વિરોધ આવકાર્યઃ નુકસાન અસ્વીકાર્ય

यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु श्वेद रक्त से,
लथपथ लथपथ लथपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।

હરિવંશરાય બચ્ચનની આ કવિતા કોઈના પણ રુંવાડા ઊભા કરી દે એવી પ્રેરક અને
પ્રેરણાદાયી છે. ભાજપ સરકારની યોજના ‘અગ્નિપથ’ આ કવિતાના શબ્દો ઉપર આધારિત રહીને
કરેલો વિચાર છે? જે યોજનાના વિરુધ્ધમાં આખા દેશમાં તોડફોડ અને આગચંપી થઈ રહી છે એ
યોજના ખરેખર છે શું? એની સામે વિરોધ કેમ છે? આવા સવાલો એક સામાન્ય નાગરિકને થાય,
થવા જોઈએ. સરકારની યોજના સામે વિરોધ હોય તો સરકારનો વિરોધ થવો જોઈએ. એ વિશે
આપણા જ ચૂકવેલા ટેક્ષમાંથી ખરીદાયેલી સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડીને આપણો યુવા વર્ગ
શું સાબિત કરવાનો પ્રયાસ કરે છે, એવો સવાલ કોઈને કેમ થતો નથી?

સેનાના ત્રણેય ચીફ (આર્મી, નેવી અને એરફોર્સ)ની સાથે મળીને રક્ષામંત્રી રાજનાથસિંહે પ્રેસ
કોન્ફરન્સમાં ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી, “અગ્નિપથ યોજનામાં 17 વર્ષથી ઉપર અને
12મી પાસ કરેલા યુવક અને યુવતિઓને સમાવી લેવામાં આવ્યા છે. આ યોજનામાં છ મહિનાની
ટ્રેનિંગ અને 3.5 વર્ષની સેવા પછી 25 ટકાને સેનામાં સમાવી લેવામાં આવશે. એની સાથે સાથે
સેનામાં ભરતી થવા માટેની એવરેજ ઉંમર 32 વર્ષથી ઘટાડીને 26 વર્ષ કરવામાં આવી. આ
યોજનામાં ત્રીસ હજારનો પગાર અને નવ હજારની બચત થશે. ચાર વર્ષ પછી જ્યારે એ ‘અગ્નિવીર’
સેના છોડે ત્યારે એને 11 લાખ 70 હજાર રૂપિયા મળશે. વળી, સેના તરફથી ટ્રેનિંગનું એક સર્ટિફિકેટ
અને 48 લાખ રૂપિયાનો લાઈફ કવર ઈન્સ્યોરન્સ પણ મળશે.” પરંતુ દેશભરમાં આ યોજનાનો
તીવ્રતાથી વિરોધ કરવામાં આવ્યો છે. 13 રાજ્યોમાં અનેક જગ્યાએ સરકારી સંપત્તિનું પારાવાર
નુકસાન કરવામાં આવ્યું છે એટલું જ નહીં, અનેક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. જેમણે આ
યોજનાને નક્કામી અને સરકારી તુક્કો કહીને એને પાછી ખેંચવાનો આગ્રહ કર્યો છે.

આ યોજનામાં સશસ્ત્રબળની આપણી સેનામાં યુવા પેઢીને સામેલ કરવાનો વિચાર કરવામાં
આવ્યો છે. ‘અગ્નિપથ’ યોજનામાં જોડાયેલા 25 ટકાને તો સેનામાં સામેલ થવાનો અવસર મળશે,
આ સમય દરમિયાન એમને પગાર તો મળશે જ સાથે સાથે બાકીના 75 ટકાને કોર્પોરેટમાં અને બીજી
જગ્યાએ પ્રશિક્ષણ લઈ ચૂકેલા યુવાનને પસંદગીમાં પ્રાથમિકતા મળશે અને સરકારી સેવાઓ અને
અન્યો નોકરી માટે બહેતર તક ઊભી થશે એવું રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું.

દુનિયાભરમાં ‘કોન્સ્ક્રિપ્શન’ શબ્દ જાણીતો છે. ઈઝરાયેલ, બર્મ્યુડા, બ્રાઝિલ, સાયપ્રસ, ગ્રીસ,
ઈરાન, નોર્થ કોરિયા, સાઉથ કોરિયા, મેક્સિકો, રશિયા, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, થાઈલેન્ડ, ટર્કી અને
યુએઈના દેશોમાં યુવાનો માટે સશસ્ત્ર દળની ટ્રેનિંગ કમ્પલસરી અથવા મેન્ડેટરી છે. દરેકની અવધિ
જુદી છે, પરંતુ આ તમામ દેશોના યુવાનોને ફિટનેસ, નશામુક્તિ અને અનુશાસન શીખવવાનો આ
પ્રયાસ સરાહનીય છે. રક્ષામંત્રી રાજનાથસિંહની પ્રેસ કોન્ફરન્સમાં જે કહેવાયું તે તદ્દન નકામું કે કાઢી
નાખવા જેવું તો નથી જ! આજે આપણો યુવાવર્ગ જે રીતે નશા તરફ ધસડાઈ રહ્યો છે અને
મોટાભાગના માતા-પિતા ‘સુરક્ષિત ભવિષ્ય’ અને ‘સગવડ’ ના નામે પોતાના સંતાનોને જે રીતે ઉછેરી
રહ્યા છે એ જોતાં આપણા દેશનું ભવિષ્ય ક્યાંક મુશ્કેલીમાં મૂકાશે એવું તો સૌને દેખાય જ છે. જે
લોકો આવતીકાલના વૉટર છે અથવા ભવિષ્યના નાગરિક છે એવા યુવાનો પશ્ચિમની અસર નીચે જે
રીતે વેડફાઈ રહ્યા છે એ જોતાં, ‘અગ્નિપથ’ યોજના કદાચ આ દેશ માટે અસરકારક પૂરવાર થાય પણ
ખરી!

પંજાબના સી.એમ. અમરિન્દર સિંઘે આ યોજનાનો વિરોધ કર્યો છે જે કોંગ્રેસના સી.એમ. છે
એટલું જ નહીં, ડ્રગ્સની સૌથી વધુ સમસ્યા પંજાબમાં છે. એક સમયે પંજાબમાંથી આ દેશને સૌથી
વધુ સોલ્જર્સ અથવા સૈનિકો મળતા હતા, આજે ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરવાના જે કારણો
જુદા જુદા રાજ્યોમાંથી આવી રહ્યા છે એ પણ સમજવા જોઈએ.

ચાર વર્ષ પછી એમનું શું થશે એ વાત યુવાવર્ગને અત્યારથી મૂંઝવી રહી છે. સેનાને પોતાના
ચાર વર્ષ આપી દીધા પછી જો એમની પસંદગી 25 ટકામાં ન થઈ તો શું? આ સવાલનો જવાબ
હજી સરકાર આપી શકી નથી. જૂની ભરતી હજી પૂરી થઈ નથી એવું આ વિરોધ કરનારાઓનું કહેવું
છે. સેનાના શોર્ટ સર્વિસ કમિશનમાં પણ ઓછામાં ઓછી 10થી 12 વર્ષની સર્વિસ હોય છે અને
આંતરિક ભરતીમાં પણ એમને તક મળે છે, આ યોજનામાં એવું કોઈ વચન આપવામાં આવતું નથી.
વળી, 17 વર્ષે બારમું પાસ કરીને જે લોકો ચાર વર્ષ સેનાને આપશે એમની પાસે ડિગ્રી કે બીજું કોઈ
શિક્ષણ નહીં હોય… જે વર્ષ એમણે કોલેજમાં વીતાવવાના છે એ વર્ષ જો આ વિદ્યાર્થીઓ સેનાના
પ્રક્ષિશણમાં વીતાવે અને પછીથી એમને સેનામાં નોકરી ન મળે તો એમણે 21-22 વર્ષે ગ્રેજ્યુએશન
શરૂ કરવું પડે કે બીજા કોઈ પ્રશિક્ષણ માટેનો વિચાર કરવો પડે, જે તર્ક સંગત નથી.

એની સામે સરકારનું વચન છે કે, સેનાનું પ્રશિક્ષણ લીધેલા યુવા વિદ્યાર્થી માટે નોકરીની વધુ
તકો અને બીજા કરતાં પ્રાથમિકતા ઊભી કરવામાં આવશે… સવાલ એ છે કે, યોજનાની પાછળનો
વિચાર ગમે તેટલો શ્રેષ્ઠ હોય અને સરકારનો ઈરાદો ભારતીય યુવાને એક નવા જ અનુશાસન, ફિટનેસ
અને સ્વાસ્થ્ય તરફ લઈ જવાનો હોય તો પણ જે યુવા દેશની સશસ્ત્રબળની ટ્રેનિંગમાં પોતાના ચાર
વર્ષ આપે છે એની પાસે પોતાના ભવિષ્ય વિશે કોઈ સ્પષ્ટતા તો હોવી જ જોઈએ. સામે એક દલીલ
એ પણ છે કે, સરકાર કોઈને જબરદસ્તી લઈ જવાની વાત કરતી નથી. જે યુવા વિદ્યાર્થી આ
ટ્રેનિંગમાં જોડાવા માગે એણે અરજી કરવાની છે, જે નહીં કરવાની સ્વતંત્રતા દરેક પાસે છે જ.
સેનાની ટ્રેનિંગ આપણા યુવાવર્ગને એક અનુશાસન, દેશ પ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને ફિટનેસ
તો શીખવશે જ, જે માત્ર સેનામાં નહીં, જીવનમાં પણ કામ લાગશે.

મહત્વનો મુદ્દો એ છે કે, સરકારની કોઈપણ યોજના સામાન્ય નાગરિકને ગળે ન ઉતરે, એનો
વિરોધ હોય એ સ્વીકાર્ય છે-ભારતના બંધારણને અને સરકારને… પરંતુ, આપણા જ ચૂકવેલા ટેક્ષમાંથી
ખરીદાયેલી સરકારી સંપત્તિને નુકસાન કરીને જે વિરોધ પ્રદર્શિત કરવામાં આવે છે એની સામે
ભારતનો કોઈ નાગરિક કેમ વિરોધ કરતો નથી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *