદ્રસ્ય પ્રભુઃ કર્મ સમાદિશત્ ।
એતેષામેવ વર્ણાનાં શુશ્રૂષામનસૂયયા ।। 1-91
(તે ભગવાને શૂદ્ર માટે એક જ કર્મનો આદેશ આપ્યો છે કે, તેણે ઉપલા ત્રણે વર્ણોની
નિંદા કર્યા વિના સેવા કરવી.)
વર્ણવ્યવસ્થા, ક્લાસ કે આર્થિક અસમાનતા આ દેશની સૌથી મોટી નબળાઈ છે. જો
આપણે એને દૂર કરી શકીએ-સૌને સમાન તક, હક અને સન્માન આપી શકીએ તો આપણી એકતાને
વિશ્વની કોઈ તાકાત તોડી શકશે નહીં!