વી આર ધ વર્લ્ડઃ વી આર ધ ચિલ્ડ્રન…

આપણે બધા જ્યારે પોતપોતાના ઘરોમાં બંધ હતા ત્યારનો સમય યાદ કરો. 2019નો
ઉનાળો આપણને આટલો આકરો નહોતો લાગ્યો એટલું જ નહીં, 2019નો વરસાદ પણ વધુ અને
સપ્રમાણ હતો. અર્થ એ થયો કે, બિનજરૂરી પોલ્યુશન જો બચાવી શકીએ તો પર્યાવરણ સાચવી
શકાય એમ છે.

આંખો મીંચીને વાપરવામાં આવતા પ્લાસ્ટિક વિશે કોઈ દિવસ વિચારી જોજો. લગભગ દરેક
વસ્તુ પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. બોક્સ ઉપર અને બોક્સની અંદર અલગ પ્લાસ્ટિક હોય છે.
દૂધ, દહીં, શાકભાજીથી શરૂ કરીને દરેક વસ્તુ માટે ઝભલું અને નાનાથી મોટી વસ્તુ માટે બબલરેપ કે
વેક્યૂમ પ્લાસ્ટ વાપરવામાં આવે છે. એ બધું ફેંકી દેવામાં આવે છે. આ ફેંકાયેલું પ્લાસ્ટિક સવારના
કાગળ વીણવા નીકળતા લોકો એકઠું તો કરે છે, પણ એકઠું કરવામાં આવતું પ્લાસ્ટિક કુલ કચરાના
માત્ર 42 ટકા જેટલું છે. અર્થ એ થયો કે, બાકીનું 38 ટકા પ્લાસ્ટિક જ્યાં ત્યાં રખડે છે અને ધીમે
ધીમે જમીનની અંદર દટાય છે. ડામરના રસ્તા, હાઈ સોસાયટી અપાર્ટમેન્ટ્સના કમ્પાઉન્ડમાં જડી
દેવાતા સિમેન્ટના ટાઈલ્સ, મકાનોમાં વપરાતા કાચ અને એને કારણે સતત ચલાવવું પડતું
એરકન્ડીશન-જે ગરમ હવા બહાર ફેંકે છે… ગાડીઓના ધૂમાડા… પોલ્યુશનના કેવા અને કેટલા કારણો
છે. આ બધા કારણો વિશે આપણે તદ્દન બેધ્યાન છીએ, પણ કુદરત આપણા પરત્વે બેધ્યાન નથી. એને
બરાબર ખબર છે કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ પ્રત્યેક ડગલું આપણને વધુ ને વધુ વિનાશ તરફ
લઈ જઈ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં જ નહીં, દેશભરમાં હિટવેવ ચાલી રહ્યો છે. ઉનાળાના આ
ભયાનક સમયમાં દરેક ઘર/ઓફિસમાં એરકન્ડીશન મશીન ચાલે છે. અંદર તો આપણે ખૂબ
વાતાનુકુલિત રીતે રહીએ છીએ, પરંતુ બહારના જગતને આપણે વધુ ને વધુ ગરમ કરી રહ્યા છીએ.

ઈન્ટરનેટનો વપરાશ અનેકગણી કાર્બન ફૂટપ્રિન્ટ્સ છોડી રહ્યો છે. આપણી જાણ બહાર સતત
વ્હોટ્સએપ અને ઈન્સ્ટા-ફેસબુક-એપ્સનો ઉપયોગ કરી રહેલા આપણે અજાણતાં જ વાતાવરણને
કલુષિત કરી રહ્યા છીએ. ઊડતાં વિમાનો, રોકેટ્સ, સેટેલાઈટ્સ અને એની સાથે દરિયામાં, નદીમાં
ઠલવાતું કેમિકલ… કપાતાં વૃક્ષો, રાસાયણિક ખાતર… પૃથ્વી પર આપણે કોઈ એવી જગ્યા નથી છોડી
જ્યાં સ્વાસ્થ્યપ્રદ જીવનની કલ્પના થઈ શકે. 1948માં ભારતની વસતિ 358 મિલિયન (35 કરોડની
આસપાસ હતી). 75 વર્ષમાં આપણે 135 કરોડ થઈ ગયા… વિશ્વભરની વસતિની તો વાત જ શું
કરવી!

આ ધરતી એક લિવિંગ પ્લેનેટ છે. એ શ્વાસ લે છે, ધબકે છે. અહીં જીવો પાંગરે છે, વૃક્ષો
ઊગે છે, પાણી ગરમ થાય છે, વરસાદ પડે છે. અનેક વાયુઓ વિહાર કરે છે… આ બધાને આપણે
ખૂબ નુકસાન કરી રહ્યા છે એ વાત આપણને નહીં સમજાય તો આપણા પછીની પેઢી એટલે કે
આપણા જ સંતાનો માટે આપણે એક પ્રદૂષિત-ઝેરીલું વાતાવરણ સર્જી રહ્યા છીએ.

હવે સવાલ એ થાય કે, આ પ્રશ્નનો ઉકેલ શો?

તો એનો સાદો જવાબ એ છે કે, આપણે બધાએ સંયમ રાખતાં શીખવું પડશે. જરૂર હોય તો
પ્રવાસ કરવો જ પડે. ઘરનો કચરો ઘરમાં ન રખાય. કપડાં ધોવા પડે. વાસણ માંજવા પડે, નાહવું પડે-
એમાં પાણી વપરાય જ. કામ માટે ઈન્ટરનેટ વાપરવું પડે, ક્યાંક જવું હોય તો ગાડી ચલાવવી પડે.
રોજિંદી જરૂરિયાતોને અવગણીને જીવી ન જ શકાય, એ સમજાય એવી વાત છે, પરંતુ એ સિવાયની
એવી ઘણી બેદરકાર-બેજવાબદાર જીવનશૈલી છે જેના ઉપર કંટ્રોલ કરી શકાય. જેમ કે, ગુજરાતના
એવા ઘણા શહેરો, ગામો છે જ્યાં પીવાનું પાણી પણ નથી મળતું. આપણે, શહેરમાં રહેતા લોકો
જેમને ત્યાં ‘નળ’ છે એ બંધ કરવાનું શીખ્યા જ નથી. કપડાં ધોતાં કે વાસણ માંજતા સતત વહેતાં
નળમાં નાહતી વખતે વેડફાતા શાવરમાં કે ચોક અને ઓટલા ધોવામાં વપરાઈ જતું ચોખ્ખું પાણી
બીજા લોકો માટે જીવનનો પર્યાય છે એવી આપણને કલ્પના જ નથી! આપણે જે ફળો, શાકભાજી કે
અનાજ ખાઈએ છીએ એમાં ભારોભાર કેમિકલ છે. ઓર્ગેનિક, શબ્દ બહુ આકર્ષક અને અને ફેશનેબલ
થતો જાય છે, પરંતુ માત્ર ઓર્ગેનિક ખોરાકથી કંઈ નહીં થાય. આપણી આસપાસના જગતને
ઓર્ગેનિકલી જીવતાં શીખવવું પડશે. પાણી, હવા અને પૃથ્વી, આકાશના તત્વોને સ્વચ્છ, સાફ
રાખવાની જવાબદારી દરેકે વ્યક્તિગત રીતે લેવી પડશે. પ્લાસ્ટિકની થેલી રિસાઈકલ કરવાનું, કાપડની
થેલી વાપરવાનું કે પાણી બચાવવાનું વારંવાર કહેતી સરકાર તરફ આપણા કાન અને ધ્યાન નથી.
ઈન્ટરનેટનો ઉપયોગ જરૂર હોય તો જ કરીએ, એ વાત ભણેલી-ગણેલી અને વિજ્ઞાન સમજતી નવી
પેઢીને પણ સમજાતી નથી એ કેવી નવાઈની વાત છે!

એક તરફ, આપણે ઓર્ગેનિક અને હેલ્ધી ખોરાકની વાતો કરીએ છીએ, કસરત કરીએ છીએ,
ઈમ્યુનિટી વધારવાનો પ્રયાસ કરીએ છીએ અને બીજી તરફ, આપણે જ આપણી આસપાસના
જગતને વધુ ને વધુ પ્રદૂષિત-કલુષિત કરી રહ્યા છીએ. કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું એવી અશક્ય
ઘટનાના આપણે બધા સાક્ષી બન્યા. આપણે કુદરતને એટલી ધકેલી કે અંતે કુદરત આપણને ધકેલવા
મજબૂર થઈ ગઈ. આખી દુનિયાના માણસો એક જ સમયે, પોતપોતાના ઘરોમાં બંધ થઈ જાય એ
કુદરતનો વિદ્રોહ નથી તો બીજું શું છે? કોઈને ન સમજાય એવો એક રોગ-આમ ફટાફટ જીવન ઝૂંટવી
લે એ આપણને મળેલી કોઈ નોટિસ છે એવું નથી લાગતું? આફ્રિકાના દુષ્કાળ વખતે માઈકલ જેક્સન
અને લાયોનેલ રિચીએ લખેલું ગીત, ‘વી આર ધ વર્લ્ડ, વી આર ધ ચિલ્ડ્રન… વી આર સેવિંગ અવર
ઓન લાઈવ્સ… ઈટ્સ ટ્રુ વી વીલ મેક અ બેટર ડે, જસ્ટ યુ એન્ડ મી.’ ભલે 1985માં લખાયું અને
ગવાયું હોય, પરંતુ આજે પણ એટલું જ સાચું છે.

આપણે સમજીએ કે નહીં, માનીએ કે નહીં, આપણે બધા આ લિવિંગ પ્લેનેટના એક
ટાઈમબોંબ પર ગોઠવાઈ ચૂક્યા છીએ. નોસ્ત્રાડેમસે જેની આગાહી કરી હતી એ પ્રલય કદાચ બીજું
કંઈ નથી, પણ આપણે જ નોતરેલો આપણો વિનાશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *