વહી પૂરાના… તેરા બહાના…

દુનિયાના લગભગ દરેક માણસ પાસે એક બહાનું હોય છે, ક્યારેક એક કરતાં વધારે પણ હોય છે!
જે લોકો જવાબદારી નથી લેવા માગતા એ બધાએ બહાનાબાજીની આવડતને વધુ ને વધુ અપગ્રેડ કરતાં
જવું પડે છે. સફળતા-નિષ્ફળતા, સત્ય-અસત્યના દરેકના પોતાના ધોરણો હોય છે. પોતાની જિંદગી કેવી
રીતે જીવવી એ વિશે પસંદગી કરવાનો અધિકાર દરેકને મળે છે, પરંતુ આપણે શું પસંદ કરીએ છીએ એના
ઉપર આપણા જીવનનો આધાર છે, આ વાત બધા સમજે છે તેમ છતાં, પોતાની પસંદગી વિશે સંજોગો,
સ્થિતિ, સમય, સગાં કે પરિવારને જવાબદાર ઠરાવીને મોટાભાગના લોકો કોઈને કોઈ રીતે નિષ્ફળતાની,
અણઆવડતની કે ગેરસમજણની જવાબદારીમાંથી છટકી જાય છે.

આ એવા લોકો છે જેમને ગમે તેટલા તૈયાર કરવામાં આવે, એ થોડાક સમય પછી ફરી પાછા એ
જ સ્થિતિમાં આવી જાય છે. એમને સફળ થવું છે, પણ એને માટે મહેનત કોઈ બીજાએ કરવી પડે-એવી
એમની શરત છે. એમને જિંદગીના તમામ સુખો, આનંદ, પ્રમોદ, મજા, લક્ઝરી, સગવડ અને સંપત્તિ
જોઈએ છે, પરંતુ એને માટે જે કરવું પડે એ કરવાની એમની તૈયારી નથી. આવા લોકો મોટિવેશનલ
સ્પીકર્સ ઉપર કે સેલ્ફ હેલ્પના પુસ્તકો ઉપર બહુ આધારિત રહે છે. પુસ્તકોમાંથી મોટા મોટા વાક્યોના
ક્વોટ્સ બોલીને એ અનેક લોકોને ઈમ્પ્રેસ કરી નાખે છે. પોતે બહુ જાણે છે, વાંચે છે અને જીવન તો
એમના આંગળીના ટેરવેથી ટપકે છે એવો ભ્રમ ઊભો કરતા આવા લોકો પોતાના અંગત જીવનમાં આ
ક્વોટ્સમાંથી કે વિચારોમાંથી કશાંયનો ઉપયોગ કરી શકતા નથી. તેમ છતાં, એમને પહેલીવાર મળનાર
વ્યક્તિ એમનાથી અભિભૂત થઈ જાય છે. ધીમે ધીમે જેમ એ ઉઘડતા જાય તેમ તેમ એમની આળસુ
પ્રકૃતિ, બુધ્ધિજીવી હોવાનો વહેમ અને મોટિવેશનલ વાતોનો ફુગ્ગો ફૂટી જાય છે.

આ એવા લોકો છે જે જાતભાતના સેમિનાર, મગજની શક્તિ વધારવાની ચાવીઓ, યાદ
રાખવાની સરળ રીતોથી શરૂ કરીને માનસિક સ્વાસ્થ્યના, સંબંધ સુધારવાની કૂંચી બતાવતા જાતભાતના
ફોરમ અને જીવન જીવવાની કળાના અનેક ક્લાસીસમાં હોંશે હોંશે નામ નોંધાવે છે જ્યાં, ‘મોટિ’વેશનલ
સ્પીકર્સ આમ તો ‘મોટી મોટી’ વાતો કરે છે. સફળતા હાથવેંતમાં છે, જીવનમાં બધું થઈ શકે છે, આગળ
વધવું હોય એને કોઈ રોકી શકતું નથી થી શરૂ કરીને પળેપળ જીવી લેવી જોઈએ, પોતાના પૈસા પોતે જ
વાપરવા જોઈએ, કોઈની પાસે અપેક્ષા ન રાખવી જોઈએ, આપણે જ આપણા મિત્ર છીએ… વગેરે
વગેરે ઘણું કહેવાય છે, પરંતુ આ બધી સફળતા પછીનું દોઢડહાપણ છે. સ્ટેજ પર ઊભા રહીને
માઈકમાંથી સલાહ આપવી સહેલી છે. અભિભૂત થઈને સાંભળતા હજારો કે લાખો લોકો એ ક્ષણે કોઈ
જાદુના ‘સ્પેલ’માં આવી જાય છે. બીજા જ દિવસથી પોતાનું જીવન બદલી નાખવાનું નક્કી કરી લે છે…
આ કહેવાતા ‘મોટિવેશનલ સ્પીકર’ જે કંઈ કહે છે તે જ જીવનનું સત્ય છે તેમ માનીને શ્રોતા બીજા જ
દિવસથી પોતાની જિંદગી બદલાઈ જશે એવા કોઈ સોનેરી વચન સાથે સફળતા તરફ ધસમસવા તૈયાર
થઈ જાય છે, પરંતુ એને તરત જ સમજાઈ જાય છે કે, કહેવા અને કરવામાં ફેર છે. આપવામાં આવેલી
સલાહોને જ્યારે સાચે જ અમલમાં મૂકવા જઈએ ત્યારે સમાજ, સંજોગો, પરિસ્થિતિ સામે આવીને
ઊભાં રહે છે. એ પરિસ્થિતિ સામે લડવું સહેલું નથી, પરંતુ અશક્ય તો નથી જ. પરિસ્થિતિ કે પર્સનલ
બહાનાં આગળ ધરીને પોતાની આળસ, અણઆવડત કે નિષ્ફળતાને ઢાંકનારા જીવનમાં ક્યારેય કશું કરી
શકતા નથી. પ્રોબ્લેમ સૉલ્વ કરવા માટે તો સૌથી પહેલાં સ્વીકારવું પડે કે, પ્રોબ્લેમ છે! આ એવા લોકો છે
જે બીજાના પ્રોબ્લેમ સૉલ્વ કરે છે, પરંતુ પોતાને પ્રોબ્લેમ છે એવું કહેવામાં એમનો અહંકાર, ઈગો નડે છે.
આ લોકોને બહારથી પ્રેરણા જોઈએ છે. કોઈ એમને સતત ઢંઢોળતું, જગાડતું રહે, કોઈ સતત આગળ
વધવા માટે ધકેલતું રહે એવી અપેક્ષા સાથે કેટલાક લોકો પોતાની કારકિર્દી બીજાની હિંમત અને તાકાતના
પાયા પર ઊભી છે એમ માનીને આગળ વધે છે. આવા લોકો નિશ્ચિતપણે પટકાય છે. આખું જગત
જ્યારે ગાંડી હરિફાઈમાં દોડી રહ્યું હોય ત્યારે ‘કોઈ’ આપણી મદદ કરશે, આપણને સાથે લઈને આગળ
વધશે એવી અપેક્ષા થોડી વધારે પડતી નથી? કોણ સતત પ્રેરણા આપવા, જગાડવા કે અન્યના સવાલોના
જવાબ શોધવા માટે નવરું છે?

બહુ જૂજ અને થોડા લોકો સાચા અર્થમાં જીવનને સમજે છે, જીવે છે અને પરિસ્થિતિને
આંખમાં આંખ નાખીને જોઈ શકે છે. અહિંસાની વાતો કરતા લોકોએ એટલું સમજવું પડે કે જ્યાં સુધી
અહિંસા જાળવી શકાય ત્યાં સુધી એ ગૌરવની વાત છે, પરંતુ આપણી નજર સામે કોઈ બહેન-દીકરીને
છેડતું હોય, વૃધ્ધને અપમાનિત કરતું હોય કે હાથ ઉપાડતું હોય ત્યારે પણ જો આપણે ‘અહિંસા’નું પૂંછડું
પકડીને બેસી રહીએ તો આપણે નમાલા છીએ. મુદ્દા વિશે જે નિર્ભિક રીતે વાત કરી શકે છે, એ જ સાચા
અર્થમાં જવાબદારી લઈ શકે છે. માણસ તરીકે આપણે બધાએ સંજોગો, સમય અને સંબંધોની
જવાબદારી લેવી જોઈએ. સારા અને ખરાબ બંનેનો ભાર આપણા જ ખભા પર ઉપાડવો જોઈએ.
બહાનું કાઢીને છટકી જવું સરળ છે, પરંતુ મહેનત કરીને આગળ વધવું, જીવનમાં કશું પ્રાપ્ત કરવું (માત્ર
સફળતા-સંપત્તિ કે સત્તાની ચર્ચા નથી-આત્મવિશ્વાસ અને સ્વયંમાં શ્રધ્ધા પણ પ્રાપ્ત કરવાં પડે છે)
જરૂરી છે.

મજાની વાત એ છે કે, ઈનોવેટિવ બહાનાં શોધવામાં અને કામ ટાળવામાં, પોતાની નિષ્ફળતા
માટે અન્યને બ્લેઈમ કરવાની રીત શોધવામાં આવા લોકો જેટલો સમય, શક્તિ અને બુધ્ધિ બગાડે છે એ
બધું જો પોતાની આ એક જ નબળાઈ દૂર કરવા માટે વાપરે તો એમણે બહાનાં શોધવાની જરૂર જ ન
પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *