-સિતાંશુ યશશ્ચંદની એક કવિતા,
મૌન સરોવર છલક્યાં ચોગમ પાળ શબ્દની તૂટી.
એવાં રેલાયાં પાણી કે પડ્યાં ચઢાણો ખોટ્ટાં,
ડૂબેલા વસવાટોમાં ઊભાં ઘર છુટ્ટાં છુટ્ટાં.
પગલી ને પથ તણા પ્રણયની અફવાઓ પણ ખૂટી.
રહ્યાસહ્યા શબ્દોનો પૂરો આંકી લિપિનો વણાંક,
ભીની સહી પર ધૂળ જરા ભભરાવું,
ત્યાં તો ક્યાંક રણો ભરી વિખરાતી રેતી,
મનના મૂળ સમયની શીશી આખર ફૂટી.
આપણા દેશમાં પુરુષની આંખમાં આંસુ-બહુ સામાન્ય દૃશ્ય નથી!
સાથે જ, સ્ત્રીનાં આંસુને બહુ સીરિયસલી લેવામાં આવતાં નથી!
રડવું, માનસિક સ્વાસ્થ્ય માટે એક એવી જરૂરિયાત છે જેનાથી હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ
સહિત અસ્થમા અને ત્વચાના રોગો પણ દૂર રહે છે. મેડિકલ સાયન્સ કહે છે કે, આપણા મોટાભાગના રોગ
સાયકોસોમેટિક એટલે મનોશારીરિક છે. સ્ટ્રેસ અને લાઈફ સ્ટાઈલ ડિસીઝ-જીવનશૈલીના રોગોને કારણે આપણી
આસપાસ સમસ્યાઓ વધી રહી છે. નાની ઉંમરે હાર્ટ એટેક હવે જાણે સામાન્ય થઈ ગયો છે.
આવા સમયમાં જે લોકો પોતાના પર હસી શકે, અને સરળતાથી રડી શકે એ સૌનું સ્ટ્રેસ ઘટે છે. નાના
બાળકો સહજ રહી શકે છે કારણ કે, એ રડતા પહેલાં કે હસી પડતા પહેલાં વિચારતા નથી. આપણે જેમ મોટા
થતા જઈએ એમ આપણું હાસ્ય ગણતરીથી અને રૂદન રૂંધાઈને આવે છે. મોટાભાગના પુરુષોને લાગે છે કે, રડવું
અથવા આંસુ એ નબળાઈ છે. પરંતુ આંસુએ હૃદયના ભારને કે મનની મલીનતાને ધોવાનો એક એવો સરળ ઉપાય
છે જેનાથી માત્ર આંખો જ નહીં, દૃષ્ટિ પણ સ્વચ્છ થાય છે. જે લોકો સરળતાથી રડી શકે છે એમનામાં અહંકાર કે
ઈગોનું પ્રમાણ ઓછું છે એવું પણ માનસશાસ્ત્રીઓ માને છે.
આપણે સૌ બીજા પર હસીએ છીએ. અન્યની મજાક કે અપમાન આપણે માટે લાફિંગ સ્ટોક-હસવાનું
કારણ બને છે, પરંતુ ભૂલો કે મૂર્ખામી તો આપણી પણ ઓછી નથી હોતી. આપણી ભૂલ પર હસી શકાય તો
પસ્તાવાનો વારો ન આવે, કદાચ! બીજાને હસવાની તક આપવા કરતા પોતે જ હસી નાખવું વધુ સરળ નથી?
એવી જ રીતે, મોટાભાગના લોકોને અન્યનું દુઃખ નથી સમજાતું. પોતાના દુઃખમાં તો સૌ રડે, અન્યની પીડા
જોઈને આંખમાં આંસુ આવે તો માનવું કે આપણી ભીતર હજી માણસાઈ શ્વાસ લઈ રહી છે.
આપણે સૌ બીજા પર હસીએ છીએ. અન્યની મજાક કે અપમાન આપણે માટે લાફિંગ સ્ટોક-હસવાનું
કારણ બને છે, પરંતુ ભૂલો કે મૂર્ખામી તો આપણી પણ ઓછી નથી હોતી. આપણી ભૂલ પર હસી શકાય તો
પસ્તાવાનો વારો ન આવે, કદાચ! બીજાને હસવાની તક આપવા કરતા પોતે જ હસી નાખવું વધુ સરળ નથી?
એવી જ રીતે, મોટાભાગના લોકોને અન્યનું દુઃખ નથી સમજાતું. પોતાના દુઃખમાં તો સૌ રડે, અન્યની પીડા
જોઈને આંખમાં આંસુ આવે તો માનવું કે આપણી ભીતર હજી માણસાઈ શ્વાસ લઈ રહી છે.
સત્ય તો એ છે કે, વ્યક્તિ તરીકે નિર્દંભ અને સ્વચ્છ રહેવાનો સહેલો ઉપાય એ છે કે, સુખને આનંદથી
ઉજવવું, દુઃખને પી જવું. સફળતા અને નિષ્ફળતામાં-હાર અને જીતમાં એક જ માનસિકતા રાખવાનો પ્રયાસ
કરવો કારણ કે, કશુંય ટકવાનું નથી એ સત્ય છે. આ સરળ નથી, પરંતુ અશક્ય પણ નથી જ.
માણસ છીએ, જિંદગી પાસેથી, ઈશ્વર પાસેથી, સંબંધો-સ્નેહીજન કે સ્વજન પાસેથી અપેક્ષા હોય એ
સ્વાભાવિક છે. કોઈ એમ કહે કે, ‘મને કોઈ અપેક્ષા નથી’ તો એ સાચે જ સંત છે અથવા પોતાની જાતને કે અન્યને
છેતરે છે! આશા જીવવાનું કારણ છે. આવતીકાલમાં જેને શ્રધ્ધા નથી એ માણસ તો આજે જ નિરાશ થઈ
જવાનો છે. સૂરજ ડૂબે ત્યારે આપણે કોઈ દિવસ એવી શંકા કરતા નથી કે કાલે સવારે સૂરજ ઉગશે કે નહીં ઉગે.
અર્થ એ થયો કે, આપણને સૂરજ ઉગશે એવી આશા છે, અને એ આશા જ આપણને રાત્રે આંખો મીંચીને નિરાંતે
સૂઈ જવાની સગવડ, સુખ અને શાંતિ આપે છે.
ક્યારેક એવું બને કે આપણને જ્યારે જોઈએ અને જે જોઈએ તે ન મળે. આ તો કુદરતની અને પ્રકૃતિની
એકમેક સાથેની ગોઠવેલી ભવ્ય ડિઝાઈન છે. આપણે એનો બહુ નાનો હિસ્સો છીએ-બલ્કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ
હિસ્સો. ફૂલ ખીલે છે, ખરી જાય છે, પાંદડાં ખરી જાય છે, નવા ઉગે છે, ઋતુચક્ર બદલાય છે, માણસ મૃત્યુ પામે
છે અને નવા બાળકનો જન્મ થાય છે. આ બધું કોઈ વિશાળ ડિઝાઈનનો ભાગ જ છે. ક્યારેય એવું માનવું નહીં
કે, આપણી આશા ફળીભૂત ન થઈ કે આપણા પ્રયત્નને ધારેલો પ્રતિસાદ ન મળ્યો માટે બધું અહીં પૂરું થઈ ગયું.
કદાચ, ધારેલા સમયે ધાર્યું ન મળે તો માનવું કે આપણા માટે યોગ્ય સમયે, યોગ્ય પરિણામ પ્રતીક્ષા કરતું જ હશે!
ક્યારેક આપણને ઉતાવળ હોય છે, કશુંક મેળવી લેવાની, ક્યાંક પહોંચી જવાની કે સંબંધને નામ આપીને
વ્યક્તિને બાંધી લેવાની, પરંતુ એટલું નક્કી છે કે ઈશ્વરમાં શ્રધ્ધા હોય તો આપણે એ શ્રધ્ધાના આધારે પ્રયત્ન
કરીને છોડી દેવું જોઈએ. જે ફળ જ્યારે મળવાનું હશે ત્યારે ચોક્કસ મળશે જ એવો જેને દૃઢ વિશ્વાસ છે એના
જીવનમાં નિરાશા ક્યારેય આવતી નથી. હા, માણસ છીએ, પળવાર માટે કદાચ અટકી ગયાની, ફસાઈ ગયાની,
છેતરાયાની કે હારી ગયાની લાગણી થાય… પરંતુ, એ થોડીક ક્ષણો માટે જ હોય છે. આગળ વધવાનો રસ્તો
હંમેશાં ખુલ્લો જ હોય છે. કદાચ, કોઈક દરવાજો બંધ લાગે તો એને હળવા હાથે ધક્કો મારી જોવો એ જ સાચી
શ્રધ્ધા છે. બધા દરવાજા ક્યારેય બંધ ન કરે, એનું જ નામ ઈશ્વર. સંપૂર્ણ નિરાશા કે અંતિમ નિષ્ફળતા જેવો કોઈ
શબ્દ ક્યારેય હોતો જ નથી. દરેક અંત એક શરૂઆત હોય છે. બસ, મનમાં આશાની જ્યોતિ ટમટમતી રહેવી
જોઈએ.