તમે નસીબદાર હો અને ઈશ્વરે તમને તમારી જરૂરિયાતથી વધારે ભોજન આપ્યું હોય તો બીજાને અપમાન ન લાગે એ રીતે એની સાથે ભોજન વહેંચવું, એ માનવધર્મ છે .
થોડા દિવસથી એક પાકિસ્ જાહેરખબર સોશિયલ મીડિયા પર બહુ વાઈરલ થઈ છે. ‘દસ્તક’ નામની ફૂડ પ્રોડક્ટની આ જાહેરખબરમાં ખાવાનું, ફૂડ જે રીતે વેડફાય છે એની વાત બહુ સંવેદનશીલ રીતે કરવામાં આવી છે. એક, ઓફિસનો યુવાન માલિક રોજ જમી લે પછી એનો પટાવાળો આવીને પૂછે છે, ‘ઉઠા લેં?’ યુવાન છોકરાને ખબર જ નથી કે એનું વધલું ખાવા નું રોજ એનો પટાવાળો એની એંઠી પ્લેટમાંથી ખાય છે… એક દિવસ એ જુએ છે ત્યાર પછી પ્લેટ ગંદી ન રહે એવી રીતે અડધી પ્લેટમાંથી જમે છે… જાહેરખબરને અંતે લખ્ છે, ‘શેર યું યોર પ્લેટ’
સાચું પૂછો તો આ જાહેરખબર પાકિસ્તાની હોય કે હિન્દુસ્તાની, વાત બંને દેશો માટે સાચી છે. આ બંને દેશો સાંસ્કૃતિક રીતે કે સામાજિક રીતે જરાય જુદા નથી. એક ભારતમાંથી છૂટા પડેલા આ બંને દેશોની માનસિકતા લગભગ એક જેવી છે. લગ્નો કે જાહેર સમારંભોમાં જે રીતે ભોજન પીરસાય છે અને જે રીતે વેડફાય છે એ કદાચ બંને દેશોમાં સરખું છે. બંને દેશોમાં સરખી ગરીબી અને સરખો ભૂખમરો છે. આપણે પણ આ જાહેરખબર જોઈને આપણા દેશની સામાજિક પરિસ્થિતિને સીધી, આપણા જીવન અને વ્યવહાર સાથે જોડી શકીએ એમ છીએ. આપણે જોયું જ છે કે લોકોને જેટલું ખાવું હોય એના કરતાં વધુ ખાવાનું પોતાની પ્લેટમાં ભરે છે. ફરીથી કાઉન્ટર પર લેવા ન જવું પડે એ આળસથી કે પછી પોતાના જ પેટને પોતાને જ માપ નહીં હોય એ કારણથી, પરંતુ આપણે જ્યારે પાછી મુકાતી પ્લેટ જોઈએ ત્યારે જો સંવેદનશીલ વ્યક્તિ હોઈએ તો જીવ બળ્યા વિના રહેતો નથી.
ગૂગલના આંકડા મુજબ અત્યારે લગભગ એક બિલિયન લોકો ભૂખમરાથી પીડાય છે. એનો અર્થ એવો થયો કે આ પૃથ્વી ઉપર દર છ વ્યક્તિએ એક વ્યક્તિ ભૂખમરાનો ભોગ બને છે. એક અંદાજ મુજબ આ વર્ષમાં 3.6 કરોડ લોકો ભૂખમરાથી મરશે. 1990થી શરૂ કરીને 21મી સદી સુધી આપણે વધુને વધુ માલ ન્યુટ્રિશિયન અને ભૂખમરાનો ભોગ બનવા લાગ્યા છીએ. 2007માં 40 મિલિયન અને 2008માં 75 મિલિયન લોકો ભૂખમરાથી મર્યા હોવાનો અંદાજ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક સરવે મુજબ દર પાંચ સેકન્ડે પાંચ વર્ષથી નાનું એક બાળક ભૂખમરાથી કે દવા વગર મૃત્યુ પામે છે. આપણ યુ ને ખબર પણ નથી કે આખી થાળી ભરીને બે અથવા ત્રણ ટાઈમ જમવા મળે એ ઈશ્વરની અથવા કુદરતની કેટલી મોટી કૃપા છે! આપણે આ અસ્તિત્વનો હિસ્સો છીએ પણ, આપણે જ અસ્તિત્વ છીએ એવું તો નથી… કુદરત અને અસ્તિત્વમાં અસંખ્ય જીવો શ્વાસ લે છે. એ દરેકને પોતપોતાનો હિસ્સો મળવો જોઈએ એવું કુદરત માને છે અને માટે જ એણે ‘જીવો જીવસ્ય ભોજનમ’ નો સિદ્ધાંત સર્જનની સાથે જ મૂકી દીધો છે. નાનો જીવ મોટા જીવનું ભોજન છે, એ કુદરતનો ન્યાય છે અને એનો વિરોધ ન હોઈ શકે, પરંતુ જો કોઈએ વાઈલ્ડ લાઈફ જોઈ હોય, જાણી હોય કે સમજ્યા હોય તો એમને એટલી ચોક્કસ ખબર હશે કે ધરાયેલા પ્રાણીઓ ક્યારેય બીજા જીવનો શિકાર કરતાં નથી. એક માણસ જ એવું પ્રાણી છે કે જેનું પેટ ભરાઈ જાય એ પછી પણ એની ભૂખ ઓછી થતી નથી. આમ જુઓ તો નવાઈ લાગે એવી વાત છે પણ ખરેખર જેને ખાવું છે, ભૂખ છે અને ખાઈ શકે એમ છે એની પાસે ભોજન નથી અને જેની પાસે ભોજનના અંબાર છે. જેને કુદરતે જરૂરથી વધુ સમૃદ્ધિ આપી છે એ સૌને ખાઈ ન શકે એવો કોઈક રોગ કે પરિસ્થિતિ આપી છે. જેને શુદ્ધ ઘી પોષાય એમ છે એ ડાયેટિંગ કરે છે અને જેને ઘી ખાવાની જરૂર છે, જે મહેનતુ જીવન જીવે છે એની પાસે ઘી ખરીદવાના પૈસા નથી. હમણાં થોડા વખત પહેલાં કોઈકે ટુચકો માનીને મોકલેલો એક વ્હોટ્સએપ વાંચી મારી આંખમાં પાણી આવી ગયા, ‘એક માણસને કોન્સ્ટિપેશન થયું હતું. એ ડોક્ટર પાસે ગયો. ત્રણ દિવસ દવા આપવા છતાં પેટ સાફ ન થયું ત્યારે ડોક્ટરે એને પૂછ્, શું કરો છો ? માણસે કહ્યું , મજૂર છું . ડોક્ટરે કહ્યું , પહેલાં કહેવું જોઈએ ને! ડોક્ટરે એને થોડા પૈસા આપ્યા કહ્યું, પહેલાં કંઈ ખરીદીને ખાઈ લે જે તો પેટ સાફ થશે…’
કડવું છે, પરંતુ આ જ સત્ય છે. એશિયામાં ભૂખમરાનો આંક સૌથી ઊંચો છે. સબ સહારન આફ્રિકા (22.7%) કેરેબિયનમાં (17.7%) દક્ષિણ એશિયામાં (14.4%) સાઉથ ઈસ્ટર્ન એશિયા (11.5%) અને પશ્ચિમ એશિયામાં (10.6%) ભૂખમરો નોંધાયો છે. આખી દુનિયામાં 815 મિલિયન લોકો રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. બીજી તરફ, અમેરિકા જેવા દેશો એમનું વધારાનું અનાજ (જે એમના દેશમાં વેચાય નહી કે વાપરી ન શકાય) એને દરિયામાં નાખી દે છે કે જમીનની નીચે દાટી દે છે. વિશ્વના કેટલાય વિકસિત દેશોમાં ફળ અને અનાજ સાથે આવી જ સમસ્યા થાય છે કારણ કે, આ અનાજ અને ફળો બીજા દેશમાં મગાવવામાં કે સ્ટોર કરવામાં જે ખર્ચ થાય છે એ પણ અવિકસિત કે અર્ધવર્ધિકસિત દેશોને પોષાય તેમ હોતો નથી. વિકસિત દેશો હજી થોડાં વર્ષો પહેલાં આ ખર્ચ કરવા તૈયાર નહોતા, પરંતુ હવે આ તમામ પરિસ્થિતિનો સામનો કરવા માટે ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યુટ્રિશિયન ઈન ધ વર્લ્ડની સ્થાપના કરવામાં આવી. 2017ના એમના એક રિપોર્ટ મુજબ 2030 સુધીમાં આ દુનિયામાંથી ભૂખમરો ખતમ કરવાની એમણે ઝુંબેશ ઉપાડી છે. અનેક પ્રકારનું ફંડ રેઝિંગ કરીને, કેટલીક શિપિંગ કંપનીઓ પાસેથી ચેરિટીની વ્યવસ્થા કરાવીને વિકસિત દેશોમાં ફેંકાઈ જતું અનાજ અવિકસિત દેશો સુધી પહોંચે અને ભૂખમરો ટાળી શકાય એવો નિષ્ઠાપૂર્ણપ્રયાસ આ સંસ્થા કરી રહીછે.
1985માં આફ્રિકામાં પડેલા ભયાનક દુકાળ અને ભૂખમરાને મદદ પહોંચાડવા માટે ‘યુએસએ ફોર આફ્રિકા’ની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતે અમેરિકાના જાણીતા બેન્ડ્ઝ અને સિંગર એક મંચ પર એકઠા થયા. સૌએ ભેગા થઈને ‘વી આર ધ વર્લ્ડ, વી આર ધ ચિલ્ડ્રન, વી મેક અ બેટર ડે… જસ્ટ યુ એન્ડ મી’નું ગીત તૈયાર કર્યું. જે માઇકલ જેક્સન અને લાયોનાલ રિચીએ લખ્યું હતું. એ વખતે 63 મિલિયન ડોલર ભેગા કરવામાં આવ્યા. જેમાંથી 90 ટકા આફ્રિકાની મદદે મોકલી દેવામાં આવ્યા. આ ગીતની 20 મિલિયન કોપી વેચાઈ અને આ પ્રયાસને ખૂબ જ પ્રસિદ્ધિ મળી. 1985ની આ એટલી મોટી ઘટના બની ગઈ, જેને આજે પણ લોકો યાદ કરે છે. 100,000,000 ડોલર છેલ્લાં 33 વર્ષમાં એકઠા કરીને આફ્રિકાને મોકલવામાં આવ્યા છે.
ભારતમાં પણ એવા ઘણા લોકો છે, જે આ ભૂખમરાની સામે પોતાનો નાનકડો પણ નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. આખા ગુજરાતના લગભગતમામ શહેરોમાં એવી સંસ્થાઓ છે, જેને ફોન કરવાથી આપણા સમારંભમાં કે કારક્ર્ય મમાં વધેલું ભોજન એ લઈ જાય અને જરૂરતમંદોમાં વહેંચે છે. ‘રોબિન હૂડ આર્મી’ વિશ્વભરમાં ફેલાયેલી એક રોટરી જેવી સંસ્થા છે. જેમાં યુવાન અને ડ્રાઈવ કરી શકે એવા લોકો વોલેન્ટરી સર્વિસ આપે છે. જેને ભરપેટ ખાવાનું મળે છે એને ક્યારેય ભૂખની પીડા સમજાતી નથી, પરંતુ જેણે ભૂખની પીડાનો અનુભવ કર્યો છે એનો ચોક્કસ સમજાશે કે વેડફાતું ભોજન જોઈને ભીતર કેવો વલોપાત થઈ શકે.
તમે નસીબદાર હો અને ઈશ્વરે તમને તમારી જરૂરિયાતથી વધારે ભોજન આપ્યું હોય તો બીજાને અપમાન ન લાગે એ રીતે એની સાથે ભોજન વહેંચવું એ માણસ તરીકે આપણી ફરજ છે… જો આપણે આપણી જાતને માણસ સમજતા હોઈએ અને કહેતા હોઈએ તો!