છેલ્લા થોડા દિવસમાં જેટલા ભગવાનને યાદ કર્યા છે, એટલા કદાચ આખા વર્ષમાં કોઈએ નહીં કર્યા હોય ! જો નોંધ્યું હોય તો સમજાય કે લગભગ દરેક આરતી કે ચાલિસા જે વેદો પછીથી રચાયા છે તેમાં દેવી-દેવતાને રાજી કરીને એની પાસેથી મનવાંચ્છિત ફળ મેળવવા માટે આ સ્તુતિ કરવાનું કહેવાયું છે. મૂળ યજુર્વેદના કે સામવેદના મંત્રો જેણે વાંચ્યા કે જાણ્યા હશે તેને કદાચ જાણ હશે કે કશું પણ મેળવવા માટે આરાધના કે ઉપાસના કરવાની હોતી નથી. પોતાને માટે, માંગતા પહેલાં આ વિશ્વ માટે માગવું એ આપણા વેદોની પરંપરા રહી છે.
સનાતન ધર્મ આપણને શીખવે છે, સહુનું કલ્યાણ પહેલાં… આત્મકલ્યાણ પછી ! વેદના મંત્રો (ઋચાઓ) માણસને સાચું અને સારું જીવતાં શીખવવા માટે રચાયા હોવા જોઈએ. આપણે જાણતા નથી અથવા ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ ઉચ્ચારાયેલા દરેક શબ્દનું એક મહત્વ છે. એનો નાદ બ્રહ્માંડ સુધી પહોંચે છે એવું વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યું છે ત્યારે જીવનમાં સુખી રહેવા માટે શું કરવું જોઈએ એવું આ મંત્રો શીખવે છે.
ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:,
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति: ।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि ॥
ॐ शान्ति: शान्ति: शान्ति: ॥
આ યજુર્વેદનો શાંતિમંત્ર છે. આપણે ઘણીવાર સાંભળ્યો છે, યાદ રાખવાનો પ્રયાસ નથી કર્યો. ઘણા લોકોને કદાચ મોઢે આવડતો પણ હોય, તો ય એનો પાઠ કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝે છે ! આ શાંતિ મંત્ર ભીતર અને બહારની શાંતિ માટેનો મંત્ર છે. એનો અર્થ છે, શાંતિ કરો, પ્રભુ ! (અહીં પ્રભુ પરમાત્માને પરમ તત્ત્વને કહે છે. એ નિરાકાર અને નિર્ગુણ છે. સ્વરૂપ તો આપણે બનાવ્યા. સત્ય તો એ છે કે આપણો ઈશ્વર આપણા જેવો છે, કારણ કે આપણે બનાવ્યો છે. પ્રસંશાથી રીઝે અને વાત-વાતમાં ખીજે એ પરમાત્મા હોય ?) જળમાં, સ્થળમાં, ગગનમાં, અંતરિક્ષમાં, અગ્નિમાં, પવનમાં, ઔષધિ, વન-ઉપવન અને સકલ વિશ્વના ચેતન-અવચેતનમાં શાંતિ વ્યાપે.
રાષ્ટ્રનિર્માણ, સર્જન, નગર, ગ્રામ, ભવન, જીવમાત્રના તન, મન (અહીં ધન નથી લખ્યું) અને જગતના કણ-કણમાં શાંતિ હો. ભીતર પણ શાંતિ હો. (સ્વયં માટે શાંતિ પણ, અંતે માગી છે.)
એવો જ એક બીજો શ્લોક,
ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
ઓમથી શરૂ થતો દરેક મંત્ર, બ્રહ્માંડને આમંત્રિત કરે છે અથવા બ્રહ્માંડ સાથે કનેક્ટ કરીને કહે છે સહુ સુખી થાય, સહુ માંદગીથી અસ્વસ્થતાથી દૂર રહે (નિરામય રહે. આ માંદગી કે અસ્વસ્થતા માત્ર શારીરિક નહીં બલકે માનસિક માંદગી-ઈર્ષ્યા, ક્રોધ, તિરસ્કાર કે કડવાશ પણ છે જ. નિરામયનો અર્થ છે શુદ્ધ અને સ્વસ્થ) સહુ સારું જ જુએ, શુભનું દર્શન કરે (અહીં ખરાબ એટલે કે બીજામાં રહેલા અવગુણ કે ખોટી બાબતો નહીં જોવાનો રેફરન્સ છે. કૃષ્ણનું “સુ-દર્શન” સમજાય છે ? પહેલી આંગળી બીજા તરફ ચીંધવા માટેની છે, માટે એને તર્જની કહેવાય છે. તર્જની પર જે સુદર્શન પહેરે તેને બીજાના અવગુણો તરફ આંગળી ચીંધતા પહેલાં સુદર્શન સાચવવું પડે) અંતિમ ચરણમાં કહે છે કે, કોઈ દુઃખી ન થાય, કોઈને પીડા ભોગવવી ન પડે. અહીં સ્વયં માટે કશું માગવામાં નથી આવ્યું, પરંતુ આ શરતો સમજવા જેવી છે. જો સહુ સુખી હશે, આનંદિત હશે તો કોઈ અસ્વસ્થ કે માંદું નહીં હોય. (શારીરિક કે માનસિક) જો માંદગી નહીં હોય, તો મન અને મગજ સારું-શુભ જોઈ શકશે. જો આ ત્રણેય વાતો હશે તો કોઈને દુઃખ ન હોય એ સ્વાભાવિક જ છે ને !
આ દિવસોમાં આ બે મંત્રો માનસિક સ્વસ્થતાના મંત્રો છે. ઈશ્વરની આરાધના કરીએ કે નહીં, આ દિવસોમાં શાંતિ અને સ્વસ્થતાની પ્રાર્થના તો કરવી જ પડશે. કોને કરીશું આ પ્રાર્થના ? તહેવાર પ્રમાણે કે જરૂરિયાત પ્રમાણે ઈશ્વર બદલતા લોકોને કદાચ આ વાત ન યે સમજાય, પરંતુ સત્ય એ છે કે સમસ્યા ધર્મ જોઈને આવતી નથી. જગતનો કોઈ રોગ વ્યક્તિના ધર્મ કે જાતિને જોઈને એના શરીરમાં પ્રવેશતો નથી. એવી જ રીતે સુખ પણ, ધર્મ આધારિત નથી, કર્મ આધારિત છે. આ દિવસોમાં ઘણા લોકોએ ઘણું વિચાર્યું હશે. પાછા ફરીને પોતાની જિંદગીના કેટલાક એવા દિવસો પણ વાગોળ્યા હશે, જ્યાં કોઈકે એમને વગર વાંકે પીડા આપી હશે… સાથે જ એવા દિવસો પણ યાદ કરી લેવા જોઈએ જે આપણે કોઈકને પીડા આપી હોય ! સાચા દિલથી અને પૂરી પ્રામાણિકતાથી હિસાબ કરીએ તો સમજાય કે જીવનમાં સુખ અને દુઃખનાં પલડાં મોટેભાગે સરખાં અને બેલેન્સ રહ્યાં છે. લગભગ દરેક વ્યક્તિને મળતું સુખ અને દુઃખ, એણે પોતે કરેલી પસંદગીનું પરિણામ હોય છે. આ પસંદગીને આપણે કંઈ પણ નામ આપી શકીએ, કર્મ કહીએ કે પરિસ્થિતિ, ઈચ્છા કહીએ કે ઈમોશન, મહત્વાકાંક્ષા કહીએ કે મજબૂરી… પાછા ફરીને જોઈએ તો સમજાય કે પસંદગી કરવાની તક સહુને મળી હતી.
આપણે કરેલી પસંદગીનું પરિણામ, પસંદગીની સાથે જ આપણને હેન્ડઓવર કરી દેવામાં આવ્યું હતું. આપણે એ પેકેટ પછીથી ખોલ્યું એટલે આપણને સમજાયું કે પસંદગી ખોટી હતી ! સાચી પસંદગી સાથે, સારું અને શુભ પરિણામ… ખોટી પસંદગી સાથે પીડા અને પ્રશ્નો આપણને મળતા જ હોય છે.