વિક્ટિમ છીએ કે, વિક્ટિમ કાર્ડ રમવાની મજા આવે છે?

એક જગ્યાએ બધી સ્કૂલની બહેનપણીઓ સ્લીપ ઓવર માટે ભેગી થઈ હતી. સૌની ઉંમર 55ની
ઉપર, સૌ પોતપોતાની જગ્યાએ સફળ-જિંદગી જોઈ ચૂકેલી અને અનુભવી! વાતમાંથી વાત ચાલી અને
એક બહેનપણીએ પોતાની જીવનકથા કહેવાનું શરૂ કર્યું. પીડા, પ્રશ્નો, સમસ્યાઓ, છેતરપિંડી, અપમાન
અને પક્ષપાતની કથા… સૌ સાંભળતા રહ્યા! પરંતુ, બીજા-ત્રીજા દિવસે બધી જ બહેનપણીઓએ ફોન
ઉપર એકબીજાની સાથે ચર્ચા કરી ત્યારે નિષ્કર્ષ એવો નીકળ્યો કે, બંગલામાં રહેતી, સો તોલા સોનું
ધરાવતી, વર્ષમાં બે-ત્રણ ફાઈવસ્ટાર વેકેશન માણતી, સંતાનને અમેરિકા ભણવા મોકલી શકતી અને ગાડી
ડ્રાઈવર સાથે એક એશોઆરામની જિંદગી જીવતી સ્ત્રીની કથા સાચી હશે ખરી?

આ સવાલ બહુ સ્વાભાવિક છે અને સાચો પણ. આપણે બધા કોઈપણ વ્યક્તિની આર્થિક સ્થિતિ
ઉપરથી એના સુખ અને દુઃખનો નિર્ણય કરી લઈએ છીએ. ગાડી, ડ્રાઈવર, સોનું કે વેકેશન સગવડ છે,
સુખ નથી… એ વાત બહુ ઓછા લોકો સમજી શકે છે. ખાસ કરીને, ગુજરાતી પરિવારોમાં પૈસા હોય
એટલે બધું મળી જ જાય, અથવા મળી જ ગયું હશે એવું માની જ લેવામાં આવે છે! સૂક્ષ્મ અને ભીતર
ક્યાંક ઊંડે ધરબાયેલું દુઃખ, અભાવ શું હોઈ શકે એની સમજણ તો ફક્ત એ જ વ્યક્તિને હોય જે સામેની
વ્યક્તિની સંવેદના સુધી પહોંચી શકે. અભાવ-એક એવો શબ્દ છે જે સિક્કાની બે બાજુ જુએ છે. કેટલાક
લોકોને બધું મળી ગયા છતાં અભાવ છે એવું કહેવામાં મજા આવતી હોય છે. આવા લોકો માટે ‘ફરિયાદ’
એક એવી પ્રવૃત્તિ છે જેના વગર એમને પોતાનું જીવન અધૂરું લાગે છે. પોતે ‘સુખી’ છે એવું સ્વીકારવામાં
આવા લોકોને કોઈ વિચિત્ર જાતનું અસુખ થાય છે. પોતે જીવનમાં કેટલું સહન કર્યું છે, કેટલો સંઘર્ષ કર્યો
છે એની કથા કહે ત્યાં સુધી કદાચ, હજી પણ સમજી શકાય, પરંતુ જગતની દરેક વ્યક્તિએ એમને અન્યાય
જ કર્યો છે, પક્ષપાત જ કર્યો છે કે એમનો ઉપયોગ જ કર્યો છે એવું સાબિત કરવા મથતી દરેક વ્યક્તિ
‘વિક્ટિમ કાર્ડ’ પ્લે કરે છે.

વિક્ટિમ કાર્ડ એટલે પોતે બલિનો બકરો બન્યા છે, પોતાનો ભોગ લેવાયો છે, દુરુપયોગ થયો છે,
આવી કોઈક લાગણીથી પીડાતા એવા લોકો જેમને દુનિયાનો દરેક માણસ પોતાનો દુશ્મન લાગે છે. પોતે
બધા માથે ઘસાઈ ચૂક્યા, ત્યાગ કર્યો, ઈચ્છાઓનું બલિદાન આપ્યું, પરંતુ પોતે જેને માટે આટલું બધું કર્યું
એણે પોતાની કદર ન કરી એ વિશે આવા લોકો સતત અફસોસમાં અને દુઃખી રહે છે. એક મજાની વાત
એ છે કે, જેની સામે ખૂબ ફરિયાદ હોય, જેને માટે ખૂબ અભાવ કે તિરસ્કાર હોય એવા લોકો સામાન્ય
રીતે એમની ખૂબ નજીકના-ભાઈ-બહેન, પિતા-માતા, પત્ની-પતિ, સંતાન કે સ્વજન, ખૂબ નિકટના
મિત્રો કે પ્રિયજન હોય છે. બહારના, દૂરના કે જેની સાથે નજીકનો સંબંધ ન હોય એવા લોકો માટે આ
‘વિક્ટિમ સિન્ડ્રોમ’ ધરાવતી વ્યક્તિને બહુ ફરિયાદ નથી હોતી બલ્કે, એ બહારના-દૂરના લોકો માટે જરૂર
ન હોય એટલું ઘસાય… એમના ‘નિકટના સંબંધો’ હંમેશાં દૂરની વ્યક્તિ સાથે જ જોવા મળે. જેને આપણે
સામાન્ય ભાષામાં ‘પોતાના’ ‘સ્વજન’ કે ‘પ્રિયજન’ કહીએ એવા લોકો સામે આ ‘વિક્ટિમ સિન્ડ્રોમ’
ધરાવતા લોકોને હંમેશાં ઢગલાબંધ ફરિયાદ હોય.

પોતે શિકાર બન્યા છે કે પોતે ખૂબ બલિદાન આપ્યું છે એ કથા કહેતી વખતે આવા વિક્ટિમ
સિન્ડ્રોમ ધરાવતા લોકો ગૌરવ અનુભવે છે. એ વારંવાર પોતાના દુઃખની કથા રિપીટ કર્યા કરે છે એટલું જ
નહીં, ક્યારેક તો એવું પણ ભૂલી જાય છે કે, સામેની વ્યક્તિને એ આ જ કથા એકથી વધુ વાર કહી ચૂક્યા
છે! વિક્ટિમ સિન્ડ્રોમમાં ક્યારેક કલ્પના પણ બહુ મોટો ભાગ ભજવે છે. એકની એક કથામાં ક્યારેક પાત્રો
ઉમેરાય, ક્યારેક ઘટના બદલાઈ જાય તો ક્યારેક વિગતો આઘીપાછી થઈ જાય એવું બને, કારણ કે દરેક
વખતે આવી વ્યક્તિ જે કથા કહે છે એ સંપૂર્ણપણે, સો ટકા સાચી નથી હોતી… એમાં ઘણું બધું ધારી
લીધેલું, માની લીધેલું અને કલ્પી લીધેલું પણ હોય છે, જેને કારણે આવી સ્ટોરીઝ વારંવાર બદલાયા કરે
છે.

આવા વિક્ટિમ સિન્ડ્રોમ ધરાવતા લોકોને ખાસ કરીને, પોતાનાને નહીં ઓળખતા લોકો સામે
પોતાની ‘વ્યથા-કથા’ કહેવાની બહુ મજા પડે છે. સામેની વ્યક્તિને પહેલી જ વાર મળ્યા હોય તો પણ
પોતાના દુઃખી લગ્નજીવનની, માતા-પિતાએ કરેલા અન્યાયની કે ભાઈ-બહેને મિલકતની વહેંચણીમાં
એમને કેવી રીતે ઉલ્લુ બનાવ્યા એની કથા આવા લોકો રસપૂર્વક કહે છે…

વિક્ટિમ સિન્ડ્રોમ જાત પર દયા ખાવાની એક નકામી પ્રવૃત્તિ છે. આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ
નથી જેણે જીવનમાં સુખ જોયું જ ન હોય! હા, એવું બને કે એ પોતાની અપેક્ષા પ્રમાણે જીવી ન શક્યા
હોય, અંગત વ્યક્તિ પાસેથી એમને જે આશા કે ઈચ્છા હોય એ પૂરી ન થઈ હોય, પરંતુ આવો એકાદ
કિસ્સો હોય, નજીકના તમામ લોકોએ પોતાની સાથે ખોટું જ કર્યું છે એવું માનવું એ એક પ્રકારનો મેન્ટલ
ડિસઓર્ડર છે.

ખરેખર સંજોગોના શિકાર હોય, સ્વજને એમની સાથે કશુંક ખોટું કર્યું હોય કે અંગત વ્યક્તિએ
અપમાનિત કર્યા હોય, છેતર્યા હોય તો આપણે સાચે જ ‘વિક્ટિમ’ છીએ… પરંતુ, એમાંથી બહાર
આવીને, સંજોગો સામે લડીને પોતાની સાથે થયેલા અન્યાયને કોઈ દુઝતા ઘાની જેમ સતત પંપાળ્યા
કરવાને બદલે એના ઉપર આત્મસન્માનનો મલમ લગાડીને જે ઊભા થાય છે, સંજોગો અને સંબંધોને
નવેસરથી ઘડે છે એ વિક્ટિમ હોય તો પણ વિક્ટરી સાથે સમાજમાં વિનર તરીકે ઓળખાય છે… પરંતુ,
જે સતત ફરિયાદ કરે છે, જેને સતત એમ લાગે છે કે, એમનાથી વધુ દુઃખી કોઈ નથી એ કદાચ સમાજની
દ્રષ્ટિએ વિનર હોય તો પણ સતત વિક્ટિમ કાર્ડ પ્લે કરી કરીને અંતે પોતાને જ હાસ્યાસ્પદ અને બોરિંગ
પૂરવાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *