1947માં સ્વતંત્રતા પછી ભારત અને પાકિસ્તાને કાશ્મીર માટે યુધ્ધ કર્યું. પહેલાં તો એ સાદો
સંઘર્ષ હતો, યુધ્ધમાં પરિવર્તિત થઈ જશે એવી કોઈને કલ્પના પણ નહોતી. જમ્મુ અને કાશ્મીરના
મહારાજા હરિસિંહના મુસ્લિમ સૈનિકોએ બળવો કર્યો, એ લોકો કાશ્મીરને પાકિસ્તાનમાં લઈ જવા
માગતા હતા. એમની જ મદદથી પાકિસ્તાનના કબાયલી જાતિના લડવૈયાઓએ રાજ્યની સીમા પાર
કરી, જે સૈનિકો પાકિસ્તાનમાં ભળવા માગતા હતા એ લોકોએ યુધ્ધ કર્યું અને લૂંટ પણ કરી. પહેલાં
ભારતમાં ભળવા તૈયાર નહોતા, પરંતુ અંતે મહારાજા હરિસિંહે ભારત પાસે મદદ માગી. સરદાર પટેલે
કહ્યું કે, આ મદદ ત્યારે જ મળશે જ્યારે અખંડ ભારત સાથે વિલયના કાગળ ઉપર સહી કરશે.
હરિસિંહે સહી કરી તો ખરી, પરંતુ એ નાનકડો બળવો કે સંઘર્ષ, યુધ્ધમાં પરિવર્તિત થઈ ગયો. પુશ્તો
આદિવાસી ટુકડીઓએ રાજ્યની સીમા પાર કરી અને ટિથવાલ સહિત કેટલાય ગામો પર કબજો કરી
લીધો. કુપવાડા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર આવેલું આ ગામ ભારત માટે મહત્વપૂર્ણ થાણું હતું.
23મી મેએ ભારતીય સેનાએ ટિથવાલ પર કબજો તો કર્યો, પરંતુ પાકિસ્તાની હુમલા ખાળતું
ભારતીય સૈન્ય થાકી ગયું હતું. ભારતના 1,104 સૈનિકો મૃત્યુ પામ્યા અને 3,154 ઘાયલ થયા. 6
હજાર પાકિસ્તાની મૃત્યુ પામ્યા અને 14 હજાર ઘાયલ થયા. ભારતને કાશ્મીરનો બે તૃંતીયાંશ ભાગ
મળ્યો. જ્યારે પાકિસ્તાને એક તૃંતીયાંશ ભાગ પચાવી પાડ્યો. ભારત વિજયી ચોક્કસ થયું, પરંતુ એ
વિજય મોંઘો પડ્યો. ખૂબ લૂંટફાટ અને જાનમાલનું નુકસાન થયું. સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં
આવ્યા, પરંતુ અંતે ભારતીય સેનાએ પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી…
એ યુધ્ધમાં જેમને સન્માનિત કરવામાં આવ્યા એમાંના પહેલાં જીવિત ભારતીય સૈનિક,
જેમને પરમવીર ચક્ર પ્રાપ્ત થયું એ લાન્સનાયક કરમસિંહ (પછીથી સુબેદાર અને કેપ્ટન સુધી
પહોંચ્યા)નો આજે જન્મદિવસ છે. 15 સપ્ટેમ્બર, 1941ના દિવસે એ શિખ રેજિમેન્ટની પહેલી
બટાલિયનમાં પ્રવેશ્યા. બર્માની લડાઈ દરમિયાન એમને મિલિટ્રી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા,
પરંતુ એમણે એ મેડલ પોતાના સાથી સૈનિકોને સમર્પિત કરી દીધું.
ટિથવાલની લડાઈ દરમિયાન 13મી ઓક્ટોબરે પાકિસ્તાની સૈનિકોએ ભયાનક હુમલો કર્યો.
અનેક લોકો માર્યા ગયા અને લાન્સનાયક કરમસિંહ જે ટુકડીના લીડર હતા એમાં સહુ ઘાયલ થયા.
એમણે પોતાના એક પણ સૈનિકની લાશ કે ઘાયલ સૈનિકને પાછળ છોડ્યા વગર બે ઘાયલ સૈનિકો
સાથે પાછા ફરવાનું સાહસ બતાવ્યું. પાકિસ્તાને એ રાત્રે પાંચ હુમલા કર્યા. લાન્સનાયક ઘાયલ હતા,
ખસી શકે એમ નહોતા, પરંતુ જ્યારે બે પાકિસ્તાની સૈનિક એમની નજીક આવ્યા ત્યારે એમણે
પોતાના બેનટથી એમને મારી નાખ્યા અને છેલ્લા બે સૈનિકો પણ મૃત્યુ પામ્યા… એમને પરમવીર
ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા, જીવિત હોય અને છતાં પરમવીર ચક્ર મળે એવા એ પહેલાં સૈનિક
હતા!
આપણે આપણા સંતાનોને પિનોકિયો અને સિન્ડ્રેલાની કથા તો સંભળાવીએ છીએ, પરંતુ
આવા વીર અને બહાદુર લોકોની કથાઓ આપણા સંતાનો સુધી પહોંચતી નથી, કારણ કે આપણે જ
જાણતા નથી! ભારતના આવા પનોતા સપૂત, જે આપણી સરહદોને સાચવે છે-જેમને કારણે આજે
આપણે આપણા ઘરોમાં નિરાંતે ઊંઘી શકીએ છીએ એમની કથાઓ ખરેખર તો ઘેર ઘેર પહોંચવી
જોઈએ અને પેઢી દર પેઢી કહેવાવી જોઈએ.
ગુજરાતીઓ આમ પણ વ્યાપારી પ્રજા છે. પૈસા કમાઈ શકે, દુનિયાના કોઈપણ દેશમાં
આપણને વ્યાપાર કરતો ગુજરાતી ચોક્કસ મળે, પરંતુ દેશના સૈન્યમાં ગુજરાતીઓની સંખ્યા ખૂબ
ઓછી છે, એટલું જ નહીં સ્પોર્ટ્સમાં કે બીજી સાહસિક પ્રવૃત્તિઓમાં ગુજરાતી પાછળ છે એ વાત
આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગુજરાતીઓ સૌથી વધુ પ્રવાસ કરે છે, દુનિયાનો એકેય દેશ બાકી
નહીં હોય જ્યાં ગુજરાતીઓએ પ્રવાસ ન કર્યો હોય! બિઝનેસ ક્લાસમાં સૌથી વધુ ગુજરાતી જોવા
મળે. દાન કરવામાં પણ ગુજરાતીઓ અને ખાસ કરીને જૈન શ્રેષ્ઠીઓનું નામ આગળ પડતું જોવા
મળે, પરંતુ સાહસ કે યુધ્ધની વાત આવે ત્યારે ગુજરાતી પ્રજા જાણે-અજાણે થોડી નબળી લાગે.
આનું કારણ એ નથી, કે પ્રજામાં ખમીર નથી, ખુદ્દારી નથી કે યુધ્ધ કરવાની તાકાત નથી…
આનું કારણ એ છે કે, ગુજરાતી માતા-પિતાએ પોતાના બાળકોને બિનજરૂરી લાડ કરીને પાંગળા અને
પોમલા કરી નાખ્યા હતા. આખી બબ્બે પેઢી સુધી જ્યારે કારકિર્દી પસંદ કરવાનો વારો આવતો ત્યારે
ગુજરાતી છોકરો ભાગ્યે જ આર્મી, નેવી કે એરફોર્સનો વિચાર કરતો. હજી પોલીસમાં જઈ શકાય,
પરંતુ સરહદ પર જવા માટે ગુજરાતી માતા-પિતા પોતાના સંતાનને રજા ન જ આપે એવો ટ્રેન્ડ
ખાસ્સા લાંબા સમય સુધી ગુજરાતી પરિવારોમાં પ્રવર્તતો રહ્યો. સોમનાથ શર્માથી શરૂ કરીને વિક્રમ
બત્રા સુધી 21 સૈનિકોને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે, એમાં એકેય ગુજરાતી નથી!
જોકે, સ્વતંત્રતાની લડાઈમાં ગુજરાતી યુવાનોએ પોતાનો સિંહફાળો નોંધાવ્યો છે. સાબરમતી
આશ્રમથી નીકળેલી દાંડી યાત્રા હોય કે ગાંધીજીની હાકલ પર પિકેટિંગ કરતી ગુજરાતી મહિલાઓ,
વિદેશી કપડાંની હોળી કરતી વખતે લાઠીચાર્જમાં ટીપાયેલા ગુજરાતી યુવાનોની સંખ્યા ખૂબ મોટી
હતી. એ પછી આઝાદી મળી, છેલ્લા 75 વર્ષથી સેનામાં ગુજરાતીઓની સંખ્યા ઓછામાં ઓછી
રહી છે. જુલાઈ 2019 સુધીમાં, ગુજરાતના માત્ર 2% અરજદારોને સૈન્ય માટે પસંદ કરવામાં
આવ્યા હતા, જે દેશમાં સૌથી ઓછી સંખ્યામાંની એક છે. 2015 અને 2018 ની વચ્ચે,
ગુજરાતમાંથી માત્ર 3,199 સૈનિકોની ભરતી કરવામાં આવી હતી, અને તાજેતરની ભરતી ઝુંબેશમાં,
અરજદારોની થોડી ટકાવારી સ્વીકારવામાં આવી હતી.
ગુજરાતી માતા-પિતાએ પોતાના સંતાનોને કરમસિંહ, શૈતાનસિંહ, સોમનાથ શર્મા અને
વિક્રમ બત્રાની કથાઓ કહેવી જોઈએ. પોતાના સંતાનોને ગેજેટ્સ, ગાડીઓ અને બ્રાન્ડ્સની બહાર
કાઢીને આ દેશના ઈતિહાસ અને એના ગૌરવ સાથે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ, કોને ખબર-કાલે
પરમવીર ચક્રના વિજેતાઓમાં એકાદ ગુજરાતીનું નામ પણ ઉમેરાઈ જાય!