છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો એક જબરજસ્ત પ્રવાહ શરૂ થયો છે. જે
કોઈ જુદું વિચારે, લખે કે પોતાના જુદા અભિપ્રાયને મુક્ત કંઠે વ્યક્ત કરવાનો પ્રયાસ કરે એવી દરેક
વ્યક્તિને ચૂપ કરી દેવા કે દબાવી દેવાની એક ઘાતકી રમત સોશિયલ મીડિયા પર રમાઈ રહી છે…
પરંતુ, આ કંઈ આજની વાત છે એવું નથી. કેટલાય એવા લેખકો, સાહિત્યકારો, પત્રકારો કે કલાકારો,
જેમણે પોતાની વાતને સમાજના નિશ્ચિત નિયમોમાંથી બહાર નીકળીને થોડી જુદી કે મુક્ત રીતે
કહેવાનો પ્રયાસ કર્યો એ સૌને એના સમયના સમાજે બહિષ્કૃત કે અપમાનિત કર્યા જ છે. નરસિંહ
મહેતા હરિજન વાસમાં ભજન કરવા જાય કે અહેમદ ફરાઝ પાકિસ્તાનની સરકાર સામે અવાજ
ઊઠાવે, તસલીમા નસરીન કે કમલા દાસ પોતાની આત્મકથામાં સત્ય લખવાનો પ્રયાસ કરે, કે ઓશો
રજનીશ એસ્ટાબ્લિશ્ડ ‘ધર્મ’ અને ‘માન્યતાઓ’ સામે ક્રાંતિકારી બનીને એક જુદી જ વિચારધારા
વહેતી મૂકવાનો પ્રયાસ કરે… આ સૌને, એમના સમયમાં સ્વીકારવામાં આવ્યા નથી એટલું જ નહીં,
એમણે ઘેટાના ટોળાંમાં ભળવાનો ઈનકાર કર્યો એ બદલ એમને આકરી સજા કરવામાં આવી છે.
નવાઈની વાત એ છે કે, આવા બહિષ્કાર, અપમાન, એક્ઝાઈલ, જેલવાસ કે અસાઈલમ
(પાગલખાના)ના નિવાસ દરમિયાન આ લેખકો, કલાકારો, કવિઓ કે પત્રકારોએ પોતાની ઉત્તમ
કૃતિનું સર્જન કર્યું છે. આજે, 26મી ફેબ્રુઆરીએ, આપણે એક એવા જ ફ્રેન્ચ લેખકની વાત કરવી છે
જેણે પોતાની ભૂમિ ફ્રાન્સમાંથી સ્વેચ્છાએ દેશનિકાલ સ્વીકાર્યા પછી થોડાં વર્ષો ભટકતી જિંદગી
ગાળી, અંતે એમણે સેઈન્ટ પીટર પોર્ટમાં નિવાસ કરવાનું નક્કી કર્યું. દેશથી દૂર અને વતનના વિરહમાં
હોવા છતાં એમણે ‘લા મિઝરેબ્લ’ જેવી અદભૂત કૃતિ આપી. પોતાની ઉત્તમ કવિતાઓના ત્રણ સંગ્રહ
એમણે એ જ સમયમાં આપ્યા. જેમાં સમાજની સડેલી માનસિકતાને બદલી શકે એવી શક્યતાઓને
પડકાર ફેંક્યો.
આ ફ્રેન્ચ લેખકનું નામ વિક્ટર હ્યુગો. એમણે 16 વર્ષની ઉંમરે જ એક રાષ્ટ્રીય કવિતા લખીને
ખ્યાતિ મેળવી. 25 વર્ષના થયા ત્યાં સુધીમાં હ્યુગો ફ્રાન્સના સૌથી પ્રસિધ્ધ-લોકપ્રિય લેખકોમાંના એક
હતા. તેમ છતાં, 83 વર્ષે એ ગુજરી ગયા ત્યારે એ ફ્રાન્સમાં હતા. 1855થી 1870 સુધી એ ફ્રાન્સ
ગયા નહીં, કારણ કે ફ્રેન્ચ પ્રજા અને ફ્રાન્સના રાજકારણીઓ-રાજ્યકર્તાઓએ એમના લખાણો અને
ભાષણોને ચૂપ કરવાનો મરણિયો પ્રયાસ કર્યો. હ્યુગો એવા પહેલાં લેખક હતા જેમણે આખા યુરોપને
એક થવાની હાકલ કરી. અમેરિકાની જેમ યુનાઈટેડ યુરોપની કલ્પના વિક્ટર હ્યુગોએ આપી હતી. એ
એવો સમય હતો જ્યારે યુરોપના નાના નાના દેશો એકમેક સાથે લડવામાંથી ઊંચા આવતા નહોતા.
ઈંગ્લેન્ડ, ફ્રેન્ચ, ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્કોટલેન્ડ જેવા દેશોમાં મેરી સ્ટુઅર્ટ અને ક્વિન વિક્ટોરિયા
(પ્રથમ) વચ્ચે ગાદીના મુદ્દે ખેંચાખેંચ ચાલતી હતી. એવા સમયમાં વિક્ટર હ્યુગોએ યુરોપને યુનાઈટ
થવાની હાકલ કરી એટલું જ નહીં, એ સમયે પ્રચલિત ડેથ સેન્ટન્સ (શિરચ્છેદ)ની પ્રથાનો વિરોધ કર્યો.
એમણે આખી જિંદગી નોવેલિસ્ટ તરીકે ડાયરીમાં અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે આ વિરોધનો
સૂર પકડી રાખ્યો. 1848માં એ નેશનલ એસેમ્બલીમાં ચૂંટાયા અને એમના પહેલાં ભાષણમાં એમણે
કંજુસાઈ અને ગરીબીના અંતની વાત કરી. બાળકો માટે ફ્રી શિક્ષણ મળવું જોઈએ એ વાતનો એમણે
પ્રચાર કર્યો, પરંતુ લુઈસ નેપોલિયન (ત્રણ) 1851માં બધો જ પાવર પોતાના હાથમાં લઈને
પાર્લામેન્ટરી કાયદાઓને નેવે મૂકીને જ્યારે ફ્રાન્સનો ડિક્ટેટર બની બેઠો ત્યારે હ્યુગોએ પોતાની જાતને
ટ્રેટર (રાજદ્રોહી) જાહેર કરી. પહેલાં બ્રસેલ્સ અને પછી જર્સીમાં નિવાસ દરમિયાન એમણે
અખબારમાં ક્વિન વિક્ટોરિયાની ટીકા કરી, જેથી એમને ત્યાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા.
નેપોલિયને રાજકીય રીતે કાઢી મૂકવામાં આવેલા લોકોને 1860માં પાછા બોલાવ્યા ત્યારે હ્યુગોએ
વિરોધ કર્યો અને કહ્યું કે, ‘હું એવા દેશમાં પાછો ફરવા માગતો નથી જ્યાં એક લેખકને પોતાની વાત કહેવાની
મંજૂરી ન હોય’.
એમના ફ્રાન્સના દેશનિકાલ દરમિયાન એમણે ‘લા મિઝરેબ્લ’ લખવાની શરૂઆત કરી.
1830માં એમણે આ નવલકથાનો વિચાર કર્યો હતો, પરંતુ 17 વર્ષ સુધી આ નવલકથા લખાતી રહી
અને 1862માં પ્રકાશિત થઈ. 2,453 પાનાંની આ નવલકથા માનવીય ગુણોને અજબ રીતે આપણી
સામે મૂકે છે. ડેથ સેન્ટેન્સનો વિરોધ કરવા માટે એમણે અનેક જેલોની મુલાકાત લીધેલી. જેમાંથી
કેટલાંક લોકોના જીવન અને એમની જેલ નિવાસની વાતો એમણે ડાયરીમાં નોંધેલી. એમની ડાયરીના
એક પાનાં પર એમણે બ્લોક લેટર્સમાં લખેલું, ‘મારી નવલકથાના હીરોનું નામ કદાચ ‘જ્યોં ટ્રેજોન’ હશે,
પરંતુ જ્યારે નવલકથા લખાઈ ત્યારે એનું નામ ‘જ્યોં વાલ્જ્યોં’ થઈ ગયું.’
જેલમાંથી છૂટેલા એક કેદીને ચાંદીની ડીશ અને કેન્ડલ સ્ટેન્ડની ચોરી બદલ એક પાદરી ક્ષમા
કરે છે… પરંતુ, જે પોલીસવાળો એને પકડી લાવ્યો છે તે એનો પીછો છોડતો નથી. જ્યોં વાલ્જ્યોં
નામનો એ કેદી પોતાનો પ્રવાસ શરૂ કરે છે અને મેડેલિન નામના એક નગરનો મેયર બની જાય છે.
એના એ પ્રવાસની કથામાં એક નાનકડી છોકરી કોઝેટને મળે છે, એ કોઝેટની મા એક સેક્સવર્કર છે
અને પોતાની દીકરીને એક વીસીવાળાને સાચવવા આપી છે, પરંતુ એ લોકો એને સાચવવાને બદલે
એની મા તરફથી આવતા પૈસા લઈ લે છે અને છોકરી પાસે કામ કરાવે છે… જ્યોં વાલ્જ્યોં કોઝેટને
પોતાની સાથે લઈ જાય છે અને પોતાની દીકરીની જેમ ઉછેરે છે. ભૂતકાળ ભૂલાઈ ચૂક્યો છે,
પોલીસવાળો એનો પીછો છોડી ચૂક્યો છે અને એવામાં ખબર આવે છે કે, કેદી જ્યોં વાલ્જ્યોં ફરી
પકડાયો છે. મેયર બની ગયેલો આ સાચો જ્યોં વાલ્જ્યોં, કોર્ટમાં હાજર થઈને પેલા નિર્દોષ માણસને
છોડાવે છે!
ક્ષમાથી શરૂ થયેલો પ્રવાસ અંતે સત્ય પર પૂરો થાય છે. ઝવેરચંદ મેઘાણીએ ‘ફૂલછાબ’માં
વિક્ટર હ્યુગોની નવલકથા વિશે પોતાના લેખમાં લખ્યું હતું, “લે મિઝરાબ્લનો વીર જ્યાં વાલ્જ્યાં પેલા
શહેરને નગરશેઠ પદે બેઠો બેઠો જનસેવા કરતો હતો, ત્યાં તો પોતાની પૂર્વાવસ્થાના ગુનાહ માટે પોતાને નામે
બીજો એક ટિપાઈ જવાની તૈયારીમાં હતો તેની એને ખબર પડી. તે વખતે એ વીરે દૂરના શહેરની અદાલતમાં
હાજર થઈ ગુનો કબૂલ કરી પેલા નિર્દોષને બચાવવો કે ચૂપ બેઠા રહેવું, એ મનોમંથન પર વિતાવેલા કલાકો કેટલા
બધા ઘટનામય આલેખાયા છે!”
દોઢસો વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ગયા છતાં આ નવલકથા આજે પણ વર્લ્ડ
ક્લાસિક્સમાં ગણાય છે. એના પર ફિલ્મ બની ચૂકી છે. ગુલઝાર સાહેબની ફિલ્મ ‘ધર્માત્મા’ પણ આ
જ કથાથી પ્રેરિત હતી અને આ નવલકથાનો ગુજરાતી અનુવાદ ‘દુઃખિયારાં’ મૂળશંકર ભટ્ટ દ્વારા
કરવામાં આવ્યો છે.