આવતી કાલે વુમન્સ ડે… સ્ત્રીઓનો દિવસ ! દર વર્ષે કેટલીયે સ્ત્રીઓ કહે છે, “સ્ત્રીઓનો એક જ દિવસ શા માટે ? વર્ષના બધા દિવસો સ્ત્રીના કેમ નહીં ?”અહીં સવાલ એ થાય છે કે સ્ત્રી તરીકે આપણે સહુ કોઈ એક દિવસ કે આખું વર્ષ… શું ઉજવીએ છીએ? સાધારણ ભારતીય સ્ત્રી કેટલા વર્ષ જીવે છે ? આપણે એની સરેરાશ આયુ 75 વર્ષ પકડીએ તો જિંદગીના પહેલા 20 કે 25 વર્ષ એ ભણવામાં વિતાવે છે. (આ શહેરી છોકરીઓની વાત છે) એ દરમિયાન માતા-પિતા એના પર ચાંપતી નજર રાખે છે. એની બહેનપણીઓ, મિત્રોને સ્કેન કરવામાં આવે છે. કેટલાક ઘરોમાં છોકરો મિત્ર હોઈ જ ન શકે એવી કોઈક માન્યતા પણ પ્રવર્તે છે. શહેરથી બહાર જઈને બી-ટાઈનની વાત કરીએ તો નાના શહેરની છોકરીઓ ટેલિવિઝન અને સિનેમાને કારણે મોટાં સપનાં જોતી થઈ છે, પરંતુ એ સપનાં પૂરાં કરવા માટે એનો પરિવાર સામાન્યતઃ એને રજા આપતો નથી. અભિનેત્રી કે મોડેલ બનવા માગતી છોકરીએ ઘરેથી ભાગી જવું પડે એવા પરિવારો હજી પણ આપણી પાસે બી-ટાઉનમાં છે. ભાઈ અને બહેન બેમાંથી એક જ જણને ઉચ્ચ શિક્ષણ મળી શકે તેમ હોય તો સ્વાભાવિક રીતે ભાઈને ભણાવવામાં આવે એવું પણ સામાન્યતઃ જોવા મળે છે. પાકિસ્તાનમાં છોકરીની લગ્નવય 16 વર્ષની છે, ભારતમાં 18ની… કેટલાક માતા-પિતા 18 પૂરા થાય ત્યાં સુધી પણ રાહ નથી જોતા ! એથી નીચે ઉતરીએ તો નાના ગામ કે કસ્બાની છોકરીઓનો જન્મ જ એના પરિવારમાં ‘સમસ્યા’ તરીકે થાય છે. ભણવાની વાત તો દૂર રહી, એ ઢીંગલી રમે એટલો સમય પણ એને ઘરકામમાંથી ભાગ્યે જ મળે છે. 6-7 વર્ષની છોકરી વાસણ માંજતા, રસોઈ કરતા ને કપડાં ધોતા શીખી જાય તો એમાં કોઈને નવાઈ નથી લાગતી ! ગામમાં આવેલી શાળામાં અક્ષરજ્ઞાન પૂરતું ભણેલી આ છોકરીઓ 15 વર્ષની થાય ત્યાં સુધીમાં ભણતર ભૂલી જાય છે… ડાવરી, ઓનરકિલિંગ કે જાતિભેદ માટે સ્ત્રીને જ સતાવવામાં આવે છે. આપણે ગમે તેટલા વિકાસની વાતો કરીએ, મોટા મોટા પુલ બાંધીએ કે એન્જિનિયરીંગ ક્ષેત્રે હરણફાળ ભરીએ અને ચંદ્ર પર પહોંચી જઈએ, તેમ છતાં નાના ગામોમાં જાતિભેદને કારણે કે ગુંડાગર્દીને કારણે બળાત્કારના આંકડા ચોંકાવી દે એવા છે. બળાત્કારનો ભોગ બનેલી મહિલા કે છોકરી, ‘મેલી’ થઈ ગયેલી કહેવાય છે. એનાં લગ્ન નથી થતાં કે એનો પતિ કે પરિવાર પણ એને પાછી સ્વીકારતો નથી…
8મી માર્ચે આખું જગત વિશ્વ મહિલા દિવસ ઉજવે છે. પશ્ચિમના દેશોમાં મહિલાનું જે સન્માન અને આત્મગૌરવ છે, એનું દસમા ભાગનું પણ ભારતમાં જોવા મળતું નથી. આપણે શહેરની સ્ત્રીઓની વાત ન જ કરીએ એ વધુ યોગ્ય છે, કારણ કે ઉચ્ચ મધ્યમવર્ગના પાંચ દસ ટકા લોકોથી સમાજ બનતો નથી. જેને આપણે સાચે જ સમાજ અથવા ભારતીય જનસમાજ કહીએ છીએ એમાં સ્ત્રી હોવું એ કોઈ ગૌરવ કે ઉત્સવની વાત નથી.
ડોમેસ્ટિક વાયોલેન્સના આંકડા, ઈવટીઝિંગ, કામ કરતી સ્ત્રીઓ સાથે વ્યવસાયના સ્થળે થતી સતામણી ઘટવાને બદલે વધતી જાય છે. સાઈબર ક્રાઈમમાં સ્ત્રીઓના એમ.એમ.એસ. બનાવીને એમને બ્લેકમેઈલ કરવાની ઘટનાઓ પણ રોજ સાંભળવા મળે છે. આવા સમયમાં ‘વુમન્સ ડે’ કેટલો અને કઈ રીતે મહત્વનો છે ? નવાઈ લાગે, પરંતુ સ્ત્રીઓ પર થતા અત્યાચારો માટે દરેક વખતે પુરુષ જવાબદાર નથી હોતો. ફેમિનીઝમ અથવા સ્ત્રીના આત્મગૌરવની વાત એ પુરુષનો વિરોધ કરવાથી પ્રસ્થાપિત નહીં થાય, કારણ કે સ્ત્રી પોતે જ કેટલીક વાર સ્ત્રીના સન્માનને પગ નીચે કચડે છે. આ એવી સ્ત્રીઓ છે જે અત્યંત મહત્વકાંક્ષી અથવા ખૂબ ડોમિનેટીંગ સ્વભાવ ધરાવતી સ્ત્રીઓ છે. કામના સ્થળે બીજી સ્ત્રીની ઈર્ષ્યા કરવી કે ઘરમાં દેરાણી-જેઠાણી, પુત્રવધૂ, સાસુ કે નણંદને હેરાન કરવાના કિસ્સા જ્યારે વાંચીએ ત્યારે આપણે, સ્ત્રી તરીકે વિચારવું જોઈએ કે એક સ્ત્રી બીજી સ્ત્રીની સાથે આવું અમાનુષી વર્તન કેવી રીતે કરી શકે ?
સદીઓથી સ્ત્રીને સેકન્ડ સેક્સ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. એની શારીરિક ક્ષમતાથી શરૂ કરીને બુદ્ધિ સુધી દરેક બાબતમાં એ પુરુષથી ઉતરતી છે, એવી વાત એ સાવ નાની બાળકી હોય ત્યારથી એના મગજમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. “તું આમાં ના પડ”, “તને નહીં સમજણ પડે”, “આપણે શું લેવા-દેવા ?” અથવા “એ આપણું કામ નથી” જેવી ઉક્તિઓ સ્ત્રીએ વારંવાર સાંભળવી પડે છે. પરણી ગયેલી દીકરી કે વિધવાનું નામ ઘરના શુભપ્રસંગે કંકોતરી કે આમંત્રણ પત્રમાં લખાતું નથી. એક વિધુર શુભપ્રસંગે આવકાર્ય છે, પણ એક વિધવા અપશુકનિયાળ હોય છે ! બાળક ન થતું હોય એ સ્ત્રીનું જીવન જ બેકાર છે એવું આ સમાજ માને છે, પરંતુ જો એના પતિને સ્પર્મ ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવે તો એને ઈગો પ્રોબ્લેમ થઈ જાય છે.
એક પુરુષ શરાબ પી શકે, તમાકુ ખાઈ શકે, સિગરેટ પી શકે… પરંતુ આધુનિક મનાતા સમાજમાં પણ શરાબ પીતી કે સિગરેટ પીતી સ્ત્રીને ‘અવેલેબલ’ અથવા ‘સ્લટ’નું લેબલ લગાડતા કોઈને અચકાટ થતો નથી. ડિવોર્સી કે સિંગલ સ્ત્રી મોટાભાગના પુરુષો માટે એક રસપ્રદ કિસ્સો હોય છે. એની સાથે પોતાની આવડત કે ચાલાકી અજમાવી જોવાની તક મોટાભાગના પુરુષો છોડતા નથી. એકલી રહેતી સ્ત્રીના ઘરે આવતો દરેક પુરુષ એની સાથે શારીરિક સંબંધ બાંધવા જ આવે છે, એવું માનવામાં પડોશીઓને વાંધો આવતો નથી. પુરુષ કોઈપણ ઉંમરે એકલો હોય તો જીવનસાથી શોધી શકે, પરંતુ 40-45 વટાવી ગયેલી સ્ત્રી જ્યારે કોઈ સાથીને શોધે, અથવા એને કોઈ સાથી મળે ત્યારે ‘આ ઉંમરે શું રહી જતી હતી !’ની કોમેન્ટ એણે સાંભળવી જ પડે છે.
પુરુષ કોઈપણ ઉંમરે કંઈ પણ પહેરી શકે. એના અદોદળા પેટ સાથે ટી-શર્ટ પહેરેલા પુરુષને કોઈ તાકીને જોતું નથી, પરંતુ સુદ્રઢ અને સારું શરીર ધરાવતી સ્ત્રી પણ જો થોડા ટૂંકા કે આધુનિક કપડાં પહેરે તો એ બેશરમ અથવા ચાલુ હોઈ શકે છે. સ્ત્રી પર થયેલા બળાત્કાર માટે પણ એના વસ્ત્રો જવાબદાર હોઈ શકે એવા સ્ટેટમેન્ટ કોર્ટમાં નોંધાયા છે ! જો સ્ત્રી કોઈ પુરુષનો પ્રણય પ્રસ્તાવ નકારી દે તો એ વાત સ્વીકારવામાં પુરુષને એનો અહંકાર એ હદે નડે છે કે એ સ્ત્રીના ચારિત્ર્ય ઉપર આંગળી ચીંધી શકે છે.
સ્ત્રીના વ્યવસાય સાથે પણ કેટલાક નિયમો જોડી દેવામાં આવ્યા છે, જેમાં એના વસ્ત્રો, દેખાવ અને વ્યવહાર માટે સ્પષ્ટ ‘ડુઝ’ અને ‘ડોન્ટ્સ’ છે. આવું એને ભણવામાં શીખવવામાં નથી આવતું, સમાજ નક્કી કરે છે…
સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે, સ્ત્રીઓ વિશે પુરુષો ઝાઝી ચર્ચા નથી કરતા. એકાદ બે ઘસાતી કોમેન્ટ કે એના ઉપર પોતાનો ચાર્મ વાપરી જોવાના એકાદ પ્રયાસ સુધી જ પુરુષ સિમિત રહે છે, પરંતુ એક હિંમતવાળી, સિંગલ, આત્મગૌરવ ધરાવતી, ભણેલી, કમાતી સ્ત્રી વિશે એની પડોશમાં રહેતી સ્ત્રીઓથી શરૂ કરીને સગાં-સંબંધીઓ, મિત્રો અને એના જ પોતાના લોકો ચર્ચા કરે છે. એક સ્ત્રી વિશે અણછાજતી વાતો ફેલાવવામાં સ્ત્રી જેટલી જવાબદાર છે, એટલા કદાચ પુરુષો નથી.
જે સ્ત્રીઓ આત્મસન્માન અને આત્મગૌરવ જેવા શબ્દો વાપરે છે, એમને અહંકાર અને ગૌરવ વચ્ચેની પાતળી ભેદરેખાની ખબર છે ખરી ? નાની-નાની વાતમાં ઈગો પ્રોબ્લેમ કરવા, પતિ કે પિતાની સામે તોછડાઈથી વાત કરવી, કોઈની પરવાહ કર્યા વગર ધાર્યું કરવું કે ખરાબ ભાષા, અપશબ્દો બોલવા એ આત્મગૌરવ નથી… સામેની વ્યક્તિનું સન્માન કરી શકે, એને જ સન્માન માગવાનો અધિકાર મળે છે. જે પોતાના સિવાયની વ્યક્તિના ગૌરવને હાની ન પહોંચાડે એને પોતાનું ગૌરવ જાળવવા પ્રયત્ન કરવો પડતો નથી.
આવતીકાલનો દિવસ સાચું પૂછો તો આપણા આત્મગૌરવને માંજીને ઉજળું કરવાનો દિવસ છે. સ્ત્રી હોવું એ આપણી પસંદગી નહોતી, સ્વીકાર્યું ! પરંતુ, સ્ત્રી તરીકે કેવી રીતે જીવવું એ તો આપણા સિવાય કોણ નક્કી કરે ? વુમન્સ ડેના દિવસે આપણે નક્કી કરીએ કે હવે સ્ત્રી તરીકેના જેટલા વર્ષો બચ્યા છે એટલા વર્ષ આપણા આત્મસન્માન અને આત્મગૌરવ સાથે જીવીએ.
“વુમનહૂડ સેલિબ્રેટ કરવું જોઈએ…” આવું આપણે ઘણીવાર ઘણી જગ્યાએ સાંભળ્યું કે વાંચ્યું હશે. આ વુમનહૂડનું સેલિબ્રેશન એટલે શું ? સ્ત્રી હોવાનો ઉત્સવ ? કેવી રીતે ઉજવી શકાય આ ઉત્સવ ?