યુવા પેઢીની બેજવાબદારી કે બેઈમાની માટે એ એકલા જ જવાબદાર છે?

છેલ્લા થોડા દિવસથી ‘તથ્ય’નું તથ્ય શોધવામાં મીડિયા વ્યસ્ત છે. એણે અપલોડ કરેલા ગીતો,
આ પહેલાં કરેલા એક્સિડેન્ટ, એના પિતાના ગુનાહિત ઈતિહાસ સાથે જોડાયેલા કેટલાંક પ્રકરણો વિશે
હવે આપણે બધા જાણીએ છીએ, પરંતુ સવાલ એ છે કે, એણે નવ જણાંને ઉડાડ્યા, ત્યાં સુધી
આપણે શેની પ્રતીક્ષા કરી રહ્યા હતા? આ પહેલાં થયેલા બે અકસ્માતો વિશે હવે જાણકારી મળી છે-
તો આ પહેલાં પણ મળી જ હશે ને? એ વિશે કોઈ પગલાં કેમ નથી લેવાયા? બેફામ ગાડી હાંકતો,
બેજવાબદાર અને નવ જણાંના મૃત્યુ પછી દૂર ઊભેલા મિત્રને થમ્સઅપનો ઈશારો કરતો આ છોકરો
ખરેખર જે કંઈ થયું છે એ માટે એકલો જવાબદાર છે?

આપણી સિસ્ટમ, માતા-પિતા, ઉછેર પધ્ધતિ અને સમાજ પણ આવા લોકોને તૈયાર કરી રહ્યો
છે. હવે જે ‘સ્પીડ ડ્રાઈવ’ શરૂ થઈ છે, એ ક્યારની શરૂ થવી જોઈતી હતી એવું નથી લાગતું? મોટર
સાઈકલ અને ગાડીઓની બેફામ સ્પીડ આ જ પહેલાં તંત્ર કે કાયદાની નજરે નથી ચડ્યા, એવું માની
શકાય? આપણે બધા દૂધના ઢોળાયા પછી આંસુ સારનારા માણસો છીએ. એક ‘તથ્ય’ જ શું કામ,
ભયજનક રીતે વાહન ચલાવતી એક આખી પેઢી માટે એમનું વાહન એક ‘નશો’ છે. આ નશો એમને
કોણ કરાવે છે? પહેલાં એ માતા-પિતા જે લાયકાત નહીં ધરાવતા સંતાનોની બધી ઈચ્છા ‘પ્રેમ’ના
નામે પૂરી કરે છે. સંતાનની ભૂલ હોય તો કાયદા કે તંત્રને ‘ખરીદી લેવાની’ ભૂલ આ માતા-પિતા કરે
છે, જેને કારણે સંતાનને ભય રહેતો નથી. એક આખી પેઢી હવે કાયદા તોડવામાં બહાદુરી સમજે છે,
એ પેઢી એમની આ ઉદ્દંડતા માટે ઓછી જવાબદાર છે-એમના માતા-પિતા અને ઉછેર વધુ
જવાબદાર છે.

આપણે બધા આપણા સંતાનોને ‘જે મને નથી મળ્યું તે બધું’ આપીને એવું માની લઈએ છીએ
કે, આપણી જવાબદારી પૂરી થઈ ગઈ છે. આજે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં જ નહીં, બલ્કે
રાજકોટ, સુરત અને મહેસાણા, કલોલ કે દક્ષિણ ગુજરાતના નાના બી-ટાઉન શહેરોમાં, સૌરાષ્ટ્રના
કેટલાક નાના શહેરો કે ગામમાં પણ એવા માતા-પિતા વસે છે જેમણે જીવનભર સંઘર્ષ કરીને આજે
બંગલો, ગાડી અને સંપત્તિ ઊભા કર્યાં છે. એમના સંતાનોને બધું તૈયાર મળ્યું છે-એટલે આ સંતાનોને
‘વસ્તુ’ની કે ‘વ્યક્તિ’ની કિંમત વચ્ચે તફાવત ખબર નથી. આવા માતા-પિતા પોતાના સંઘર્ષનું મૂલ્ય
સંતાનને સમજાવી શક્યા નથી એટલું જ નહીં, એમણે અજાણતાં જ એવો પ્રયાસ કર્યો છે કે એમના
સંતાનને કોઈ દુઃખ, તકલીફ, અભાવ કે સમસ્યા સ્પર્શે જ નહીં!

લગભગ દરેક માતા-પિતાએ રાજા શુધ્ધોદનની જેમ પોતાના ‘સિધ્ધાર્થ’ને જીવનમાં દરેક સુખ
આપવાનો પ્રયત્ન કર્યો છે, અને દુઃખથી દૂર રાખ્યા છે. હવે સમસ્યા એ છે કે આ બાળકો જે દિવસે
સ્વતંત્ર થઈ જાય છે, પુખ્ત થઈ જાય છે એ પછી એમને બીજાના દુઃખનો પણ અહેસાસ થતો નથી.
કોઈનો અભાવ કે મુશ્કેલી એમને સ્પર્શતાં જ નથી કારણ કે, એ પોતાના કાચની બારીમાંથી
એરકન્ડીશન રૂમમાં ઊભા રહીને બહારના ધોમ તાપને ‘સનશાઈન’ કહે છે. આ પેઢી ફાટેલા પેન્ટ
એટલા માટે પહેરે છે કારણ કે, એમની પાસે જરૂરિયાતથી વધુ કપડાં છે. હવે અભાવ એમને માટે
‘ફેશન’ છે. નવાઈની વાત એ છે કે, આમાં માત્ર અમીરો, ગર્ભશ્રીમંત કે પૈસાવાળાના સંતાનો જ છે
એવું નથી, રોજિંદી મજૂરી કરીને જીવતા સાવ ગરીબ કે મધ્યમવર્ગના સંતાનો પણ જરૂરિયાત અને
શોખ વચ્ચેનો તફાવત ભૂલી ગયા છે. મોંઘી વસ્તુઓ ખરીદવા માટે ગુનો કરી બેસે છે. અમીર મિત્રો
રાખવાથી પોતે મોજશોખ કરી શકશે એવું માનીને એ અમીર કે શ્રીમંત મિત્રોની જી-હજૂરી કરતાં આ
મધ્યમવર્ગીય છોકરાંઓ મિત્ર ઓછા અને ચમચા વધારે છે, જેથી પોતાના મિત્રને સાચા ખોટાનો
તફાવત બતાવવાને બદલે એની બધી ખોટી વાતમાં પણ આ છોકરાંઓ હા એ હા કરતા થઈ જાય છે.
આવા મિત્રો બદમિજાજ, બગડેલા વ્યક્તિને એનો ઈગો પંપાળીને વધુ બગાડવાની, વધુ ઉદ્દંડ અને
બેજવાબદાર બનાવવાનું કામ કરે છે.

આવું સંતાન જ્યારે ભૂલ કરે છે ત્યારે માતા-પિતા પોતાની પ્રતિષ્ઠા, અને સંતાન માટેનો પ્રેમ
પૂરવાર કરવા માટે કોઈપણ હદ સુધી જાય છે. પહેલી, બીજી ભૂલ સુધી થોડું ઘણું પણ ડરતું સંતાન
સમય જતાં ભૂલ નહીં-ગુનો કરવા તૈયાર થઈ જાય છે. એ એવું સમજી જાય છે કે, એના માતા-પિતા
એને ‘કોઈપણ ભોગે’ બચાવી લેશે. જેની પાસે પૈસા છે એ લોકો પોતાના સંતાનને એક સારા નાગરિક
બનાવવાને બદલે એક બેજવાબદાર અને બેઈમાન વ્યક્તિ બનાવવામાં પોતાનું ગૌરવ સમજતા થઈ
જાય એ દેશની યુવા પેઢી પાસે આપણે શું અપેક્ષા રાખી શકીએ? તથ્યના પિતાનો ભૂતકાળ ગુનાહિત
છે, હશે! પરંતુ, આપણા દેશમાં એવા માતા-પિતા પણ છે કે જે નામ અને પ્રતિષ્ઠા, સમાજમાં આદર
ધરાવે છે તેમ છતાં એમના બાળકો ગાંજો ફૂંકે છે, શરાબ પીને ગાડી ચલાવે છે અને વારંવાર કાયદો
તોડે છે… આ માતા-પિતા પોતે કદાચ પ્રતિષ્ઠિત નાગરિક છે, પરંતુ એમની બેજવાબદારીએ આ દેશને
વધુ એક બેજવાબદાર અને બેઈમાન યુવાન નાગરિક આપ્યો છે.

પૈસાથી બધું ખરીદી શકાય છે-એવી સમજણ આ બાળકોમાં આપોઆપ નથી આવી, એમના
માતા-પિતાએ ઉછેર કરતી વખતે જ આ ગેરસમજણ એમને આપી છે. તથ્ય કે વિસ્મય, સવાલ
એક્સિડેન્ટ પૂરતો જ નથી… સવાલ છે આજની પેઢી ‘કબીરસિંઘ’, ‘પુષ્પા’ અને ઓટીટી પર જોવા
મળતા ખોટા મેસેજથી એમના આઈડિયલ અથવા હીરો પસંદ કરતા થઈ ગયા છે. અમદાવાદના
કેટલાક રસ્તાઓ ઉપર મોડી રાત્રે જોવા મળતા યુવાનોના ટોળાંઓ જે રીતે ધૂમાડા કાઢે છે કે રસ્તાની
વચ્ચે ગાડી ઊભી રાખીને, બેફામ ગાડી ચલાવીને જે સરકસ કરે છે એને વિશે તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
એક તથ્યએ તંત્રની આંખો તો ખોલી છે, પરંતુ હજી કદાચ મોટાભાગના માતા-પિતાને એ નથી
સમજાયું કે, સંતાનને મોંઘી ગાડી, મોંઘી શાળામાં શિક્ષણ અને વારસામાં સંપત્તિ આપી દેવાથી
‘ઉછેર’ની જવાબદારી પૂરી નથી થતી.

એકાદ તથ્ય પકડાયો, પરંતુ આપણા સમાજમાં ઘેર ઘેર આવી એક આખી બેફામ પેઢી ઉછરી
રહી છે. જો નહીં જાગીએ તો માતા-પિતા તરીકે આપણે દેશને એક એવી સમસ્યા આપી રહ્યા છીએ,
જેનો ઉકેલ આપણી પાસે પણ નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *