“આ નવી પેઢીના છોકરાં…” આવું આપણે લગભગ દરેક પેઢીએ સાંભળતા આવ્યા છીએ. જે લોકો ચાલીસના થઈ જાય છે એ બધા લોકોને 14થી 24ની ઉંમરની પેઢી વિદ્રોહી અને અણસમજુ લાગે છે. લગભગ દરેક પેઢી પાસે પોતાની સ્મૃતિ, સંગીત અને સમજ હોય છે… વિતી રહેલી કે વિતી ગયેલી પેઢીને આવી રહેલી કે આવનારી પેઢી સામે કેટલીક ફરિયાદો રહે જ છે. આ સ્વાભાવિક છે, પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં જન્મેલી પેઢી સાચે જ ગ્રોઈંગ નહીં ગેલેપીંગ પેઢી છે.
આપણે અવારનવાર વિદેશના દાખલા આપીએ છીએ. વીસ વર્ષનો માર્ક ઝુકરબર્ગ (ફેસબુક) કે તેત્રીસ વર્ષનો ટ્રેવિસ કાલાનિક (ઉબર) જેવા લોકોએ નાની ઉંમરે અબજો રૂપિયા બનાવ્યા એવું સાંભળીને આપણે અભિભૂત થતા રહીએ છીએ. આપણને ખબર પણ નથી કે આપણા દેશમાં કેવાં અને કેટલાં યંગ અચિવર્સ છે. એનું કારણ કદાચ એ છે કે આપણે ફિલ્મસ્ટાર્સથી આગળ વધતા જ નથી. આપણે માટે સફળતા કે પ્રસિદ્ધિ એ ફિલ્મ અને ક્રિકેટથી આગળ વધતી નથી, કારણ કે આપણું જ જ્ઞાન સિમિત છે. તોફાન કરતા, રમકડાં તોડતા કે નવા (આઉટ ઓફ બોક્સ) વિચારતા બાળકને પહેલાં માતા-પિતા અને પછી સ્કૂલ, મારી-પીટીને ઘરેડમાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે. સત્ય તો એ છે કે જે જુદું વિચારે છે એ જ જીવનમાં કશું કરી શકે છે. એકવાર સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં કહ્યું હતું, “આઈ નીડ લીડર્સ, નોટ ફોલોઅર્સ.”
લીડરશીપ સ્કીલ્સ, ઈનોવેટિવ થિંકિંગ કે સ્કીલ ડેવલપમેન્ટ શીખવતી મોટાભાગની સંસ્થાઓ હરીફાઈ માટે રેસના ઘોડાઓ તૈયાર કરે છે. હવેના સમયની સચ્ચાઈ એ છે કે બધા જે દિશામાં દોડતા હોય એ દિશામાં દોડનાર કરતાં જુદી અને પોતાની દિશામાં દોડનાર કશુંક મહત્વનું અને વધારાનું મેળવી શકે છે. ડોક્ટર, એન્જિનિયર સિવાય કેવી અને કેટલી કારકિર્દી ઉપલબ્ધ છે એના વિશે કશું ન જાણતા મા-બાપ માત્ર ટકાવારી ઉપર બાળકની આવડત અને એનું ભવિષ્ય બંને વિશે પોતાના અભિપ્રાય જાહેર કરે છે, એવાં કેટલાંક માતા-પિતા માટે આ એવી માહિતી છે જે એમનો અભિપ્રાય બદલે કે નહીં, વિચારવાની દિશા ચોક્કસ બદલશે…
દસ વર્ષનું બાળક આજથી 30-40 વર્ષ પહેલાં સ્કૂલના ચોથા-પાંચમા ધોરણમાં ધીંગામસ્તી કરતું હોય ત્યારે આજનું બાળક પોતાના પેટન્ટ અને ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવતું થયું છે. દસ વર્ષના અરમાન ગુપ્તાએ રીમોટ કન્ટ્રોલનું ક્લિનિંગ મશીન પોતાની માને મદદ કરવા માટે તૈયાર કર્યું છે. જે કોરું અને ભીનું પોતુ કરે છે, ડસ્ટીંગ કરે છે અને સાથે જ ધૂળનું વેક્યુમ ક્લિનિંગ પણ કરે છે. પંદર વર્ષના અભિક સહાએ સર્ચ એન્જિનની શોધ કરી છે. બિલ્ડિંગ સિક્યોરિટી, એન્ટી વાયરસ સિસ્ટમ અને એન્ડ્રોઈડ ફોનની કેટલીક એપ્લિકેશન્સ એમણે પોતાની જાતે તૈયાર કરી છે. સોળ વર્ષના ગુરસિમરનસિંહે એવું ડિવાઈસ શોધી કાઢ્યું છે, જે બ્રેઈલમાં ઉપલબ્ધ ન હોય એવા પુસ્તકોને વાંચવા માટે દ્રષ્ટિહિન વ્યક્તિઓની મદદ કરે છે. આ આંખ ઉપર પહેરવાની એવી ટેક્નોલોજી છે, જે કેમેરા દ્વારા ઈમેજ કેપ્ચર કરીને ટેક્સ્ટને સ્પિચ એન્જિનમાં કન્વર્ટ કરે છે. નીતિ આયોગ દ્વારા એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. બાર વર્ષની કાવ્યા વિજ્ઞેશે રોબોર્ટ તૈયાર કર્યો છે. જે છ સ્ટુડન્ટ્સ અને બે ટીચર્સનું કામ કરી શકે છે.
એ ઈન્ડિયાની યંગેસ્ટ વ્યક્તિ છે, જેને ફર્સ્ટ લેગોલીગ એફએફએલ માટે ક્વોલિફાય કરવામાં આવી છે. કલ્યાણી શ્રીવાસ્તવ, સોળ વર્ષની છોકરી છે, જેણે બિલ્ટ ઈન લોકોસ્ટ એરકન્ડિશનરની શોધ કરી છે. જે મા6 1800 રૂપિયામાં બની શકે છે. થર્મોકોલ અને આઈસબોક્સનો ઉપયોગ કરીને બાર વોલ્ટનો પંખો જોડવાથી આ નવી જાતનું એ.સી. જો એક કલાક માટે ચલાવવામાં આવે તો ચારથી પાંચ ડિગ્રી ગરમી ઘટાડી શકે છે. ઈન્ડિય ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે એમની શોધની નોંધ લીધી છે. અઢાર વર્ષના જોના વેંકટા કાર્તિક રાજા, જેણે એક એવી મોબાઈલ એપની શોધ કરી છે જેમાં અનેક અખબારો અને મેગેઝિનનો સમાવેશ કરી શકાય છે. આખા વિશ્વએ એના કામની નોંધ લીધી એટલું જ નહીં, મોબાઈલ પ્લેટફોર્મ પર ન્યૂઝ રીડીંગને આ શોધથી એક નવી જ દિશા મળી છે. 400 જેટલા ન્યૂઝ પેપર એના આ એપમાં સમાવી લેવામાં આવ્યા છે અને અત્યારે પચાસ જેટલા યુવા લોકો આ એપને વધુ બહેતર બનાવવાનું કામ કરી રહ્યા છે. સિકાન્ટો માંડલ, પંદર વર્ષનો છોકરો છે. જેણે ગારબેજ કલેક્શન માટેનું એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે એની શાળામાં કચરો ઉપાડી લેવા માટે એણે બનાવ્યું હતું. શરૂઆતમાં આ ઓછા વજનનું મેન્યુઅલ ડિવાઈસ હતું, પરંતુ બાઈસિકલની બ્રેક્સ અને ચેઈન વાપરીને એણે હવે આ ડિવાઈસને એટલું સરસ બનાવ્યું છે, જેનાથી ઝાડુ વળાય છે, રિસાયકલ થતો કચરો અને ન રિસાયકલ થઈ શકે એવો કચરો છૂટો પાડી શકાય છે. વિશ્વભરના વૈજ્ઞાનિક એક્ઝિબિશન્સમાં એનું આ ડિવાઈસ પ્રેઝન્ટ થઈ ચૂક્યું છે અને અનેક શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશને આ ડિવાઈસ ખરીદ્યું છે. પંદર વર્ષના સમય ગોડિકા બેંગલુરુના ઉત્સાહી યુ ટ્યૂબર અને વૈજ્ઞાનિક છે. “ઓટોગેફી”ની પ્રક્રિયાને યુ ટ્યૂબ ઉપર પ્રસિદ્ધ કરી અને સરળ રીતે સમજાવવાનું કામ એમણે કર્યું છે.
સમય એવું કહે છે કે આ ઓટોગેફીનો પ્રયોગ આપણી અંદર મરેલા અને સડી રહેલા ઓર્ગન સેલ્સને નવી એનર્જી આપે છે. આ એક એવી શોધ છે જે કેન્સર, પાર્કિન્સન ડિઝીસ, અલ્ઝાઈમર જેવા મૃત્યુ પામતા અને સડેલા સેલ્સને નવજીવન આપવાનું કામ કરે છે. વિશ્વભરમાંથી આવેલા 8000 વિડિયોમાંથી આ ટેક્નોલોજી અને વિડિયોની પસંદગી ત્રીસ ફાઈનલિસ્ટમાં કરવામાં આવી હતી. સમયને આંતરપ્રેન્યોશીપ પ્રોગ્રામ 2017નો બેસ્ટ એવોર્ડ મળ્યો છે તથા મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા એની આ શોધને માન્યતા આપવામાં આવી છે. અવનીત, તેર વર્ષના છોકરાએ સોલાર બાઈકની શોધ કરી છે. જે સીંગલ સીટર છે અને માત્ર સોલાર એનર્જી પર એક કલાકના વીસ કિલોમીટર ચાલી શકે છે. એની આ નાનકડી શોધના પરિણામે થઈ રહેલી બીજી શોધ દ્વારા અત્યારે સોલાર કાર્સ પણ બજારમાં મૂકાશે… નમન તિવારી, જે માત્ર ચૌદ વર્ષના છે, એમણે બાવીસ એપ્સની શોધ કરી છે. આ બાવીસ એપ્લિકેશન જુદી જુદી મોબાઈલ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવ્યા છે અને નમન અત્યારે કરોડો રૂપિયાના માલિક છે. વીસ વર્ષના અંગદ દરિયાનીએ 3-ડી પ્રિન્ટર શોધ્યું છે. શ્રવણ અને સંજય કુમારને ઓલ્ટરનેટિવ એનર્જીનું ચાર્જર શોધ્યું છે. અજેય નાગર નામનો યુ ટ્યૂબર અનેક બિલિયન ફોટોઅર્સ ધરાવે છે… આ તો થઈ વિજ્ઞાનની વાત.
ફોર્બ્સ મેગેઝિને પણ જે ભારતીય એચિવર્સની નોંધ લીધી છે એ બધા યુવા કરોડપતિઓ કશુંક એવું કરી રહ્યા છે જે બીજાથી જુદું છે. પિતાના બિઝનેસમાં કે એમની કંપનીમાં જોડાઈ જવાને બદલે, તૈયાર બિઝનેસ સ્વીકારી લેવાને બદલે એમણે પોતાની આવડત, અક્કલ, હિંમત અને મહેનતથી ત્રીસ વર્ષથી ઓછી ઉંમરે કરોડો રૂપિયા ઊભા કર્યા છે એટલું જ નહીં, એમનું કામ જોઈએ તો સમજાય કે એમણે સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિનો વિચાર કરીને પોતાના કામને સમાજઉપયોગી બનાવવાનો પણ પ્રયાસ કર્યો છે.
આસુતોષ વિક્રમ (29) અને કાર્તિશ્વરન કે.કે. (28) એ નિન્જા કાર્ટ નામની એક કંપની બનાવી છે. જે ફાર્મર અને રીટેઈલરને એકબીજા સાથે જોડી આપે છે. અભિનય ભસીન, છવ્વીસ વર્ષનો એવો છોકરો છે જેના નામે એડવર્ટાઈઝિંગની દુનિયાના માંધાતાઓ ઝુકે છે. અભિષેક બંસલ (28) અને વૈભવ ખંડેલવાલ (26) એક એવી કંપની તૈયાર કરી છે જે મિનિ ટ્રક્સથી શરૂ કરીને લોજિસ્ટિક્સના તમામ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવે છે. અદીતિ અગ્રવાલ (29) અને અંજલિ મેનન (28) પાસે ‘ગુદગુદી’ નામની સ્પેશિયલ નીડના બાળકો માટે વસ્ત્રો બનાવતી કંપની છે. જેમાં બોટલના ઢાંકણા, ઝાયલોફોન, ઘંટડીઓ અને ઈન્દ્રીયોના સ્ટીમ્યુલેશન આધારિત સેન્સર્સ છે. ડી ટેક્ટ ટેક્નોલોજીસના ચાર પાર્ટનર્સ 24, 24, 26 અને 28 વર્ષના છે. પાઈપના લિકેજ કે એમાં ફસાતા ક્ષારથી શરૂ કરીને મોટી મોટી ફેક્ટરીઝ અને બિલ્ડિંગના વોટર સોલ્યુશન્સ, પાઈપલાઈન મોનિટરીંગનું કામ આ કંપની કરે છે. દીપતેજ વરનેકર, 27 વર્ષનો આર્ટીસ્ટ છે. પેઈન્ટિંગ, વિડિયો અને સાઉન્ડ જેવા મલ્ટીમિડિયાનો ઉપયોગ કરીને એ પોતાનું કામ કરે છે. વિશ્વના અનેક આર્ટ ફેસ્ટિવલમાં એનું કામ પ્રદર્શિત થઈ ચૂક્યું છે અને માત્ર કલામાંથી કરોડો કમાય છે. વીસ વર્ષની હીમા દાસ વર્લ્ડ એથલેટ ચેમ્પિયનશીપમાં પોતાનું નામ નોંધાવી ચૂકી છે. કલ્યાણ સિવાસૈલમ, પચ્ચીસ વર્ષનો છોકરો છે. જેણે ક્લાઉડ બેઝ્ડ નેટવર્ક ઊભું કર્યું છે. જેમાં 200 હોસ્પિટલ, 150થી વધારે ડાયોગ્નોસ્ટીક સેન્ટર અને 100 સ્પેશિયાલિસ્ટને કનેક્ટ કર્યા છે. ઘરે બેસીને રિપોર્ટ્સ દ્વારા એકથી વધુ ઓપિનિયન લઈ શકાય, ઓનલાઈન ડાયગ્નોસીસ કે સીટી એમઆરઆઈ સ્કેન માટેની વ્યવસ્થા ગોઠવી શકાય એવી એક એપ દ્વારા એણે અનેક લોકોનું કામ સરળ કર્યું છે. મનીત ગોહિલ (29), સંચિત ગોવિલ (29) અને એલ્બિન જોસ (27) લાલ10 નામની કંપની ધરાવે છે. જેમાં વણકર, આર્ટીસ્ટ અને સાવ છેવાડે બેઠેલા હસ્તકલાના કારીગરોને મોટા લેબલ્સ અને મેન્યુફેક્ચરર્સ સુધી પહોંચાડવાનું કામ કરે છે.
આપણે આપણા છોકરાંઓને રિઝલ્ટ અને ટકાવારીથી માપીએ ત્યારે, એમના રીપોર્ટકાર્ડ ઉપર સહી કરતી વખતે એમને ખખડાવીએ ત્યારે આ બધા નામોને એકવાર ગૂગલ કરી જવા જોઈએ એવું નથી લાગતું ?