આજે દશેરા ! ફાફડા-જલેબીની હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, દુકાને ઊભા રહીને ફાફડા-જલેબી ખાવાની એક આખી પરંપરા જાણે આજે અધૂરી રહી ગઈ ! રાવણ પણ બાળવામાં નહીં આવે, કેટલાંય વર્ષોથી દિલ્હીમાં ભજવાતી ‘રામલીલા’ પણ આ વર્ષે ભજવાઈ નથી. જાણે કે એક નવા યુગનો પ્રારંભ થયો છે. જેમાં પરંપરાગત રીતે પૂતળાં બાળવાને બદલે ભીતર રહેલા રાવણને ‘સુધારવા’નો પ્રયત્ન થવો જોઈએ, એવો કોઈ સંદેશ કુદરત આપવા માગે છે ! જેમ આ દેશમાં રામ જન્મ્યા હતા, કૃષ્ણ જન્મ્યા હતા એવી જ રીતે આ જ દેશમાં રાવણ અને કંસ પણ જન્મ્યા હતા. શુભ અને અશુભ તત્વો જન્મથી જ જુદા ન પણ હોય… અશુભનું અસ્તિત્વ, દેખાવ કે પ્રભાવ કદાચ શુભથી વધુ બળવાન અને આકર્ષક હોઈ શકે, પરંતુ જ્યારે શુભ પોતાનું અસ્તિત્વ પ્રગટાવે છે ત્યારે એના પ્રકાશ સામે અશુભનો અંધકાર ટકી શકતો નથી એટલું તો આપણે સ્વીકારવું જ રહ્યું.
આજે, દશેરાના દિવસે આપણે અશુભ ઉપર શુભના વિજયની વાત કરીએ છીએ. રામે આજે રાવણનો વધ કર્યો, જગતજનની દેવી ભગવતીએ મહિષાસુરનો વધ કર્યો… ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ઘેર ઘેર કુમારીકાનું પૂજન થાય છે. બંગાળમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઘણો વિશાળ હોય છે. અર્થ એ થાય, કે આપણો દેશ ‘દેવી’ અથવા સ્ત્રીના શક્તિસ્વરૂપને સન્માન આપે છે અને પૂજે છે. બળાત્કારની ઘટનાઓ, ઈવટીઝીંગ, ડોમેસ્ટિક વાયોલન્સ નથી, એમ તો ન કહી શકાય, તેમ છતાં ગુજરાતમાં સ્ત્રીનું સન્માન અને સલામતી ભારતના બીજા રાજ્યોની સરખામણીએ ઘણા વધારે પ્રમાણમાં સચવાયું છે. આપણા મુખ્ય મંત્રીએ આ વર્ષે નવરાત્રિનું પર્વ ઉજવી તેમ નથી, એટલા માટે ત્રણ દિવસની શક્તિવંદનાનો કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્યો. પોતપોતાના ક્ષેત્રની એમ્પાવર્ડ અથવા શક્તિસ્વરૂપ મહિલાઓને આમંત્રિત કરીને એમના સંઘર્ષથી સફળતા સુધીની વાત સાંભળીને એનાથી ગુજરાતની બીજી મહિલાઓને પ્રેરણા મળે એવો આ પ્રયત્ન પ્રશંસાને પાત્ર તો કહી જ શકાય… સ્પોર્ટ્સ, વિજ્ઞાન, સાહિત્ય, કલાજગતમાં ચોક્કસ સ્થાન મેળવનારી આ મહિલાઓને મુખ્યમંત્રીએ સાંભળી, સન્માન આપ્યું અને સાથે જ એમની વાત ગુજરાતના ઘરે ઘર સુધી પહોંચે એ માટે ટેલિવિઝનની સોળ ચેનલ પરથી આ કાર્યક્રમ પ્રસારિત થયો.
પ્રેરણા એટલે શું ? એ સવાલનો જવાબ અઘરો છે. કોણ, કોની પાસેથી પ્રેરણા લઈ શકે ? સામાન્ય રીતે પોતાની જાતને પીડિત, શોષિત, વિક્ટીમ સાબિત કરવાનો પ્રયાસ કરતી સ્ત્રીઓ પ્રેરણા હોઈ શકે, આપી શકે ? આ સવાલનો જવાબ શોધીએ, વિચારીએ તો સમજાય કે મોટાભાગના રાક્ષસોનો વધ કરવા માટે દેવોએ પણ શક્તિની આરાધના કરી છે. શક્તિ પ્રગટ થઈ છે, અને રાક્ષસ-અશુભનો અંત થયો છે. જ્યારે આસૂરી તત્વ અથવા અંધકાર, રાક્ષસ પોતાની મર્યાદા ઓળંગીને સમાજ અથવા જનસામાન્ય માટે સમસ્યા બની જાય છે ત્યારે દરેક વખતે એનો વધ કરવા માટે શક્તિએ અવતાર લીધો છે, આનો સાદો અર્થ એવો કાઢી શકાય કે, સામાન્યતઃ ભદ્રકાલિ કે જગતજનનીનું સ્વરૂપ ધરાવતી મા જ્યારે પોતાના સંતાનોનું રક્ષણ કરવાનો સવાલ આવે ત્યારે ભયાનક સ્વરૂપ ધરી શકે છે. હવેના સમયમાં કદાચ આ સ્વરૂપ ધરવાનો સમય અવારનવાર આવશે, આવવા લાગ્યો છે ત્યારે પ્રત્યેક સ્ત્રીએ ચંડીકા, દુર્ગા, અંબિકા, ભવાની બનવું પડશે. ‘કોઈ આવીને બચાવે’ એવી પ્રતિક્ષા કરવાને બદલે હવે દરેક સ્ત્રીએ પોતાની અંદર રહેલી કાલિના ભયાવહ સ્વરૂપને સતત તૈયાર રાખવું પડશે.
મા દુર્ગા, અંબિકા, ચંડિકા જેવાં સ્વરૂપની ચર્ચા ન કરીએ તો પણ આપણે યાદ રાખવું જોઈએ કે દેવીના હાથમાં રહેલાં દસ આયુધો એમને જુદા જુદા દેવો પાસેથી મળ્યા છે. દરેક પુરુષ ખરાબ છે, સ્ત્રીને પાછળ ધકેલવા કે પીડા આપવા તૈયાર ઊભો છે એવું માનનારી સ્ત્રી કદાચ ઈશ્વરના કે કુદરતના સર્જનને અપમાનિત કરે છે. દેવીને મળેલા દસ આયુધો અથવા દેવોએ આપેલી પોતાની શક્તિ એટલે ખંડ અથવા ખડગ, ગણપતિ પાસેથી, ત્રિશુલ, શિવ પાસેથી, સુદર્શન ચક્ર, વિષ્ણુ પાસેથી, વજ્ર, ઈન્દ્ર પાસેથી, તીર-કામઠું, વાયુ પાસેથી, ભાલો, અગ્નિ પાસેથી, શંખ, વરૂણ પાસેથી, કમળ, બ્રહ્મા પાસેથી, વિશ્વકર્મા પાસેથી પરશુ અને સર્પ, શિવ પાસેથી મળ્યા છે. આજના જમાનામાં જો આ દસ આયુધોનો વિચાર કરવો હોય તો ખંડ અથવા ખડગ રસ્તામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાના કામમાં આવે છે. આ મુખ્ય આયુધમાંનું એક છે. તલવાર જવાબદારી અને રાજ્યધર્મનું પ્રતિક છે. રાજતિલક વખતે રાજાના હાથમાં તલવાર પણ આપવામાં આવે છે. એનું કારણ કદાચ એ છે કે, તલવારની સાથે રક્ષા કરવાની જવાબદારી પણ જોડાયેલી છે.
ત્રિશુલ, એના ત્રણ પાંખિયા સત્વ, રજસ અને તમસને આપણી સામે મૂકે છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનના ત્રણ કાળ કે દિવસ, રાત્રિ અને સંધિ અથવા સંધ્યાના ત્રણ કાળ પણ એની સાથે જોડાયેલા છે. સ્ત્રી શબ્દમાં પણ ત્રણ પાંખિયા છે. આ ત્રણ પાંખિયા પણ સ્ત્રીના સત્વ, રજસ અને તમસને ઉજાગર કરે છે. જરૂર પડ્યે પોતાની કયા પ્રકારની પ્રકૃતિને ખોલવી એ જ સ્ત્રીએ શીખવાનું છે. વજ્ર દ્રઢતા અથવા મજબૂતીનું પ્રતિક છે. આપણે ‘વજ્ર જેવા કઠોર’ વિશેષણનો પ્રયોગ કરીએ છીએ ત્યારે વજ્રની દ્રઢતા પ્રતિપાદીત થાય છે. સ્ત્રીએ વજ્ર જેવા દ્રઢ થવાનું છે. એવી જ રીતે અન્ય એક હાથમાં પકડેલા કમળની કોમળતા પણ સ્ત્રીએ જાળવવાની છે. બ્રહ્મા પાસેથી મળેલું કમળ, આયુધ નથી, પરંતુ સ્ત્રીને એની પ્રકૃતિ યાદ કરાવતી એક એવી શક્તિ છે જે એને કહ્યા કરે છે કે એના ઉપર થતા અત્યાચાર કે અન્યાયના કાદવની વચ્ચે પણ એણે ખીલવાનું છે, પોતાના રંગ અને સુગંધને ખોયા વગર પોતાના અસ્તિત્વને આ જગતના કલ્યાણાર્થે અર્પણ કરવાનું છે.
વાયુ દેવે આપેલા તિર-કામઠા એને પોતાનું નિશાન સાધતાં શીખવે છે. ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ની કહેવત સ્ત્રી માટે સાચી છે. સ્ત્રીને પોતાનું સાચું સ્થાન મળતાં કદાચ હજી થોડાં વધુ વર્ષો લાગશે, પરંતુ પરિસ્થિતિ બદલાઈ છે એ સત્ય પણ નકારી શકાય તેમ નથી. સ્ત્રીએ અર્જુનની જેમ પક્ષીની આંખ પર નિશાન સાધવાનું છે. એણે આસપાસ ચાલી રહેલી ટ્રોલિંગથી શરૂ કરીને ટ્રબલ સુધીનું બધું ભૂલીને પોતાનું નિશાન યાદ રાખવાનું છે. ભાલો, એને અગ્નિ પાસેથી મળ્યો છે. સ્ત્રીનો તાપ દૂર સુધી પહોંચવો જોઈએ. કેટલાક લોકોને એ ફક્ત નજરથી દૂર રાખી શકે, એ એણે શીખવાનું છે. એની નજર ભાલા જેવી હોવી જોઈએ. આરપાર વિંધિ નાખે તેમ છતાં સ્પર્શ કરવાની જરૂર ન પડે એ સ્ત્રીની આવડત હોવી જોઈએ. શંખ, એને વરૂણ, જળ પાસેથી મળ્યો છે. શંખના નાદમાં ‘ઓમ’નો નાદ છે.
ઓમ આદિ સૂર છે, ઓમ મૂળ તત્વ છે. સ્ત્રીએ પોતાના મૂળ તત્વને પોતાનો અવાજ બનાવવાનું છે. એણે કોઈના જેવા નથી બનવાનું, પોતાના જેવા બનવાનું છે ! એનો અવાજ એટલો બુલંદ (મોટો નહીં) હોવો જોઈએ કે સહુને એનો અવાજ સાંભળવાની ફરજ પડે. રાડો પાડવાથી કે બૂમો પાડવાથી સાચી વાત સાબિત નથી થતી. બલ્કે, જેની પાસે સચ્ચાઈ હોય, વજૂદ, મુદ્દો હોય એને બૂમો પાડવાથી જરૂરત જ નથી પડતી ! અને અંતે, શિવના ગળામાં લપેટાયેલો સર્પ દેવીએ પોતાના હાથમાં પકડ્યો છે… જે વિષ એના હાથમાં પકડ્યા છતાં એને ભય કે નુકસાન નથી આપી શકતું, એ વિષ ઉપર સંયમ રાખવાનું પણ સ્ત્રીએ શીખવાનું છે. વિષ જીભમાં કે આંખમાં નહીં, હાથમાં શોભે. પોતે જેને પકડી શકે, કન્ટ્રોલમાં રાખી શકે, સંયમમાં રાખી શકે એવું વિષ ક્યારેક દુશ્મન માટે મૃત્યુ અને આશ્રિત માટે ઔષધ-અમૃત બની શકે.
દેવી સિંહ પર બિરાજે છે… પેટ ભરેલું હોય તો સિંહ નિર્દોષનો શિકાર કરતો નથી, જંગલનો રાજા છે અને સૌથી ગૌરવપૂર્ણ, ગરિમાપૂર્ણ પ્રાણી છે. અર્થ એ થયો કે સ્ત્રીની સવારી સૌથી ગરિમાપૂર્ણ પ્રાણી ઉપર જ હોઈ શકે ? આમ જુઓ તો ‘સિંહની સવારી’ આજની દરેક સ્ત્રી કરે છે. જો ઉતરે તો સિંહ ખાઈ જાય ! જિંદગીની લડાઈ, રોજનો સંઘર્ષ, સંતાનોનો ઉછેર કે પરિવારની કાળજી સિંહની સવારી કરતાં ઓછાં છે ?
આ દસ તત્વો, દરેક સ્ત્રીએ પોતાની અંદર જગાડવાના અને સાચવવાના છે. આ આયુધો તો પ્રતિક છે… દેવીને દસ હાથ છે, કારણ કે એ આપણી કલ્પના છે, પરંતુ આ જગતની દરેક સ્ત્રીને મલ્ટીટાસ્કિંગ માટે ઈશ્વરે નહીં દેખાતા અનેક હાથ આપ્યા છે. આજે, દશેરાના દિવસે વિશ્વની દરેક ‘સ્ત્રી’ને એની ભીતર રહેલા સત્વ, રજસ અને તમસની ઓળખ થાય, એ જરૂર પડે ત્યારે પોતાના યોગ્ય તત્વને, સ્વત્વને બહાર કાઢી શકે એવી શુભેચ્છા.