વિરોધ કે વિદ્રોહઃ સત્યનો આગ્રહ કે હિંસાનો માર્ગ

1930ના 12 માર્ચની વહેલી સવારે અમદાવાદના સાબરમતી આશ્રમથી 78
આશ્રમવાસીઓ બાપુની સાથે નીકળ્યા… સહુ પગે ચાલીને અમદાવાદથી 390 કિલોમીટર દૂર
દાંડીના દરિયા કિનારે અંગ્રેજ સરકારે મીઠા પર લગાડેલા કરને નાબૂદ કરવા માટે સત્યાગ્રહ કરવાનો
ઈરાદો હતો. સત્યાગ્રહીઓએ અંગ્રેજ સરકારના લાઠીચાર્જને સહન કરીને પણ દાંડીના દરિયા કિનારે
મીઠું પકવ્યું… કાયદાને તોડ્યો, પણ હાથમાં ન લીધો!

મો.ક. ગાંધી પાસેથી કદાચ એ જ શીખવાનું છે, રાજનીતિક નિર્ણયો કે એક નાગરિક તરીકેના
કેટલાંક કાયદા એવા હોય છે કે જે આપણને મંજૂર નથી અથવા સ્વીકાર્ય નથી. આપણે સૌ એ
કાયદાનો વિરોધ કરવા માગીએ છીએ… પરંતુ, મોટાભાગના લોકો હવે હિંસક અને ગેરકાનૂની રીતે
આ વિરોધ કરતા થઈ ગયા છે. ઉશ્કેરાટ અને ઉદ્વેગથી કરવામાં આવતા વિરોધને કારણે હવે સામેની
વ્યક્તિના વિનાશ સિવાય બીજો કોઈ વિચાર આપણને આવતો નથી. આ વિરોધ નથી, વેર છે.
વિરોધ વિચારનો હોઈ શકે, કાયદાનો હોઈ શકે, પરંતુ હવે આપણે દરેક વાતને વ્યક્તિગત અથવા
પર્સનલ બનાવીને જે-તે વ્યક્તિને ટાર્ગેટ કરી એની સાથે જાતે જ ન્યાય કરી લેતા થઈ ગયા છીએ.
આપણે આપણા વિરોધના મુદ્દાને બદલે અજાણતાં જ હિંસા અને રક્તપાત પ્રમોટ કરતા થઈ ગયા
છીએ.

ખાસ કરીને, હિન્દી સિનેમાએ ‘હીરો’ને ‘હીરો’ બનાવવા એવી કેટલીયે કથાઓ લખી જેમાં
‘અંધા કાનૂન’, ‘અંકુશ’ અને ‘આક્રોશ (નવી)’ જેવી ફિલ્મો બની. એ ગાળામાં ‘એન્ગ્રી યંગ મેન’ની
ઈમેજ એટલા માટે ઊભી કરવામાં આવી કારણ કે, જેમને ન્યાય નથી મળતો અથવા નથી મળ્યો એવું
લાગે છે એવા સૌ યુવાનો એ ઈમેજની સાથે જોડાઈ ગયા. સરકાર અને ન્યાયતંત્ર હવે કશું નહીં કરે,
એ વિચારને ભારતીય પ્રજાના માનસમાં ઘૂસાડવામાં સૌથી મોટો હાથ હિન્દી સિનેમાનો છે એમ
કહીએ તો ખોટું નથી. એ પછી હવેના સમયમાં ‘પુષ્પા’, ‘કબીર સિંઘ’ અને તાજેતરમાં રજૂ થયેલી
વેબ સીરિઝ ‘જહાનાબાદ’ જેવી વાર્તાઓમાં પોલીસ, પ્રશાસન અને ન્યાયતંત્રને તદ્દન નકામા અથવા
વેચાઈ ગયેલા બતાવવામાં આવે તો એનો વિરોધ સરકાર તરફથી થવો જોઈએ કે નહીં?

જે લોકો સરકાર વિરોધી સ્ટેટમેન્ટ કરે, પોતાના ફેસબુક ઉપર કે ટ્વિટર ઉપર કંઈ લખે તો
એને ‘દેશદ્રોહી’ કહીને ટ્રોલ કરવામાં આવે છે… આવાં સ્ટેટમેન્ટ કે લખાણોને ‘રાજદ્રોહ’ના નામે સજા
કરવામાં આવે, તો ભારતીય સિનેમામાં ખુલ્લેઆમ દેખાડવામાં આવતી હિંસા કે પોલીસ અને
પ્રશાસનની પ્રામાણિકતાની મજાક ઉડાવવામાં આવે એને રાજદ્રોહ ન કહેવાય? હિન્દી સિનેમા ઉપર
તો હજી પણ સેન્સર બોર્ડની કાતર ફરે છે, પરંતુ ઓટીટીના પ્લેટફોર્મ ઉપર કોઈ રોકટોક નથી. છેલ્લા
થોડા સમયથી ભયંકર અને બિભત્સ રસ જે રીતે પીરસવામાં આવે છે એનાથી યુવા માનસ પર થતી
અસરને ‘રાજદ્રોહ’ ન કહેવાય?

ગાંધીજી જ્યારે ઈસ્ટ આફ્રિકાથી ભારત આવ્યા (1915) ત્યારે એમને પોતાને પણ કલ્પના
નહીં હોય કે, આખા દેશના યુવાનોને એ એક એવો માર્ગ ચીંધવાના છે જે આ દેશના ઈતિહાસને
બદલી નાખશે. યુવાનોએ ગાંધીજીને સ્વીકાર્યા, એમને ફોલો કર્યા એનું મુખ્ય કારણ જ એ કે એમણે
‘વિરોધ’ ચોક્કસ શીખવ્યો, પરંતુ ક્યારેય ‘વિદ્રોહ’ની સલાહ નથી આપી. આપણે આજે વિરોધની
ધીરજ ખોઈ બેઠા છીએ, સીધો વિદ્રોહ-કાયદો હાથમાં લેવો, માણસને મારી નાખવા કે પોતાનો
અધિકાર મેળવવા માટે નિર્દોષનું લોહી વહેવડાવવાની હિંસા પછી આપણું રૂંવાડું પણ ફરકતું નથી.
આપણે ક્રૂર થઈ ગયા છીએ કે સ્વાર્થી?

હવે તો અંગ્રેજ સરકાર નથી, આપણે પસંદ કરેલા આપણા ઉમેદવારો-આપણે ચૂંટીને
વિધાનસભા કે લોકસભામાં મોકલ્યા છે. એમ માનીને, કે એ આપણું ‘હિત’ જ કરશે અથવા
‘વિચારશે’. નવાઈની વાત એ છે કે, આપણને આપણા જ ચૂંટેલા પ્રતિનિધિ ઉપર વિશ્વાસ નથી
રહેતો!

આપણે આપણા જ ન્યાયતંત્ર પર ભરોસો રાખવાને બદલે કાયદો હાથમાં લઈને ‘પતાવટ’ કરી
નાખીએ છીએ. પોલીસને ફરિયાદ કરવાને બદલે જાતે જ ‘પોતાની રીતે’ રસ્તા કાઢીએ છીએ અને
સૌથી મહત્વની વાત તો એ છે કે, આપણે આપણી જ બનાવેલી સરકાર સામે ભ્રષ્ટાચાર અને
ગેરરીતિના આક્ષેપો કરીએ છીએ… સત્ય એ છે કે, આ બધા આક્ષેપ સરકાર સામે નહીં, આપણી
પોતાની સામે થવા જોઈએ.

ગાંધીજી કહેતા કે, ‘જે બદલાવ આપણને જોઈતો હોય, એ બદલાવ આપણે જાતે બનવું પડે.’
આપણે શું બદલી શક્યા છીએ? હજી પણ અંગ્રેજોની શિક્ષણ પધ્ધતિ, ન્યાય પધ્ધતિ અને સૌથી
નવાઈની વાત એમના તહેવારો પણ આપણે અહોભાવથી સ્વીકારીએ છીએ. આપણે અંગ્રેજોનો
વિરોધ કરવાને બદલે એમની સિસ્ટમ અને પધ્ધતિને શ્રેષ્ઠ માનીને આપણી સરકાર જે બદલાવના
પ્રયાસ કરે છે એનો વિરોધ કરીએ છીએ! એ વિરોધ ક્યારે ‘વિદ્રોહ’માં પલટાઈ જાય છે એની આપણને
પણ ક્યારેક ખબર પડતી નથી.

આજે સરકારના વિરોધની એક અનોખી શરૂઆતને નવ દાયકા કરતાં વધુ સમય પૂરો થયો છે,
આઝાદીને 75 વર્ષ પૂરાં થયાં છે તેમ છતાં આપણે ત્યાં જ ઊભા છીએ? આજે પણ આપણને કરવેરા
સામે વિરોધ છે! નવી જંત્રી આપણને અનુકૂળ નથી. જીએસટી અને સર્વિસ ટેક્સના મુદ્દે આજે પણ
આપણે સરકારને અવિચારી અને અત્યાચારી કહેતા અચકાતા નથી… આ બધા મુદ્દાઓ ઉપર
આંદોલનો અને સત્યાગ્રહના નામે સામસામી આક્ષેપબાજી અને અંતે આપણા સ્વાર્થ માટે ભ્રષ્ટાચાર
સિવાય આપણે બીજું શું કરીએ છીએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *