યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?

મારા પતિનો મારી કઝિન સાથે અફેર ચાલે છે. મારી બહેન મારા પતિથી 20 વર્ષ નાની છે. મેં
એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ કહે છે કે, ‘તારામાં રસ નથી તો હું શું કરું?’ આ પત્ર એક
વાચકનો છે. લગભગ ચાર પાનાંના પત્રમાં એમણે પોતાની આપવીતી લખી છે. સગી માસીની દીકરીને
સૌરાષ્ટ્રના નાના ગામમાંથી અમદાવાદ ભણવા લઈ આવ્યા. દીકરીની જેમ ઘરમાં રાખી અને પોતાનાથી
લગભગ બે દાયકા મોટા બનેવી સાથે શારીરિક સંબંધો બાંધીને એણે નિર્લજતાથી બહેનને અપમાનિત
કરી! અહીં સવાલ એ છે કે, વાંક કોનો કાઢીએ? મિડલએજ ક્રાઈસીસમાં યુવાન છોકરી સાથે શારીરિક
સંબંધમાં ઢસડાઈ ગયેલા પુરુષનો? બનેવીના પૈસા, ગાડી, બીજી મટિરિયાલિસ્ટિક વસ્તુઓથી લલચાઈને
આકર્ષાઈ ગયેલી સાળીનો… કે પછી, એક કટુ સત્ય તરીકે વિચારીએ તો સમજાય કે 14 વર્ષની દીકરી અને
11 વર્ષના દીકરાની મા તરીકે જેણે પતિમાં, શરીર સંબંધમાં અને જીવનની કેટલીક બાબતોમાં રસ
ગુમાવી દીધો છે એવી પત્નીને પણ થોડી ઘણી જવાબદાર ગણી શકાય?

ભારતમાં મોટાભાગની સ્ત્રીઓ લગ્નની શરૂઆતના બે વર્ષમાં જ શરીર સંબંધોમાંથી રસ ગૂમાવી
બેસે છે. એકાદ બાળકનો જન્મ થતાં જ એમનું માતૃત્વ એટલું બધું મહત્વનું બની જાય છે કે, પત્નીત્વ
પાછળ ધકેલાઈ જાય છે. સમાજની રચના અને પૈતૃક સમાજ વ્યવસ્થાનો વાંક હશે જ તેમ છતાં, એક
સ્ત્રીએ પોતાના પતિ સાથેના સંબંધોમાં રોમેન્સ, રસ અને સંવાદની સાંકળ કદી તૂટવા ન દેવી જોઈએ.
મોટાભાગના ભારતીય સંયુક્ત કુટુંબોમાં પતિ-પત્ની વચ્ચે ‘શું જમશો?’ અથવા ‘કેટલા વાગ્યે આવશો?’
અથવા ‘ક્યાં જવાનું છે-કેટલા વાગ્યે જવાનું છે?’ જેવા રૂટિન નિરસ સવાલ-જવાબ સિવાય ભાગ્યે જ
કોઈ વાતચીત થાય છે. એથી આગળ વધીને બેડરૂમમાં પણ સવારની થાકેલી પત્ની અને દિવસભરના
કંટાળેલા પતિ વચ્ચે ‘જમી લેવા’ જેવી કોઈ તદ્દન રૂટિન પ્રવૃત્તિની જેમ શરીર સંબંધ બંધાય છે. ફોર પ્લે કે
સંભોગ પછીની થોડીક વાતચીત જેવી કોઈ રસિક પ્રવૃત્તિ એમની વચ્ચે રહેતી નથી. આને માટે માત્ર સ્ત્રી
જવાબદાર છે એવું નથી, પરંતુ સ્ત્રી સ્વભાવે રોમેન્ટિક છે, પ્રકૃતિએ રસિક છે માટે પતિને બાંધી રાખવાનું
કામ જો એ કરે તો લગ્ન સંબંધ વધુ મજબૂત થાય.

બાળપણથી જ દીકરીને ઉછેરતા માતા-પિતા એને રસોઈ, ઘરકામ, ઘરની જવાબદારી જેવી
ચીજો તો શીખવાડે છે, પરંતુ એની રસિકતા, સર્જન શક્તિ કે પતિ સાથેના સંબંધમાં કઈ રીતે તાજગી
જાળવી શકાય એવું કોઈ શિક્ષણ યુવા દીકરીને આપવામાં આવતું નથી. નવાઈની વાત તો એ છે કે, આવી
કોઈપણ વાતને પરિવારમાં ‘અસંસ્કારી’ અથવા ‘અસભ્ય’ વાત તરીકે જોવામાં આવે છે. સેક્સ
એજ્યુકેશન તો દૂર રહ્યું, પરંતુ સાંજે પતિ ઘરે આવે ત્યારે હાથ-પગ ધોઈ કે નાહીને ચોખ્ખા કપડાં પહેરી
તૈયાર થવાની સાદી સમજણ પણ કેટલાંય પરિવારોમાં દીકરીને આપવામાં આવતી નથી. આ બધું કંઈ
‘મોર્ડન વિચારધારા’માં નથી આવતું, કે નથી આ વાત કોઈ બળવાખોર મનોવૃત્તિમાંથી જન્મેલી આધુનિક
ચર્ચા! કેટલાક પરિવારોમાં દીકરીને શીખવાડવામાં આવે છે કે, ‘પુરુષના દિલનો રસ્તો એના પેટમાંથી
પસાર થાય છે.’ માટે એની સ્વાદેન્દ્રિયને તૃપ્ત રાખવી, આજથી સદીઓ પહેલાં રચાયેલા સુભાષિતોમાં
સ્ત્રીને ‘શયનેષુ રંભા…’ થવાનું કહેવાયું છે. અર્થ એ થયો કે માત્ર રસોડામાં જ પારંગત હોય એવી પત્ની
એક સંપૂર્ણ જીવનસંગિની કે સાથીદાર બની શકતી નથી, એથી ઉલ્ટું કદાચ બહુ સારી રસોઈ ન બનાવતી
હોય તો પણ જો પતિ સાથે વાતો કરી શકતી હોય, હસી શકતી હોય, એના વ્યવસાયના ટેન્શનને સમજી
શકતી હોય કે સારી કમ્પેનિયન બની શકતી હોય તો એ લગ્નજીવન વધુ મજબૂત અને આનંદદાયક નીવડે
છે.

આપણા વાચક બહેનનો પત્ર સમજવા જેવો છે. પતિ સવારથી કામે જાય છે. બહેન સંતાનોમાં
વ્યસ્ત થઈ જાય છે. એમની ફરિયાદ એવી છે કે, એમણે પતિની માતાને, પતિના પરિવારને ખૂબ સાચવ્યા
છે અને પતિને એમના વ્યવસાયમાં પૂરો સમય આપવાની સગવડ કરી આપી છે… આપણે એમના
સમર્પણનો ચોક્કસ આદર કરીએ, પરંતુ પુરુષની ભ્રમર વૃત્તિને જ માત્ર દોષ દેવાને બદલે આપણે એ પણ
સમજવું પડશે કે આજનો પુરુષ માત્ર સારું ભોજન, વ્યવસ્થિત ઘર, પરિવાર અને સંતાનોની કાળજીથી
સંતુષ્ટ નથી થતો. એને ઘરમાં કામ કરવાવાળી સ્ત્રી નહીં, એક સમજદાર અને સહભાગી જીવનસંગિની
જોઈએ છે.

બીજી તરફ, યુવાન અને કાચી ઉંમરની છોકરીઓના પુરુષ સાથેના અફેરની કથાઓ આજકાલ
બહુ સાંભળવા મળે છે, જોવા પણ મળે છે! એનું કારણ કદાચ એ છે કે, ટીવી અને સોશિયલ મીડિયા પર
ચાલતી જાહેરાતોએ આ છોકરીઓની ઝંખના અને જરૂરિયાતોને ઉશ્કેરી છે. ઓટીટી ઉપર દેખાડવામાં
આવતા સેક્સના દ્રશ્યોએ એમના મનમાં કુતૂહલ અને સેક્સ માટેની ઈચ્છાને વધુ બળવત્તર બનાવી છે.
સારું-ખોટું સમજ્યા વગર આ છોકરીઓ જે નજીક દેખાય એવા કોઈ પુરુષ સાથે સંબંધમાં ફસાઈ જાય છે
જ્યાં એમને વસ્તુઓ અને શારીરિક સંતોષ બંને મળે છે. મોટાભાગની છોકરીઓ એટલી ચાલાક નથી
હોતી તેમ છતાં, કેટલીક છોકરીઓની દલીલ એવી પણ છે કે, પરણેલો આધેડ પુરુષ ‘સેઈફ’ છે કારણ કે,
આ સંબંધ વિશે જો કોઈને જાણ થાય તો છોકરી કરતાં વધારે પુરુષની બદનામી થાય, એનું પારિવારિક
અને લગ્નજીવન મુશ્કેલીમાં મૂકાય એટલે એ કોઈ દિવસ લગ્ન કરવાની માગણી કે બ્લેકમેઈલ કરવાની
ચેષ્ટા ન કરે…

ન સમજી શકાય એવા આ ગૂંચવણ ભરેલા પ્રશ્નમાં ખરેખર કોણ જવાબદાર? આનો ઉકેલ શું?
આપણે બધાએ બદલાતા સમય સાથે સંબંધોમાં સંવેદનશીલ અને સાવધ રહેવાની જરૂર છે. આપણે
બધાએ આપણી ઝંખનાઓ અને ઈચ્છાઓ પર થોડો કાબૂ મેળવીને આપણા કમિટમેન્ટ અને લગ્નની
પવિત્રતાને થોડું વધુ મહત્વ આપવાનો પ્રયત્ન કરવો જ જોઈએ અને છેલ્લે, કોઈ વ્યક્તિ આપણે માટે કંઈ
કરે, આપણા જીવનને સુધારવાનો-કારકિર્દી માટે મદદરૂપ થવાનો પ્રયાસ કરે તો એના જ જીવનમાં મુશ્કેલી
બનીને અહેસાન ફરામોશ થવાનું તો યોગ્ય નથી જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *