રસ્તો શોધવો હોય, કોઈ વસ્તુ ક્યાં મળશે તે જાણવું હોય, કોઈ વ્યક્તિ વિશે,
એના કામ વિશે જાણવું હોય કે બીજી કોઈપણ માહિતી મેળવવી હોય તો આપણે સાવ
સહજતાથી ‘ગૂગલ’ને પૂછી લઈએ છીએ. આ ગૂગલ, એક સર્ચ એન્જિન છે. યુટ્યુબ,
ગુગલ કીપ, ક્રોમ, જીપીએસ અને જીમેઈલ જેવી અનેક સેવાઓ સાથે ગૂગલ આપણા
જીવનને સરળ બનાવે છે. આ, ગૂગલ કે બીજી કોઈપણ ફેસબુક, વ્હોટ્સએપ, સ્નેપ
ચેટ કે ચેટ જીપીટી જેવી સેવાઓ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે ઈન્ટરનેટના
માધ્યમથી જોડાયેલા હોઈએ. ‘ઈન્ટરનેટ’ શબ્દનો ઉપયોગ આપણે વારંવાર કરીએ
છીએ. ‘વાઈફાઈ’ આજના જમાનામાં જાણે જીવન જરૂરિયાતની ચીજ બની ગઈ છે
ત્યારે આ વાઈફાઈ છે શું? એ વિશે સાદી અને સરળ પરિભાષા સમજવી જોઈએ.
વાઇફાઇ (Wi-Fi) એ વાયરલેસ ટેકનોલોજીથી બનેલું જેમાં રેડિયો સિગ્નલનો પ્રયોગ કરવામાં આવે
છે. વાઇફાઇ એ હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને નેટવર્કને જોડવાનું કામ કરે છે. વાઇફાઇનું પૂરું
નામ વાયરલેસ ફિડેલિટી (Wireless Fidelity) છે. પણ આ એક માત્ર ધારણા છે. આ સાચું
નથી. વાઇફાઇનું નામ માત્રને માત્ર એક બ્રાન્ડ નામ તરીકે લેવામાં આવ્યુ છે. વાઇફાઇને ટ્રેડ માર્ક તરીકે
રજીસ્ટર કરવામાં આવ્યું છે. વાઈફાઈને આપણે WLAN પણ કહી શકીએ
છીએ, WLAN એટલે Wireless Local Area Network, એક એવું નેટવર્ક જેમાં 2 થી 4
કે તેનાથી થોડા વધારે ડિવાઇસ એક લિમિટેડ એરિયામાં જ વાયર વગર નેટવર્ક સાથે જોડાયેલા હોય
છે. એકદમ સરળ ભાષામાં વાત કરીએ તો એક વાઈફાઈ રાઉટર હોય છે જે એક મોડેમ સાથે કેબલ
દ્વારા કનેક્ટ થયેલું હોય છે. હવે તે વાઈફાઈ રાઉટર પોતાની આસપાસ જેટલા પણ ડિવાઇસ હશે
તેને રેડિયો સિગ્નલ ટ્રાન્સમીટ કરશે અને ત્યારબાદ તે ડિવાઇસ તે સિગ્નલને ફરી પાછા રિટર્ન
ટ્રાન્સમીટ કરશે.
પરંતુ, આ આખીય પ્રક્રિયા ઈન્ટરનેટ વગર શક્ય નથી. ઈન્ટરનેટ શું છે? આ ઈન્ટરનેટ
એટલે વિશ્વભરમાં પથરાયેલું અદ્રશ્ય કિરણોનું એવું જાળું કે જે આપણા ઈલેક્ટ્રોનિક
સાધનોને એકમેક સાથે જોડે છે. ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર
વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ
સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે.
આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય
જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની
મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્ક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (WWW)
સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે
કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર
અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે.
ઈન્ટરનેટની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી એમ કહેવાય છે. 1962માં મેસેચૂએટ્સ
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના જેસીઆર લિક લીડર નામના માણસે સૌ પ્રથમ
કમ્પ્યુટરના નેટવર્કિંગ (ઈન્ટર લિકિંગ)ની શોધ કરવાની શરૂઆત કરી. એ પછી લિનોર્ડ ક્લિનરોકે પેકેટ
સ્વીચીંગને લાગતી ટેકનોલોજી વિકસાવી. 1964માં ગોલ્ડન મરે સેમી કન્ડક્ટર શોધ્યું અને ત્યાર પછી
મીની કમ્પ્યુટર બજારમાં આવ્યું.
સપ્ટેમ્બર, 1972માં ભરાયેલી આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર કમ્યુનિકેશન કોન્ફરન્સમાં બોબ કાહન
નામના ટેકનોલોજિસ્ટે કમ્પ્યુટર નેટવર્કનો પ્રયોગ બતાવ્યો. પાઉલ મોકાપેટ્રીસે ‘ડોમેઈન નેમિંગ
સર્વિસ’ નેટવર્ક બહાર પાડ્યું. એ પછી આ નેટવર્કિંગ મિલિટરી અને સિવિલ એવા બે વિભાગમાં છૂટું
પાડીને એનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. આ ઈતિહાસ રસપ્રદ એટલા માટે છે કે, આજે આપણા
જીવનમાં ઈન્ટરનેટ એક અનિવાર્ય બાબત બની ગઈ છે. ઈન્ટરનેટનું સાચું અને લાંબુ નામ
એઆરપીએએનઈટી (એડવાન્સ રીસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી નેટવર્ક) છે. પહેલીવાર ઈન્ટરનેટનો
ઉપયોગ થયો એ દિવસને યાદ રાખવા માટે 29 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ દિવસ તરીકે
ઉજવવામાં આવે છે.
પહેલીવાર, 1969માં ઈલેક્ટ્રોનિક મેસેજ મોકલવામાં આવ્યો. કેલિફોર્નિયાના વિશ્વ
વિદ્યાલયમાં એક વિદ્યાર્થી પ્રોગ્રામર ચાર્લી ક્લેઈને ‘એલઓ’ લખીને ઈલેક્ટ્રોનિક સંદેશો મોકલ્યો. એ
29 ઓક્ટોબરનો દિવસ હતો.
હવે ઈન્ટરનેટના પ્રોવાઈડર્સ એટલે કે ઈલેક્ટ્રી સિટીની જેમ આપણા ઘર સુધી ઈન્ટરનેટની
સર્વિસ આપનારા અનેક લોકો ઉપલબ્ધ છે. આ પ્રોવાઈડર્સ શું કરે છે? સામાન્ય વપરાશકાર ફી
ભરીને કોઈ આઈ.એસ.પી. (ISP) પાસેથી ઇન્ટરનેટ એકાઉન્ટ ખોલાવી શકે છે.
આઈ.એસ.પી. તેને ‘લૉગિન નેઇમ’ પાસવર્ડ (કે જે વપરાશકાર ઇચ્છે ત્યારે બદલી શકે
છે) તેમજ એકબે ફોનનંબરની સગવડ આપે છે. તેના વડે તે ઇન્ટરનેટનું જોડાણ
મેળવવા ફોન કરી શકે છે. એક વખત ઇન્ટરનેટ સાથે જોડાણ મળે પછી વપરાશકારને
યોગ્ય ક્લાયન્ટ પ્રોગ્રામ વડે ઇન્ટરનેટની બધી સર્વિસો મળી રહે છે. દરેક ‘સર્વર’
(server) E-mail, www, chat, FTP જેવી સેવાઓ વપરાશકારને પૂરી પાડે છે. જરૂરી સેવા
મેળવવા વપરાશકારે (ગ્રાહકે-ઇન્ટરનેટનો ઉપયોગ કરનારે) જે તે સર્વિસ માટેના
‘ક્લાયન્ટ સૉફ્ટવેર’નો ઉપયોગ કરવો પડે છે; જેમ કે ‘વેબ બ્રાઉઝર’ એ www અને
‘આઉટલુક’ કે ‘યુડોશ’ ક્લાયન્ટ સૉફ્ટવેર છે.
વપરાશકારનું કમ્પ્યૂટર ‘હોસ્ટ’ કમ્પ્યૂટર સાથે જોડાય અને માહિતીની આપ-લે
થાય તે માટે ઍડ્રેસ હોવું જરૂરી છે. આ ઍડ્રેસ આપતાં કમ્પ્યૂટરો આપોઆપ
(automatically) જોડાઈ જાય. પહેલાં આંકડાકીય (numerical) ઍડ્રેસની રીત હતી, પરંતુ
હવે વપરાશકારની સુવિધા માટે ‘ડોમેઇન નેમિંગ સિસ્ટમ’ (DNS વપરાય છે. આ રીતમાં
‘કમ્પ્યૂટર નેઇમ’, ‘ડોમેઇન નેઇમ’નું સ્વરૂપ હોય છે. દા.ત., yogi.kernet.comમાં yogi એ
કમ્પ્યૂટર – નામ છે અને kernet.com એ નેટવર્કનું અથવા તો ‘ડોમેઇન’નું નામ છે.
હકીકતમાં કમ્પ્યૂટર તો માત્ર આંકડાકીય સંજ્ઞાઓ જ ઝીલી શકે છે. એટલે ખાસ પ્રકારના
નેટવર્ક સૉફટવેર વડે કમ્પ્યૂટર નેઇમ માહિતી ચોક્કસ આંકડામાં ફેરવાઈ જાય છે. આ
સૉફ્ટવેર ડોમેઇન નેઇમ સર્વર (DNS) કહેવાય છે. દરેક ISPને પોતાનો આગવો DNS
હોય છે, જે વપરાશકારના કમ્પ્યૂટરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે.
આ બધું અઘરું છે, વૈજ્ઞાનિક છે અને કેટલાક લોકોને એવો સવાલ થાય કે, આ
બધું જાણીને શું ફાયદો? પરંતુ, આપણે જે સુવિધા સતત વાપરીએ છીએ અને જે આ
સદીની સૌથી મહત્વની શોધ અથવા આપણા જીવનની સૌથી મહત્વની બાબત બનવા
લાગી છે એ વિશે થોડુંક જાણવું જરૂરી નથી?
ઈન્ટરનેટ માત્ર સુવિધા નથી, પરંતુ રેલવે, એરપોર્ટ, એપ્સ, ઓટીટી પ્લેટફોર્મથી
શરૂ કરીને સંરક્ષણના સાધનો, બેન્કના વ્યવહારો, મહત્વના દસ્તાવેજો, ડિનાયલ
સિક્યોરિટીથી શરૂ કરીને દુનિયાની દરેક જગ્યાએ વપરાતી એવી સુવિધા છે જેને લીધે
આ વિશ્વના મોટાભાગના વ્યવહારો સરળ અને ઝડપી બન્યા છે. ઈન્ટરનેટનો પાસવર્ડ
કોઈને ન આપવો (ઘરે મહેમાન આવે કે કોઈને આપવો પડે તો જાતે ટાઈપ કરી
આપવો), બને ત્યાં સુધી પબ્લિક ઈન્ટરનેટ સુવિધાનો ઉપયોગ ન કરવો, અને સૌથી
મહત્વનું, આપણા ઈન્ટરનેટનો પાસવર્ડ દર થોડા દિવસે બદલતા રહેવું જરૂરી છે.
આજે જ્યારે આપણે સૌ ટેકનોલોજીની દિશામાં હરણફાળ ભરી રહ્યા છીએ ત્યારે
જેણે ઈન્ટરનેટની સુવિધા આપણા માટે ઉપલબ્ધ કરી એવી વ્યક્તિને યાદ કરીએ… અને
સલામ કરીએ.