વેદવાણી : આપણી પ્રોત્સાહનની પરંપરાનો નિચોડ

છેલ્લા થોડા સમયથી આપણે જાણે કે રિગ્રેસીવ જગતમાં પ્રવેશી રહ્યા છીએ. એક અંધકાર યુગ જાણે ફરી શરૂ થયો હોય એમ આપણી વિચારશક્તિ, સમજણશક્તિ અને સહનશક્તિ કુંઠિત થતી જાય છે. આપણે બધા આગળ વધવાને બદલે ધીમે ધીમે પાછળની તરફ ખસી રહ્યા છીએ. આપણી ટેલિવિઝન સીરિયલ હોય કે સમાજની માન્યતાઓ…. આપણે બધા ‘વિકાસ’ની વાતો કરીએ, પણ મન અને મગજથી તો જાણે વધુ ને વધુ અભણ, બેવકૂફ અને મૂર્ખ માણસની જેમ વિચારતા થઈ ગયા છીએ. અમદાવાદની આયેશા હોય કે ફિલ્મસ્ટાર સુશાંતસિંહ રાજપૂત, ભાગી છૂટવાની માનસિક્તા હવે લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. પરિસ્થિતિને હિમંતથી પડકારવાને બદલે આપણે હારી જવાનું, છોડી દેવાનું કે નિષ્ફળતા સ્વીકારી લેવાનું પસંદ કરવા લાગ્યા છીએ. કોઈપણ વ્યક્તિ આપણી ભૂલ બતાવે કે આપણને થોડા નબળા કે નીચા હોવાનો અહેસાસ કરાવે કે તરત આપણી પાસે બે જવાબ હોય છે, પહેલો – કાં તો આપણે ગુસ્સે થઈને સામા થઈ જઇએ છીએ. ઝઘડવા લાગીએ છીએ. આપણે ખોટા ન જ હોઇ શકીએ, એવું સાબિત કરવા માટે મરણિયા પ્રયાસ કરીએ છીએ અને બીજો – જવાબ એ છે કે આપણે તરત હાર સ્વીકારીને આગળ નહીં વધવાનું નક્કી કરીને, ત્યાં જ અટકી જઈએ છીએ. ભાગી છૂટીએ છીએ. આ બંને રસ્તા ખોટા છે. બેમાંથી એક પણ ઉપાય સાચો નથી. સત્ય તો એ છે કે કંઈ ન આવડતું હોય, ક્યાંક ભૂલ થાય કે કોઈક ખોટો નિર્ણય લેવાય ત્યારે એને જ અંતિમ સત્ય માનવાને બદલે એમાંથી શીખીને નવી પરિસ્થિતિ ઉભી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી પરંપરા અને સંસ્કૃતિ આપણને એ જ શીખવે છે. શિવ જેવા મહાદેવ પણ ક્રોધમાં થઇ ગયેલી ભૂલને કે અત્યંત પ્રેમ અને ભોળપણમાં અપાઇ ગયેલા વરદાનને
સુધારીને પોતાના જ પુત્રના શરીર પર હાથીનું મસ્તક મૂકીને એને જીવતદાન આપે છે તો ભસ્માસુર માટે મોહિનીને આમંત્રિત કરે છે… ઈન્દ્ર પોતાની ભૂલ સ્વીકારીને મહાદેવની માફી માગે છે… જો દેવોના દેવ મહાદેવ, કે દેવોના રાજા ઈન્દ્ર પણ ક્યાંક નવેસરથી વિચારી શકે અને પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી શકે તો આપણે માણસ તરીકે “ભૂલ”ને માથે બેસાડીને એ બોજને જીવનભર શા માટે ઉપાડીને ફરવું જોઈએ ?

મોટાભાગના લોકોને ત્રાગું કરવામાં એક વિચિત્ર પ્રકારની મજા આવે છે. બોસ હોય કે સાસુ, મા હોય કે ૫ત્ની, રડીને કે સામા થઈને આપણે “હું તો છું જ એવી / એવો” કહીને સામેની વ્યક્તિને ભોંઠા પાડી દેવાનું આપણને ફાવી ગયું છે. આપણે બધા જ હવે “ભૂલ સ્વીકારી લઈએ છીએ” પરંતુ, એ કોઈ પોઝિટીવ રીતે નહીં, એમાં પરિસ્થિતિમાંથી છટકવાનો રસ્તો શોધવાની માનસિકતા હોય છે.

કોઈ જન્મથી જ હારેલું કે નિરાશ નથી હોતું. એ પરિસ્થિતિ આપણે પસંદ કરેલી હોય છે… જેમાંથી આપણને આપણી જાત સિવાય કોઇ બચાવી શકે એમ નથી હોતું !

છેલ્લા કેટલાય સમયથી, ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં આપણે ડિપ્રેશનની બહુ વાતો સાંભળી. આત્મહત્યાના અનેક સમાચાર સાંભળ્યા, વાંચ્યા, પરંતુ આપણે એટલા જ સમાચારોને કેમ હાઈ-લાઈટ કરીએ છીએ? એની સામે અનેક ગૃહિણીઓએ ગૃહઉદ્યોગ શરૂ કરીને પોતાના પરિવારને આ તકલીફના સમયમાં મદદ કરી, કેટલાય લોકોએ ગયા વરસે અનેક પરિવારોને ભોજન પ્હોંચાડ્યું, બાળકોને ભણાવ્યા, કોરોના સામે યુદ્ઘ કરીને સ્વસ્થ થયા, કે કોરોના વોરિયર તરીકે એક વરસ સુધી એકસરખી સેવા આપી… એવા સમાચાર આપણને કેમ નથી દેખાતા ? કારણ સાદું છે, આપણે એવા સમાચાર જોવા નથી !

ભારતીય જનસમાજ છેલ્લી કેટલીય સદીઓથી પોતાની પરંપરા અને સંસ્કૃતિઓ પર ગૌરવ કરતો રહ્યો છે. આપણા સમાજમાં આજે પણ કેટલીક એવી અદ્ભુત અને સરાહનીય બાબતો છે, જેને આખું વિશ્વ આજે પણ ફોલો કરવા માગે છે. આપણું વેજીટેરિયનઝમ અને આપણી ધાર્મિક પરંપરાઓ વિશે વિચારીએ તો આપણને સમજાય કે આપણા વેદોએ કેટલું અદ્ભુત જ્ઞાન આપ્યું છે. સાવ સાદી વાતો વિશે વેદમાં એટલી સુંદર સમજણ આપવામાં આવી છે કે આપણા વડીલોએ વિચારેલા જીવનના સત્યો જાણીને આશ્ચર્ય થાય.

હજારો વરસો પહેલાં કહેવાયેલા આ વેદની વાણી જ્ઞાન અને સમજણની વાણી છે. જે સમયે યુરોપના દેશો હજી અજ્ઞાન અને અંધકારમાં સબડતા હતા, ત્યારે ભારત પાસે એવી સમજણ હતી જેણે આખા વિશ્વને પ્રકાશનો માર્ગ બતાવ્યો. ચીનથી આવેલો હ્યુ એન સાંગ હોય કે
ભારત શોધવા નીકળેલો કોલંબસ, સૌને ભારતના અર્થતંત્રની સાથે સાથે ભારતના જ્ઞાન અને વિજ્ઞાનનું પણ આકર્ષણ હતું જ.

આપણા વેદમાં કેટલાંક સુંદર વાક્યો છે
 યન્ અધ્વાનમપ વૃડ્ક્તે ચારિત્રૈ:
એનો અર્થ એ થાય છે કે પોતાના પગ પર ચાલવાથી જ માર્ગ કાપી શકાય છે. એક સરસ જોક સાંભળ્યો હતો, એક ભાઇ બૂટ લેવા ગયા. એમણે બૂટ પસંદ કર્યા, પછી સેલ્સમેનને પૂછ્યું કે “આ ચાલશે ને ?” સેલ્સમેને કહ્યું, “ના. પહેરશો તો જ ચાલશે.” ગમે તેટલા સારાં અને મોંઘા બૂટ જાતે નથી ચાલતા. ગમે તેટલા સસ્તાં કે ફાટેલાં બૂટ પણ જો પહેરીને ચાલવા લાગીએ તો ક્યાંક ૫હોંચી શકાય છે ! છેલ્લા થોડા સમયથી આપણે ‘ડિપ્રેશન’ શબ્દ વારંવાર સાંભળીએ છીએ. તબીબી નિષ્ણાતો અને મનોરોગ ચિકિત્સકો એનો ઈલાજ કરી શકે છે. કેટલીક દવાઓ પણ ચોક્કસ કામ લાગે છે, પરંતુ આ ડોક્ટરો પણ ડિપ્રેશનના દર્દીને એક વાત વારંવાર કહે છે, ‘તમે સાજા થવા માગતા હશો તો જ હું તમને સાજા કરી શકીશ.’ એનો અર્થ એ થયો કે ભીતરથી જાગ્યા વગર, ચેલેન્જ સ્વીકાર્યા વગર અને જાતે પ્રયત્ન કર્યા વગર જગતમાં કશું જ શક્ય નથી ! દરેક વખતે નાનકડી હારને નિષ્ફળતા તરીકે સ્વીકારવાને બદલે એને વધુ ગંભીર પ્રયત્ન અને મહેનતની જરૂરીયાત તરીકે કેમ ન જોઈ શકાય ?

જે કોઇ વ્યક્તિ આપણી ભૂલ બતાવે છે અથવા આપણને વધુ મહેનત કરવાનું, વધુ બહેતર બનવાનું કહે છે એ વ્યક્તિ આપણને અપમાનિત કરે છે એવું માનીને દુ:ખી કે ડિપ્રેસ થવાને બદલે એ વ્યક્તિ આપણી અંદર રહેલી શક્યતા કે આવડતને ઓળખે છે અને એથી આપણી પાસે વધુ અપેક્ષા રાખે છે. આપણે વધુ આગળ વધીએ એ માટે આપણને પ્રોત્સાહિત કરે છે એવું કેમ ન વિચારી શકાય ?

અહીં વેદના કેટલાંક સુંદર વાક્યો મૂક્યા છે…
 હસ્તૌ મે કર્મ વીર્યમ્ – કર્મઠતા અને પુરુષાર્થ મારા બે હાથ, મારી શક્તિ છે.
 તમો મોપગા: નિરાશ ન થાવ.
 ઓજ: કૃષ્વ સં ગૃભાય – પુરુષાર્થ કરો અને ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરો.
 ગાતુમ વિત્વા ગાતુમિત – માર્ગને જાણીને માર્ગ પર ચાલો.
 ક્રત્વે દક્ષાય જીવસે – આ જીવન પુરુષાર્થ દક્ષતા અને સારી રીતે જીવવા માટે છે.
 યન્તિ પ્રમાદમતન્દ્રા – આળસ વગરનો માણસ જ જીવનનો આનંદ મેળવે છે.
 શિવાન્ સ્યોનાનુત્તરેમાભિ વાજાન્ – આપણે શુભ અને સુખદ પુરુષાર્થથી ભવસિંધુ પાર કરીએ.
 સ્વે ગયે જાગૃહિ અપ્રયુચ્છન્ – તમે પોતાના ઘરમાં પ્રમાદ રહિત થઈને જાગૃત રહો.
 અન્તર્યચ્છ – પોતાને સંયમ, નિયંત્રણમાં રાખો.

આ જગતમાં કોઇ એવું નથી, જેને સમસ્યા ન હોય. સોસાયટીના નાકે ઉભા રહેતા વોચમેનને પોતાની ડ્યુટીનો સમય બદલવો છે અથવા ઘેર મોકલવાના પૈસા ખૂટે છે… ત્યાંથી શરૂ કરીને મિત્તલ કે અંબાણીને પણ એમના લેવલની સમસ્યા છે જ… સવાલ એ છે કે આપણે વ્યક્તિ તરીકે સમસ્યાને આપણી આવડત, હિંમત અને શ્રદ્ઘા કરતાં મોટી માનીએ છીએ કે આપણી શ્રદ્ઘા હિંમત અને આપણી અંદર રહેલી પડકાર ઝીલવાની તાકાત આપણી સામે ઉભેલી સમસ્યા કરતાં મોટી છે ?

નિર્ણય આપણે જ કરવાનો છે… લગભગ દરેક છૂટા પડતાં બે રસ્તામાંથી એક રસ્તો લેવો જ પડે છે. આપણે દરવખતે ક્રોસ રોડ પર સ્થિર રહી શકતા નથી. સમય અને સંજોગો આપણને ધકેલે એના કરતાં આપણો રસ્તો જાતે પસંદ કરીને આગળ વધવાનો, નિરાશાને પછાડવાનો
અને એક વધુ પ્રયાસ કરવાનો સંતોષ આપણને જીવ્યાનું સુખ આપશે.