એક ઉબર ટેક્ષી આવીને ઊભી રહે છે. પ્રૌઢ ઉંમરના એક મહિલા એમાં પોતાની બેગ ગોઠવવાનો પ્રયાસ કરે છે. ટેક્ષીવાળો યુવાન છોકરો આરામથી બેઠો છે. પ્રૌઢ મહિલા એને ઉતરીને બેગ મૂકવામાં મદદ કરવાની વિનંતી કરે છે. ઉબરનો ડ્રાઈવર અત્યંત નફ્ફટાઈથી જવાબ આપે છે, “એ મારું કામ નથી.”
એક જાહેર સમારંભમાં યુવાન છોકરો બૂફે ટેબલ પર ઊભો છે. પારિવારિક વ્યક્તિ તરીકે એનું કામ જમવા આવનાર મહેમાનોને મદદરૂપ થવાનું છે. એક વ્યક્તિ આવીને પૂછે છે, “આમાં કાંદા-લસણ છે ?” છોકરો જવાબ આપે છે, “મને ખબર નથી.” મહેમાન કહે છે, “તમે રસોડામાં પૂછીને મને કહી શકો ?” છોકરો જવાબ આપે છે, “એ મારું કામ નથી.”
એક ઓફિસમાં કામ કરતો કર્મચારી ટેબલ પર બેસીને કામ કરી રહ્યો છે. ઓફિસના મહિલા સી.ઈ.ઓ. આવીને એને વિનંતી કરે છે, “પ્યૂન બહાર ગયો છે, તું જરા ચ્હા લાવી આપીશ ?” એ કર્મચારી તોછડાઈથી બોસની સામે જુએ છે અને કહે છે, “એ મારું કામ નથી.”
એની સામે, અજય દેવગન એક ફિલ્મ શુટ કરી રહ્યા છે. એક પ્રેગનેન્ટ સ્ત્રી શુટિંગ જોવા આવી છે. અજય દેવગનની ચેર છત્રીની નીચે મુકી છે. ખુરશીની પાછળ અજય દેવગન લખેલું છે. તડકામાં ઊભેલી એ મહિલા માટે અજય પોતાના માણસને મોકલીને પોતાની ખુરશી મોકલાવે છે. અમિતાભ બચ્ચન એક દિવસ સ્ટુડિયોમાં વહેલા પહોંચ્યા હતા. બીજા કર્મચારીઓ આવ્યા નહોતા અને માળી પાણી છાંટતો હતો. બચ્ચન સાહેબે એમની પાસેથી પાઈપ લઈને જાતે પાણી છાંટવા માંડ્યું… એક વાર ગુજરાતી લેખક બચ્ચન સાહેબને વાર્તા સંભળાવવા ગયા હતા. રાતના મોડું થઈ ગયું હતું, એટલે માણસો સૂઈ ગયેલા. બચ્ચન સાહેબે જાતે કોફી બનાવીને બંને લેખકોને પીવડાવી… ગાંધીજી જાતે ટોઈલેટ સાફ કરતા, બીમારોની સેવા કરતા. સરદાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસથી રોજ ચાલીને પોતાને ઘેર જતા, રસ્તામાં જેને વાત કરવી હોય એની સાથે વાત કરવા ઊભા રહેતા…
આમાંથી કોઈએ એવું નથી કહ્યું કે, આ મારું કામ નથી !
મજાની વાત એ છે કે માણસ જ્યારે ખરેખર મોટો થઈ જાય છે ત્યારે એને કોઈ કામ નાનું-મોટું નથી લાગતું. બલકે જેને સામાન્ય લોકો ‘નાનું’ કામ ગણે છે, એ કરવામાં પણ સાચે જ સફળ થઈ ગયેલા માણસને કોઈ ઈગો પ્રોબ્લેમ થતો નથી. કારણ કદાચ માણસની સજ્જનતા હોય કે સફળતા…
જે લોકો સફળ નથી એમની ઈર્ષ્યા એમને કામ ઉપર નાના-મોટા લેબલ ચોંટાડવાનું શીખવે છે. સત્ય તો એ છે કે વિશ્વનું કોઈ કામ નાનું હોઈ શકે જ નહીં, જો એ પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો. કામ નાનું-મોટું ત્યારે લાગે છે જ્યારે એ કામ કરવાની ઈચ્છાને બદલે ઈગો મોટો થઈ જાય. માણસ જ્યારે પોતાની જાતને બીજાની સાથે સરખાવવા લાગે ત્યારે એને બીજાની સફળતા, સિદ્ધિ, પ્રસિદ્ધિ કે એની સાથે જોડાયેલી એની પહોંચ અને પૈસા પોતાના કરતા વધારે લાગે છે. જ્યારે બીજા પોતાનાથી મોટા છે, વધુ પૈસા કમાય છે અને એને કારણે મારા પર દાદાગીરી કરે છે એવી લાગણી માણસના મનમાં એક વાર થઈ જાય પછી એ દરેક વાતમાં ઈગો પ્રોબ્લેમ કરતો થઈ જાય છે.
ખરેખર કામ નાનું કે મોટું નથી, પણ જેણે આ ગાડી ભાડે કરી છે એ વ્યક્તિ પોતાને કામ સોંપે છે અને પોતે એ વ્યક્તિ પાસેથી પૈસા લે છે એટલે એણે આ કામ કરવું પડશે, એ વાતને મજબૂરીના વાઘા પહેરાવીને માણસ પોતાના અહંકારને પંપાળે છે. પોતાની પાસે પૈસા હોત તો પોતે પણ આવી રીતે દાદાગીરી કરી શકત, એવો વિચાર કરીને એ સામેના માણસ સાથે સજ્જનતાને બદલે તોછડાઈથી વર્તે છે. એની તોછડાઈ એ એની ગરીબી, મજબૂરી કે તકલીફનું પ્રતિબિંબ નથી, એના અહંકાર અને બેવકૂફીનું પ્રતિક છે.
બીજી એક સમસ્યા એ છે કે પછાત, જૂનવાણી અને જડ માનસ ધરાવતા કેટલાક પુરુષો સ્ત્રીની મદદ કરવી કે એની સાથે સારી રીતે બોલવું, એનું સન્માન કરવું એવું શીખ્યા જ નથી ! એમને લાગે છે કે સ્ત્રી સાથે તો તોછડાઈથી જ વાત કરવી પડે ! એમને માટે એક સ્ત્રી જ્યારે એમને મદદ કરવાની વિનંતી કરે ત્યારે એ વિનંતી નથી હોતી, બલકે એમની નજરમાં એ હુકમ બની જાય છે. સ્ત્રીનો હુકમ ? કેટલાક પુરુષો માટે એ એમના અહંકાર પર સીધી લાત છે. પોતાના કરતા વધુ ભણેલી, ટેલેન્ટેડ, આવડત ધરાવતી, પોપ્યુલર કે સફળ સ્ત્રી કેટલાક પુરુષો માટે યુદ્ધનો પડકાર હોય છે. એનું અપમાન કરવું, એને હરાવવી, નીચી દેખાડવી કે ઉતારી પાડવી એ આવા પુરુષો માટે એમની જીતનું એલાન છે. એ ટેક્ષી ડ્રાઈવર છે, વેઈટર છે કે ફિલ્મ સ્ટાર, અગત્યનું એ નથી કે એ પુરુષ કેટલો સફળ કે કેટલો સંપત્તિવાન છે, અગત્યનું એ છે કે સ્ત્રી સાથેના વર્તન વખતે એ પુરુષ કેટલો સંસ્કારી છે એ વાત પ્રતિબિંબિત થવી જોઈએ.
પુરુષનું પૌરુષ, એક સ્ત્રીનું અપમાન કરવામાં ક્યારેય પ્રગટ થતું નથી. નવાઈની વાત એ છે કે આ વાતની મોટાભાગના પુરુષોને ખબર નથી. ફિલ્મોમાં, ટેલિવિઝન સિરિયલમાં કે વેબ સિરિઝમાં જે પ્રકારના પુરુષો બતાવવામાં આવે છે એની તોછડાઈ કદાચ પરદા ઉપર સારી લાગતી હોય, પરંતુ અંગત જીવનમાં કે સામાજિક જીવનમાં આવું વર્તન અસભ્ય અને અસંસ્કારી કહેવાય છે. ખરેખર જે માણસ સજ્જન હોય, સારો હોય એ કોઈ પ્રૌઢ વ્યક્તિ માટે નીચે ઉતરીને બેગ મૂકી જ આપે. વિમાનમાં કોઈ સ્ત્રી ઉપર બેગ મૂકવાનો પ્રયાસ કરતી હોય તો કંપનીનો સી.ઈ.ઓ. પણ એ બેગ મૂકવામાં એ મહિલાને મદદ કરે જ. એ વખતે સી.ઈ.ઓ. મજૂર નથી બની જતો, બલકે એનું પૌરુષ વધુ નમ્ર અને વધુ સજ્જન દેખાય છે.
સ્ત્રી પુરુષ સમોવડી બનવાનો પ્રયાસ કરે છે, વાત સાચી છે ! કેટલીક સ્ત્રીઓ સિગરેટ પીએ છે, પેન્ટ પહેરે છે, શરાબ પીએ છે… સ્ત્રી દરેક વખતે સાચી જ છે એવું કહેવાનો અહીંયા કોઈ જ આશય નથી. સ્ત્રીઓ ક્યારેક પોતાના સ્ત્રીત્વનો ફાયદો પણ ઉઠાવે છે, એ વાત પણ નકારી શકાય એમ તો નથી જ. સ્ત્રી પણ ક્યારેક ખોટી હોય છે, જુઠ્ઠી હોય છે અને સારા સંસ્કારી પુરુષને બદનામ કરવા માટે પણ કેટલીક સ્ત્રીઓ ખોટી વાત કે વ્યવહાર કરતી હોય છે. આ બધું નકારીએ નહીં તો પણ, સત્ય એ છે કે સદીઓથી પુરુષના મનમાં એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે સ્ત્રી સાથે નમ્રતાથી કે સલૂકાઈથી વર્તવામાં આવશે તો એનું પૌરુષ ઝંખવાશે. એવું હોય ? સત્ય વાત એ છે કે સ્ત્રીનું શારીરિક બળ પુરુષ કરતા ઓછું હોય છે. પ્રૌઢ કે વૃદ્ધ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, એની મદદ કરવી એ યુવાન વ્યક્તિની ફરજ છે. એમાં પૈસા કે પોઝિશન કરતા વધારે ઉછેર અને સંસ્કારનું મહત્ત્વ છે.
ટેક્ષી ડ્રાઈવરને એક પ્રૌઢ મહિલા બેગ ઉંચકવાની વિનંતી કરે છે ત્યારે એમાં પૈસાનો તોર નથી, બલકે એની શારીરિક ક્ષમતા ઓછી છે માટે એ યુવાન ડ્રાઈવરને મદદ કરવાની વિનંતી કરે છે. એક પ્રૌઢ વ્યક્તિ જ્યારે રસોડામાં જઈને પૂછવાની વિનંતી કરે છે ત્યારે એ એટલું ન ચાલી શકે માટે યુવાન છોકરાને કામ સોંપે છે. ઓફિસમાં બેઠેલા મહેમાનની હાજરીમાં સી.ઈ.ઓ. ચ્હા કહેવા ન જઈ શકે, માટે એ કર્મચારીને વિનંતી કરે છે… આવા કેટલાંય કિસ્સા હોઈ શકે જેને સાવ સાદી રીતે સરળતાથી સમજી અને સ્વીકારી શકાય. આપણે એમ કરતા નથી, વાતને ગૂંચવીને, એને તદ્દન જુદા લેવલ પર લઈ જઈને, એને વર્ગવિગ્રહનો, ક્લાસ ડિફરન્સનો, સ્ત્રી-પુરુષનો, ઈગોનો મુદ્દો બનાવીએ છીએ. સત્ય તો એ છે કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, પૈસા, પોઝિશન કે પહોંચને પેલે પાર એક શબ્દ છે, ‘સંસ્કાર’. કોની પાસે કેટલા પૈસા છે, કોણ નોકરી કરે છે ને કોણ માલિક છે, એના પરથી મોટા-નાનાનો નિર્ણય ન થઈ શકે. જે સજ્જન છે, સંસ્કારી છે, બીજાની મદદ કરી શકે છે, કોઈને અપમાનિત નથી કરતા અને ઉંમરનો લીહાઝ કરી શકે છે એ બધા ‘મોટા’ છે અને જે આ નથી કરી શકતા, એનાથી નાનું બીજું કોઈ નથી.