યે કહાં આ ગયે હમ, યૂં હી બદહવાસ ચલતે…

શામળાજી જતાં રસ્તા ઉપરનું એક ટોલબૂથ… એક વૈભવી કારમાં બેઠેલા વ્યક્તિ પોતાનું બીજા
સ્ટેટની પોલીસનું આઈડી કાર્ડ બતાવીને ટોલ નહીં ચૂકવવાની પેરવી કરતા રહ્યા, પાછળ ગાડીઓની
લાઈન લાગી ગઈ. હોર્ન પર હોર્ન વાગવા લાગ્યા, પરંતુ એ ભાઈને કોઈ અસર નહીં! ટોલબૂથનો સંચાલક
એને વારંવાર સમજાવતો રહ્યો કે, આવા આઈડી કાર્ડથી ટોલમાં માફી ન મળે, પરંતુ એ ભાઈ તો પૈસા
નહીં ચૂકવવા માટે કટિબધ્ધ હતા. અંતે બીજી ગાડીઓમાંથી ઉતરેલા લોકોએ ઝઘડો કરીને એમને પૈસા
ચૂકવવાની ફરજ પાડી અને ટ્રાફિક આગળ વધ્યો!

હો ચી મિન્હ (સાઈગોન)નું એરપોર્ટ. એક ગુજરાતી મહિલા પ્રવાસી પોતાની વધુ વજન ધરાવતી
બેગની સાથે નાની મોટી પ્લાસ્ટિકની કોથળીઓ લઈને બોર્ડિંગ કરવા તરફ આગળ વધ્યાં. ગ્રાઉન્ડ
સ્ટાફના એક છોકરાએ એમને રોકીને ચાર-પાંચ પ્લાસ્ટિકની થેલીઓ લઈ જવાની ના પાડી. એ
થેલીઓનું વજન કર્યું ત્યારે ખબર પડી કે, ‘કેરિ ઓન લગેજ’નું કુલ વજન સાત કિલો થવું જોઈએ એને
બદલે એમને ઓલરેડી નવ કિલોની બેગ લઈ જવાની છૂટ આપ્યા પછી પ્લાસ્ટિકની કોથળીઓમાં એમણે
11 કિલો વજન ભર્યું હતું. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એમણે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝઘડો કર્યો,
એલફેલ બોલ્યાં એટલું જ નહીં, અંતે પૈસા ભરવા પડ્યા ત્યારે અફસોસને બદલે એમણે કહ્યું, ‘અમે
તમારા દેશને આ પૈસા દાન કરીએ છીએ.’

ગુજરાતના એક મોટા શહેરની મોટી ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલ. શાળાના નિયમો પ્રમાણે
સ્કૂલમાં સેલફોન ન લઈ જવાય, તેમ છતાં એક સિનિયર અધિકારીનો દીકરો (ઉંમર 14) ફોન લઈ ગયો
એટલું જ નહીં, એણે ગર્લ્સ બાથરૂમમાં છુપાઈને છોકરીઓની વાતો રેકોર્ડ કરી. ક્લાસમાં બેઠેલી
છોકરીઓના ફોટા પાડ્યા… માતા-પિતાને શાળામાં બોલાવવામાં આવ્યા ત્યારે દીકરાનો ગુનો સ્વીકારીને
માફી માગવાને બદલે માતા-પિતાએ પોતાની ઓળખાણ અને પહોંચની ધોંસ બતાવી, પ્રિન્સિપાલને
ડરાવવાનો પ્રયત્ન કર્યો.

આ કિસ્સાઓ સાચા છે અને આ કિસ્સાઓ આપણી એવી માનસિકતાને છતી કરે છે જેમાં
આપણે ન પકડાઈએ તો બહુ ‘બહાદુર’ કે ‘હોંશિયાર’ની શાબાશી જાતને જ આપીએ, ને જો પકડાઈ ગયા
તો સામેની વ્યક્તિને ડરાવી-ધમકાવીને એ જ ગુનેગાર હોય એવું વર્તન કરીને છૂટી જવાથી આપણે વધુ
હોંશિયાર કે ચાલાક પૂરવાર થઈએ. આ કયા પ્રકારની માનસિકતા છે? ગુનો કરીને કે ખોટું કરીને, કાયદો
તોડીને કે કોઈને છેતરીને આપણે ખરેખર હોંશિયાર કે ચાલાક પૂરવાર થઈએ છીએ? જે લોકો કાયદા પાળે
છે, સાચું બોલે છે, નિયમમાં રહીને જીવે છે એ બધા વેવલા, ડરપોક અને વાયડા છે?

દરેક ટોલબૂથ ઉપર મોટું બોર્ડ મારેલું હોય છે જેમાં કોને કોને ટોલથી મુક્તિ આપવામાં આવી છે
એની વિગતો લખેલી છે. એરલાઈનની ટિકિટમાં કેટલું વજન અલાઉટ છે એ લખીને જ આપે છે.
શાળાના એડમિશન ફોર્મની પાછળ એનેક્ક્ષરમાં શાળાની નિયમાવલિ દરેક વાલીને આપવામાં આવે છે.
આ બધા પછી ખોટું કરવાની ગુનેગાર માનસિકતાની સાથે સાથે ખોટાને સાચું સાબિત કરવાનો અહંકાર
ભળે ત્યારે માણસ અજાણતાં જ કે પછી જાણીને એવું માની લે છે કે એને ખોટું કરવાનો અધિકાર છે.
આપણે બધા ધીરે ધીરે બીજા તરફ આંગળી ચીંધતા થઈ ગયા છે. કોઈએ આવું કર્યું હોય એના કિસ્સાની
ચર્ચા કરવી આપણને ગમે છે, પરંતુ જ્યારે આપણે આપણા વિશે કહેતા હોઈએ ત્યારે આવો જ કોઈ
કિસ્સો આપણી ચાલાકી કે આવડતનો નમૂનો બની જાય છે, એ કેવું બેવડું ધોરણ છે! આ જ અધિકારી
પાસે જો કોઈ બીજા વિદ્યાર્થીની ફરિયાદ આવી હોત તો એમણે એક્શન લેવાનો આગ્રહ રાખ્યો હોત,
કદાચ… પરંતુ, એમનો દીકરો હતો એટલે એ ખોટો નથી! આ સમાજ હવે ખોટા જ ઉદાહરણોને ‘સાચા’
માનીને ચાલવા લાગ્યો છે, એટલે હવે જે દિશા પકડાઈ છે એમાં આખો સમાજ ખોટી તરફ જઈ રહ્યો
છે. કોણ, કોને રોકે? અને, જે રોકે તેનું કોણ માનશે?

લાંચ, ભ્રષ્ટાચાર, વ્યાભિચારથી શરૂ કરીને નાનામાં નાની બાબતમાં આપણે આપણા મૂલ્યો અને
નિષ્ઠા વિશે આંખો મીંચીને જીવવાનું શરૂ કર્યું છે. સંતાનની ભૂલ જ્યારે માતા-પિતા છાવરે ત્યારે સંતાનને
ભવિષ્યમાં પણ ખોટું કરવાનો ડર રહેતો નથી. પકડાયા છતાં પોતે કશું ખોટું કર્યું જ નથી એવી કમ્ફર્ટ અને
આત્મવિશ્વાસ સાથે કોઈ ‘જીતી જાય’ ત્યારે સામાન્ય માણસ એવું જ કરવા પ્રેરાય છે. આપણે આપણી
આવનારી પેઢીને ખોટું બોલવા, ખોટું કરવા, કાયદા તોડવા અને ભ્રષ્ટાચાર કરવાનો એક જુદો જ વારસો
આપી રહ્યા છીએ, જેને વિશે આપણે જરાક પણ સજાગ નથી અથવા તો સજાગ છીએ છતાં એના
પરિણામોની ગંભીરતા વિશે આપણને પરવાહ નથી.

સિનેમા, ટેલિવિઝન અને ઓટીટી સમાજનું દર્પણ છે કે પછી સમાજ એની પાસેથી શીખે છે,
પરંતુ આજના સિનેમા અને ઓટીટીમાં પણ ગુનો કરનાર ‘હીરો’ છે. ‘પુષ્પા’ કે ‘કબીરસિંઘ’ જેવી
ફિલ્મોની સાથે સાથે એલજીબીટીક્યૂની જે વકીલાત કરવામાં આવે છે એનાથી એક આખો સમાજ એવી
રીતે સડી રહ્યો છે જ્યાં હવે સાચું બોલનાર કે મૂલ્યો અને નિષ્ઠાની વાત કરનાર વ્યક્તિ ‘ખોટી’ અને કાયદા
તોડીને ખોટું કરીને, લાંચ આપીને ધાર્યું કરનાર વ્યક્તિ ચાલાક અને સફળ પૂરવાર થઈ રહી છે.

સવાલ એ છે કે, આ જે કંઈ આપણે જોઈ અને અનુભવી રહ્યા છીએ એ વિશે બોલવું કે ચૂપ
રહેવું? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકોએ ‘આપણે શું’ કહીને ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું
છે. બાકી રહેલા મુઠ્ઠીભર લોકો જ્યારે અવાજ ઊઠાવે છે ત્યારે એને ચૂપ કરી દેવા માટે એક ખૂંખાર,
હિંસક, ગુનેગાર ટોળું સોશિયલ મીડિયાથી શરૂ કરીને અંગત અદાવત સુધી પહોંચી જાય છે. પ્રામાણિક
અધિકારીની ટ્રાન્સફર કે ભણવાનો પ્રયત્ન કરનાર દલીત છોકરીનો બળાત્કાર, એકતરફી પ્રેમમાં ખૂન કે વગ
ધરાવતા વ્યક્તિના અત્યાચારથી કંટાળીને કરવામાં આવેલો આપઘાત… આપણને કશાથી, કોઈ ફેર પડતો
નથી?

ગાંધીજીના વાંદરા કહેતા કે, ‘ખરાબ બોલવું, સાંભળવું કે જોવું નહીં’, પણ આજે એ જ
રમકડાંના વાંદરાનો અર્થ થાય છે, ‘કામનું નથી એ જોવું નહીં, લેવાદેવા વગર બોલવું નહીં અને એવી
માહિતી સાંભળવી નહીં જે આપણી જ જિંદગી માટે ખતરનાક બની જાય…’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *