ઉત્તર પ્રદેશમાં કોલેજમાં ભણતા થોડા વિદ્યાર્થીઓએ એક વિધર્મી વિદ્યાર્થીને પકડીને
એની પાસે હિન્દુ ઈશ્વરનું નામ બોલાવવાનો પ્રયાસ કર્યો. એ વિદ્યાર્થીએ વિરોધ કર્યો, અને અંતે એ
વિદ્યાર્થીને મારી મારીને એનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું. એની સામે ફક્ત ગુજરાતમાં જ નહીં,
દેશભરમાં અન્ય ધર્મના યુવકો હિન્દુ છોકરીઓને પ્રેમમાં પાડી એની સાથે લગ્ન કરીને ‘લવ જિહાદ’ના
નામે પોતાના ધર્મને પ્રસારીત કરવાની કોઈ વિચિત્ર પ્રવૃત્તિ કરી રહ્યા છે. સવાલ એ છે કે, આ કયો ધર્મ
છે? કોઈ વ્યક્તિ આપણા ધર્મના ઈશ્વરનું નામ બોલે, એને પ્રણામ કરે કે વિધર્મી છોકરો હિન્દુ
છોકરીને મૂર્ખ બનાવીને પરણે એથી ધર્મનો પ્રસાર થાય છે? આપણે આપણા ધર્મને વધુ ઊંચો, વધુ
સન્માનનીય સ્થાને લઈ જઈ રહ્યા છીએ? આજથી થોડા વર્ષો પહેલાં પાદરીઓ આદિવાસી અને
અનુસુચિત જાતિ-જનજાતિના લોકોને લાલચ આપી, ભરમાવીને ધર્મ પરિવર્તન કરાવતા. સરકાર એ
વિશે ઘણો પ્રયત્ન કરી રહી છે તેમ છતાં, આ વટાળ પ્રવૃત્તિ લવ જિહાદની સાથે સાથે હવે હિન્દુ
ધર્મના લોકો પણ કોઈ ઉશ્કેરણી કે વેરના ભાવથી હિન્દુત્વને જુદી દિશામાં લઈ જઈ રહ્યા છે. સાચું
પૂછો તો છેલ્લા થોડા સમયથી ધર્માંધતાએ માઝા મૂકી છે… ધર્મ કોઈપણ હોય, માણસ આંખો
મીચીને, મગજ બંધ કરીને ફક્ત અંધશ્રધ્ધા અને ઝનૂનથી કશું પૂરવાર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સાચું પૂછો તો દુનિયાનો કોઈ ધર્મ આવું ઝનૂન, વેર કે ધર્માંધતા શીખવતો નથી. બધા
જ ધર્મોમાં શાંતિ, સહિષ્ણુતા અને પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો છે, ઈસ્લામમાં પણ! પડોશી
ભૂખ્યો હોય તો એને ખવડાવ્યા વગર ન ખાવું, અમાનતમાં ખયાનત ન કરવી, જુગાર, શરાબ,
પરસ્ત્રીના સંગથી દૂર રહેવું અને અલ્લાહ પરસ્ત રહેવું… આવું તો ઈસ્લામ પણ શીખવે છે તેમ છતાં,
કાશ્મીરમાં યુવાન છોકરાઓને ભરમાવીને એમને ટેરરિસ્ટ કે સ્યુસાઈડ બોમ્બર બનાવી દેવાય છે.
આપણે કયા સમયમાં પ્રવેશી ગયા છીએ એની આપણને પોતાનેય સમજણ નથી રહી, પરંતુ ધીમે
ધીમે આપણે બધા જ ધર્મના નામે આપણા અહંકારને પોષતા થઈ ગયા છીએ.
જ્યાં અહંકાર છે, ઝનૂન છે, અન્ય પ્રત્યેનો તિરસ્કાર કે વેર છે ત્યાં ધર્મ કેવી રીતે હોઈ
શકે? ઉપનિષદની એક નાનકડી કથા છે, એક દિવસ અંધારું ઈશ્વર પાસે જઈને ફરિયાદ કરવા લાગ્યું. એણે
કહ્યું કે, ‘હું જ્યાં જાઉં ત્યાં મારી પાછળ આવીને અજવાળું મને ભગાડે છે. મને ક્યાંય શાંતિથી રહેવા નથી દેતો.’
ઈશ્વરે અજવાળાને બોલાવ્યો અને પૂછ્યું, ‘તું અંધારાને કેમ હેરાન કરે છે? એને ક્યાંય શાંતિથી રહેવા
નથી દેતો?’ અજવાળાએ નમ્રતાથી કહ્યું, ‘હું તો અંધારાને ઓળખતો ય નથી. મેં એને જોયો ય નથી. હું એને
હેરાન કેવી રીતે કરું? એવું હોય તો એને અહીં બોલાવો. એ મારી જ સામે તમને કહે કે એને હું ક્યાં
અને કેવી રીતે હેરાન કરું છું’ અંધારું આવી શક્યું નહીં… કારણ કે ત્યાં અજવાળું હતું! વાર્તાનું તાત્પર્ય
એ છે કે, જ્યાં સાચો ધર્મ, ધર્મનિષ્ઠા, ધર્મપ્રિયતા કે ધર્મ સાથે અધ્યાત્મ જોડાણ હશે ત્યાં વેર, ઝનૂન કે
તિરસ્કાર ટકી શકશે જ નહીં.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, ‘એ લોકો’ આપણને હેરાન કરે છે. એમની વસતિ
વધારે છે. દરેક શહેરની સરહદો ઉપર એમણે પોતાના ડેરા-તંબુ ઠોક્યા છે. ભારતમાં રહીને
પાકિસ્તાનનો ધ્વજ ફરકાવે છે. ક્રિકેટમાં પાકિસ્તાન જીતે તો ફટાકડા ફોડે છે. આપણે કેમ ચલાવી લેવું
જોઈએ? વાત સાચી છે. ન જ ચલાવી લેવું જોઈએ… પરંતુ, એનો જવાબ કોઈ એક માણસને
પકડીને એની પાસે આપણા ઈશ્વરનું નામ બોલાવવાથી નહીં આપી શકાય. એના જવાબમાં આપણે
ઊભા થવું પડશે. આપણી દીકરીઓને લવ જિહાદમાં ઘસડાતી અટકાવી પડશે. પારિવારિક પ્રેમ અને
સંતાનમાં વિશ્વાસ, એના મિત્રો વિશે જાણકારી અને એને અપાતી સ્વતંત્રતા ઉપર આપણી
સમજણપૂર્વકની નજર આપણી દીકરીઓને સાચવશે. આપણે જ આપણા સંતાનોને આપણા ધર્મની,
આપણી સંસ્કૃતિની સાચી ઓળખ આપવી પડશે. એમના મનમાં ભારતીય હોવાનું કે હિન્દુ હોવાનું
અભિમાન જગાડવું પડશે.
ભારતીય કે હિન્દુ હોવાનું અભિમાન ત્યારે જાગે જ્યારે આપણે આપણી સંસ્કૃતિ,
મંદિરો અને એની સાથે જોડાયેલાં ધર્મસ્થાનોને સ્વચ્છ, પવિત્ર અને શ્રધ્ધાવાન બનાવી શકીએ. નવી
પેઢીને મંદિરમાં લઈ જઈએ ત્યારે એમને પહેલી ઈમ્પ્રેશન એવી પડે છે કે, અહીં બધું પૈસાથી થાય છે.
જ્યાં અમીરને આગળ ને ગરીબને પાછળ ઊભા રાખવામાં આવતા હોય, ઓળખાણ હોય એને
ઈશ્વરની નજીક જવાનો લ્હાવો મળતો હોય કે પછી રાજનેતા, સરકારી અફસર જેવા લોકોની પૂજા
ચાલતી હોય ત્યારે સામાન્ય માણસને દાખલ થવા દેવામાં ન આવે એવી મંદિરોની વ્યવસ્થા હોય ત્યારે
આપણે નવી પેઢીને કઈ શ્રધ્ધા કે આસ્થા તરફ લઈ જઈ શકીએ? આપણે ‘એ લોકો’ને ઘણા
ધિક્કારીએ છીએ, પરંતુ સત્ય એ છે કે, વિધર્મી પોતાના ધર્મ માટે જીવ આપી શકે છે, કામકાજ અને
પરિવાર છોડી શકે છે. કેટલાક ધર્મોમાં અમીર-ગરીબનો ભેદ નથી, સૌને પ્રાર્થના કરવાનો-એમના
ધર્મના પરમતત્વ સુધી પહોંચવાનો એકસરખો અધિકાર પ્રાપ્ય છે. એમની એકતા, ધર્મ માટેનું એમનું
કમિટમેન્ટ આપણી પાસે નથી. આપણા સંતાનોને આપણે એવું લોજિક કે ધર્મજ્ઞાન આપી જ શક્યા
નથી જેનાથી એ નાની ઉંમરે ધર્મ તરફ વળે-એમને આસ્થા કે શ્રધ્ધા જાગે. આપણે એમને કમાતા
શીખવીએ છીએ, પરંતુ પોતાની કમાણીનો નાનકડો હિસ્સો ઈશ્વરના કામમાં વાપરતા નથી
શીખવતા. સાચું પૂછો તો આપણી પાસે પણ રીતિરિવાજ કે કર્મકાંડનું જ્ઞાન છે, એ પણ અધકચરું.
સાચો ધર્મ, વેદ, ઉપનિષદ, પુરાણ વિશે આપણે કેટલું જાણીએ છીએ? કેટલા હિન્દુઓ સાચા અર્થમાં
ભગવદ્ ગીતા વાંચે છે? (કડકડાટ મોઢે બોલવાની વાત નથી-સમજવાની અને જીવનશૈલીમાં
ઉતારવાની વાત છે) આપણને આપણા ધર્મ વિશે પૂરું જ્ઞાન ન હોય, સમજણ ન હોય તો એ આપણે
માટે શરમની વાત છે. ધર્મ એ આગલી પેઢી દ્વારા પોતાના પછીની પેઢીને આપવામાં આવતો
અતિભવ્ય વારસો છે. નિષ્ઠા, પ્રામાણિકતા, ઈશ્વરમાં શ્રધ્ધા, સત્ય અને માનવતા કોઈ મંદિરમાં નથી
મળતા એ તો પ્રત્યેક પરિવારે-માતા-પિતાએ પોતાના સંતાનના ઉછેરમાંથી જ એને આપવાં પડે છે.
આપણે જેને સંસ્કાર કહીએ છીએ, એ ફક્ત મંદિરોમાં જઈને હાથ જોડવાથી કે દીવો કરવાથી સાધુ-
સંતને નમવાથી, વ્રતઉપવાસ કરવાથી નથી આવતા, એને માટે માતા-પિતાએ જાતે જ પોતાના
સંતાનને પોતાના ધર્મ વિશે સમજણ અને શ્રધ્ધા વારસામાં આપવા પડે છે.
છેલ્લા થોડા સમયથી ‘કોઈ ધર્મમાં નહીં માનવાની’ એક ફેશન ચાલી છે. કેટલાય લોકો
પોતાની જાતને ‘નાસ્તિક’ કહીને ગર્વ અનુભવે છે, પરંતુ સત્ય તો એ છે કે, નાસ્તિક હોવા માટે પણ
કોઈનું-ઈશ્વરનું અસ્તિત્વ નકારવું પડે. આપણે જ્યારે નકારીએ છીએ ત્યારે પહેલાં તો ‘એ છે’ એવું
સ્વીકારવું પડે… નહીં તો આપણે શું નકારીએ છીએ? જ્યારે જ્યારે આપણે નવી પેઢી સાથે દલીલ
કરીએ છીએ ત્યારે આપણને શબ્દો ખૂટે છે, જ્ઞાન ખૂટે છે… આપણું વાંચન ઓછું છે અથવા તો
આપણે આપણા પોતાના જ ધર્મ વિશે પૂરી માહિતી મેળવવામાં સમય કે શક્તિ નાખ્યા જ નથી.
પૈસા કમાઈ લેવાથી કે મંદિરોમાં ધર્મસ્થાનોમાં દાન કરવાથી માણસ ‘ધાર્મિક’ થઈ જતો નથી. આપણે
સૌ ‘ધર્મ’ને દેખાડા સાથે વધુ જોડીએ છીએ. આપણી ધાર્મિકતા પ્રદર્શનની ધાર્મિકતા થઈ ગઈ છે.
સત્ય તો એ છે કે, સનાતન ધર્મ અધ્યાત્મિકતા ઉપર વધુ અને ધાર્મિકતા કે કર્મકાંડ ઉપર ઓછો ભાર
મૂકે છે.
શ્રીકૃષ્ણના મુખે ગીતામાં કહેવાયું છે, ‘સ્વધર્મે નિધનં શ્રેયમ્ પરધર્મો ભયાવહ.’ પુષ્ટિમાર્ગમાં
અન્યાશ્રયનો નિષેધ છે, તો સ્વામિનારાયણ ધર્મ પણ ગુરુઆજ્ઞા સિવાય કંઈ ન કરવાનું શીખવે છે…
આપણે સૌ ધર્મને બદલે કોઈ વિચિત્ર ઝનૂન, તિરસ્કાર કે વેરને પંપાળી રહ્યા છીએ. જો સાચે જ હિન્દુત્વને
ઉજાગર કરવું હશે, નવી પેઢી સુધી પહોંચાડવું હશે તો આપણે સૌએ મળીને આપણા પછીની પેઢીની શ્રધ્ધા અને
સમજણ આપવાનો પ્રયાસ કરવો પડશે.