છેલ્લા કેટલાય વર્ષોથી જે દેશે અનેક આક્રમણોનો સામનો કર્યો છે, જેનો ઈતિહાસ લોહિયાળ
છે. એ દેશનો યુવા હજી પોતાની જાતને કોઈ એક ધર્મ સાથે જોડી શકતા નથી. અહીં પેગોડા છે, ચર્ચ
છે, ખૂણે ખાચરે ક્યાંક મસ્જિદ પણ છે. પરંતુ કમ્યુનિઝમ અને લોકશાહી વચ્ચે ક્યાંક અટકી ગયેલો
આ દેશ હજી મધ્યમવર્ગીય માનસિકતા સાથે સંઘર્ષ સાથે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. અહીંનો
ફુગાવો આપણને ક્યારેક હાસ્યાસ્પદ તો ક્યારેક ચિંતાજનક લાગે એવો છે, પરંતુ વિએટનામ હવે
વિકાસશીલ દેશોમાં આગળ પડતો છેએક લાખ વિયેટનામી ડોન્ગની સામે ફક્ત 400 રૂપિયા ચૂકવવા
પડે છે. .અહીં કલા છે. લગભગ દરેક ઘરમાં વાંસ, નારિયળની છાલ કે પથ્થરની કારીગરી સાથે
સંકળાયેલા સભ્યો છે. દેશનો આકાર સીધો-ઊભો ડ્રેગોન જેવો છે. દક્ષિણપૂર્વ એશિયામાં એક
મહત્વનો દેશ બન્યો છે. જાપાન, ચીન, ઈન્ડોનેશિયા, ફીલીપાઈન્સ અને તાઈવાન જેવા દેશો સાથે
જોડાયેલો છે. ૭૬૫૪ જેટલા નાના ટાપુઓ જોડીને આ દેશની ઋતુઓમાં વૈવિધ્ય છે. ઉત્તરમાં
બાનાહીલ પર જે દિવસે ફોગ હોય એ જ દિવસે દ’નાંગમાં અકળાવી મૂકે એવો તડકો અને ગરમી
હોય છે. ‘સાપા’માં એક દિવસે ચાર ઋતુઓ બદલાય છે અને પ્રવાસીઓ અભિભૂત થઈને જાય છે!
વિયેટનામ વિશ્વ માટે હજી હમણા જ ખૂલ્યું છે, પરંતુ પ્રવાસીઓના ટોળેટોળાં અહીં ઉતરવા લાગ્યાં
છે.
વિયેટનામની રાજધાની હેનોય છે અને એને આર્થિક કેપિટલ ‘હો ચી મિન્હ’ છે. જેને
સાઈગોનના નામે પણ ઓળખવામાં આવે છે.
ચંગેઝ, ફ્રેન્ચ, અમેરિકન પ્રજા એ વિએટનામ સદીઓ સુધી ગરીબ અને ગુલામ રાખી.
1975માં અહીં લોહિયાળ ક્રાંતિ થઈ. ફ્રેન્ચ લોકોને પાછા જવું પડ્યું, પરંતુ વિયેટનામની પ્રજાના બે
ભાગ પડી ગયા. એક લોકો એવા જે ક્રિશ્ચાનિટીને સપોર્ટ કરતાં હતા, જ્યારે બીજા એમના મૂળ ધર્મ
‘બૌધ્ધ’ રહેવા માગતા હતા. અમેરિકાએ આ બધી સ્થિતિનો લાભ ઊઠાવીને એક વ્યક્તિને પ્રજાના
નેતા તરીકે ઊભો કર્યો, પરંતુ વિયેટનામી સ્વભાવે ઉગ્ર અને સ્વતંત્ર છે. ૩૦ એપ્રિલ, વિએટનામ ના
ઇતિહાસમાં “બ્લેક એપ્રિલ” તરીકે ઓળખાય છે, એ દિવસે વિએટનામની પ્રજાની સિવિલ વોરમાં
ફ્રેન્ચ લોકોએ સત્તા છોડવી પડી. જો કે, આટલા વર્ષોની લોહિયાળ જંગ પછી પણ એ હાર્યા નથી.
અહીં લગભગ તમામ બૌધ્ધ પેગોડાઝમાં આપણને ભારતીયતાની ઝાંખી જોવા મળે છે.
ફળ, ફૂલ અને પ્રાર્થના કરવાની રીત પણ લગભગ એક જેવી છે. મહત્વની વાત એ છે કે, અહીં હવે
પ્રવાસીઓ આવવા લાગ્યા છે ત્યારે એમણે એમની માનસિકતાના દરવાજા ખોલ્યા છે. અહીંની પ્રજા
જાણે છે કે, પ્રવાસીઓને કારણે અહીંની આર્થિક પરિસ્થિતિ બદલાઈ છે. નવાઇ ની વાત એ છે કે
આખો દેશ લગભગ અંગ્રેજી વગર ચાલે છે, ટક્યો છે! વસ્તુઓ ના ભાવ કેલ્ક્યુલેટર પર બતાવે,
આપણે પણ ફરી ટાઈપ કરવાની…શબ્દો વગર, ભાષા વગર આ દેશ સુપર વિકાસ કરી રહ્યો છે.
બૌધ્ધ મંદિરોમાં આપણને શોર્ટ્સ કે બરમુડા સાથે પ્રવેશવા દેતા નથી. સ્લિવલેસ કે સ્પાગેટી
જેવા વસ્ત્રો માટે પરવાનગી નથી, પરંતુ પ્રવાસીને અપમાનિત કરીને કાઢી મૂકવાને બદલે એ લોકો
લુંગી જેવું વસ્ત્ર આપે છે અથવા ઓઢવા માટે ઉપરણું કે પછી મોંક જેવો ઝભ્ભો પહેરીને પ્રવેશવાની
છૂટ છે.
કોઈપણ વિકાસશીલ દેશની જેમ અહીં ભ્રષ્ટાચાર છે. બાર્ગેનિંગ છે. શરાબ અને નાઈટ ક્લબ્સ
છે, પરંતુ પ્રવાસીઓની સુરક્ષા મહત્વની છે. સ્વરછતા ચકિત કરે છે. રસ્તાઓ અને પ્રવાસન સ્થળો
અત્યંત ચોખ્ખા અને રમણિય છે.
હવે તો એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે, વિશ્વમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે અને એ
પણ દિલથી પૈસા ખર્ચીને. અહીં પણ ગુજરાતીઓ સાથે પ્રવાસ કરી રહી છું. મુંબઈથી આવેલા
‘પાટીદાર સ્વજન’ના પરિવાર જેવા સભ્યો સાથે મેં જિંદગીમાં પહેલીવાર આવી ગ્રૂપ ટૂર કરી છે.
છેલ્લી મિનિટ સુધી અવઢવ હતો, પરંતુ ભાર્ગવ પટેલે કહ્યું, ‘સૌની સાથે પ્રવાસ નહીં કરો તો
જિંદગીમાં કશુંક શીખવાનું બાકી રહી જશે…’ ને સાચે જ, ‘ફિલ્મ 83’માં મોહિન્દર અમરનાથ,
કપિલદેવને કહે છે, ‘ક્રિકેટ બહોત કુછ શીખા દેતા હૈ’, એવી જ રીતે, હવે મને પણ લાગે છે કે પ્રવાસ-
ખાસ કરીને એક ગ્રૂપમાં- થોડા અજાણ્યા લોકો સાથે કરવામાં આવેલો પ્રવાસ આપણને ઘણું બધું
શીખવે છે.
અહીં પહોંચીને જે સૌથી પહેલી વાત શીખી અથવા સમજાઈ એ છે, પરસ્પર સાથેનો
સંબંધ. કોઈ આપણી પ્રાઈવસીને ખલેલ પહોંચાડે એટલા નજીક પણ નહીં જવું, ને જરૂરના સમયે-
આનંદના સમયે અતડા ન લાગીએ એટલા નજીક પણ રહેવું. કેટલીકવાર એવું જોવા મળે કે કેટલાય
વર્ષોની મિત્રતા પછી પણ એક પ્રવાસ સાથે કરીને મિત્રતા તૂટી ગઈ હોય એવા કિસ્સા ઓછા નથી.
જ્યારે જુદી જુદી જીવનશૈલી, સ્વભાવ, પ્રકૃતિ અને માનસિકતાના લોકો સાથે પ્રવાસ કરે છે ત્યારે
કેટલીયે વાતો મન અને મગજને વિચલિત કરે!
આવા ટોળામાં સૌથી વધારે પ્રશંસા ટૂર ઓપરેટરની કરવી પડે. વિરેશ કોટક, હાર્ટ holidays
ના માલિક છે. આપણે એક ઘરમાં પણ સૌને એકસાથે ખુશ રાખી શકતા નથી, તો 50 જણને વિદેશ
લઈ જઈને સૌને આનંદમાં રાખવા સહેલા નથી જ!
સાપા જેવા હિલ સ્ટેશન પર એક ભાઈને સ્ટ્રોક આવ્યો. નાનકડા હિલ સ્ટેશનની હોસ્પિટલ
શોધવાથી શરૂ કરીને એમને હેનોઈની મોટી હોસ્પિટલ સુધી પહોંચાડવાની જવાબદારી વિરેશભાઈએ
લીધી એટલું જ નહીં, એ સમયે, ‘કોણ પૈસા ચૂકવશે?’ ની ચર્ચા કર્યા વગર ક્રિટિકલ પેશન્ટનો જીવ
બચાવ્યો સાથે સાથે બાકીના 5૦ પ્રવાસીઓ ડિસ્ટર્બ ન થાય, એમનો પ્રવાસ આઈટિનરી મુજબ
સરળતાથી ચાલ્યા કરે એની પણ કાળજી લીધી.
આવા પ્રવાસમાં માણસની માનસિકતા સમજવાની મજા આવે. એ ભાઈને કોવિડ હતો, પણ
છતાં એની સાથે સાથે રહેતા પ્રવાસીઓએ પાછા જવાની ‘ના’ પાડી. એટલું જ નહીં, સૌની સાથે જ
પ્રવાસ કરવાની જીદ કરી-બીજાનો વિચાર નહીં કરવાની આ કેવી મનોવૃત્તિ છે!
દ’નાંગમાં પહોંચ્યા ને ખબર પડી કે એક ડૉક્ટર અને એમના પત્નીને પણ અસર દેખાય છે
કારણ કે, એ આખી રાત પેલા પેશન્ટ સાથે રહ્યા હતા. એમણે સ્વેચ્છાએ કોરન્ટાઈન થવાનું સ્વીકાર્યું
એટલું જ નહીં, આગળનો પ્રવાસ મોકૂફ રાખી બીજાને તકલીફ ન પડે એ માટે મુંબઈ પાછા જવાનું
નક્કી કર્યું, માણસની આ પણ કેવી માનસિકતા!
આપણે સૌ જીવનમાં પણ પ્રવાસી જ છીએ. જુદા જુદા સ્થળોમાંથી અને સંબંધોમાંથી પસાર
થઈએ છીએ. કેટલીક જગ્યાએ ફરી જવાનું મન થાય છે તો કેટલાક સ્થળ અને સંબંધ સાથે એવી
સ્મૃતિ જોડાય છે કે ત્યાં પાછા ફરવાના વિચાર માત્રથી મન વિચલિત થઈ જાય છે.
આ જીવન નો પ્રવાસ પણ ગ્રૂપ ટૂર જેવો નથી? ગમતાં-અણગમતાં, પ્રિય કે પછી જેને જોઈ
ચીડ ચડી જાય એવા લોકો આપણી સાથે જ હોય છે. સહુને સ્વીકારીને સહુ સાથે અડજેસ્ટ કર્યા વગર
જિંદગીનો પ્રવાસ માણી શકાતો નથી. આપણે મોટેભાગે બીજાને કારણે આપણી મજા ખોઈ બેસીએ
છીએ. સત્ય તો એ છે કે, આનંદ ક્ષણનો અને સમયનો હોય છે. જો સહપ્રવાસી તમારા જિંદગીના
પ્રવાસનો આનંદ કે સુખ ડિસ્ટર્બ કરતાં હોય અને છતાં એમની સાથે જ પ્રવાસ કરવો પડે એવી
પરિસ્થિતિ હોય તો આપણી મજા-આનંદ શોધી લેવા, માણી લેવા, જીવી લેવા એ જ દરેક પ્રવાસનું
અંતિમ સત્ય છે.
સહપ્રવાસી હોવાનો અર્થ એ છે કે, આપણે નિશ્ચિત અથવા અનિશ્ચિત સમય માટે સાથે
છીએ… હવે, જો સાથે જ છીએ તો એટલા સમયને, એ સ્થળોને, એ સંજોગોને સ્વસ્થતા અને
સ્વીકારથી માણી શકાય!
દરેક પ્રવાસ એક જ સવાલ પૂછે છે,
ચાલો, સુખ શોધવા આવવું છે?